બિસ્કીટ – મુકેશ સોજીત્રા લિખિત એવોર્ડ વિજેતા સ્ટોરી – હમણા જ વાંચો !!

“આતા એક વાત કહેવી છે, આમ તો ઘણાં દિવસથી કહેવી હતી પણ જીભ ઉપડતી નહોતી પણ આજ કહી જ દઉં એમ થયું” ખાટલાની પાંગથે બેસીને રણછોડે ત્રિકમઆતાને કહ્યું. ત્રિકમ આતા ખાટલે બેઠા હતાં, રણછોડ એમનો મોટો દીકરો હતો. રણછોડની વહુ મણિ રસોડામાં રસોઈ કરતી હતી. રણછોડની માતા જમના મંદિરે ગઈ હતી.અને રણછોડનો એકનો એક દીકરો ઉમર હશે આઠ વરસની એ ફળિયામાં આવેલી લીંબુડી ના છાંયે બેસીને લેશન કરતો હતો.સવારના દસ વાગ્યાનો સમય હતો.

“બોલ્યને શું કહેવું છે તારે? એમાં મને કહેવામાં સોખમણ રાખવાની જરૂર નથી, બોલ્ય તું તારે શું કહેવું છે”?

“આતા ચંપકની લાઈન આઉટ થઇ ગઈ છે, સંગત ફેર થઇ ગયો છે, સુરતથી અવારનવાર સમાચાર આવતાં પણ હું કાને નહોતો ધરતો,પણ કાલ નજરે જોયું મેં!! આપણી વાડીયે કાલે એણે અને એનાં દોસ્તારોએ પ્રોગ્રામ કર્યો હતો, નો ખાવાનું ખાધું!! અને નો પીવાનું પીધું!! આતા,મેં સગી આંખે જોયું, એ એનાં દોસ્તારો ગાંડા કાઢતા હતાં આતા!! ગામ આખાને ખબર છે પણ તમારી મર્યાદાને લીધે કોઈ બોલતું નથી, કાલ એને ઉભા થવાનો કે હાલાવાનોય વેંત નહોતો એટલે જ એ વાડીયે જ સુઈ ગયો છે અને હજુ દસ થયા તોય આવ્યો નથી, આતા તમે એને નહિ રોકોને તો ગમે ત્યારે આ ઘરને કાળી ટીલી લાગી જશે આતા કાળી ટીલી!!! મારું તો એ પહેલેથી માનતો નથી, અને કહુંને તો બાધવા ધોડે છે, અણધાર્યો પૈસો આવ્યો છે ને એ ધનોત પનોત કાઢીને જ રહેશે”

“એવું ના હોય કાઈ,તને ચંપકની અદેખાઈ થતી લાગે છે , બાકી ગામ તો વાતું કરે ,એની નામના કોઈ સહન નથી કરી શકતું એટલે બાકી તને શરમ આવવી જોઈએ તારા સગા ભાઈ વિષે આવું બોલતાં!! આ તો તારી માં મંદિરે ગઈ છે ને તે આ વાત કરી બાકી એ હોત ને તે વાત કરી હોતને તો એ તો તને ઘરની બહાર જ કાઢત” ત્રિકમઆતાએ ચંપકનો બચાવ કર્યો.

“હું ના પાડતીતી તોય તમારે સરહ હતો કે આતાને કાને વાત નાંખવી તો છે જ, તે શું કાંદા કાઢ્યા વાત કરીને!!, જ્યાં આપણું સાંભળે ન્યા વાત કરાય બાકી જેને આંખુ જ ના હોય ને ખાલી કાન જ હોય ને ત્યાં સોનાની જાળ પાણીમાં નાંખવા બરાબર છે” રસોડામાંથી મણિ બોલી. મણી બોલતી હતી ને ત્યાં જ એનાં સાસુ જમના આવી ગઈ એણેય વાત સાંભળી લીધી અને તરત બોલી.

“શું થયુ મણિ વહુ અત્યાર અત્યાર માં શેના ધુમાડા કાઢો છો સાસરા સામે ??

કાઈ લાજ શરમ છે કે નહિ”?

“એ લાજ શરમ છે એટલે જ બળતરા થાય છે ,બાકી હવે આ ઘરમાં લાજ શરમ લાંબો સમય રહેશે નહિ, તમારા મોઢે ચડાવેલા ચંપકના લખણ હવે ઝળકવા લાગ્યાં છે તે ધ્યાન દોર્યું છે બીજુ કાઈ નથી સાસુમાં ,તમે અત્યારમાં ભક્તિ કરીને આવ્યાં છો એટલે ભગવાને જે કાઈ સદબુદ્ધિ અત્યારમાં આપી હોય તો વાત ને કાને ધરજો, ગામ આખામાં બાયું ચંપકને વાહેથી મણ મણ ની ચોપડાવે છે જયારે સુરત થી અહી એ આવે એટલે ગામનાં એની સારથનાને વાડીયે ભેગા થઈને દારુ ઢીંચાડે છે અને છાકટા થઈને ફરે છે”

“રણછોડ તારી વહુને સમજાવી દેજે હવે ,હવે ઈ ને ચંપક પહેલેથીય દીઠો નથી ગમતો અને એમાં કમાતો થયો છે ,એટલે ગામની ભેગી ભેગી તારી વહુ પણ બળીને રાખ થઇ ગઈ છે,!! સગી ભાભીને આવી અદેખાઈ નો પાલવે, આ ઘરને ઉભું કરવામાં ચંપકે કેટલા પૈસા આપ્યા છે એનો વિચાર કરજો!! તમે જે કાઈ તીનપાંચ કરો છો ને એ ચંપકના પૈસાને જ લીધે,બાકી તારે બાપને ત્યાં ભૂંડી ભૂખ જ હતી ને પણ કેવાય ને કાગડાને શીરો ના ભાવે ઈ નાં જ ભાવે” જમના એ મણિની હાંસી ઉડાવી.

“મારો બાપ જેવો છે એવો છે અમે ભલે ગરીબ રહ્યા પણ મારા કુટુંબમાં કોઈ પી પી ને છાકટા નથી થતાં,અને તમારો આ આજકાલનો કમાતા શીખ્યો બાકી અમેય બેય જણા કાઈ ઘરે નથી બેસતા એય ને થાય એટલું ખેતીનું કામ કરીએ છીએ, ચંપકે અમને પાલવી નથી દીધાં” મણી ભલે બોલીની કડવી પણ સાચી તો ખરીજ!! કોઈનું એ સાંખે તો નહિ જ. રણછોડે મણીને ચુપ રહેવાનું કીધું અને એ ચુપ થઇ ગઈ. જમના મા વળી રામ રામ કરતાં ફળીયામાં ઢાળેલ ખાટલા માં બેઠા. લેશન કરતો છોકરો ખાઈને નિશાળે જવા તૈયાર થયો. અને એવામાં કાર આવી અને ચંપક સીધો બાથરૂમમાં ઘુસી ગયો.

ત્રિકમ આતાને બે છોકરા.મધુ મોટો અને ચંપક નાનો!! ચંપક પંદર વરસનો હતો અને સુરત ગયો, એનાં ગ્રહો એટલાં સબળ કે હીરામાં ધ્યાન પડી ગયું. ધીમે ધીમે કામ વધવા લાગ્યું અને પણ સંગત ફેર થઇ એટલે પટેલોમાં જે લખણ નો આવવા જોઈએ એ વહેલાસર આવી ગયાં. ખાતા પીતાં ઘરનો છોકરો ક્યારે ખાતો અને પીતો થઇ ગયો એ ખબર પણ ના પાડી!! એવું નહોતું કે ત્રિકમઆતા અને જમના માને ખબર નહોતી.બધી જ ખબર હતી!!! પણ મહીને બે મહીને ચંપક આવે અને પચાસ હજારનો દટ્ટો ત્રિકમઆતાને આપી દયે એટલે એનાં બધાજ અપ લખણ દટાઈ જતાં!!. આમ કરપ્શન કાઈ સરકારી ઓફિસમાં જ થાય એવું નથી પણ ઘરમાં પણ કરપ્શન થતું હોય છે પણ એ દેખાતું જ નથી!! પછી તો નાતમાં ત્રિકમઆતાના માન પાન વધી ગયાં,!!

ચંપક હવે કાપડમાં આવ્યો હતો. કાપડમાં પણ અઢળક રૂપિયા કમાવા લાગ્યો. કુટુંબમાં માતાજી ના મઢ થી માંડીને જ્ઞાતિના સમૂહ લગ્નમાં પણ એ ખોબલે અને ધોબલે પૈસો વાપરવા માંડ્યો!! અને આમેય લખણખોટા જેમ લખણ ના છુટા હોય એમ હાથના પણ છુટા જ હોય છે!! ચંપકથી ગામ અંજાઈ ગયું,પણ ધીમે ધીમે ગામનું યુવા ધન ભેળાઈ પણ ગયું!! ચંપક મહીને દાડે સુરતથી આવે અને પછી વાડીયે નાંખે ધામા!! સીટી આવ્યાં સીટી આવ્યાં એમ કહીને ગામનાં શોખીનો વાડીયે આવે સીટીના વખાણ કરે અને સીટી એટલે ચંપક ત્રિકમ!! અને સીટી પણ આખે આખી પેટીયું ખોલે અને પછી વાડીયે જ મહેફિલ જામે!! ભૂંડની જેમ ગટ્ગટાવે અને પછી પાડાની જેમ ઉભા ગળે ગળચે!! આવું ચાર પાંચ દિવસ હાલે ને ગામની બાયું ગળે આવી ગયેલી!! એ જાહેરમાં તો ના બોલે પણ ખાનગીમાં તો જરૂર કહે.

“આ હરાયો હવે મરે ને તોય સારું, એ તો બગડ્યો પણ સાથોસાથ અમારા ધણીનેય બગાડી મેલ્યા છે, આ ઉધઇએ તો ગામને ઠોલી ખાધું છે, કોઈ આદમી સારો નથી રેવા દીધો, એય ને મફતમાં બધાને ઢીંચાડે છે અમારા આદમીય સાવ અક્કલમઠ્ઠા તે જેટલો આપો એટલો ગટગટાવી જાય!!

વિધિની વક્રતા કહો કે જે કહો એ ચંપક જે ધંધામાં હાથ નાંખે ત્યાં ઘી કેળા જ હોય!! જમીનમાં પૈસા નાંખ્યા ત્યાં પણ સોળે કળાએ ભાવ વધ્યા!! ચંપક હવે સી ટી શેઠ તરીકે ઓળખતાં હતાં!! સીટી નો વટ હતો ચારે બાજુ!! પણ અપલખણની એક ખાસિયત હોય છે એ બીકણ હોય એટલે એકસાથે ઘણાં અપલખણ આવે એક અપલખણ એકલું ક્યારે ના આવે. ધીમે ધીમે વ્યભિચારમાં માં પણ સીટી શેઠ ગળાડૂબ થઇ ગયાં હતાં!! અને આવા છકેલ, વંઠેલ,અને પૈસાદાર ઉંદરડાને છછુંદર તો જોઈ એટલી મળી રહે ને!! શરાબમાં હવે શબાબ ભળ્યો જાણે કે શેત્રુન્જીમાં ગાગડીયો ભળ્યો!! સીટી શેઠ ના જીવનનું “ટોટલ” હવે “હોટલ” અને “બોટલ”માં જ રહી ગયું હતું.!! આવા સીટી શેઠ વિષે સાંભળીને છેવટે રણછોડે ત્રિકમઆતાને કીધું તો ખરું પણ નોટોના ભાર નીચે દબાઈ ગયેલાં ત્રિકમઆતા એ કાઈ મોરાગ જ ના આપ્યો.

બાથરૂમમાંથી નાહીને ચંપક બહાર નીકળ્યો. અને જમના મા એ સોગઠી મારી.

“ હવે તું પરણી જા ને દીકરા, હું તો આ મણી વહુ થી કંટાળી ગઈ છું,તું પરણી જા એટલે અમે તારા ભેગા રહેવા આવી જઈએ એટલે કામ પતે , મલક આખામાં તારી વાહ વાહ થાય છે પણ આ ઘરમાં જ તારું માતમ નથી, સગો ભાઈ અને ભાભી તારી બદબોઈ કરે છે!! અહી તો વાડ જ ચીભડા ગળે છે બીજાને તો ક્યાં કહેવું”?? અને પછી થોડી વાર ચંપક અને રણછોડ વચ્ચે ચકમક જરીને આ વખતે ચકમક જરા વધુ ઝરી ગઈ અને ચંપકે ઠેકીને કહી દીધું.

“એ હું પીવ છું તે મારા બાપનું પીવ છું, કોઈની કમાણી નું નથી પીતો ઓકે ,મારામાં માથાકૂટ ના કરવી,હું મારા સગા બાપનુંય ના રાખું એમાં તું તો કઈ વાડીનો મૂળો, ? બરાબર હવે આ જ ફેંસલો કરી જ દ્યો આતા કરો નોખું એટલે સહુને ખબર પડે કે કેટલી વિશે સો થાય છે,” ત્રિકમ આતા અને જમના મા ઘડીક તો હચમચી ગયાં પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું, નેવાના પાણી મોભારા ઉપર થઇ ને વહી રહ્યા હતાં. જમીનના ભાગ પડી ગયાં. બેય ઘર વચ્ચે વંડી ચણાઈ ગઈ!! બેય ના હલાણ જુદા થઇ ગયાં હતાં, બોલવાનો વેવાર પણ હવે રહ્યો નોતો!! આમેય મન તો ક્યારનાય જુદા હતાં!! હવે ધાન પણ જુદા થઇ ગયાં હતાં. રણછોડ અને મણી ને તો કોઈ વાંધો નહોતો એકનો એક છોકરો હતો. ખોટા કોઈ લખણ નહિ પણ વાંધો ત્રિકમઆતાને પડ્યો, એણે ચંપક પર દબાણ કર્યું કે હવે તારે પરણવું જોઈએ. ઉમર પણ થવા આવી છે.

“પણ એમને એમ દૂધ મળતું હોય તો ભેંશ શું કામ બાંધવી”?? એમ કહીને ચંપક પણ હસેલો અને એનાં પાગિયા પણ ખીખીખીખી કરતાં હસી પડેલા. ત્રિકમ આતા કાળા ધબ્બ થઇ ગયેલાં. મનમાં ઘડીક તો થયું આને ધીબેડી નાંખું પણ પાછું મન મનાવી લીધું, હશે હજુ છોકરું કહેવાય પરણશે એટલે સુધરશે!! અને આ વર્તમાન સમયનો મોટામાં મોટો વહેમ કે પરણે એટલે માણસ સુધરી જાય!! અને એ લોકો સુધારવા માટે જ પરણાવતા હોય છે!! પણ જેવી રીતે ઉધારની રકમ જમા બાજુ ના ઉધરે એમ બેફામ બગડેલાને તમે પરણાવો તો પણ એ ના સુધરે!!

દસેક ગાઉં આઘેરા એક સંબંધ ગોત્યો, છોકરી રૂપાળી અને એટલી સમજદાર પણ નામ હતું દક્ષા!! દક્ષાના બાપાએ પણ સી ટી શેઠની કાર જોઇને અંજાઈ ગયેલાં પણ સંસ્કાર ના જોયા. ચાંદલા વિધિ થઈ ..ચાંદલામાં પણ દક્ષા ઘરેણાં થી ઢંકાઈ જાય એટલાં ઘરેણાં હતાં!! ગામમાં મોટરું સામે નહિ એટલાં બધા લોકો સંબંધ કરવા ગયાં હતાં!! પણ રણછોડ કે મણીને કોઈએ સાચું ખોટુંય ના કીધું કે હાલો ભાઈ ભાભી તમે ચાંદલામાં!! ગામ આખું ઓળઘોળ થઇ ગયું હતું કે પાંચા પટેલની દક્ષા તો કાઈ ભાગ્ય લઈને આવી છે ને કેવું સાસરિયું મળ્યું છે ને દોમ દોમ સાહ્યબી છે દોમ સાહ્યબી!!

બે મહિના પછી લગ્ન લેવાયા!! લગ્નની કંકોત્રીમાં પણ મોટાભાઈનું નામ પણ નહિ પછી આમંત્રણ તો ક્યાંથી હોય,?? પણ ગામ લોકોને આ કઠિ ગયું!! આગલાં દિવસે ગયાં એ ત્રિકમઆતા પાસે અમુક વડીલો કે આ ખોટું થાય છે, રણછોડને તમે આમ તારવો એ મેળ ના પડે તો પછી અમેય નહિ આવીએ. ગામનાં વડીલોએ વાત કરી ચંપકને!! ચંપક બોલ્યો.

“એમ કુકડો બોલે તો જ સવાર પડે એવું થોડું છે,!! આ તો જેને ઈચ્છા હોય ઈ આવે બાકી જાય….. તેલ લેવા” ગામનાં યુવાનો ગયાં જાનમાં સમજણું લોક કોઈ ના ગયું. અને આ ત્રણ દિવસમાં પણ મહેફીલો પણ પુર જોશમાં!! એક રસોડું વાડીયે અને બીજું ગામમાં!! જેને જ્યાં ફાવે ન્યા અને જે ફાવે એ જમી લેવાનું!! અને જાનમાં પણ છાકો પાડી દીધેલો!! સાંજના સાત વાગ્યે ચડેલો વરઘોડો લથડીયા ખાતો અગિયાર વાગ્યે માંડવે પહોંચ્યો!! અને પાંચા પટેલની દક્ષા પરણીને ચંપકના ઘરે આવી,

“બહું થોડાં સમયમાં જ દક્ષાને ખ્યાલ આવી ગયો કે બાપુજીએ ખોટા ઠેકાણે એને દઈ દીધી છે!! પહેલી રાતેજ ચંપકે દાટી આપી દીધી કે

“જો આ તો મારા આતા કહે એટલે પરણ્યો છું, તારે તારા માપમાં રહેવાનું.. મારી પર કબજો જમાવવાનો પ્રયાસ નહિ કરવાનો હું તો મારા સગા બાપનુંય નો રાખું તો તું કોણ!!?? જીભ સીવીને રહેવાનું, તને જોઈ એટલાં પૈસા મળી જાશે, ખોટી વાયડાઈ નહિ કરવાની તારી કરતાં ય રુપાળિયું અને ફેશનેબલ બબ્બે હજારમાં મળે બબ્બે હજારમાં સુરતની બજારમાં શું સમજી!!!??? એટલે ખોટા વળમાં નો રેતી, ઘરની વાત ઘરમાં જ રાખવાની !!બાકી મારો હાથ ઉપડ્યો એટલે કોઈ બાપોય બચાવા નહિ આવે,!! હજુ તું આ સીટી શેઠને ઓળખતી નથી!!” અને દક્ષા સ્તબ્ધ!! આવું હશે આનું રૂપ ,આ પટેલનો દીકરો છે કે પછી……….. દક્ષા બધાજ ઘૂંટડા ગળી ગઈ અને સાવ મૌન જ!! કોઈ અસર જ નહીને!! સાવ ઓછીયાળી!!

લગ્ન પછી દ્ક્ષા બે મહીના સુરત રહી પણ સાવ એકાંકી, ચંપક કહે રાત તો રાત!! એ કહે દિવસ તો દિવસ!! વૈભવ પાર વગરનો !! કોઈ કામ નહિ કરવાનું !! જેટલા પૈસા જોઈ એટલાં મળી રહે પણ અંદર ને અંદર દબાવેલી ઈચ્છાઓનું શું!! દરેક છોકરીને લગ્ન પહેલાના એક સપના હોય ,એ સપના જોઈ ને એ મોટી થઇ હોય ,પતિનાં પ્રેમાળ શબ્દો એ હમેશાં ઇચ્છતી હોય પણ અહી તો એની સાવ અવગણના જ!! વરસ દિવસ વીતી ગયું. અને દક્ષાને સારા દિવસો ગયાં!! નવ મહિના પછી એક દીકરીનો જન્મ થયો. પણ ચંપકને તો કોઈ ફેર જ ના પડ્યો.આમેય પહેલાં સંતાન પછી પતિ અને પત્ની વચ્ચે એક અલગ જ પ્રેમ જન્મતો હોય છે!! એ એવો પ્રેમ હોય છે કે જેની કલ્પના પણ ના કરી શકાય!! સંતાન ના જન્મ પછી પતિ અને પત્ની વધારે નજીક આવતાં હોય છે પણ અહી તો અવળું થયું.

અત્યાર સુધી એનાં ખેલ બહાર જ ચાલતા પણ હવે તો નત નવી રૂપકડીઓને એ ઘરે લાવવા લાગ્યો, દક્ષાને એ આદેશ કરે એ બધું કરવાનું. નાની છોકરીની પણ એને દયા ના આવતી. કારણ વગર મારઝૂડ થાય!! ચંપક સાથે નિત નવી છછુંદર સાથે હોય!! ખીખીયાટા શરુ હોય!! ઘર જાણે એક હોટલ બની ગઈ અને એવામાં જમના માં પડી ગયાં અને ગોળાનું ઓપરેશન કરાવ્યું અને દક્ષાએ તક ઝડપી લીધી. સાસુની સેવા કરવા ને બહાને એ ગામડે આવી ગઈ અને આવીને ત્રિકમઆતાને કહી દીધું હું અને મારી છોકરી અહી એકલાં રહીશું ,મને સુરત નથી ફાવતું, પાણી નથી ફાવતું, મારું શરીર લેવાઈ ગયું છે!! અને વાત પણ સાચી હતી દક્ષાનું શરીર એકદમ લેવાઈ ગયું હતું. દ્ક્ષાના મમ્મી પાપા જમનામાં ની ખબર કાઢવા આવ્યાં. વાત તો એમણે પણ સાંભળી હતી કે જમાઈ ચંપકલાલની પણ હજુ સુધી દીકરીએ આ બાબતે હરફ પણ નહોતો ઉચાર્યો. દ્ક્ષાની મમ્મીએ દક્ષાને ખાનગીમાં પૂછી પણ જોયું.

“બેટા કોઈ તકલીફ તો નથી ને સુખી તો છોને”?

“ હા બા મને કોઈ તકલીફ નથી,મારે તો લીલા લ્હેર છે પણ બા હું હવે લગભગ અહી જ રોકાવાની છું, સાસુ બીમાર છે સસરાને કોણ રાંધી દે,?એય ને હું ને મારી ઢીંગલી અહીં જ રોકાઈશું” દક્ષાએ મહાપરાણે આંસુ રોક્યા.

“મા સમજી ગઈ , પણ પોતાનું લોહી એ ઓળખે તો ખરીને !! મરતા ને મર્ય પણ ના કહે એવી સોજી દીકરીની આંખમાંથી મા એ ઘણું વાંચી લીધું. મા બાપની આબરૂ માટે દીકરી સહન કરી રહી છે એ પણ જાણી ગઈ. દીકરીને બાથમાં લઈને એ એટલુજ બોલી તી કે

“બેટા નેળ ના ગાડા નેળમાં ના રહે. એય તારે પણ સુખના દિવસો આવશે દીકરી ,સહુ સારાવાના થઇ રહેશે”

“ હા બા ,તું ચિંતા ના કર્ય મારે સારા દિવસો જ છે ,શું ઘટે છે અહી? ,નાની ઢીંગલી છે, માન છે ,મરતબો છે કશી વાતની કમી નથી” દક્ષા બોલી.અને મા બાપ વિદાય થયા.

પોતાની જેઠાણી સાથે દક્ષાને ફાવી ગયું અને જેઠ પણ ઢીંગલી ને ખુબ જ સાચવતો, ઢીંગલીનું નામ દિવ્યા હતું. ભલે બે ઘર વચ્છે દીવાલ હતી પણ દક્ષા કે દિવ્યાને એ દીવાલ નડી નહિ!! હવે દક્ષા ઘર કામ કરતી હોયને મણિ વચ્ચેની દીવાલેથી ડોકાઈ અને સાસુ તો સવારમાં જ રામજી મંદિરે હોય!! ત્રિકમ આતા પણ બહાર હોય અને દક્ષા મણિને દિવ્યા આપી દે, અને મણિ દિવ્યાને રમાડે આમેય મણિ ને દીકરો જ હતો દીકરી તો હતી નહિ એટલે દિવ્યાને લાડ લડાવે,!!, દિવ્યાને બિસ્કીટ ખુબ જ ભાવે!! મણિ એને રોજ બિસ્કીટ લાવી આપે અને આમ સમય પસાર થવા લાગ્યો. મહીને બે મહીને ચંપક આવે પણ એનાં ઉતારા વાડીએ જ હોય.. ઘડી બે ઘડી ઘરે આવે ત્યારે એ દિવ્યા એની પાસે આવે પણ ચંપક પરાણે પરાણે તેડે!! પોતાની સગી દીકરી પ્રત્યે પણ એને વહાલ ના થાય!! આમ જોવા જઈએ તો કંપની ફોલ્ટ જ હતો ચંપકની બનાવટમાં!! વહાલ નામનો ડેટા એનાં શરીરમાં હતો જ નહિ!! એકવાર ચંપકને ખબર પડી કે મણિ સાથે અને રણછોડના ઘરે દક્ષા અને દિવ્યાનો વહેવાર વધી રહ્યો હતો હતો. એક રાતે એણે દક્ષાને ના પાડી.

“ભાભી હારે બેનપણા વધી ગયાં લાગે છે હમણા હમણા એ બંધ કરો તો સારું ગણાય”

“તે ઈ ક્યાં પારકા છે તમારા સગા મોટાભાઈ છે, અને હું ક્યાં આ ઘરનું ખરાબ ઈચ્છું છું કે ખોદણી કરું છું, ગામમાં બીજે હું ક્યાંય જતી નથી. તમે બા બાપુજીને પૂછી જુઓ, જેઠાણી દિવ્યાને રમાડે છે અને હું ઘર કામ કરું છું” અને જવાબમાં એક તમાચો પડ્યો દક્ષાના ગાલ પર!!

“મારતા સિવાય તમને બીજું આવડે છે શું હે?? ,એક કામ કરો મને અને આ દીકરીને મારી નાંખો પણ એક વાતનો જવાબ આપો કે હું તમને નડી કયા એ કહેશો”?? અને દક્ષા પોક મુકીને રોઈ. શરાબના નશામાં બડબડતો ચંપક પણ સુઈ ગયો. સવારે સુરત જતો રહ્યો અને જતાં પહેલાં એ અને જમના માં .ત્રિકમ આતા એ ઘૂસ પૂછ કરી. એ ગયાં પછી દક્ષા આજ પહેલી વાર સસસરા સામે બોલી એ પણ મર્યાદામાં.

“તમારાં દીકરાએ કાલે મને મારી એ પણ વગર વાંકે, હું મારા જેઠ કે જેઠાણી પાસે જાવ કે મારી દીકરી ત્યાં જાય એમાં ખોટું શું છે?? , મારો વાંક એ જ ને કે હું અહી રોકાઈ ગઈ, હું કોઈની બીકથી નથી રોકાણી પણ મારા બાપની આબરૂ અને શરમને કારણે રોકાણી છું ,હવે એને તમે કહી દેજો કે હું તો જેઠ અને જેઠાણી સાથે સંબંધ રાખીશ એ ક્યાં પારકા છે?? તમારું જ લોહી છે ને એ બાકી તમને મને મારી નાંખવી હોય તો પણ છૂટ છે “ ત્રિકમઆતાને શબ્દો દઝાડી ગયાં, જમના મા પણ બોલવું હતું પણ બોલી ના શક્યા .પોતાના કુંવરના લખણ કેવા છે એ ખ્યાલ તો એને હતો જ. કોઈ કશું બોલ્યું નહિ. સમય વીતતો ચાલ્યો. ગામ આખું દક્ષાના ભાગ્ય પર અરેરાટી કરતુ હતું.જમના માં ને હવે કોઈ બોલાવતું નહોતું. અને ત્રિકમઆતાનું જે પહેલાં માન હતું એ પણ ધૂળમાં મળી ગયું હતું. આ બાજુ દિવ્યા હવે લગભગ રણછોડ કે મણિની સાથે જ હોય કાલુ કાલુ બોલે અને બિસ્કીટ ખાય!! અને જે હાથમાં છોકરી તેડેલી હોય એ પુરુષ જગતનો સહુથી ભાગ્યશાળી જ પુરુષ ગણાયને !! દિવ્યા હવે તો બે વરસની થઇ ગઈ હતી!! એકદમ મીઠડી થઇ ગઈ હતી. અને દક્ષા પણ જીવ્યે જાતિ હતી. એક વખત ચોમાસાનો સમય અને દક્ષાને આઠ દિવસથી તાવ આવેલો, મણિ એને દવાખાને પણ લઇ ગયેલી,પણ તાવ હટવાનું નામ ના લે!! આઠ દિવસના મંદવાડમાં દક્ષા સાવ નંખાઈ ગયેલી એમાં ચંપકનો ફોન આવ્યો.

“રાતે દસ વાગ્યે અમે ચાર જણા આવીએ છીએ રાંધીને તૈયાર રાખજે” સાસુ તો સત્સંગમાં ગયાં હતાં આઠ વાગ્યાના અને દક્ષાના શરીરે તાવ કે મારું કામ તોય એણે ચાર જણાનું રાંધી ને ફળિયામાં એ સુતી.ચાર દિવસથી દિવ્યાને એની જેઠાણી સાચવતી હતી!! અને રાતના બાર વાગ્યે ચંપકની ગાડી આવી ઘરમાં!! ચંપક અને એની ગેંગ દીવ થી સીધી આવતી હતી!! એય ને ચારેય ફૂલ થઇ ગયેલાં. દસ વાગ્યાનું કીધું હતું અને એ લોકો બાર વાગ્યે આવ્યા તે ભોજન ઠરી ગયેલું અને આમેય ચોમાસાનું ટાઢોડુ હતું. તાવના કારણે દક્ષાનું શરીર ધગી ગયેલું તોય એણે ભોજન પીરસ્યું.

“ આ ડોહું સાવ ટાઢું છે તને ખબર નથી પડતી લાગતી ,કે તારી મા એ એ નથી શીખવાડ્યું કે પતિને કેમ સચવાય “ નશામાં ચકચૂર ચંપક બોલ્યો.

“મને તાવ આવે છે, અને તમે દસ વાગ્યે આવવાનું કેતા તા એટલે ઠરી ગયું છે .દસ વાગ્યે આવ્યાં હોત તો ગરમ જ હતું” દક્ષાએ કહ્યું.

“દિવ્યા ક્યાં છે?? , બાપુજી ક્યાં છે? ચંપકે પૂછ્યું.

“બાપા તો એક ખરખરે ગયાં છે અને ઢીંગલી જેઠાણી ને ત્યાં છે ,મને તાવ આવે એટલે એણે કીધું કે લાવ બે દિવસ ભલે મારી પાસે રહી” દક્ષા આટલું બોલી કે ચંપકને જે જોઈતું હતું એ મળી ગયું અને ભાઈબંધો ને એ બતાવવા કે હું કેટલો બહાદુર છું એટલે એણે થાળીનો કર્યો ઘા અને ઉભો થઈને દક્ષાનો ચોટલો પકડ્યો.

“એક છોડી નથી સચવાતી તો જણતા શું કામ હશો? અને ટાઈમ સર જમવાનું પણ ના બનાવવું અને લપ લપ સામું બોલવું” આમ કહીને દક્ષાને પાટા મારીને ઢસડી અને આમેય પીધેલામાં રાક્ષસી જોર બહુજ હોય તે પાણીયારા પાસે લઇ જઈને માથું ભટકાડ્યુ. એક તો તાવને કારણે નખાઈ ગયેલ ગભરુ દક્ષાના શરીરે જવાબ આપી દીધો તાળવા માં ગ્રેનાઈટ વાગ્યો અને લોહીની ધાર થઇ અને સીધું જ હેમરેજ!! એક આશાઓથી ભરેલ નાળીયેર હેવાનને હાથે વધેરાઈ ગયું.

જમના માં ઘરમાંથી દોડી આવ્યાં એણે દક્ષાની મરણ ચીચ સાંભળી હતી. રણછોડ અને મણિ પર વંડી પરથી ડોકાયા અને પાણીયારા ની પાસે દક્ષા પડી હતી.લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. સહુ ફાટી આંખે જોઈ રહ્યા હતાં. રણછોડ આવ્યો. જમના માએ હાથ જોડ્યા. જે થયું એ ભૂલ થઇ છે પણ દક્ષા લપટી ગઈ છે,ઘરની આબરૂ જાશે ધજાગરો થશે.. અને પેલી ચંડાળ ચોકડી સુનમુન!! જમના માએ એનાં ચંપકને અને એનાં ભાઈ બંધને સુરત મોકલી દીધાં. અને આ બાજુ મણિએ ધમાલ મચાવી.

“રોયાવે ફૂલ જેવી દીકરીને પતાવી દીધી અને આ ભગતની દીકરી એવી એની મા કહે છે કે લપટી ને પડી ગઈ, હાળાવ તમારે તો દીકરીએ દીવો નહો રહે!! મણિ ને રણછોડે શાંત પાડી અને કીધું કે આ ઢીંગલી સામું તો જો હવે એનું કોણ,?? એને હવે તું સાચવી લે બાકી મને તો દયા આવે છે આ ફૂલ જેવડી દીકરીની!! મણિ શાંત રહી પણ અંદર લાવા ભભૂકતો હતો.

રાતો રાત ત્રિકમઆતા આવ્યાં ઘરની આજુબાજુના જ બે ત્રણ કુટુંબ જ જાણતા હતાં કે રાતે ચંપક આવ્યો હતો અને એણે જ દક્ષાને પાણીયારા સાથે ભટકાડી. ત્રિકમ આતાને પણ એટલું જ કહેવામાં આવ્યું કે તાવને કારણે વહુને ચક્કર આવ્યાં અને પાણીયારા પાસે લપસી ગયાં અને માથામાં વાગી ગયું હેમરેજ થઇ ગયું. સવારે ગામમાંથી માણસો આવ્યાં. દક્ષાના મમ્મી પાપા આવ્યાં એની મા તો રીતસરની ધ્રુજી ગઈ. એને છેલ્લી વાર એની દીકરીને મળી ત્યારની વાતો યાદ આવી. સ્મશાન યાત્રા નીકળી. દિવ્યા સવારે ઉઠી કે તરત જ મણિ એ એને બિસ્કીટનું પેકેટ લઇ દીધું.

“મમ્મા કયા છે” દિવ્યાએ એની કાલીઘેલી ભાષામાં પૂછ્યું.

“બેટા મમ્માં મામા ને ઘેર ગયાં છે ,તારે જાવું છે ને મામા ને ઘેર, આપણે હમણા તારા મમ્મા પાસે જઈશું.” મણિ બોલતી તો હતી પણ એનું કાળજું વીંધાતુ હતું. બપોર પછી મણિ દિવ્યાને લઈને દક્ષાના પાપાને ત્યાં જતી રહી. રણછોડે જ એને કીધું કે તારું હવે અહી કામ નથી.આ ઢીંગલી અહી રહેશે તો એને સાચવશે કોણ ?? અને તારી જ એ હેવાઈ છે તું દક્ષાના પિયરિયામાં આને લઇ જા અને ત્યાં સાચવજે પાણી ઢોળ ઉપર તું એને લઈને આવજે પછી આપણે જ આને સાચવીશું બીજું તો કોણ સાચવે!!?? અને દક્ષા દિવ્યાને લઈને જતી રહી. રણછોડને ઊંડે ઊંડે બીકેય ખરીકે મહેમાન આવે ને આ મણિ બધાને હકીકત કહી દે તો!!

પણ વાતની તો ખબર પડી ગઈ જ હતી ગામમાં કે શું થયું હતું, જમના મા અને ત્રિકમ આતા ભલે ને કહેતા કે ચંપક તો વિદેશ ગયો છે તે કાલે આવશે, એય બચારો ખુબ રોતો હતો. ત્રણ દિવસ પછી ચંપક આવ્યો ,ઉતરી ગયેલ મોઢું!! પણ આ વખતે મોઢા પર કોઈ નુર નહોતું, ગામનાં પણ બધાં આઘા ભાગતા હતાં. લૌકીકે આવેલ સગા સંબંધી પણ એને નફરતથી નજરે જોઈ રહ્યા હતાં. અગિયારમાં દિવસે દક્ષાનું પાણી ઢોળ રાખેલ હતું. આમ તો ગામમાંથી કોઈ એને ઘરે આવવા રાજી જ નહોતું પણ બધાં ને રણછોડની શરમ નડી ,અને રણછોડે પણ બધાને કીધું હતું કે પાણી ઢોળ પતે પછી હું પણ તમારી સાથે જ છું.પાણી ઢોળ ના સવારે બ્રાહ્મણ દ્વારા જરૂરી વિધિ થઇ . મણિ દિવ્યાને ને લઈને મોડી રાતની જ આવી ગઈ હતી.સાથે દક્ષાના મા બાપ હતાં. બધાં જ રણછોડ ના ઘરે રોકાયા હતાં, ગાયના પુંછડે પાણી રેડ્યું બધાયે .દિવ્યા પાસે પણ રેડાવ્યું. મહેમાનો સહુ ઓશરીમાં બેઠા હતાં . બે ઓરડાની વચ્ચે એક ખુરશી પર દક્ષાનો હાર ચઢાવેલ ફોટો હતો!! અને દિવ્યા એ ફોટાને જોઈ ગઈ.!! એ તરફ આંગળી ચીંધીને એ બોલી.

“મોટા બા મમ્મા!!! મોટા બા મમ્મા!!” નાછૂટકે મણિએ દિવ્યાને જવા દીધી ફોટા પાસે. સવારની દિવ્યા બધી સ્ત્રીઓને જોતી હતી અને પોતાની મમ્માં ને શોધતી હતી. આખરે એ ફોટામાં મમ્મા ને જોઈ ગઈ, હાથમાં બિસ્કીટના પાકીટ સાથે એ મમ્માં ના ફોટા પાસે જઈ રહી હતી.બધાં જ ભીની આંખે જોઈ રહ્યા હતાં. ફોટાની બાજુમાં જ સીટી શેઠ એની ટોળી સાથે!! સફેદ દિવ્યા દક્ષાના ફોટાના સ્પર્શ કરીને ખુશ થતી હતી!! એક બિસ્કીટ કાઢીને એણે ફોટામાં રહેલ દક્ષાના મોઢા પર અડાડયું. અને બોલી.

“મમ્મા બિસ્કીટ ખાવું છે,?? મમ્માં જો મોટા બાએ બિસ્કીટ લઇ દીધાં મમ્મા!! જો મમ્મા બોલ ને મમ્મા”!! અને પછી શુંય થયું દિવ્યા રડવા લાગી, અને બેઠેલા બધાં જ ની આંખોમાં આંસુ હતાં, બધાજ સ્તબ્ધ થઇ ગયાં હતાં વાતાવરણ એકદમ સ્થિર થઇ ગયું. એમાં ચંપક ઉઠયો.દિવ્યાનો હાથ ઝાલી ને બૈરા તરફ લઇ ગયો. છોકરી રડતી હતી અને એક હાથે પકડીને એ બોલ્યો બૈરા તરફ જોઇને.

“કોઈ આને ન્યા રાખોને, અહી આદમી વચ્ચે એ રોવે છે,

અને મણિ નો મગજ હવે બરાબરનો છટક્યો,

“સગી દીકરીને કેમ તેડાય એ આવડે છે કે નહિ ફટાયા, માની જેમ આનેય મારી નાંખ હરામી, એટલે તનેય શાંતિ વળે , યાદ રાખજે જીવડા પડશે અને રીબાઈ રીબાઈ ને મરવાનો છે!!” મણિની આંખમાં અંગારા હતાં. ચંપક એને કાંઇક હાથ લાંબો કરીને કહેવા જાતો હતો ને પડખે પડેલ સીસમનો કપડાં ધોવાનો લાંબો ધોકો તે લઈને મણિ એ એક જીંકયો હાથ પર તે સીધો હાથ જ ભાંગી નાંખ્યો. દુઃખથી બરાડી ઉઠયો એ અને એનાં સાગરીતો ધોડ્યા પણ એક પછી એક બધાં ને મણિનો એક ધોકો વાગે એટલે સીધો ઉન્ધો જ થઇ જાય. બીજા બધાં આ જોઈ જ રહ્યા!! કોઈ બચાવવા ના દોડ્યું !!જમના માં આડા આવ્યા તે એક હાથે એને માર્યો ધક્કો તે સામેની દીવાલે. બધાં જ જોતા હતાં કોઈ બચાવતું નહોતું. નીચે પડી ગયેલાં ચંપક પર મણિ પાટાઓનો અને ધોકાનો વરસાદ વરસાવતી હતી. એનાં સાગરીતો પણ ઉહંકારા કરતાં પડ્યા હતાં!! એક જ ધોકે કોઈકના હાથ ભાંગ્યા તો કોઈકનો વાહો !! આજ મણિનું રૂપ જ કઈ અલગ હતું . રણછોડ ચંપકની આડો ઉભો રહ્યો. અને મણિને એણે બે હાથ આડા કરીને રોકી.

“આજ આડા ના આવો, આજ સબંધ ભુલાઈ જશે”!! મણિ બોલી અને રણછોડ હટી ગયો, બધાની સારી પેઠે ધુલાઇ થઇ ગઈ હતી. જે કામ ત્રિકમ આતા એ નાનપણમાં કરવાનું હતું એ આજ મણિએ કરી દીધું હતું. છેવટે દક્ષાના બાપા પાંચા પટેલ આડા આવ્યાં અને મણિ રોકાઈ, હાથની સાથોસાથ મણિની જીભ પણ શરુ હતી. આજ મણિ એ એનાં સાસુ સસરાની તમામ આબરૂ કાઢી નાંખી હતી.!! ત્રિકમ આતા રડતી આંખે બધું સંભાળી રહ્યા!! દિવ્યા હીબકા ભરતી હતી!!

દિવ્યાની આંખમાંથી નીકળેલ આંસુ થી હાથમાં રહેલું બિસ્કીટ ભીંજાઈ રહ્યું હતું.!!!!

મહેમાનો ધીમે ધીમે હાલતા થયા .ગામ વાળા પણ નીકળી ગયાં!! કોઈ જમ્યા પણ નહિ!! પણ બધાને મનમાં ટાઢક નો શેરડો પડ્યો હતો, જે રીતે ચંપકના હાથ અને પગ સાવ ભાંગી નાંખવામાં આવ્યાં હતાં એ જોઇને એ ખુશ હતાં. મણિએ દિવ્યાને તેડીને રણછોડ સાથે પોતાના ઘરે જતી રહી. અને પછી સીટી શેઠને કારમાં નાંખીને દવાખાને લઇ ગયાં તા અને છ મહિના રહ્યા પછી એક પગ સહેજ ટૂંકો થઇ ગયો છે એટલે લંગડાતો હાલે છે એમ ગામનાં કહેતા તા કારણ કે પછી એ ગામમાં તો કોઈ દી ડોકાયો નથી. ત્રિકમઆતા અને જમના મા હજુ જીવે છે આમ તો મરવા વાંકેજ!! અને દિવ્યા એની મોટી બા મણિના વ્હાલમાં મોટી થઇ રહી છે અને મણિ એને સગી દીકરી કરતાં વિશેષ સાચવે છે. એની સગી દેરાણીની નિશાની ને એ જીવથીય વધારે સારી રીતે સાચવે છે!! દિવ્યાને જયારે મણિ બિસ્કીટ ખવડાવે છે ત્યારે આજે પણ મણિની આંખમાંથી આંસુનું એક ટીપું પડે છે!!

લેખક:- મુકેશ સોજીત્રા મુ.પો.ઢસાગામ તા. ગઢડા જી.બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌ ને આ વાર્તા કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી