બીજી દિશા – સમજણ ના સથવારે સંબંધો નું ફૂલ ખીલે જ !!

“અરે પણ તેને ઊંઘ નહીં આવે.” રાજે કહ્યું.

“ચિંતા ના કરો. ત્યાં એ.સી છે. એ.સી મા તેને સરસ નીંદ આવી જશે.” મીરાએ જણાવ્યું.

“અરે! એમ નહીં મચ્છર કરડશે તો?” રાજે ફરી પ્રશ્ન પૂછ્યો.

“ના. નહીં કરડે. હવે ચિંતા ના કરો અને સુઈ જાઓ.” મીરાએ વળતો જવાબ આપ્યો.

“અરે, મને ચિંતા થાય છે. ચાલ એક ફોન કરી દેવા દે.” રાજે તેના દિલની વાત વ્યક્ત કરી.

એટલામાં જ મીરાએ રાજનો ફોન લઇ લીધો અને કહ્યું કોઈ ફોન નહીં કરવાનો. ટાઈમ જુઓ હવે. ઘણું મોડું થઇ ગયું છે. સુઈ જાઓ. કાલે વાત કરજો.

રાજ કઈ વધારે બોલ્યો નહીં અને બસ આટલું જ કહ્યું, “સારું તો! તું એક કામ કર, તું સુઈજા. હું બહાર રૂમમાં ટીવી જોઉં છું.”

મીરાએ હલકા સ્મિત સાથે કહ્યું, “સારું જાઓ પણ જલ્દી આવી જજો.”

પછી રાજ બહારના હોલમાં ટીવી ચાલુ કરીને બેઠો. લગભગ કલાક જેવું થયું પણ રાજ બેડરૂમમાં ના આવ્યો એટલે મીરા બહાર હોલમાં આવી અને તેણે જોયું કે ટીવી ચાલુ હતું પણ રાજ ત્યાં હાજર નતો. તેણે રસોડામાં જોયું, તો રાજ ત્યાં પણ નતો. એટલી જ વારમાં કોઈએ ઘરનો દરવાજો ખખડાયો. મીરાએ દરવાજો ખોલ્યો તો જોયું કે તેની દીકરી માયરા દરવાજાની બીજી બાજુ ઉભી હતી.

માયરાને જોઈને જ મીરા એવું સમજી ગયી કે રાજ આખરે માયરાને તેના મામાના ઘરેથી લઈને આવ્યો ત્યારે જ તેને કળ વળી. એટલામાં જ માયરા તરત જ પૂછી ઉઠી, “મમ્મી, પપ્પા ક્યાં ગયા? એમના વગર નતું ગમતું.”

આ સાંભળીને મીરા આશ્ચ્રર્ય પામી ગઈ. તરત જ તેણે માયરાને સામુ પૂછ્યું, “શું? પપ્પા તને લેવા નથી આયા? તો તું કોની સાથે આવી?”

“મામા સાથે.” નાનકડી માયરાએ કહ્યું.

એટલામાં જ માયરાના મામા બઁગલામાં ગાડી પાર્ક કરીને અંદર આવ્યા અને કહ્યું, “આ તારી દીકરી તારા જેવી જ છે મીરા. એકદમ ઝીદ્દી. પપ્પા જોડે જવું છે, લઇ જ જાઓ ના સુર પર જ અટકી ગઈ હતી.”

ત્યારે જ મીરાનો મોબાઈલ રણક્યો. ફોન તેના પિયરેથી હતો. રાજ તેના પિયરે માયરાને લેવા પહોંચી ગયો હતો. આટલું સાંભળીને મીરા મનમાં મલકાઈ અને તેના ભાઈ સામે જોઈને બોલી ઉઠી, “ઝીદ્દી? મારા જેવી? ના રે. રાજ પર ગઈ છે, આ શેતાન.”

નાનકડી માયરા આ સાંભળીને માસુમ અવાજ સાથે ખિલખિલાયી. પછી માયરાના મામાએ વિદાય લીધી. અમુક સમયમા જ રાજ તેના ઘરે પરત ફર્યો અને માયરાને જોઈને ખુશ થઇ ઉઠ્યો. બન્ને બાપ-દીકરી ઝીદ્દી હતા પણ આવી ઝીદ વિના પ્રેમની શું મજા!

તે રાત્રે રાજે માયરા જોડે અમુક સમય વિતાવીને તેના રૂમમાં સુવડાવી દીધી. પછી મીરાએ રાજને એક કડવું સત્ય કહ્યું, “બહુ માયા ના બાંધ. પરણીને સાસરે જતી રહેશે ત્યારે તું સાસરે નહીં જઈ શકે.”

આ સાંભળીને રાજે તે જવાબ આપ્યો જે દુનિયાનો દરેક પિતા તેની ઝીંદગીમા એકવાર કોઈક ને કોઈક ને તો આપે જ છે. માસુમિયતભર્યા ભાવ સાથે રાજે જવાબ આપતા જણાવ્યું, “નહીં કરાવું એના લગ્ન. મારી દીકરીને મારી પાસે જ રાખીશ.”

તે સમયે મીરાએ રાજની ભાવનાને પ્રાધાન્ય આપી એટલે આગળ કઈ બોલી નહીં અને તેના માથા પર ફક્ત એક ચુંબન કરીને સુઈ ગઈ.

વર્ષો પછી માયરાના સાસરાની બહાર ગાડીમાં બેઠેલ રાજે ભૂતકાળનો આ પ્રસંગ યાદ કર્યો અને ગાડી માયરાના બઁગલા તરફ વાળવાની જગ્યાએ આંખમાં પાણી સાથે બીજી દિશામાં વાળી દીધી. મર્યાદા અને રીતિ-રિવાજ જેવા સમાજના પવનોને આધીન એક બાપ તેની દીકરીને વારંવાર ફક્ત યાદોની દિશામાં જ મળી શક્યો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી