જલ્સા કરોને જેંતીલાલ

બાઈકિંગ ક્વિન્સઃ સુરતની આ સાહસિક બહેનો ઝળકી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં…

બાઈકિંગ ક્વિન્સઃ સુરતની આ સાહસિક બહેનો ઝળકી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં… બાઈક પર વર્લ્ડ ટૂર કરીને રચશે ઇતિહાસ…


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એવી સાહસિક મહિલાઓનું ગૃપ મહેમાન બનીને આવ્યું જેમના વિશે જાણીને આપણને સૌને ખૂબ જ ખુશી પણ થઈ અને ગર્વ પણ. અનોખા અંદાજમાં આ બહેનોએ સામાજિક સંદેશ આપવાના હેતુથી એક એવું કામ હાથ ધર્યું છે કે તેમના વિશે જાણીને ખરેખર એ બહેનોની સાહસવૃત્તિ પર નાઝ થશે.


આ બહેનો છે, સુરતની બાઈકિંગ ક્વિન્સ નામના ગૃપની સભ્યો. તેઓ સ્પોર્ટ્સ બાઈક પર સવાર થઈને અત્યાર સુધી માત્ર આપણાં દેશમાં જ નહીં બલ્કે આખા એશિયાના કુલ ૧૦ દેશોની સફર કરી ચૂક્યા છે. અને વધુમાં તેઓ એક નવું સાહસ હાથ ધરવાના છે, જેના વિશે તેઓ વાત કરવા મહેમાન બનીને આવ્યા હતાં, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં.


આ સિરિયલ ગુજરાતી લોકોમાં તો સૌતથી પોપ્યુલર છે જ પરંતુ આખા દેશમાં તથા વિદેશમાં પણ ભારતીય સિરિયલો જોવાનું પસંદ કરતાં લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તેથી એક સાથે બહોળા પ્રમાણમાં તેમના સાહસિક કાર્ય વિશે જાણ થાય એ રીતે અનોખા અંદાજમાં સિરિયલમાં તેમની એન્ટ્રી પડી હતી.


એવા મહેમાન આવવાના છે જેમને મળીને ખુશી અને આનંદ બંને થશે એવું તેઓ કહેતાં રહ્યાં, ગોકુલધામ સોસાયટીના બાળકો અને મહિલાઓ બધી તૈયારી કરતાં રહ્યાં પરંતુ પુરુષ વર્ગને ખ્યાલ જ નહોતો એવો માહોલ ખડો કરીને સરપ્રાઈઝનું વાતાવરણ બનાવ્યું હતું.

બાઈકિંગ ક્વિન્સની મુલાકાત, જે રીતે ગોકુલધામ સોસાયટીના પરિવાર સાથે થઈ એ રીતે એમની વાતો જાણીને સૌ કોઈ તેમનાથી ઇમ્પ્રેસ થઈ જાય તેવું છે. આપણે તેમના ગૃપના પ્રણેતા ડો. સારીકા મહેતા, રુતાલીબેન પટેલ અને જીનલ શાહ એમ ત્રણ સખીઓએ મહેમાનગતિ માણી હતી, ગોકુલધામ સોસાયટીના સભ્ય પરિવારની.

શું છે આ બાઈકિંગ ક્વિન્સ ગૃપ અને કોણ છે તેના સંસ્થાપક?


બાઈકિંગ ક્વિન્સ ગૃપ એવી મહિલાઓનો સમૂહ છે જેઓ વિવિધ પડકારો ઝીલીને મોટરસાયકલ પર દેશ – વિદેશની સફર કરે છે. તેઓ આ સફરમાં વિવિધ સામાજિક સંદેશાઓ પણ આપે છે અને સ્ત્રી સશક્તિકરણની જાગૃતિ પણ કરે છે.


આ ગૃપના સ્થાપક એક બાળરોગના નિષ્ણાંત ડો. સારિકા મહેતા છે. તેઓ ગુજરાતના સુરત શહેરના છે. વર્ષો પહેલાં તેઓ પર્વતારોહક હતાં એમણે અનેક પર્વતોના શિખરો સર કર્યા છે. એકવાર બન્યું એવું કે એમને કોઈએ કહ્યું કે તમે હિમાલય પર્વત તો ચડી ગયાં પણ તમને બાઈક ચલાંવતાં આવડે છે ખરું? બાઈક રાઈડ પર્વત ચડવા કરતાં પણ અઘરું છે.


આ સાંભળીને તેમને ચાનક ચડી. પોતાના શહેર સુરત જ્યારે તેઓ પાછાં આવ્યાં ત્યારે તેમણે સત્તાવાર રીતે બાઈક શીખ્યાં અને એવી બહેનોને શોધીને એક ગૃપ બનાવ્યું જેમને બાઈક ચલાવતાં આવડતી હોય કે પછી બાઈક ચલાવવાનો શોખ હોય અને બની ગયું બાઈકિંગ ક્વિન્સ ગૃપ…

અત્યાર સુધી મેળવેલ સિદ્ધિઓ


અત્યાર સુધી તેઓ હજારો કિલોમીટરની બાઈકિંગ રાઈડ કરી ચૂક્યાં છે. ભારતના વિવિધ ક્ષેત્રોમાં તો તેમણે બાઈકરેલીઓ કરી જ છે પરંતુ તેમનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો એશિયા ટૂરનો. આ ગૃપની ૪ બહેનોએ મળીને એશિયાના ૧૦ દેશોની મુસાફરી કરી છે અને એ પણ બાઈક પર સવાર થઈને.

આ કરવામાં તેમને ૪૫ દિવસ લાગ્યા હતા અને નેપાળના કાટમાંડુથી લઈને ભારત, ભૂતાન, લાઓસ, કમ્બોડિયા, વિયેતનામ થાઈલેન્ડ મલેશિયા તથા સિંગપોર જેવા દેશની સફર ખેડી હતી.


એમની આ સફળતાના સમાચારે આપણાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યાં હતાં અને આખી ટીમને રૂબરૂ મળવાની તક પણ આપી હતી. જે વર્ષ ૨૦૧૬માં ૪ જૂનથી શરૂ થઈ હતી. તેમાં તેમને ૧૦ દેશોની સરહદ ઓળંગવા ખાસ પ્રકારની પરમિશન આપવામાં આવી હતી.

તેઓ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અંતર્ગત રણોત્સવમાં પણ બાઈકથી સુરતથી સફેદ રણની સફર કરી છે.

શું છે બાઈકિંગ ક્વિન્સનો વર્લ્ડ ટૂરનો પ્લાન?


આ વર્ષે તેઓ ૨૦૧૯ની ૫મી જૂનના દિવસથી આપણાં દેશની સૌથી પવિત્ર નદી મા ગંગાના કિનારે આવેલ પૌરાણીક શહેર વારાણસીથી તેમની યાત્રા શરૂ કરશે અને છેક લંડન સુધી તેઓ બાઈક પર જ સવાર થઈને લગભગ ૨૫૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે, તેવી યોજના છે.

આજ સુધી લોકો હવાઈ જહાજ અને વહાણથી આ પ્રકારે યાત્રા કરતાં હતાં જ્યારે ૩ બહેનો ફ્કત બાઈક પર પહેલીવાર આટલું મોટું સાહસ કરવા જઈ રહી છે. તેઓ આ સાહસિક યાત્રામાં કુલ ૨૫ દેશોમાંથી પસાર થશે. જેમાં એશિયાના દેશો, યુરોપ અને આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે. આ યાત્રાનું આયોજન ૯૦ દિવસોમાં પૂર્ણ થશે તેવી એલોકોની ગણતરી છે.


યુ.એન. આપી રહી છે ટેકોઃ

આ સાહસિક અને ઉમદા કાર્ય માટે વિશ્વની સર્વ શ્રેષ્ઠ સામાજિક ઉત્કર્ષના કાર્યો કરતી સંસ્થા યુ.એન. યુનાઈટૅડ નેશન્સ તેમને સ્પોન્સર કરી રહી છે. આ એક સુઆયોજિત કાર્યક્ર્મ રહેશે. જેમાં આ બાઈકર વુમેન સાથે હરપળ એક વેન રહેશે જેમાં તેમની જરૂરિયાતનો સામાન રહેશે અને એક કેમેરામેન ટેક્નિશિયન પણ સાથે રહેશે.


જે તેમની સફરના દરેક ખાસ મોમેન્ટના ફોટોઝ અને વીડિયોઝ કેપ્ચર કરશે. જે યાત્રાના અંતે એક સુવ્યવસ્થિત ડોક્યુમેન્ટ્રી બનશે. અગાઉ એશિયા ૧૦ દેશોની ટ્રીપમાં પણ તેમને આ સપોર્ટ વેનની સુવિધા અપાયેલ હતી.

કેવી રાખી છે તેમણે તૈયારી


૨૫ દેશોની યાત્રા એ પણ બાઈકથી ૨૫૦૦૦ કિ.મી જેટલા અંતરને કાપવા માટે તેમણે શારીરિક ફિટનેસની સાથે માનસિક તૈયારીઓ પણ કરી છે.

તેઓની ટીમમાં બધાં જ સંપૂર્ણપણે શાકાહારી છે તેથી તેઓ ભોજન બનાવવાનો સામાન સાથે લેશે અને જરૂર પડે ત્યાં બનાવશે પણ ખરાં. જરૂર પડે રાતવાસો કરવા તેઓએ ટેન્ટ અને અન્ય સામાન પણ સાથે રાખ્યો છે.

તેઓએ બાઈક રીપેર કરવાના સાધનો પણ સાથે રાખ્યાં છે અને રિપેરિંગનું ટેકનિકલ કામ પણ શીખ્યું છે.

શું છે તેમનો હેતુ?


પિંક કલરના ટી શર્ટ અને કચ્છી બાંધણીની ભરત ભરેલી કોટી અને બ્લેક ટ્રાઉઝર પેન્ટમાં સજ્જ આ બાઈક સવાર મહિલાઓ એક રીતે અનોખી સામાજિક સૈનિક છે.

તેઓ ભારત દેશની પારંપરિક સંસ્કૃતિનો ફેલાવો, બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્ત્રી સશક્તિકરણ જેવા જાગૃતિના સંદેશાઓ ફેલાવવા આ ઉમદા રેલી કરી રહી છે. તેઓ છેલ્લાં ૪ વર્ષથી આ કામ કરે છે અને આ ૨૫ દેશોની વર્લ્ડ ટૂર કરવા માટેની તૈયારી છેલ્લાં એક વર્ષથી કરી રહી છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સમય


તેમણે સૌ ગોકુલધામ વાસીઓ સાથે એ રીતે વાતો કરી જાણે કે આપણાં સૌની સાથે કરી રહ્યાં હોય. તેઓ બધાંની સાથે ગરબા પણ રમ્યાં અને તેમના આયોજનની પણ વાત કરી. આ રીતે મેસેજ આપવાની તેમનો અનોખો વિચાર ખરેખર સરાહનીય છે.


આ બાઈકિંગ ક્વિન્સ અને તેમની આખી ટીમના સભ્યો ખાસ કરીને ડો. સારિકા મેહતા, રીતાલી પટેલ અને જીનલ શાહને ઈશ્વર શક્તિ આપે આ ભગીરથ યાત્ર સુખરૂપ સર કરીને દરેક દેશમાં ભારતનું નામ ઉજાળીને આપણા તિરંગાને લહેરાવીને પરત ફરે તેવી આપણાં સૌની શુભેચ્છાઓ…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version