ભૂતકાળ – કાશ ખરેખર પોતાના પહેલા પ્રેમને ભૂલવો આટલો સરળ હોત, લાગણીસભર વાર્તા…

“તમે તમારો ભૂતકાળ સળગાવીને ભવિષ્ય સુરક્ષિત કરી લીધું.. હું ભૂતકાળ જણાવીને ભવિષ્ય સળગાવવા નથી માંગતી…”

લગ્નની વિધિ પૂરી થઇ. નવદંપતી ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછીની ધાર્મિક વિધિ પણ પૂરી થઇ. સાંજનો સમય મહેમાનો ધચ્ચે વીતી ગયો. પછી આવી રાત… જે રાતનો ઇન્તજાર સમજણ આવ્યા પછી દરેક યુવક-યુવતીને હોય છે એ રાત… હું અને તું માંથી આપણે થવાની રાત… થોડો ડર.. થોડી મુંઝવણ… થોડા રોમાંચની મિશ્ર લાગણીથી મન ઉભરાય છે તે રાત… આ રાતનો ઇન્તજાર મુગ્ધાએ પણ કર્યો હતો અને ઇશાને પણ કર્યો હતો.

image source

બન્નેના જીવનની સહિયારી રાત આજે આવી હતી ઇશાનની બહેન અને કુટુંબની અન્ય સ્ત્રીઓ મુગ્ધાને તૈયાર કરીનૈ રૂમમાં મૂકી આવી. થોડીવાર પછી ઇશાન રૂમમાં ગયો. ધડકતિ દિલ અને ઉછળતા અરમાન સાથે તેણે રૂમમાં પગ મૂકયો. બારણાની સ્ટોપર બંધ કરતા તેનું દિલ જાણે ઉછળી આવ્યું. પછી દિલના તમામ અરમાનો પર કાબુ મેળવીને પલંગ તરફ જોયું. શણગારેલા પલંગ પર સંગેમરમરની પ્રતિમા જેવી મુગ્ધા બેઠી હતી… ઇશાનના પગલાના અવાજ સાથે તેણે સહેજ ઊંચે જોયું અને પછી શરમથી નજર ઝૂકાવી દીધી. ઇશાને તેના તરફ પગ ઉપાડયો… ત્યાં જ…. એ જ ક્ષણે તેને ઝાકળ યાદ આવી ગઇ…

ઝાકળ… ફૂલોની પાંદડી પર થીજેલી ઝાકળ જેવી જ સુંદર, કોમળ… જોઇને જોતા જ રહેવાનું મન થાય તેવી નિર્દોષ ઝાકળ… ઇશાનની જિદગીમાં બાવીસમાં વર્ષે ઝાકળ પ્રવેશી, ત્યારે ઇશાનને સમજાયું કે અત્યાર સુધીની જિંદગી એ તો માત્ર શ્ર્વાસોનો સરવાળો જ હતો…. જિંદગી ખરેખર શું કહેવાય એ તો હવે સમજાયું બે વર્ષનો ધોધમાર પ્રેમ… કેટકેટલી મુલાકાત… હજારો ફોટા… કેટકેટલા મેસેજીસ… કેટલી ફિલ્મો.. કેટલી ગીફટ… ઇશાનને ખુદને કયારેય ગણત્રી ન થઇ શકે એટલી યાદો… અને અચાનક એક ઝઘડો… અને બન્ને વચ્ચેના પ્રેમનો મહેલ ધરાશાયી… હૈયાના હેતથી ગુંથેલી સપનાની દુનિયા નસીબના ખેલથી બદલાઇ ગઇ અને ઇશાન-ઝાકળ અલગ થઇ ગયા. કેટલાય દિવસો સુઘી ઇશાન બહાવરો બનીને ફરતો રહ્યો અને પછી નસીબમાં લખેલું હોય તેમ જ થાય એવી માનસિકતા સાથે પોતાની જાતને દુનિયામાં ગોઠવતો ગયો.

image source

અને હાથની રેખાઓમાં જયાં ઝાકળથી છુટા પડવાનું લખ્યું હતું ત્યાં જ મુગ્ધાથી મળવાનું પણ લખ્યું જ હતું…. સૌંદર્યની દેવીના આશીર્વાદ લઇને જન્મી હોય તેવી મુગ્ધા… માતાપિતાએ જયારે તેનો ફોટો ઇશાનને બતાવ્યો ત્યારે ઇશાને એક સરાસરી નજરે જોઇ લીધો, ઝાકળના ગયા પછી જાણે તેની પોતાની પસંદગી મરી ચૂકી હતી, પણ મુગ્ધાને પ્રત્યક્ષ જોઇ ત્યારે લાગ્યું કે, ઇશ્ર્વર હજી તેના પર મહેરબાન છે, ઝાકળ કરતા વધુ સુંદર, પાણીદાર આંખો અને ઉચ્ચ ભણતર સાથેની મુગ્ધા વાત કરતી ત્યારે તેની છટા, તેનામાં રહેલું ઠરેલપણું ઇશાનને આકર્ષી ગયું. અને લગ્ન માટે દિલથી હા પાડી દીધી. મુગ્ધાને હા પાડયા પછી ઇશાને જાતને વચન આપ્યું કે, ‘મુગ્ધાને દિલથી અપનાવીશ, આસમાનની ઊંચાઇ જેટલો પ્રેમ આપીશ, ઝાકળને ભૂલી જઇશ.’

અને ઇશાન મુગ્ધાના લગ્ન થઇ ગયા. મિલનની રાત આવી ગઇ. મુગ્ધા તરફ ઉપાડેલા કદમ અને અટકી ગયેલા મન સાથે ઇશાન વિચારતો હતો, ‘આને મુગ્ધાનો દ્રોહ કહેવાય? હવેની જિંદગીના તમામ વર્ષો, તમામ સુખદુ:ખમાં જે મારી સાથી બનવાની છે, તેનાથી મારો ભૂતકાળ છુપાવવો એ પાપ ન કહેવાય ? ઝાકળ સાથે પ્રેમ જ હતો, બીજું કંઇ ન હતું, છતાં મારી જિંદગીના બે વર્ષ પર ઝાકળના પ્રેમનો અધિકાર હતો, તે મુગ્ધાથી છુપાવવું જોઇએ કે કહી દઉં ? લગ્નજીવનના પ્રથમ પગથિયે ભૂતકાળ પાછળ છોડીને આગળ વધવું એ જ પવિત્રતા ગણાય…’ એમ વિચારી તે મુગ્ધા તરફ આગળ વધવાને બદલે સાઇડમાં રાખેલા કબાટ તરફ વધ્યો. કબાટ ખોલ્યું, અંદરનું ચોરખાનું ખોલ્યું અને તેમાંથી એક પેનડ્રાઇવ કાઢી.. મુગ્ધા જોઇ રહી, કંઇ બોલી નહી…

image source

ઇશાન પેનડ્રાઇવ લઇને મુગ્ધા તરફ વધ્યો, મુગ્ધાના હાથમાં પેનડ્રાઇવ આપી, મુગ્ધાએ આંખમાં પ્રશ્ર્નાર્થ સાથે કહ્યું, “ઇશાન… કબાટના ચોરખાનામાં બે જ વસ્તુ સચવાયેલી હોય છે, એક તો ઘરેણા અને બીજી જુના ઝખ્મોની યાદી… ઘરેણા તો મારી પાસે છે, તો હું માનું છું ત્યાં સુઘી આ તમારા ઝખ્મોની યાદી છે.”

“હા… મુગ્ધા… આ મારો ભૂતકાળ છે, તારા હવાલે કર્યો, તું જ તેનો નાશ કર, પછી જ આપણે આપણી દુનિયામાં એકસાથે પગ ઉપાડીએ” ઇશાને કહ્યું. “શું નામ હતું તમારા ભુતકાળનું ? અને આ મને શું કામ આપો છો ??” મુગ્ધાને હજી ઇશાનના વર્તન સામે સવાલ હતો.

image source

“તેનું નામ ઝાકળ હતુ, સમયના વહેણ સાથે ઉડી ગઇ અને આ તને આપવાનું એક જ કારણ કે હવેથી હું સર્વાંગ તારો છું, મારી આવનારી દરેક ક્ષણ, દરેક શ્ર્વાસ પર તારો અધિકાર છે અને એટલે જ મારી પાછલી જિંદગીની તને વાત કરવી એ જ મારી ફરજ ગણીને તને આપું છું, તું જ જાતે તેનો નાશ કર” ઇશાને મુગ્ધાનો હાથ પકડી લીઘો. મુગ્ધા એક ક્ષણ જોઇ રહી. પછી પતિની ભાવનાની કદર કરતા તેણે પેન ડ્રાઇવ તોડી નાખી…. અને તેના કટકા કરીને ડસ્ટબીનમાં નાખી. ઇશાનના મન પરથી ભાર ઊતરી ગયો, હવે તે મુગ્ધા તરફ વધ્યો અને નવજીવનના રસ્તે બન્ને વળી ગયા.

image source

વહેલી સવારે મુગ્ધા હળવેકથી ઉઠી. ઇશાન ભર ઊંઘમાં છે તેની ખાત્રી કર્યા પછી ઊભી થઇ ઊંધતા ઇશાન તરફ વહાલભરી નજર કરીને ઘીમેથી પોતાની બેગ ખોલી. સાડીઓની વચ્ચે રાખેલું એક પર્સ ખોલ્યું અને તેમાંથી એક નાનકડું મેમરી કાર્ડ કાઢયું. એક નજર ઇશાન તરફ કરીને બાથરૂમાં ગઇ. મેમરી કાર્ડ ટોયલેટમાં નાખીને ફલશ કરી દીધું. આંખમાં આવતા આંસુને લૂછીને બોલી, “ઇશાન.. માફ કરજે, તે તો તારો ભૂતકાળ મારી પાસે જાહેર કરીને તારી જાતને ચોખ્ખી કરી લીધી, ઇશાન ભૂતકાળ અમારે સ્ત્રીઓને પણ હોય છે, પણ સ્ત્રીઓને પુરુષો જેવી નિખાલસતા પરવડતી નથી. પતિનો ભૂતકાળ તો પત્ની માફ કરી દે છે, પણ પત્નીનો ભૂતકાળ જાણતા જ પતિ તેના ભવિષ્યને દુ:ખદાયક બનાવી દેતા હોય છે… હું તારી છું એ સાબિત કરવા મારો ભૂતકાળ જાહેર કરીને આવનારા દિવસોને નહીં સળગાવું…”

…. અને પાંચ મિનિટ પછી મનના ભારથી હળવી થઇને પાછી આવીને ઇશાનને વળગીને સુઇ ગઇ.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ