પર્યાવરણને શુદ્ધ રાખવા તેમજ પૃથ્વીને એક સુંદર સ્થળ બનાવવા આપણા આ બોલિવૂડ સ્ટાર્સ ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છે…

પૃથ્વી આપણી નથી પણ આપણે પૃથ્વીના છીએ, તેવું માર્લી મેટલિને કહ્યું હતું, અને આજે સમય થઈ ગયો છે કે આપણને પણ આ વાસ્તવિકતાનું ભાન થાય. ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન લેયરમાં ગાબડાં, પ્રદૂષણ – આ બધી જ સમસ્યાઓ ખુબ જ વિશાળ તેમજ ગંભીર છે. તમે તેની ક્ષતિ દૂર નથી કરી શકતાં પણ તેને વધારે ક્ષતિગ્રસ્ત થતાં રોકી શકો છો, આપણે ખરેખર આપણી પ્રિય પૃથ્વિને બચાવવી જોઈએ અને તે માટે ભેગા થવું જોઈએ.

એવું કહેવાય છે કે જે લોકો શ્રીમંત છે અને પ્રખ્યાત છે તેમની પાસે લોકોને પ્રભાવિત કરવાનો પાવર હોય છે, બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ પોતાના આ પાવરનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરી રહી છે. આપણે એ તો સાંભળ્યું જ હશે કે લિયોનાર્દો દી કેપ્રિયોએ પોતાની પર્યાવરણિય ચળવળ કેટલી ગંભીરતાથી લીધી છે અને તે અથાગ રીતે જળવાયુ પરિવર્તન પર કામ કરી રહ્યા છે. તેમણે એક ફિલ્મ પણ કરી ‘રેવેનન્ટ’ જેમાં તેણે ભવિષ્યમાં જીવતા બચી રહેવાની ભયાવહ વાર્તા દર્શાવી છે. જો કે આ ફિલ્મ માટે તેમને વર્ષોના અથાગ પ્રયાસો બાદ પ્રથમ ઓસ્કાર પણ મળ્યો, શ્રેષ્ઠ અભિનેતા માટે.

અહીં અમે આપણા એ બોલિવૂડ સ્ટાર્સની યાદી આપી છે જેઓ પૃથ્વીને બચાવવાની સજાગતા ફેલાવી પૃથ્વીની રખેવાળી કરવાનું બીડું જડપ્યું છે.

1. દિયા મિર્ઝાઃ ઉત્પત્તિ સ્થાનો તેમજ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહિત કરે છે.

રહેના હૈ તેરે દિલ મેં અને લગે રહો મુન્ના ભાઈમાં સુંદર હળવો અભિનય કર્યા બાદ આજે ભલે દિયા મિર્ઝા ફિલ્મોમાં કંઈ ખાસ જોવા ન મળતી હોય પણ તેણી હાલ પર્યાવરણ સંરક્ષણ માટે ઘણું બધું કરી રહી છે.
ગત વર્ષના અંતે તેણીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની ઇન્વાયરનમેન્ટ ગુડવિલ એમ્બેસેડ તરીકે પસંદ કરવામાં આવી. તેણી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની એમ્બેસેડર પણ છે, જે યુવા આધારિત સ્વચ્છ ભારત મિશનનો જ એક ભાગ છે. આ ઉપરાંત તેણી સેન્ચુરી નેચર ફાઉન્ડેશનની સભ્ય પણ છે.

તેણી ખુબ જ સક્રિય પણે ઉત્પત્તિ સ્થાનો તેમજ પર્યાવરણ સંરક્ષણને લગતા કાર્યક્રમોમાં ભાગ લે છે.

“મેં હંમેશા સંતુલિત જીવનશૈલીની વકિલાત કરી છે, મેં હંમેશા આપણી રોજિંદી જરૂરિયાતોમાં એન્વાયરનમેન્ટલ ફ્રેન્ડલી વિકલ્પો પસંદ કર્યા છે, જરા એ વિચારો કે આપણે આપણી આવનાર પેઢી માટે કેવું વિશ્વ છોડી જઈ રહ્યા છીએ. તેની શરૂઆત ખુબ જ સામાન્ય પસંદગીઓથી થાય છે. મારા ઘરમાં જ મેં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. ઉદાહરણ તરીકે, પક્ષીઓ, પતંગિયાઓ, માખીઓ ને આકર્ષવા માટે હરિયાળી જગ્યા બનાવી અને તેમના માટે બર્ડ-ફિડિંગ યુનિટ તૈયાર કર્યું. અને એક નાનકડી ઇકોસિસ્ટમનું સર્જન કર્યું. આ ઉપરાંત મેં પ્લાસ્ટિકના સ્થાને કાચ તેમજ સિરામિકનો ઉપયોગ કર્યો છે, અને રોજિંદા કચરાનું વ્યવસ્થાપન કર્યું છે.” તેણીએ પોતાના એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું.

2. ગુલ પનાગ – પ્રાકૃતિક ઉર્જા સંસાધનને પ્રોત્સાહિત કરે છે.

ગુલ પનાગ પ્રાકૃતિક ઉર્જા સંસાધનને પ્રોત્સાહિત કરવામાં સક્રિય ભાગ લે છે. વાસ્તવમાં તેનું પોતાનું ઘર ઇકો ફ્રેન્ડલી છે, તેણી પોતાની ઉર્જાની જરૂરિયાતો માટે સોલર એનર્જીનો ઉપયોગ કરે છે અને તેણી ઘરમાં વોટર હાર્વેસ્ટિંગ પણ કરે છે. આ ઉપરાંત તે કર્નલ સમશેર સિંઘ ફાઉડેશન અને ગુલ 4 ચેન્જ કે જે કચરા વ્યવસ્થાપન, મૂળભૂત ચોખ્ખાઈ અને પ્રાકૃતિક ઉર્જા સંસાધનના અસરકારક ઉપયોગ માટે કામ કરે છે.

3. રાહુલ બોઝ – જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ પર કામ કરે છે.

અદ્ભુત અભિનેતા અને પ્રતિભાશાળી નિર્દેશક રાહુલ બોઝ પણ છેલ્લાં કેટલાક વર્ષોથી જળવાયુ પરિવર્તનના મુદ્દા પર સક્રિય રીતે કામ કરી રહ્યો છે. 2009ની પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મના આ અભિનેતાએ કોપનહેગન ખાતેની યુએન ક્લાયમેટ કોન્ફરન્સમાં ઓક્ષફેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે કોપનહેગન ખાતેની ડેનિશ પાર્લામેન્ટ બહાર હજારો લોકોએ કાઢેલી રેલી તેમજ કેન્ડલલાઇટ જાગરણમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેનું પોતાનું પણ એક ફાઉન્ડેશન છે જે જળવાયુ પરિવર્તની સમસ્યાઓ પર કામ કરે છે.

4. નંદિતા દાસ – જળ સંરક્ષણ માટે કામ કરી રહી છે.

નંદિતા દાસ, એક ઉત્તમ અભિનેત્રી, નિર્દેશક, પ્રોડ્યુસર તો છે જ પણ તેણીએ થોડા સમય પહેલાં ફેરનેસ ક્રિમની જાહેરાત સામે પણ ચળવળ ચલાવી હતી. તેણી હાલ જળ સંરક્ષણ માટે સક્રિય રીતે કામ કરી રહી છે. તેણીએ દિલ્લી યુનિવર્સિટિમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. વર્ષ 2003માં તેણીએ દિલ્લી સ્થિત સેન્ટર ફોર સાઇન્સ એન્ડ એવાયરનમેન્ટ સાથે જળ સંરક્ષણ તેમજ જળ સંચયનની ની જાગૃતિ ફેલાવવા માટે સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત તેણીએ જળ સંરક્ષણ તેમજ જળ સંચય અંગે બાળકો માટે શૈક્ષણિક ટૂંકી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

5. અક્ષય કુમાર – રસ્તા પરની સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવે છે

અક્ષય કુમાર માત્ર પોતાની ફિલ્મો જેમ કે ટોઈલેટઃ એક પ્રેમ કથા અને પેડમેન દ્વારા જ સામાજિક સુધારાને પ્રોત્સાહન નથી આપી રહ્યો, પણ તે વાસ્તવમાં પણ જાગરૂકતા ફેલાવી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા અક્ષયે બીએમસી સાથે મુંબઈની સ્વચ્છતાના હેતુ માટે હાથ મિલાવ્યા છે.

6. જોહ્ન અબ્રાહમ – ગામડાઓમાં સૌર ઉર્જા પહોંચાડવાના અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યો છે.

બોલિવૂડનો હેન્ડસમ હન્ક જોહ્ન ભલે ઘણી બધી ફિલ્મો ન કરતો હોય પણ તે સામાજિક કાર્યોમાં સક્રિય છે. આપણે તેને ઘણી બધી કોસ્મેટિક આઇટમ્સને પ્રમોટ કરતો જોયો છે, પણ આપણને એ નથી ખબર કે તેની સાથે સાથે તે ગાર્નિયર કંપનીના ગામડાઓને પહોંચાડવામાં આવતી સૌર ઉર્જાના અભિયાનને પણ પ્રોત્સાહન આપી રહ્યો છે. આ ઉપરાંત તે પેટા સાથે પણ જોડાયેલો છે.

7. અભિષેક બચ્ચન – જળવાયુ પરિવર્તન સામે લડત આપી રહ્યો છે
અભિષેકે પોતાના એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, “જો મારે પર્યાવરણ પર કોઈ ફિલ્મ બનાવવી પડશે તો હું તે ચોક્કસ બનાવીશ.” જ્યારે ગ્રીન ગ્લોબ ફાઉડેશન એન્ડ ધી એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટીટ્યૂટ (TERI) એવોર્ડ સેરેમનીના સ્ટેજ પરથી અભિષેકે આ નિવેદન આપ્યું ત્યારે લોકોએ તેને ચીચીયારીઓ તેમજ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. અહીં તેને ક્લાઇમેટ ચેન્જ સામેની લડતમાં અસામાન્ય પ્રયાસ માટે ગ્રીન ગ્લોબલ એવોર્ડથી નવાજમાં આવ્યો હતો. તેને આર્નોલ્ડ સ્વાર્ત્ઝનેગરના હાથે સમ્માનિત કરવામાં આવ્યો હતો.

8. અમિતાભ બચ્ચન – તે પણ જળવાયુ પરિવર્તન માટે લડી રહ્યા છે
બાપ એવો દિકરો. માત્ર અભિશેક બચ્ચન જ નહીં પણ અમિતાભ બચ્ચન પણ જળવાયુ પરિવર્તનથી પર્યાવરણને બચાવવા લડી રહ્યા છે. તેમણે ગ્લોબલ કૂલ તેમજ ઇટરનેશનલ ઇડિયન ફિલ્મ એકેડેમી સાથે ભારતના જળવાયુ પરિવર્તનના સુધારા માટે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત તેમણે ફિલ્મોના શુટિંગ દરમિયાનના એરકન્ડિશન તેમજ વાહનના ઉપયોગને ઘટાડવાની જુંબેશમાં પણ ભાગ લીધો છે.

9. અજય દેવગન – ગુજરાતમાં સોલર પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરી રહ્યો છે.
ફિલ્મોમાં મજબુત પાત્રો ભજવીને આપણને મનોરંજન પુરુ પાડવા ઉપરાંત અજય દેવગન પણ પૃથ્વિને બચાવવા કેટલાક પગલા ભરી રહ્યો છે. તેણે ગુજરાતના પાટણ જિલ્લામાં સોલર પ્લાન્ટ લગાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત તેણે પ્રદુષણ ફેલાવવાના કારણે ફટાકડા ફોડવા પર મુકવામાં આવેલા પ્રતિબંધને પણ બિરદાવ્યું હતું. “હાલના સમયમાં આ એક યોગ્ય નિર્ણય છે. હું માનું છું કે તેને અન્ય શહેરોમાં પણ લાગુ પાડવું જોઈએ,” તેણે કહ્યું હતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી બોલીવુડની અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી