ભૂંગળા બટેટા : નાના મોટા દરેકની પસંદ નાનકડી પીકનીકમાં કે બગીચામાં બેસીને ખાવાની મજા જ અલગ છે…

મિત્રો, ભૂંગળા બટેટાએ કાઠિયાવાડની ફેમસ અને સૌની માનીતી એવી સ્ટ્રીટ ફૂડ ડિશ છે. તેને સ્ટાર્ટર તરીકે તેમજ નાસ્તા તરીકે બનાવીને સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી, સ્પાઈસી અને તીખા-તમતમતા સ્વાદમાં હોય છે. દેખાવમાં તો એવા ટેમ્ટીંગ હોય છે. કે જોઈને જ મોંમાં પાણી આવી જાય છે. અને સાથે ક્રિસ્પી ભૂંગળા ઓ હો શું મજા આવે, તો ચાલો જોઈએ ભૂંગળા બટેટા બનાવવાની ઇઝી રેસિપી.

સામગ્રી:

Ø 250 ગ્રામ બટેટા

Ø 1/2 કપ કોથમીર

Ø 50 ગ્રામ મસાલા સીંગ અથવા ખારીશીંગ, Ø 2 ટે-સ્પૂન લાલ મરચું (કાશ્મીરી), Ø 25 કળી જેટલું લસણ, Ø 1/4 ટે-સ્પૂન મીઠું, Ø 50 ગ્રામ કાચા ભૂંગળા (ફ્રાઇમ્સ), Ø 1 ટે-સ્પૂન લીંબુનો રસ, Ø 2 ટે-સ્પૂન તેલ

તૈયારી :

Ø બટેટા બાફીને છાલ ઉતારી લો, Ø કોથમીર ધોઈને સાફ કરી બારીક સમારી લો, Ø શીંગને ક્રશ કરી લો, Ø લસણને ચટણી સાથે પીસીને લસણની ચટણી બનાવી લો.

રીત :

1) સૌ પ્રથમ બટેટા ધોઈને સાફ કરી બાફી લો. જો નાનકડા બટેટા હોય તો ત્રણ સીટીમાં બફાઈ જાય છે. બટેટાની છાલ ઉતારી લો. મોટા બટેટા હોય તો ટૂકડાઓ કરી લો.2) હવે લસણની ચટણી થોડી પાતળી કરી લો. તે માટે એક મોટા બાઉલમાં લસણની ચટણી, ચપટી મીઠું , અને બે ટેબલ સ્પૂન પાણી નાંખી હાથથી ચોળી સરસ પાતળી સ્મૂથ ડોઇ લો.

3) સીઝનીંગ કરવા માટે એક કડાઈમાં બે ટે-સ્પૂન તેલ તળવા ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ડોઈને પાતળી બનાવેલી લસણની ચટણી નાંખો. મીઠું ઉમેરો સરસ મિક્સ કરો અને માત્ર એક જ મિનીટ માટે ચડવા દો. જેથી લસણની કચાશ દૂર થાય. હવે તેમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી નાંખી બરાબર મિક્સ કરો. અને એક થી બે મિનીટ સુધી ચડવા દો.

4) હવે બાફેલા બટેટા પર મસાલા-સીંગ, ખારીશીંગ અથવા શીંગદાણાનો ભૂકો ઉમેરો.તેના પર બારીક કાપેલી કોથમીર અને લીંબુનો રસ નાંખો. હવે તેના પર વધારેલી લસણની ચટણી નાખો. સરસ રીતે મિક્સ કરો. કોથમીરથી ગાર્નિશ કરો.

5) તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. મિડિયમ તેલ ગરમ કરી ભૂંગળા તળી લો.

6) બસ તૈયાર છે ભૂંગળા બટેટા, મસાલેદાર બટેટાને ભૂંગળામાં લઈને ઇન્જોય કરો.

તૈયાર છે ભૂંગળા બટેટા, વરસાદી માહોલ છે. વાતાવરણમાં સર્વત્ર ઠંડક વ્યાપેલી છે. આવા સમયે સ્પાઈસી અને ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય તો જરુર ટ્રાય કરજો. ભૂંગળા બટેટા મજા આવી જશે.

નોંધ :

Ø જો સાવ નાનકડા બટેટા હોય તો આખા રાખી શકાય, પરંતુ મોટા હોય તો નાનકડામાં ટુકડા કાપી લો.

Ø મસાલા-સીંગ , ખારી શીંગ અથવા સીંગદાણા કાંઈ પણ સ્વાદ મુજબ લઇ શકાય. તેનો બારીક પાવડર નહીં પરંતુ સહેજ કણીદાર ક્રશ કરવા.

Ø જો લસણવાળી ચટણી ઓછી યુઝ કરવી હોય તો , એક ટમેટાની ગ્રેવી કરીને વઘારમાં નાંખીને બે-ચાર મીનીટ્સ ચડવા દેવી. જેથી સ્વાદ સરસ આવે અને એટ્રેક્ટીવ લાલ કલર પણ આવે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

દરરોજ આવી અનેક અવનવી રેસીપી શીખો અમારા પેજ પર, આ વાનગી બનાવજો અને ફોટો અમને જરૂર મોકલજો, તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.