ભુલાયેલી લાગણી – કામ અને પૈસા કમાવવાની પાછળ ક્યાંક તમે પણ આવી ભૂલ તો નથી કરતા ને? લાગણીસભર વાર્તા…

*” ને અચાનક પળ મહીં આ મન થયું પંખી સખી…*

*હાથ ફેલાવીને તને આગોશમાં ઝંખી સખી…”*

ઓ.. હો…હો… કેટલું મોડું થઈ ગયું… એલાર્મ બંધ કરીને પાછી સુઈ ન ગઈ હોત તો સારૂં થાત, બોલતા બોલતા વાળ બાંધી શ્રેયા ઊભી થઈ. ઘડિયાળમાં જોયું તો કાલની તારીખ બદલાયેલા ૧૪ તારીખ આવી ગઈ હતી. ૧૪ ફેબ્રુઆરી… તેને યાદ આવ્યું કે ૨૫ વર્ષ પહેલાં આજના દિવસે નિખિલે તેને પ્રપોઝ કર્યું હતું. અને તેણે સ્વીકાર પણ કર્યો હતો. પ્રેમના ત્રણ વર્ષ પછી બન્નેના લગ્ન થયા હતાં.

image source

પ્રેમના સમયમાં નિખિલ કેવો રોમેન્ટિક હતો… નિખિલ ની ઓફિસના સમય સિવાય બન્ને સાથે જ રહેતા. સાંજ પડવાની સવારથી રાહ જોતા. રોજ સાંજે ફરવા જવું…. હાથમાં હાથ નાખીને ચાલતા રહેવું… એકબીજાની આંખોમાં આંખ નાખી કલાકો સુધી બેસી રહેવું… નિખિલનું માથું પોતાના ખોળામાં લઈને તેના વાળમાં હાથ ફેરવતા ફેરવતા ક્યારે રાત પડી જતી તેની ખબર જ ન પડતી.

પ્રેમના ત્રણ વર્ષ તો જાણે કેમ વીતી ગયા કંઈ ખબર જ ન પડી. લગ્ન કરીને સાસરે આવી ત્યારે શરુઆતના વર્ષોમાં બન્નેનો પ્રેમ એવો જ રહ્યો. પ્રેમમાં જ સાંજ અને પ્રેમમાં જ સવાર ક્યારે પડતી તે ખબર જ ન પડતી. લગ્નના બે વર્ષ પછી વિશ્ર્વાસ અને પછી બે વર્ષ પછી સપનાનો જન્મ થતાં તેની દુનિયા સંપૂર્ણ બદલાઈ ગઈ. ધીમે-ધીમે નિખિલ તેનાં ધંધામાં અને શ્રેયા તેના ઘરની દુનિયામાં ખોવાઇ ગઇ. બન્ને બાળકોને મોટાં કરવા… સ્કુલનો સમય સાચવવો… ઘર સાચવવું તેવા કામમાં બન્નેને એકબીજા માટે સમય જ ન મળતો. પ્રેમ તો હતો જ… પણ હવે તેનો અહેસાસ ઓછો થતો ગયો.

image source

નિખિલ આખો દિવસ ઓફીસે હોય, ઘરે આવે ત્યારે શ્રેયા ઘરના કામમાં વ્યસ્ત હોય અથવા બાળકોને ભણાવતી હોય. નિખિલ ઘણીવાર બહાર જવાનું કહે પણ શ્રેયા ના પાડે. એટલે નિખિલ એકલો નીકળી જાય, પાછો આવે ત્યારે શ્રેયા થાકીને સુઈ ગઈ હોય. બધું યાદ આવતા તેણે બાજુમાં સુતેલા નિખિલ સામે જોયું. તેને જોતા તેના દિલમાં વ્હાલ ઉમટ્યું. નીચે નમીને ગાલ પર કીસ કરી.

image source

શ્રેયાએ વિચાર્યું કે આજે નિખિલને ઓફિસે જવાની ના પાડીશ. પ્રેમના પચ્ચીસ વર્ષની ઉજવણી કરવી છે. કેટલા સમયથી બન્ને એકલા નથી રહ્યા. આજે તે ખોટ ભરપાઈ કરવી છે. તેણે ટેબલ પર કેલેન્ડર નિખિલનુ ધ્યાન પડે તેમ મુક્યું. બહાર કુંડામાંથી ગુલાબ લાવીને નિખિલ ની બાજુમાં મૂક્યું. પછી ફટાફટ બન્ને બાળકોને ઊઠાડીને બહાર આવી. બન્નેને તૈયાર કરી, દૂધ પીવડાવી, નાસ્તો કરાવી સ્કુલે મોકલ્યા. તે ખુશ હતી.

આજે ફરીથી ૨૫ વર્ષ પહેલાંનો દિવસ જીવવો હતો. તેણે વિચાર્યું તૈયાર થઈને નિખિલને ઉઠાડે. ફટાફટ નાહીને નિખિલની પસંદના કલરની સાડી પહેરીને બહાર આવી. તે ઉઠાડે તે પહેલાં નિખિલનો મોબાઈલ વાગ્યો.. નિખિલ ઊભો થઈ ગયો, અને ફોનમાં મિટિંગના સમયની ચર્ચા કરતો બહાર જતો રહ્યો. શ્રેયાએ જોયું તો ગુલાબ અને કેલેન્ડર નિખિલની રાહ જોતા ત્યાં જ રહી ગયા.

image source

બે મિનિટમાં નિખિલ પાછો આવ્યો અને શ્રેયાને કહ્યું, “ઝડપથી ચાલી – નાસ્તો તૈયાર કરી દે, મારે અડધા કલાકમાં ઓફિસે જવું છે.” શ્રેયાએ તેને વિટળાતા કહ્યું, નિખિલ આજે ઓફિસે ન જાવ તો ન ચાલે..?” નિખિલ એકદમ ગુસ્સે થતાં બોલ્યો, ” કેવી વાત કરે છે ? પાગલ થઇ ગઇ છો કે શું ? કેટલી ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે, હવે મને વધારે મોડું ન કરાવ, જવા દે… ” એમ કહીને શ્રેયાને ખસેડીને બાથરૂમમાં જતો રહ્યો. શ્રેયાએ પહેરેલી સાડી પર એક નજર પણ ન કરી. શ્રેયાએ નિસાસો નાખી ફુલ બહાર ફેંકી દીધું. રસોડામાં આવીને મન વગર ચા- નાસ્તો બનાવ્યા.

image source

નિખિલ નાસ્તો કરતાં કરતાં ફોન પર તેના સ્ટાફને સૂચના આપતો રહ્યો. શ્રેયા યંત્રવત કામ કરતી રહી, અને નિખિલ બહાર નીકળી ગયો. ગાડી સ્ટાર્ટ કરતા નિખિલને તેની સેક્રેટરીનો મેસેજ આવ્યો કે, તે આજે ઓફિસે નહીં આવે, નિખિલે ગુસ્સામાં તેને ફોન કર્યો અને મિટિંગ વિશે જણાવી ઓફિસે આવવું જરુરી છે એમ કહ્યું. તેની સેક્રેટરીએ કહ્યું કે, “સર આજે ૧૪ ફેબ્રુઆરી છે, આજે વેલેન્ટાઇન ડે છે, આજે હું મારા બોયફ્રેન્ડ સાથે બહાર જવાની છું. તે મને આજે પ્રપોઝ કરવાનો છે. મારા માટે આજે મહત્વનો દિવસ છે. હું આજે નહીં આવું”

તેની વાત સાંભળીને નિખિલ વિચારમાં પડી ગયો. શ્રેયાનું વિંટળાઈ જવું, ઓફિસે આવવાની ના પાડી, નવી સાડી પહેરવી, તે બધું યાદ આવી ગયું. તેને એ પણ યાદ આવી ગયું કે, ૧૪ ફેબ્રુઆરીએ જ તેણે પણ શ્રેયાને પ્રપોઝ કર્યું હતું. તે શ્રેયા વિશે વિચારતો રહ્યો. શ્રેયા ધનવાન પિતાની પુત્રી હોવા છતાં તેના જેવા મધ્યમ વર્ગના યુવાનને પ્રેમ કર્યો હતો. શ્રેયા તેના જીવનમાં આવી પછી જ તેના નસીબે તેને સાથ આપ્યો હતો. સાધારણ નોકરીમાંથી આજે મોટો બીઝનેસમેન થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે આવડો ધંધો જમાવવામાં તે શ્રેયાને સાવ ભૂલી ગયો હતો.

image source

છેલ્લે ક્યારે શ્રેયાને મનભરીને પ્રેમ કર્યો હતો, ક્યારે તેની સાથે શાંતિથી વાતો કરી હતી તે યાદ જ ન આવ્યું. દરેક બીઝનેસ મિટિંગમાં સમયસર પહોંચતા પહોંચતા તે શ્રેયાથી દૂર થતો ગયો હતો. શ્રેયાએ ક્યારેય કોઈ ફરિયાદ કરી ન હતી, પણ આજે તેને થયું કે, તેણે શ્રેયા સાથે અન્યાય કર્યો છે. શ્રેયા ઘરમાં, બાળકોમાં વ્યસ્ત હોય ત્યારે તેને મદદ કરવાને બદલે તે એકલો બહાર જતો રહેતો.

આજે તેને ૨૫ વર્ષની જિંદગી યાદ આવી. કંઈક વિચારીને ઓફિસે ફોન કરી મિટિંગ કેન્સલ કરી નાખી. બજારમાં જઈ પહેલા તો શ્રેયા માટે સરસ સાડી લીધી. પછી ઢગલાબંધ ચોકલેટ લીધી. પછી ટોપલો ભરીને ફૂલ લીધા. બઘું લઈને એક કલાકમાં ઘરે પાછો ફર્યો. તેની પાસે ઘરની એક ચાવી હતી જ. બેલ મારવાને બદલે ધીમેથી દરવાજો ખોલીને અંદર ગયો. ઘરમાં જોયું તો શ્રેયા રસોડામાં ન હતી. તેને એક મિનિટ ચિંતા થઈ.

image source

પછી બેડરૂમમાં જોયું તો શ્રેયા પલંગ પર પડી પડી રડતી હતી. તે ફૂલનો ટોપલો લઈને તેની નજીક ગયો. શ્રેયા ઉંધી સુતી હતી, એટલે તેને કંઈ ખબર ન પડી. નિખિલે આંખો ટોપલો ફૂલ ધીમે-ધીમે શ્રેયા પર વર્ષા કરતો હોય તેમ નાખ્યા. શ્રેયા ચમકી ગઈ. સામે નિખિલને જોઇને આનંદીત થઇ ગઇ. તેની આંખમાંથી નીકળતા આંસુ નિખિલે પોતાની હથેળીમાં લીધાં. અને મુગ્ધાવસ્થાના પ્રેમીની જેમ કાન પકડીને શ્રેયાની માફી માંગી. શ્રેયા હસી પડી.

નિખિલને વિંટળાઈ ગઈ. આજે કેટલા દિવસ પછી બન્નેએ એકબીજાને મન ભરીને પ્રેમ કર્યો. આંખો દિવસ બન્ને સાથે રહ્યા. બન્નેને ભૂખ પણ ન લાગી. બપોરે વિશ્ર્વાસ અને સપના ઘરે આવ્યા, ત્યારે નિખિલને ઘરે જોઈને આશ્ર્ચર્ય પામ્યા, પણ મમ્મીની નવી સાડી, ટેબલ પર ચોકલેટનો ઢગલો જોઈને કંઈક સમજી ગયા હોય તેમ કંઈ બોલ્યા નહી. બસ‌ મમ્મી પપ્પાને ખુશ જોઈને બન્ને ખુશ થઈ ગયા. બઘા બપોર પછી બહાર ફરતા રહ્યા. આજે શ્રેયા બહુ ખુશ હતી. કેટલા વર્ષે તેને જાણે નિખિલ પાછો મળ્યો હતો. બઘાને ખુશ જોઈને નિખિલે નક્કી કર્યું કે અઠવાડીએ એક દિવસ તે ઘરમાં વિતાવેશે.

image source

પ્રેમ ક્યારેય કોઈનો ઓછો હોતો નથી. પણ ક્યારેક પૈસાની દોડમાં આપણે આપણને પ્રેમ કરતી વ્યક્તિને પાછળ ધકેલી દઈએ છીએ. પૈસા જરૂરી છે, પણ પ્રેમની જરૂરીયાત પણ ઓછી નથી. તમે પણ વધારે નહીં તો અઠવાડિયે એક સાંજ તો બાકી બધું કામ ભૂલીને કુટુંબ સાથે વિતાવજો. પછી જો જો… તેમના ચહેરા પરની ખુશી દુનિયાની કોઈપણ દોલત કરતાં કેટલી વધારે કિંમતી છે.‌

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ