બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ – હવે તમારા રસોડે બનાવી શકશો બોમ્બેની ખાસ સેન્ડવીચ…

બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ

આપણામાંના મોટા ભાગના લોકોએ ઓછામાં ઓછી એકવાર તો મુંબઈની મુલાકાત લીધી જ હશે. તે પછી કોઈ સંબંધીના ઘરની મુલાકાત હોય કે પછી વ્યવસાય હેતુથી જવાનું થયું હોય કે પછી પ્રવાસન હેતુથી. આપણે બધાં એક નહીં અને બીજી રીતે મુંબઈથી આકર્ષાયેલા છીએ.

મુંબઈ માત્ર ઉંચી ઉંચી ગગનચુંબી ઇમારતો તેમજ તેની અંદર તેમજ તેની આસપાસના ફરવાલાયક સ્થળો કે પછી ફિલ્મી નગરીથી તો જાણીતું છે જ, પણ મુંબઈનું ફૂડ પણ ત્યાંના મુલાકાતીઓ માટે એક એટ્રેક્શન છે. મુંબઈની પાવભાજી-પુલાવ પાછળ તો આપણે દીવાના છીએ જ પણ મુંબઈનું બીજું ઘણું બધું સ્ટ્રીટ ફૂડ મુંબઈના લોકો તેમજ મુંબઈ બહારના લોકોમાં પ્રિય છે.

આજે અમે તમારી માટે એવી જ એક મુંબઈની સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. અને તે છે બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ. આપણે આપણા વિસ્તારમાં પણ સેન્ડવીચ ખાતા જ હોઈએ છીએ પણ આ સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી હોય છે. તો ચાલો જાણીએ તેની રેસીપી વિષે.

સામગ્રી

એક પેકેટ સેન્ડવીચ બ્રેડ (વ્હાઇટ બ્રેડ/બ્રાઉન બ્રેડ તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો)

3 મિડિયમ સાઇઝના બટાટા (બાફી લેવા)

બે ટેબલ સ્પૂન તેલ

1 ટી સ્પૂન રાઈ

1 ટી સ્પૂન જીરુ

8-10 મીઠા લીંબડાના પાન

½ ટી સ્પૂન હિંગ

લવીંગ્યા મરચાની પેસ્ટ 1 ચમચી

½ ટી સ્પૂન હળદર

100 ગ્રામ બટર

એક મોટી ચમચી જીણું સમારેલું લીલુ મરચું.

½ કપ બાફેલા વટાણા

લીલી ચટની

ટોમેટો સોસ

બટર

રીતઃ

સૌ પ્રથમ એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લેવું. તેને બરાબર ગરમ થવા દેવું.

હવે તેમાં એક ટી સ્પૂન રાઈ નાખવી, રાઈ તતડી જાય એટલે તેમાં 1 ટી સ્પૂન જીરુ નાખવું અને તેને પણ તતડવા દેવાનું, હવે તેમાં 8-10 મીઠાં લીંમડાના પાન નાખવા.

ત્યાર બાદ તેમાં એક ચમચી જીણા સમારેલા લીલા મરચાના ટૂકડા નાખવા. હવે તેને બરાબર ધીમા તાપે સાંતળી લેવું. વઘાર સંતળાઈ ગયા બાદ તમારે તેમાં અરધી ચમચી હળદર નાખવાની છે.

તેને થોડું હલાવી લેવું. હવે બાફીને જીણા સમારેલા બટાટા નાખી તેને 3-4 મિનિટ બરાબર સાંતળી લેવાં.

હવે તેમાં 1 ચમચી મીઠું અને એક મોટી ચમચી લવિંગ્યા આદુ-મરચાની પેસ્ટ નાખવી. આ લવિંગ્યા આદુ-મરચાની પેસ્ટ નાખવાથી સ્વાદ વધી જાય છે.

તૈયાર થયેલા બટાટાના મીક્ષ્ચરને બરાબર પાવભાજી મેશરથી મેશ કરી લેવું.

હવે અરધો કપ બાફેલા વટાણા, ત્રણ-4 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર નાખી બરાબર મીક્ષ કરવું.

ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ નાખી મીક્ષ કરી લો. તમને જો ગરમ મસાલો ભાવતો હોય તો તે પણ આમાં મીક્ષ કરી શકો છો. અને તેની જગ્યાએ જો તમે પાવભાજી મસાલો નાખશો તો તેનાથી પણ સ્વાદ ખુબ જ સરસ આવશે. બધું બરાબર મીક્ષ કરી લેવું. ગેસ બંધ કરી દેવો. તૈયાર છે સેન્ડવીચનો મસાલો.

હવે સેન્ડવીચ બ્રેડ લો તેના પર બટર સ્પ્રેડ કરો. બટરને પહેલેથી ફ્રીજની બહાર કાઢી લેવું જેથી કરીને તે નોર્મલ થઈ જાય અને બ્રેડ પર બટર સ્પ્રેડ કરવું સરળ રહે.

બટર લગાવ્યા બાદ તેના પર ગ્રીન ચટની સ્પ્રેડ કરી લો. ગ્રીન ચટની તમને ગમતી તીખાશ પ્રમાણે વધારી ઘટાડી શકો છો.

હવે તૈયાર થયેલી બટર ચટની વાળી બ્રેડ પર તૈયાર કરવામાં આવેલો બટાટાનો સેન્ડવીચ મસાલો સ્પ્રેડ કરો.

હવે તેના પર પાંવભાજી મસાલો અથવા સેન્ડવીચ મસાલો અથવા તો ચાટ મસાલો છાંટી દો. હવે તેના પર ટામેટાની પાતળી સ્લાઇસ, કેપ્સીકમની સ્લાઇસ અને પાતળી સમારેલી ડુંગળીની સ્લાઇલ મુકી દો.

હવે છેલ્લે તેના પર તમે ચીઝની સ્લાઇસ મુકી શકો છો જો તમને ચીઝ ભાવતું હોય તો.

હવે તેના પર બીજી બટર અને લીલી ચટની લગાવેલી બ્રેડ સ્લાઇસ મુકી સેન્ડવીચને કવર કરી લો.

તેને થોડી દબાવો, કારણ કે આપણે તેને ગેસ ટોસ્ટરમાં મુકવાના છીએ. ટોસ્ટર બને ત્યાં સુધી ગેસ પર મુકવાવાળું જે ટોસ્ટર હોય છે તેનો જ ઉપયોગ કરો. કારણ કે ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં સેન્ડવીચ બરાબર ટોસ્ટ થતી નથી અને ક્રીસ્પી પણ થતી નથી. જો તમારી પાસે ટોસ્ટર ન હોય તો તમે નોનસ્ટીક તવા પર પણ સેન્ડવીચ ટોસ્ટ કરી શકો છો. તેમાં પણ એક દમ ક્રીસ્પી ટોસ્ટ સેન્ડવીચ થશે.

સેન્ડવીટ ટોસ્ટરમાં સેન્ડવીચ મુકતી વખતે તેને દબાવવી કારણ કે આ આલુ-મટર વેજીટેલ સેન્ડવીચ હોવાથી ઘણી ભરેલી હોય છે અને તેની સાઇઝ પણ વધી જાય છે માટે તેને બરાબર દબાવીને બંધ કરવી. અને જેટલી કીનારી બહાર રહી ગઈ હોય તેને કાપી લેવી.

ટોસ્ટરને ગેસ પર મુકી દેવું. ગેસની આંચને મીડીયમ ટુ હાઈ રાખવી.

તેને બન્ને બાજુએ પ્રોપરલી શેકી લેવી. થોડી થોડી વારે ખોલીને ચેક કરી લેવી કે બળી તો નથી જતીને. એમ પણ આ ટોસ્ટરમાં સેન્ડવીચ ટોસ્ટ થતાં વાર નથી લાગતી.

સેન્ડવીચ ટોસ્ટ થયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.

તેના પર ચટની અને ટોમેટો સોસ સ્પ્રેડ કરી લો. હવે તેને યોગ્ય રીતે કાપી લો.

અને તેને લીલી ચટની અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સૌજન્ય : ચેતના પટેલ (ફૂડ કુટોર સ્ટુડિયો, અમદાવાદ)

રેસીપીનો વિગતવાર વિડીઓ જુઓ :