બિસ્કીટ પીનટ રોલ – બાળકોને ખૂબ પસંદ આવશે અને બહુ ઓછા સમયમાં થઇ જશે તૈયાર…

મિત્રો, આજકાલના બાળકો પેકેટ ફૂડ્સ અને બિસ્કીટ્સ તેમજ ચોકલેટ ખાવાનું ખુબ જ પસંદ કરે છે. આ પેકેટ ફૂડ્સને કારણે તેઓને ઘરનું હેલ્ધી ફૂડ તો ભાવતું જ નથી. આ સમયે આપણે રસોઈ બનાવવાની જુની રીતને બદલે કંઈક જુદી રીતથી, ખોરાકને કલર તેમજ દેખાવમાં નવીનતા લાવીને ખવડાવીએ તો હોંશે હોંશે ખાઈ લે.

આપણે સૌ જાણીએ છીએ કે શીંગદાણા એ પ્રોટીનનો સારો એવો સોર્સ છે.આજે હું સીંગદાણા અને બિસ્કિટનું કોમ્બિનેશન કરી એક નવી રેસિપી બતાવું છું જે બાળકોની સ્પેશિયલ આઈટમ છે તેમજ ઍક્ટ્રૅક્ટિવ દેખાવને કારણે બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. તો ચાલો બનાવીએ પીનટ બિસ્કિટ રોલ.

સામગ્રી :


Ø 20 નંગ ચોકલેટ બિસ્કિટ

Ø 1 કપ શીંગદાણા

Ø 2 ટેબલ સ્પૂન ખાંડ

Ø 5 થી 6 ટેબલ સ્પૂન દૂધ મલાઈ

તૈયારી :

શીંગદાણાને ધીમા તાપે હલ્કા શેકીને ફોતરાં દૂર કરી લેવા.

રીત :


1) સૌ પ્રથમ શીંગદાણા અને બિસ્કિટને ક્રશ કરી પાવડર બનાવી લો.


2) વાઈટ લેયર બનાવવા માટે ક્રશ કરેલા પીનટ પાવડરમાં દોઢ થી બે ટેબલ સ્પૂન દળેલી ઉમેરો. તેમાં જરૂર મુજબ મલાઈ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લો. આપણે પીનટનું લેયર બનાવવાનું છે માટે રોલ કરી શકાય તેટલી સ્મૂથ પેસ્ટ બનાવવી.


3) તે જ રીતે ક્રશ કરેલા બિસ્કીટમાં જરૂર મુજબ દૂધ મલાઈ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવો, બિસ્કિટ ગળ્યા જ હોય છે માટે ખાંડ ઉમેરવાની જરૂર નથી.


4) રોલ બનાવવા માટે એક ટ્રાન્સ્પરેન્ટ પેપર લો અને તેને ઓઇલથી ગ્રિશીંગ કરી લો.


5) ગ્રિશીંગ કર્યા બાદ તેના પર વાઈટ પેસ્ટ સ્પ્રેડ કરો. લેયરને બરાબર સ્પ્રેડ કરી ફ્લેટ બનાવી લો, તેના માટે સપાટ તળિયાવાળું વાસણ કે વેલણ યુઝ કરી શકાય.ભાખરીથી થોડું જાડુ લેયર તૈયાર કરો.


6) હવે તેના પર ડાર્ક બ્રાઉન લેયર બનાવવા ચોકલેટની પેસ્ટ સ્પ્રેડ કરો. વાઈટ લેયરની જેમ જ ચોકલેટનું લેયર બનાવી લો.વાઈટ લેયર આખું કવર થઈ જાય એ રીતે સ્પ્રેડ કરી લો.


7) હવે ધીમે ધીમે રોલ વાળતા જાઓ અને સાથે ટ્રાન્સ્પરેન્ટ પેપર હટાવતા જાઓ. હળવા હાથે દબાવીને સરસ રોલ બનાવી લો. આ રોલને 25 થી 30 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકી દો જેથી રોલ બરાબર સેટ થઈ જાય અને કટ કરવામાં આસાની રહે.


8) ત્રીસેક મિનિટ પછી રોલ ફ્રીજમાંથી બહાર કાઢી કટર અથવા છરીથી કાપા મૂકીને નાનકડા ગોળ ગોળ રોલ કટ કરી લો.


9) તો તૈયાર છે આ હેલ્ધી અને ટેસ્ટી બિસ્કિટ પીનટ રોલ, સરસ ટેસ્ટી બને છે અને બનાવવું પણ આસાન છે. તો જરુર બનાવજો. આપણે દૂધ મલાઈ યુઝ કરી છે માટે રોલને ફ્રિજમાં જ રાખવા.


આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :