ભારતની આ દીકરીએ બોડી બિલ્ડીંગ માં રોશન કર્યું ભારતનું નામ, જોઈને તમે પણ કહેશો “દમ છે”

પુરુષના પેંગડામાં પગ નાખવાની હિંમત કરનાર બોડી બિલ્ડર ભૂમિકા શર્મા

આજે ફરી એકવાર ખેલ જગતમાં નારીચેતનાનું નામ ઝળહળતું જોઈને આનંદ થાય છે .નારીને મુખ્ય કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ફિલ્મ દંગલ યાદ આવે છે ,મેરી કોમ યાદ આવે છે .એવી બીજી ઘણી જ વાતો કે ફિલ્મ છે જેમાં આપણે નારીશક્તિ ઉજાગર થતી જોઈ છે .કોઈપણ ક્ષેત્ર જોઈ જુઓ , વર્તમાન સમયમાં શિક્ષણ ,રમત-જગત, અંતરીક્ષ ,ફિલ્મ ,વિજ્ઞાન ,રાજકારણ ,બિઝનેસ કે અન્ય કોઈપણ ક્ષેત્ર એવું નથી જેમાં મહિલાઓનું વિશેષ યોગદાન ન હોય.

image source

ચાલો ,આજે એક એવી જ નારી પ્રતિભા વિશે જાણીએ ,જેણે પુરુષ પ્રધાન ક્ષેત્રમાં એક નવી જ દિશા ખોલી આપી છે .

image source

ભૂમિકા શર્માનું નામ અત્યારે કોઈનાથી અજાણ્યું નથી . ભૂમિકા શર્મા નામની ચર્ચાએ ખાસ્સુ જોર પકડ્યું છે .કારણ ભૂમિકાએ મહિલાઓ માટે ખાસ એક નવો ચીલો ચીતર્યો છે .બોડીબિલ્ડીંગ ક્ષેત્ર પુરુષોનું ક્ષેત્ર માનવામાં આવે છે .લગભગ એવું જોવામાં આવે છે કે સ્ત્રીઓ બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં રસ નથી ધરાવતી હોતી.જીમ જવા વાળી સ્ત્રિઓ પણ મોટેભાગે ફિગર પર વધારે ધ્યાન આપે છે .

image source

બોડી બિલ્ડીંગ એમના ગમતા ક્ષેત્રથી દૂર નો વિષય રહ્યો છે ,કારણ કે મોટેભાગે મહિલાઓનું માનવું એવું હોય છે કે બોડી બિલ્ડિંગ પુરુષોનું ક્ષેત્ર છે .મહિલાઓના શરીરની નજાકત બોડી બિલ્ડીંગથી જોખમાય છે. નાજૂક અને કોમળ શરીર સ્ત્રીનું સૌંદર્ય વધારે છે એવી માન્યતા , વિચારો અને ચર્ચાની વચ્ચે દહેરાદૂનની ભૂમિકા શર્માએ વ્યાવસાયિક ધોરણે બોડી બિલ્ડિંગનું ક્ષેત્ર પસંદ કર્યું છે ,અને વૈશ્વિક મંચ પર 50 દેશોમાંથી આવેલી મહિલા પ્રતિસ્પર્ધીઓને પછાડીને બોડી બિલ્ડિંગ ક્ષેત્રે મિસ વર્લ્ડનો ખિતાબ પણ હાંસિલ કર્યો છે.

image source

ભૂમિકા શર્મા સામાન્ય રીતે પુરુષોના દાયરાના માનવામાં આવી રહેલા ક્ષેત્રમાં પણ આત્મવિશ્વાસ , કઠોર પરિશ્રમ , હાર નહીં સ્વીકારવાની અને હિંમતભેર આગળ વધવાની વૃત્તિ ને પરિણામે પોતાનું સ્થાન મજબુત કરી ચૂકી છે. 21 વર્ષની ઉંમરમાં બોડિબિલ્ડિંગ ક્ષેત્રમાં મિસ વર્લ્ડનો તાજ પહેરનારી ભૂમિકા શર્મા ભારતની પ્રથમ મહિલા છે.

image source

ભૂમિકાએ 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ હાંસિલ કર્યા બાદ પાછું વાળીને જોયું નથી. 2017 બાદ પણ ભૂમિકા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે ઘણા બધા સન્માનિત એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છે. ભારત સરકારે પણ ખેલ ક્ષેત્રે સન્માનિત એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ભૂમિકાને એનાયત કરી ભૂમિકાનું સન્માન કર્યું છે.

image source

2017માં ઇટાલીના વેનિસ શહેરમાં યોજાયેલી બોડી બિલ્ડીંગ ક્ષેત્રની મિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સફળતા મેળવ્યા બાદ ભૂમિકા વર્લ્ડ યુનિવર્સ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યા છે .ભૂમિકા શર્માએ વર્લ્ડ મેચ્યોર બોડી બિલ્ડીંગ એસોસિએશન કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

image source

કોઈપણ સફળતા એટલી આસાનીથી પ્રાપ્ત થતી નથી. એમાં પણ ક્ષેત્ર જ્યારે પુરુષ પ્રધાન હોય અને નારીચેતના એ ક્ષેત્રમાં પગપેસારો કરીને પોતાનું નામ સ્થાપવાનું હોય ત્યારે ઘણી અડચણ રસ્તામાં રાહ જોઈને બેઠી હોય છે .ભૂમિકાએ પણ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. શરૂઆતમાં શૂટિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવાની ઈચ્છા ધરાવનાર ભૂમિકાની રૂચી અચાનક જ બોડી બિલ્ડીંગ વળી.

image source

બોડી બિલ્ડિંગ માટે ભૂમિકા દિવસના સાત કલાક વર્કઆઉટ કરતી હતી. પોતાના ક્ષેત્રની માંગ મુજબ શરીરને મજબૂત અને કસાયેલું કરવા માટે કસરતની સાથે સાથે ભૂમિકાએ ડાયટ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂમિકા શર્માએ સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરવાની સાથે વર્કઆઉટ અને સ્ટ્રેચિંગની મદદથી શરીરની વધારાની ચરબી ઓગાળી સૌથી પહેલા ફિટનેસ હાંસિલ કરી.

image source

બોડિબિલ્ડિંગ ક્ષેત્રની પસંદગી કરવા મજબૂત અને મસલ્સથી કસાયેલું શરીર બનાવવાના ઇરાદા બદલ ભૂમિકા શર્મા ઘણી વખત મજાકનો વિષય પણ બન્યા. બોડી બિલ્ડીંગમાં તેની રૂચી જાણ્યા બાદ રસ્તે ચાલતા લોકોએ પણ તેની મજાક શરૂ કરી. પણ કહે છેને કે જેણે પોતાના લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેને બાકીની તમામ વાતો નિરર્થક લાગે છે.

image source

ભૂમિકાએ પણ અર્જુનની આંખની માફક પોતાનું લક્ષ માત્ર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ બનાવી દીધું હતું. લોકોની મજાક ભૂમિકાની મંઝિલ આડે જ્યારે પણ અંતરાય બની શકી નહીં. ભૂમિકાએ પોતાનું ધ્યાન રનિંગ અને વેઇટલિફ્ટિંગ પર કેન્દ્રિત કર્યું. એટલું જ નહીં ભૂમિકા સતત શરીરને મળનારી એક-એક કેલેરીનો પણ હિસાબ રાખી રહી હતી.

image source

મજાની વાત એ છે કે ભૂમિકા શર્માની માતા હંસા શર્મા પોતે જ ભૂમિકાની કોચ છે. હંસા શર્મા પોતે પણ ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમની કોચ છે .ભૂમિકાની માતા ભૂમિકાનો આદર્શ બન્યા. મોસાળમાં મા પીરસનાર હોય તો બેવડો લાભ હોય . અહીંયા ભૂમિકાને પણ પોતાની માતા જ તેની પ્રેરણા મૂર્તિ પણ હતી અને તેની કોચ પણ હતી એનો બેવડો લાભ મળ્યો.

image source

અને ભૂમિકા એ કઠોર પરિશ્રમ અને સતત લગન દ્વારા બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં સ્થાન પ્રાપ્ત કરીલીધું .જો કે શરુઆતમાં ભુમિકાના માતા-પિતા તેના નિર્ણયથી નાખુશ હતાં પણ આખરે તેમણે પણ દીકરીની પસંદગી વધાવી લીધી.

image source

ભૂમિકા શર્મા જેવી દેશમાં ઘણી મહિલાઓ છે જેમણે પોતાની ઉડાન પોતાની જ પાંખોથી મજબૂત કરી છે. ખેલ ક્ષેત્રમાં વેઇટ લિફ્ટીંગ ક્ષેત્ર પણ પુરુષપ્રધાન ક્ષેત્ર છે, જેમાં તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની બિથીકા મંડલે પણ પગદંડો જમાવ્યો છે. બિથીકા મંડલે પણ અતિશય સંઘર્ષ બાદ સફળતા હાંસિલ કરી છે.

image source

ભારત એવો દેશ છે જ્યાં નારીચેતના હિંમતભેર સતત કાર્યરત રહી છે. આવું જ એક હિંમતવાળું નામ એટલે ડોક્ટર રાની બંગ, જેમણે નક્સલવાદીઓના ગઢમાં જઈ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય સંબંધિત જાગૃત કરવાનું કામ કર્યું છે એટલું જ નહીં એક ડૉક્ટર તરીકે તેમણે નકસલિસ્ટ મહિલાઓની સારવાર પણ કરી છે.

image source

પોતાની પાંખ ફેલાવી બહેતરીન ભવિષ્ય માટે કાર્યરત મહિલાઓ માત્ર પોતાનું જ ભવિષ્ય ઉજ્જવળ નથી કરતી પણ આવી મહિલાઓ અન્યને માટે પણ પ્રેરણારૂપ બને છે .આવી નારીશક્તિ એમના જીવનકાર્ય દ્વારા જ અન્ય મહિલાઓને સુરક્ષા ,રોજગાર, શિક્ષણ તથા ન્યાય જેવા ક્ષેત્રમાં મદદ પૂરી પાડી તેમનું જીવનસ્તર પણ ઉચું લાવવા સતત પ્રયત્નશીલ રહે છે .આવી નારીચેતના ભારતનું ગૌરવ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ