બર્થ ડે કેક – મને જ કેમ સુખ નથી ? : મુકેશ સોજીત્રા લિખિત આ નવી સ્ટોરી તમારી લાઈફ ને સ્પર્શી જશે…

દિલ્હીમાં આવેલ આઇઆઇટી ગેટની બરાબર સામે આવેલ આઈઆઈટી ફલાયઓવરની બાજુમાં જ નીકળેલ રેલવે ટ્રેકની ધારોધાર એક ઝૂપડપટી જેવો વિસ્તાર છે. એની સામેની સાઈડે નાસ્તાઓની દુકાન આવેલી છે. વળી બાજુમાં જ જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય હોવાથી આ વિસ્તારમાં નાસ્તાઓની રેકડીઓ અને દુકાન બરાબર ભરચક ચાલતી હતી. ઝુપડપટ્ટીમાં આગળ જતાં ક્રોસ રોડ પર એક ચોખ્ખી ચણાક જગ્યામાં આગળ એક નાનકડું એવું નાસ્તા ઘર આવેલું છે. “નિશા નાસ્તા ગૃહ” નામનું આ સ્થળ હંમેશા વિદ્યાર્થીઓથી ભરચક જ હોય છે. એને ચલાવનાર નિશા પંડિત એક દેખાવમાં સુંદર અને એકદમ સૌમ્ય છોકરી હતી. નાસ્તા ગૃહને હજુ કઈ લાંબો સમય નથી થયો. પાંચ જ વરસમાં આ નાસ્તા ગૃહ એક અલગ જ તરી આવતું હતું. એક તો એની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી હતી. ટેસ્ટ પણ કંઇક અલગ જ હતો. અને બેસવાની પુરતી મોકળાશ હતી.અને એ લાઈનમાં બીજુ કોઈ આવું નાસ્તાગૃહ હતું નહિ.ઘણાં આઈઆઈટી અને જેએનયુના વિદ્યાર્થીઓ અહી બેઠાં બેઠા નાસ્તા કરતાં કરતાં ભારતના ભવિષ્યની ચિંતા કરતાં. નાસ્તાગૃહમાં નિશા અને તેનો નાનો ભાઈ કામ કરતાં હતાં. નાસ્તાગૃહની પાછળ આવેલાં ઝૂપડપટી જેવા વિસ્તારમાં જ નિશાનું ઘર હતું. પાપા તો છ વરસ પહેલાજ અવસાન પામ્યા હતાં. મમ્મી ખાટલા વશ હતી. કમાવવા માટે નિશા એક માત્ર હતી એનો ભાઈ હજુ માંડ તેર વરસનો હશે ને ત્યારે જ એના પાપાનું અવસાન થયેલું. ઘરની જવાબદારી નિશા એ સુપેરે ઉપાડી લીધેલી.

આજે નિશાનો જન્મદિવસ હતો.સવારમાં જ એના નાના ભાઈએ એને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. નિશા સવારમાં પોતાના કાઉનટર આગળ જ સમોસા, આલું ટીકી, મસ્કા બન ,પફ , ક્રીમ ભેળ,આલું ચાટ વગેરેના ખુમચા ગોઠવી ને પોતાની જગ્યાએ બેઠી હતી. કસ્ટમર આવી રહ્યા હતાં તેનો ભાઈ ઓર્ડર લઈને વસ્તુઓ આપી રહ્યો હતો. સહુ નાસ્તાનો આંનદ માણી રહ્યા હતાં. અચાનક જ એક સફેદ ઈનોવા ગાડી એના નાસ્તા ગૃહની આગળ ઉભી રહી. નિશાને નવાઈ લાગી કારણકે કોઈ કાર લઈને અહિયાં નાસ્તો કરવા આવતું જ નહિ. સહુ કોઈ ચાલીને જ આવતાં. ઇનોવામાંથી એક યુવાન ઉતર્યો ૨૫ વરસની વય હશે,આંખ પર એક કુતુહલનો ભાવ આજુબાજુ ઝડપથી જોતો હતો અને અચાનક જ એની નજર દુકાનમાં રહેલી નિશા પર ચોંટી ગઈ. ઇનોવામાંથી એક ૪૫ વરસની વયની એક સ્ત્રી અને વિસ વરસની એક છોકરી પણ ઉતરી. એ લોકો સીધાં જ નિશા પાસે આવ્યા. નિશાની આંખો તો નવાઈ જ પામી ગઈ. જે તરુણ માટે એ જીવી રહી હતી. જેની યાદોમાં એ ખોવાયેલી હતી. એનો કોઈ જ અતો પતો કે કોઈ ચિઠ્ઠી કે સંદેશો નહોતો એ તરુણ આજ અચાનક પોતાના જન્મદિવસે પોતાની નજર સામે હતો.

“મમ્મી આ ડિમ્પી છે, જો દિવ્યા હું નહોતો કેતો કે ડિમ્પી ખુબ જ રૂપાળી છે, અને હા ડિમ્પી આ મારા મમ્મી સુનીતા બહેન અને મારી બહેન દિવ્યા છે, કેમ છે ડિમ્પી તને..?? હું ખુબ જ મોડો આવ્યો નહિ.?? પણ સંજોગો આગળ હું લાચાર હતો. તારી તબિયત તો સારી છે ને તારી મમ્મીને કેમ છે હવે?? જો આજે હું તારા જન્મદિવસ માટે આ કેક લાવ્યો છું. હેપ્પી બર્થ ડે ડિમ્પી. બેસવાનું નહિ કહે ડિમ્પી?

નિશા અવાચક જ બની ગઈ હતી. એણે એક ટેબલ પર બેસવાનું કહ્યું અને પોતાના ભાઈ સુરેશને પાણી આપવાનું કહ્યું.સુરેશે બધાને પાણી આપ્યું અને નિશા ઉર્ફે ડિમ્પી છ વરસ પહેલાનાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

નિશાના પાપા કેશવ ચંદ્ર પંડિત જમ્મુમાં સારી એવી મિલકત ધરાવતા હતાં. આતંકવાદના ત્રાસથી જયારે કાશ્મીરમાંથી પંડિતો ભાગ્યા ત્યારે નિશાની ઉમર બે વરસની હતી. શરણાર્થી તરીકે તેઓ પોતાના જ દેશમાં નિરાધાર હતાં. શરણાર્થી કેમ્પમાં ગંદકીને લીધે એમને ના ફાવ્યું અને અહી રેલવે ટ્રેકની સાઈડમાં જગ્યા વધારે હોવાથી અહી વસી ગયેલાં. અહીજ નિશાના નાના ભાઈ સુરેશનો જન્મ થયેલો. પાપા સામે આવેલી એક રેસ્ટોરાંમાં કામ કરતાં અને નિશા ભણતી. નિશા ૧૮ વરસની થઇ અને બારમું ધોરણ પાસ કર્યું કે હાર્ટ એટેક આવવાથી એના પાપા અવસાન પામ્યા અને નિશાએ પાપાનાં અવસાનથી ભણવાનું છોડીને એના પાપા જ્યાં નોકરી કરતાં હતાં એ “દિલવાલે રેસ્ટોરાં”માં નોકરી કરવાનું સ્વીકારી લીધું.

ત્યાં નોકરી કરવાનું એક જ કારણ હતું કે પોતાના ઘરની સામે જ આ રેસ્ટોરાં હતું.ભાઈ હજુ નાનો હતો અને ભણતો હતો. મમ્મી પથારીવશ હતી એટલે એમનું પણ ધ્યાન રાખી શકાય. મમ્મીને છેલ્લા દસ વરસથી સંધિવા ના રોગે ભરડો લીધો હતો. એ ચાલી પણ નહોતી શકતિ.. બસ સુઈ જ રહેતી “દિલવાલે” રેસ્ટોરાં નો માલિક ધનીરામ એક નંબરનો લુચ્ચો અને ચાલુ માણસ હતો. એ નિશાને બહુ ટૂંકમાં સમજાઈ ગયું હતું. એની લોલુપ નજર જળોની જેમ એના પર ફરતી. નિશા આ બાબતમાં ખુબજ સાવધાન રહેતી. ધનીરામ નિશાથી ભૂલ થાય એટલે ના કહેવાના વેણ કહેતો. નીચે રેસ્ટોરાં અને ઉપર ધનીરામનું મકાન હતું. ક્યારેક ધનીરામની પત્ની પુષ્પાદેવી પણ રેસ્ટોરામાં બેસતા એ વખતે નિશાને સારું લાગતું. પુષ્પાદેવીની હાજરીમાં નિશાને મજા આવતી. એ વખતે ધનીરામ એકદમ રામચંદ્રજીનો બીજો અવતાર બની જતો પણ જેવી પુષ્પાદેવી ઉપર જાય કે ધનીરામના નખરાં વધી જતાં. સીટીઓ સાથે ધનીરામ હિન્દી ફિલ્મોના ગીતો ગણગણ્યા કરતો અને નિશાની સામે જોયા કરતો.

“ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો!! જો ભી હો તુમ લાજવાબ હો!!” પણ નિશા કસ્ટમરમાં જ ધ્યાન આપતી.હસતાં ચહેરે નિશા સહુના ઓર્ડર લેતી અને ફટાફટ કામ કરતી. નિશાને કારણે દિલવાલે રેસ્ટોરાં પુર જોશમાં ચાલવા લાગ્યું. એમાં તરુણ નામનો છોકરો નિશાને વધારે ઓળખાતો થયો. તરુણ નિશાને પણ ગમતો. પૈસાવાળો ખરો પણ એકદમ સાલસ અને સંસ્કારી છોકરો હતો તરુણ. નિશાના ગાલમાં ખાડા પડતાં જયારે એ હસતી ત્યારે ખુબજ રૂપાળી લાગતી. તરુણ એટલે જ એને ડિમ્પી કહેતો. તરુણ અને નિશાને એક બીજા સાથે જન્મોજન્મની પ્રીતિ બંધાઈ ગઈ હતી.

“મારા પિતાનો એકનો એક છોકરો છું. એક નાની બહેન છે. પિતાનો વ્યાપાર કપડાનો છે. ભણવા તો હું શોખથી આવ્યો છું. બાકી આપણે કઈ નોકરી નથી કરવી. એયને પાપાનો બિઝનેશ સંભાળી લેવો છે પણ પાપાની ઈચ્છા હતી કે બહાર નીકળ એટલે તને માણસોનો પરિચય થાય. સમાજની ખબર પડે, દુનિયાદારીનું ભાન થાય એટલે અહી લાંબો થયો અને આમેય અમે ગુજરાતી એટલે ધંધો તો લોહીમાં જ હોય. નોકરી ઓછી કરીએ પણ ઝાઝા બધાને નોકરી આપીએ તો ડિમ્પી મેડમ હવે આપણે ક્યારે પરણીશું એ કહો.” જવાબમાં નિશા ઉર્ફે તરુણની ડિમ્પી કહેતી.

“નાના ભાઈની જવાબદારી છે તરુણ એટલે થોડી વાર લાગશે. પણ તું ઘરે વાત કરી લેજે. હું તને જ પરણીશ. અને એ ખીલખીલાટ હસતી. અને બને રેલવે ટ્રેક પર ચાલતા હોય. અને નિશાનું ઘર નજીક આવે એટલે તરુણ એના બેય ગાલ પર ચીમટો ભરે અને કહે.

“ આ તારા બે ગાલ છે ને એ કાશ્મીરી સફરજન જેવા છે. તું તો ખાનદાની કાશ્મીરી છો એટલે આ ગાલ મીઠાં ખુબ જ હશે નહિ ડિમ્પી” અને ડિમ્પી હસતી હસતી જતી રહે.

સવારે રેસ્ટોરામાં સહુથી પહેલા તરુણ જ આવે, “દિલવાલે રેસ્ટોરામાં ડિમ્પી નાસ્તાની સાથે તરુણને પ્રેમ પણ પીરસતી. બસ ફક્ત આંખોથી બાકી કોઈને ખબર પણ ના પડે કે આ બને સાચા પ્રેમી પંખીડા છે. કયારેક સાંજે નિશા ફરિયાદ કરતી કે.

“ધનીરામ સાલો હરામી છે,એના નખરા વધતાં જાય છે પણ શું કરું ભગવાને સુંદરતા આપી છે એ જ મારી દુશ્મન થઇ ગઈ છે. ગરીબોને આપેલ રૂપ હમેશા ભગવાનની એક કુર મજાક હોય છે.”

“ડિમ્પી તું તારું પોતાનું નાસ્તા ગૃહ ખોલને.તને બધી જ વસ્તુ ઓ તો આવડે છે બોલ આપણે એમઓયુ કરીએ.રોકાણ બધું મારું અને નફામાં આ બને તારા સફરજન જેવા ગાલ મારા” અને જવાબમાં ડિમ્પી ખડખડાટ હસીને ચાલી જતી. અને તરુણ પણ પોતાની હોસ્ટેલ પર જતો રહેતો. રેલવેના બને ટ્રેક પણ આ જોડીને જોઇને ખુશ થતા.

નિશાના બર્થડેના દિવસે તરુણ વહેલા આવી ગયો. આગલાં દિવસે એ મોંઘી દાટ કેક લાવ્યો હતો કરોલ બાગમાંથી. ધનીરામ આવવાને હજુ પંદર મીનીટની વાર હતી. અને તરુણે ફટાફટ કેક કાપી અને પોતાની ડિમ્પીને ખવરાવી અને ખાધી અને બાકીની કેક ડિમ્પી એ સાચવીને પોતાની થેલીમાં મૂકી દીધી. શુભેચ્છાઓ આપીને તરુણ જતો રહ્યો અને નિશા ગ્રાહકોના ઓર્ડર લેવા લાગી.એવા માં અડધી કલાક પછી ધની રામ બોલ્યાં.

“અહી ગલ્લા પર મેં એક કેકનું બોક્સ મુક્યું હતું એ તે લીધું છે નિશા” જવાબમાં નિશાએ ના પાડી. ધનીરામે એ કેક ઘણી ગોતી પણ ના મળી અને અને નિશાને પૂછ્યું.

“પેલી તારી થેલીમાં શું છે?’
“એમાં તો મારી વસ્તુ છે “નિશાએ જવાબ આપ્યો અને ગ્રાહકોને ભેળ દેવા ઉપડી ગઈ. પણ ધનીરામે એ થેલી તપાસી તો એમાં થી એક બોક્સમાંથી ખવાયેલી કેક મળી અને ધનીરામ ને જોઈતું મળી ગયું.
“સાલી ચોર, આ કેક ખાઈને ઘરે લઇ જવી છે ને?? મને શંકા હતી કે તું ચોરટી તો છે જ આ જ સાબિત થઇ ગઈ.”
“મારા જન્મદિવસે મને એક વ્યક્તિએ આપી છે તમારી કેક મેં નથી લીધી.” નિશાએ બે હાથ જોડ્યા. સહુ વિદ્યાર્થીઓ નાસ્તો બંધ કરીને આ જોઈ રહ્યા.બધાને નિશા પ્રત્યે માન હતું. કોઈ જ માનવા તૈયાર નહોતું કે નિશા કેકની ચોરી કરે!!
“કોને તને કેક આપી મહારાણી, આવી મોંઘાભાવની કેક કયો ડફોળ તને આપે. તને ખબર છે કે તારો એક મહિનાના પગાર કરતાં પણ આ કેક મોંઘી છે, સાલી ખોટાડી એમ કહીને ધનીરામે નિશાનો હાથ પકડ્યો અને ઉપરથી પુષ્પાદેવી આવ્યાં. આવીને એ ધનીરામને ખીજાણા.

“ભોળી પારેવડા જેવી છોકરી પર આળ નાંખતા શરમાતા નથી.આ રહી તમારી કેક. વહેલી સવારે હું નીચે વાળવા આવીને ત્યારે ઉપર લાવી હતી.” એમ કહીને આખી કેકનું બોક્સ એણે ધનીરામના હાથમાં આપ્યું. નિશા રડતી રડતી ચાલી ગઈ, બધાં જ કસ્ટમરને ધનીરામ પર ગુસ્સો આવ્યો. ધનીરામે માફી માંગી પણ નિશાએ હવે નક્કી કરી જ નાખ્યું હતું કે એ ત્યાં નોકરી નહિ જ કરે.

“એક કામ કર તારા ઘર પાસે જગ્યા છે ત્યાં એક નાનકડું નાસ્તા ઘર બનાવ તો ખુબ ચાલશે. પૈસાની ચિંતા ના કરતી થઇ રહેશે” તરુણ બોલ્યો. અને દસ જ દિવસમાં ત્યાં એક નાસ્તા ગૃહ બની ગયું.વિદ્યાર્થીઓ ત્યાં આવવા લાગ્યા.સહુ ખુશ હતાં.અને એક દિવસ અચાનક જ તરુણ આવ્યો અને કહ્યું કે અમદાવાદ જવું પડશે. મમ્મીનો અરજન્ટ કોલ હતો. અઠવાડિયામાં આવું છું. અને તરુણ ચાલ્યો ગયો.બસ તરુણ ગયો એ ગયો.નિશાએ ઘણી વાટ જોઈ પણ તરુણ ના આવ્યો. ધીમે ધીમે એનું નાસ્તા ગૃહ ચાલી નીકળ્યું. ધમધોકાર ચાલતું હતું. એનો ભાઈ સુરેશ પણ હવે મોટો થઇ ગયો હતો. ધંધો સંભાળી શકે એમ હતો એકલા હાથે!! નિશાની શાખા પણ સારી એવી થઇ ગઈ હતી. એ વિસ્તારમાં એ એક રોલ મોડેલ ગણાતી. હવે નિશાના માંગા આવવા લાગ્યા હતાં.

સારા એવા ઘરનાં અને સારી એવી પોસ્ટ પર નોકરી કરતાં યુવાનોના બાયોડેટા આવવા લાગ્યા હતાં. પણ નિશાને કોઈનામાં રસ જ નહોતો. એણે પોતાના ભાઈ સુરેશનું સગપણ પણ એક જગ્યાએ નક્કી કરી નાંખ્યું હતું . દિવાળી પછી લગ્ન ગોઠવ્યા હતાં.પૈસા પણ ઠીકઠાક ભેગા થયા હતાં .હવે કોઈ જ તકલીફ નહોતી.પોતાના લગ્નની વાત એ આસાનીથી ઉડાવી દેતી હતી. આખો દિવસ એ નાસ્તા ગૃહ પર બેસીને સાંજે એ રેલવે ટ્રેક પર ચાલવા જતી. તરુણના વિચારોમાં ખોવાઈ જતી. પાંચ પાંચ વરસ વીતી ગયાં હોવા છતાં એને તરુણ પર ભરોસો હતો. પણ પછી એને ભરોસો ઉઠતો ગયો પણ મનમાં એને એમ થતું કે નક્કી કોઈ એવી ઘટના છે કે તરુણ લાચાર હશે બાકી દગાનો તો સવાલ જ નહોતો.તરુણે જે કાઈ કર્યું એ નિસ્વાર્થ ભાવે કર્યું હતું. એ ના હોત તો કદાચ આ નાસ્તાગૃહ પણ ના હોત. ઘણાં સોગંદ દેવરાવીને તરુણે પૈસા આપ્યા હતાં નાસ્તા ગૃહ બનાવવા માટે અને પોતે જીંદગીમાં પોતાની મમ્મી પાસે પ્રથમ વખત જ ખોટું બોલી હતી કે “બેંક વાળાએ લોન આપી છે નાસ્તા ઘર બનાવવા માટે” આમ તો સુરેશ બધું સમજતો હતો. સુરેશે એક વખત કહ્યું પણ હતું. લગભગ એકાદ વરસ પહેલા….

“નિશુ તારી પાસે સરનામું હોય તો હું અમદાવાદ જઈ આવું. ત્યાં તપાસ કરી આવું. તરુણની ભાળ મેળવતો આવું . કદાચ એ પરણી પણ ગયો હોય, અથવા કોઈ મજબૂરી પણ હોય , પણ આપણને ખબર પડે કે સત્ય શું છે”

“ ના તપાસ નથી કરવી. સત્ય નથી જાણવું મારે ! નસીબમાં હશે તો સામે ચાલીને એક દિવસ તરુણ જરૂર આવશે, નહીતર જિંદગીભર ભ્રમ માં રહીશ એના આગમનની પ્રતિક્ષામા!! ઘણી વાર સત્ય કરતાં ભ્રમ વધુ જીવાડતો હોય છે, ઘણી વાર સત્ય જાણીને આખી જિંદગી ઝુરાપામાં અને વિરહમાં કાઢવા કરતાં કાલ્પનિક સત્ય એવા ભ્રમમાં માં જ જીવવાની મજા આવે છે” નિશા ક્યારેક ખુબ જ ઊંચી વાત કરતી થઇ ગઈ હતી.

પ્રેમની પરાકાષ્ઠા અને વિરહની વ્યથા માણસને એક ઉત્તમ ફિલોસોફર બનાવી નાંખે છે.
“ડિમ્પી આજે પાસે નહિ બેસે , ખબર છે કે તું ખુબજ નારાજ છો પણ ચાલ પહેલાં આ કેક ખાઈ લે પછી મારી મમ્મી જ બધી વાત કરશે”
તરુણે નિશાને હલબલાવી ત્યારે નિશા તંદ્રામાંથી જાગી. આંખોમાં આવેલા આંસુ એણે દૂર કર્યા અને સુરેશને કાઉન્ટર પર બેસવાનું કહીને એ તરુણની બાજુમાં ગોઠવાઈ. તરુણની મમ્મી અને એની બહેન દિવ્યા નિશા તરફ જોઇને હસી રહ્યા હતાં,એ હાસ્યમાં એક પ્રકારનું વાત્સલ્ય હતું. નિશાને બર્થડે કેક ખવરાવી. નિશાએ બધાને બર્થડે કેક ખવરાવી. સુરેશ નાસ્તો અને ચા આપી ગયો. અને સુનીતાબેન નિશાની પડખે બેઠા. નિશાનો હાથ પોતાના હાથમાં લઈને એ બોલ્યાં.

“ તારા કારણે જ આજે મારો તરુણ જીવતો છે. આમ તો એ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. લે હવે હું તને માંડીને જ વાત કરું” સુનીતાબેનની આંખમાં આંસુ હતાં. નિશાએ આંસુ લુચ્યા.

“આજથી બરાબર પાંચ વરસ પહેલા એના પાપાને હાર્ટ એટેક આવ્યો એટલે મેં એને તાત્કાલિક તેડાવી લીધો અમદાવાદ. મેં એને ફક્ત એટલુજ કીધું હતું કે એક અગત્યનું કામ છે તું તાત્કાલિક આવી જા. એ ઘરે આવ્યો એના પાપા પાસે દવાખાનામાં રોકાયો. એક વખત રાતે એ ઘરે આવતો હતો બાઈક લઈને પાછળથી એક ટ્રક વાળાએ બાઈકને ધક્કો દીધો અને સામેની બાજુએ આવેલા માઈલ સ્ટોન પર મારા દીકરાનું માથું અફળાયું. એને હોસ્પીટલમાં એડમીટ કર્યો.એના પાપાની તબિયત સુધારા પર હતી.એને ખબર પડીકે તરુણ આઇસીયુમાં છે અને કોમામાં છે એટલે એમને હાર્ટ એટેક નો જોરદાર હુમલો આવ્યો અને એ અવસાન પામ્યા. મારા માથે આભ તૂટી પડ્યું, બસ પછી મેં ધંધો અને વ્યાપાર સંભાળી લીધા.તરુણને ઘરે જ રાખીને સેવા ચાકરી કરી.ડોકટરનું કહેવું હતું કે મગજમાં એની નસો તૂટતી જાય છે. વધુમા વધુ આ વ્યક્તિ છ જ મહિના જીવશે પણ એના હાવભાવ અને ચહેરા પરના મરોડ જોતા એવું લાગે છે એના જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની યાદો એને મરવા દેતી નથી.. પણ એ કોણ છે ?? એ તો તરુણને જ ખબર પડે.

દોઢેક વરસ પછી તરુણની થોડી વાચા પરત આવી હતી.એ વારંવાર ડિમ્પી!! ડિમ્પી !! એવું બોલતો હતો!! એક દિવસ એવું પણ બોલેલો કે “ડિમ્પી આ તારા ગાલ સફરજન જેવા જ છે” પછી તો હું અહી દિલ્હી પણ આવી ગઈ વરસ દિવસ પહેલા આખી કોલેજમાં પૂછ્યું કે કોઈ ડિમ્પી નામની છોકરી છે?? પણ બધાએ ના પાડી કે અહી કોઈ ડિમ્પી નથી.પણ મને શું ખબર કે નિશા એ તને જ ડિમ્પી કહેતો હશે??? તારી યાદો એને મરવા નહોતી દેતી!! અને આખરે નિર્જીવ શરીર પર તારી સજીવ યાદોનો વિજય થયો. અઠવાડિયા પહેલા તરુણ સાવ સારો થઇ ગયો. અને તારા વિષે બધી જ વાતો કરી મને. અને આજ તારો બર્થડે હતો એટલે અમે પરમ દિવસના નીકળ્યાં છીએ. રસ્તામાં શ્રીનાથજી ના દર્શન કર્યા અને વળતાં મનોમન નક્કી કર્યું કે જો ડિમ્પી હયાત હોય અને ના પરણી હોય તો વળતી વખતે મારી વહુને પણ સાથે લેતી આવવી છે. તરુણના લગ્ન કોઈ ધૂમધામથી નથી કરવા બસ સાદાઈથી કરવા છે” સુનીતાબેને વાત પૂરી કરી. નિશા એને ભેટી પડી. સુરેશ બધું જ સાંભળતો હતો.

થોડીક વાર તેઓ ત્યાં રોકાઈ ને નિશાના ઘરે ગયાં. નિશાની મમ્મીને મળ્યાં. પછી તો ઘણી વાતો થઇ. છેલ્લે નિશા એની મમ્મીને પગે લાગી અને ભાઈને પણ ભેટી પડી અને કહ્યું.

“ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે, મહિના પછી તારા લગનમાં આવીશ. હવે આ નાસ્તા ઘર તારા હવાલે છે. મને હવે મારો સ્નેહ બોલાવે છે જવું જ પડશે.અને આમેય હું તો પરદેશી પંખી જ ને હું થોડું વધારે રોકાઈ ગઈ. નિશા એ નાસ્તાગૃહની એક એક વસ્તુને નિહાળી. એક ખૂણામાં આવેલ વૈષ્ણોદેવીના ફોટાને નમન કરીને નિશા તરુણ સાથે ઇનોવામાં ચાલી નીકળી.

સુખ દરેક માણસના નસીબમાં હોય જ છે પણ સુખનું સમયપત્રક આપણા જીવનને અનુરૂપ ના હોય એટલે સુખી થવા માટે લોકો વગર કારણે દુખી થતા હોય છે.. બાકી ઈશ્વરના શેડ્યુઅલ મુજબ સુખને જીવનમાં આવવું જ પડે છે.

લેખક :-મુકેશ સોજીત્રા ૪૨,શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ મુ.પો ઢસાગામ , તા, ગઢડા, જિ, બોટાદ પીન ૩૬૪૭૩૦

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ? જો ૧૦ માંથી ગુણાંક આપવાના હોય તો કેટલા આપશો ?

ટીપ્પણી