ભુખ્યાને ભોજન – ભૂખ્યાને ભોજન કરાવવું એ તો પુણ્યનું કામ કહેવાય, પણ આવું પુણ્ય તો ખરેખર કોઈ ના કરી શકે…

ભુખ્યાને ભોજન??, દયા ધરમ ની જે !! આમ તો “શાંતવન સોસાયટી” શાંતિ અને સ્વચ્છતાની આગ્રહી હોઈ, એની ગલીમાં ફેરીયા, જાહેરાતવાળા, બાવા-સાધુ, સેલ્સમેન… કોઈને પણ અંદર આવવાની પરમિશન નહોતી પણ, હમણાં હમણાંથી એના એરિયામાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયેલું, એ પત્યા પછી એ શેરીના પાંચમા નંબરના મકાનમાં રહેતા રેવા માસીને દિલમા દીવો થયો (???) એણે કઈ એવું નક્કી કર્યું કે કોઈ માગણ આવે કે કોઈ સાધુ બાવા માગવા આવે તો…., ગરમ ગરમ રસોઈ એને જમાડવી, પછી એ જ પોતે મહિલામંડળની બેઠકમાં આનું એવું વર્ણન કરે…!!

રેવા માસી કહે,” બેન ! કોઈ માંગવા આપણે આંગણે આવે તે, અભ્યાગત કહેવાય. જેના ધઈન ભાઈગ ( ધન્ય ભાગ્ય ) હોય, એની ન્યા સામે આવીને પુઇન કમાવાનો મોકો આવે ! આંગણે આવેલ ભિખારી તો પુઇન કમાવાનો મોકો આપણને સામે ચાલીને આપે છે !! આ તો ઘરઆંગણે ગંગા !! બધી બહેનો તો તેની સામે અહોભાગ્ય થી જોવા લાગી !!

માસીએ આગળ ચલાવ્યુ, “હું તો ભઈ !, કામકાજ છોડીને એને પહેલાં જમાડી દવ !! આપણા આંગણે ‘ભૂખ્યાને ભોજન’ કરાવવા જેવી પુણ્યની ગંગા બીજી કઈ?? સોસાયટીના બિન્દુબેન, માલતીબેન, મધુબેન,… બધા બેન આ માસી સામે ઈર્ષાથી જોવા લાગ્યાં…. “રેવામાસીનું નસીબ કેવું ??? આપણે ય આવું કાંઈ વ્રત લઈ લઈએ !! પણ, હવે તો બાવા આવતાં ય નથી. રેવા માસી જ ભાઈગ..સાળી !!! કે એના ભાઇગમાં બાવો આવ્યો ??? હાળા, આપળા તો ભાઈગે ય ભમરાળા !!! ”

એવામાં અચાનક રેવા માસીને રાજકોટ રહેવા જવાનું નક્કી થયું ! એ કાયમના માટે ત્યાં સીફ્ટ થતા હતા. બધુ બરાબર આયોજન થયું . રેવામાસીને મળવા આખું મહિલામંડળ ગયું ‘આવજો’ કહેવા !! રેવામાસી તો રાજકોટના વર્ણનમાં પડી ગયા !! ત્યાં અમારે ઘરનું મકાન છે, ખુબ સરસ છે, મોટું છે, એરિયા પણ સારો છે, આમ છે, તેમ છે, પણ,… પણ …મહિલા મંડળમાંથી કોઈએ પૂછ્યું, ‘પણ શું માસી ?? તમને કાંઈ તકલીફ છે ??”

” બધું ય હારુ છે પણ, અહીં આંગણે ઘર બેઠા પુઇન કમાવવાની તક હતી… ઇ મહારાજ આવશે … એને કોણ જમાડશે ???” મહિલાઓ બોલી ઊઠી, ‘ અરે !!, અમે જ …. અમે … હું જમાડીશ.. હું જમાડીશ… તમે જરાય ચિંતા ન કરતા… “…. અને એકબીજાની સામે એવી કતરાવા લાગી જાણે કહેતી ન હોય ??જોઇ લેજો આ મોકો તો હું જ લઈશ !! કોઈ નો વારો આવવા દવ તો કહેજો ને ???”
માસી કહે, “હાશ !!, મારે બધું તો વ્યવસ્થિત આયોજન થઈ ગયું હતું પણ, આ એક ભૂખ્યાને મારે આંગણે ભજન આપવાનું બંધ થશે એની ચિંતા હતી !! આંગણે આવેલ , મા’રાજ નું શુ થાશે !! હવે ચિંતા ટળી !! બીજે દિવસે બપોર થયું… દરેકને થયું કે “માસીને જવાનું થયું તો હવે આ પુઇન કમાવાની તક તો હું જ લઈશ !!” માંગવાવાળો આવ્યો.!!.. અને બધા ઘરમાંથી ગરમ ગરમ રસોઈ ની સુગંધ આવવા લાગી. બાવો કહે, ” દયા ધરમ ની ….જે….!!!”

૪ નંબરના બ્લોકમાંથી બિન્દુબેન કહે, ” એ મહાત્મા ! અહીં આવો ! બાવો કહે, ” આવું છું… !” બીજા બ્લોકમાંથી ભારતીબેન કહે, ” મે તમારા માટે આજ તો વે’લી રસોઈ બનાવી લીધી છે …!! ” બાવો બોલ્યો, ” ઓ બેન, આવુ છુ…!!” સાત નંબરના બ્લોકમાંથી મધુબેન બોલ્યા, ” મારે ઘેર પધારી અમારૂ આંગણું પવિત્ર કરો !!” આ બાવો…ભિખારી તો .. આભો બની ગયો…!!! ભોજન માટે… આવો આગ્રહ તો … !! બાવા ભિખારીને સાત પેઢીમાં કોઈ દી કોઈએ કર્યો નહોતો !!!

એ તો સપનું જો’તો નથી ને ??? કોથરીનો (દારૂ ) પીધો’તો કાઈલે, હાળુ !! ઉતર્યો નથી લાગતો !!! એ તો કંઈ નક્કી ના કરી શકયો કે મારે કોને ઘેર પધરામણી કરવી !! ને ….. એ ત્યાં શેરીમાં જ ધબ્બ દઈને બેસી પડ્યો !!
ને આંગણે “ભૂખ્યાઓને ભોજન” કરાવવાનું ભાગ્ય પ્રાપ્ત નહી થાય !!!! અને ‘મને નહિ તો કોઈને નહિ !!!’ એમ સમજીને શેરીમાં જ જમાડવા માટે….બધી ભામિની !! થાળ લઈ આવવા લાગી !!.. અને બધાએ ભિખારીને પીરસ્યું ..રેવામાસી તો જોઈ જ રહ્યા !!” ચાર નંબરના બ્લોકમાંથી બિન્દુબેનના વહું બોલાવતા હતા, ” તમે આ નાનકડા ને સાચવો મારે નોકરી જવાનો ટાઈમ થયો… ! પણ , સાંભળે કોણ ??? ભારતીબેનના ઘરેથી એમના વર કહે,” ભારતી..! જમવાનું આપ મારે મોડું થશે !! ”

” એ.. રસોડામાં બધું પડયું છે… હાથે થાળી કરી લો… ‘આ’ તો ‘અમારે’ સાવ કેવા છે… !! આપણે કોઈ મહત્ત્વના કામમાં છીએ એ પણ જોતા નથી !!!” સાત નંબરમાંથી પાછા મધુબેનના બાળકોને સ્કૂલનો સમય બપોરનો હોવાથી જમીને જવાનું હોવાથી… મમ્મી !, મમ્મી !, કરે … “એ મમ્મી..!!, મારી સ્કૂલબસ આવી જશે અને જમવાનું આપ !! ” બિન્દુબેન મધુબેનને કહે, ” જાવ !!, તમને બોલાવે છે” મધુબેન કતરાતી નજરે કહે, “…તો ભારતીબેન ના વરને જમવાનું મોડું થાય છે !! ” ભારતીબેન કહે, ” ‘તી બિન્દુબેનના વવનેય મોડું થાય છે !! તો ય નથી જતા હું ય નય જાવ !! ”
આ મા’ત્માને (?)છોડીને જવા કોઈ તૈયાર નથી !! બધાના ઘરમાં ધમાચકડી બોલે છે !!…પણ આ બધી માનુનીઓ, આ મહાન (?) સાધુ ને જમાડીને પુઇન કમાવવા નીકળી પડી હતી …એનું શું ??…રેવામાસી તો.. આભા બની ગયા !! વાહ !! વાહ !! તમે બધા તો આ પુણ્યશાળી જીવને હાચવી લેહો !! હવે, હું નિરાંતે જાઈશ !! ” બીજા દિવસે રહેવા જવાના હોઈ, તેમના ઘરના બધા લોકો સામાન લઈને રાજકોટ શિફ્ટ થઈ ગયા. પેલો ભિખારી તો બીજે દિવસે વ્હેલો આવ્યો !! સૌ પોતપોતાના કામમાં મશગૂલ હતા . હજુ તો બપોર થયા નથી ને આ માંગણ આવી ગયો નથી !! ના !, ના !, આ લોકોની ભાષામાં કહીએ તો.. બપોર થયું નથી ને..અભ્યાગતને પધરામણી થઇ નથી ??…
4 નંબર, 6 નંબર, ૩ નંબર,….. બધા જ ઘરમાંથી બધી સ્ત્રીઓ ભાત ભાતના ભોજન લઈને હાજર !! ભારતીબેન તો એના વરને કોઈ’દી ગરમાગરમ ભોજન જમાડતા નહીં. મધુબેન બાળકો માટે રસોઈ કરતા કરતા રાડો પાડતા… ” સવારનો નાસ્તો ખાય ને જતા હો તો !!! ” બિંદુબેને તો નોકરી કરતી વહુ ને માથે જ રસોઈનો ભાર નાખ્યો હતો. એને બદલે બપોર થાય ત્યાં તો ગરમાગરમ રસોઈ પોતે જાતે બનાવીને તૈયાર રાખવા લાગ્યા !!

ધમાકેદાર સોડમ.. ખુશ્બુદાર રસોઈ.. દરેક ઘરમાં થવા લાગી !! ‘શાંતવન’ સોસાયટીના પુરુષો અને બાળકો તો આ અણધાર્યા ફેરફારને સમજી શકતા નહોતા !! અને …આ સન્નારીઓ પુણ્ય કમાવાની તક ગુમાવવા માંગતી નહોતી !! અમુક ઘરમાં તો મહાભારતનું યુદ્ધ પણ થયું. ઘણી માથાકુટ થઈ, ઘણી સમજાવટ થઈ, પણ …, બધું નકામું …!!, બધું જ વ્યર્થ !!!!. આ ભિખારી ને તો એની સોસાયટીમાં પોતાને મળતા આ ગરમ ગરમ મનની વાત તો બધે જ રસપૂર્વક કહેવા લાગ્યો !! એણે તો રીતસરની જાહેરાત કરી !!

અને પછી તો તો અમારી સોસાયટીમાં ભિખારી પોતે સહકુટુંબ આવવા લાગ્યો !! ધીમે-ધીમે એણે પોતાના સગા વ્હાલા આડોશી-પાડોશી બધાને બોલાવી લીધા.. જાણે કે એણે તો પુઇન કરાવવાની ફ્રેન્ચાઇઝી આપવાનું ચાલુ કર્યું.. એ જેને અહીં લાવ્યો.. એ લોકો આ ભિખારીને બીજેથી માગેલી વસ્તુ ભેટ સોગાદ રૂપે આપવા લાગ્યા… અને બધા ભિખારી આ શેરીમાં સહજમણ ની જ્યાફ્ત ઉડાવવા લાગ્યા !!
કોઈના સમજાવાથી ન સમજતા, આ મહિલા મંડળની આંખ…. રહી રહીને હવે ઊઘડી !! એમને હવે વિચાર આવ્યો કે આપણે અહીં સદાવ્રત ખોલશુ તો ક્યાંક આપણે આપણા છોકરાઓને લઈને.. ” દયા ધરમ ની જે… !!” કરવું પડશે !! અને સનાતન સત્ય છે કે ” વાર્યા ન વરે તે હાર્યા વરે !” હવે તો સમજણ આવી ગઈ.. બાવો પહેલા તો પોતે એકલો આવતો હતો, બે-ત્રણ ને બોલાવી આવતો, એમ કરતાં કરતાં પાંચ-છ થયા, એમ કરતા કરતા આઠ-દશ થયા,… અને હવે તો પંદર વીસ નું ટોળું પચીસ-ત્રીસ થવા લાગ્યા…અરે !રે !!

આમને આમ તો, આપણે તો ભૂખ ભેગા થશું !! મોડી-મોડી આંખ ખુલ્લી બધાને પોતાની જાત પ્રત્યે શરમ આવવા લાગી. અને જાતે કરીને આ બધાને પોતાને ત્યાં હેવાયા કર્યા બદલ અફસોસ થવા લાગ્યો. રેવામાસી તો રાજકોટ સેટ થઈ ગયા અને આ અહીં !! બાવો અહીં એના કુટુંબ કબીલા સાથે આ સોસાયટીમાં જ સેટ થઇ ગયો !!

મહિલા મંડળની બહેનોએ સાથે મળી નક્કી કર્યુ કે આપણને આવું પોસાય નહીં !! એ ભૂલ હતી આપણી કે રોજ રોજ આવી રીતે રસોઈ બનાવી બનાવી અને જમાડવાથી ભિખારી ની ભીખ માંગવાની વૃત્તિને આપણે પ્રોત્સાહન આપ્યું છે. જે કામ કરતાં હતા એવા પણ અહીં પેલાની સાથે આવી બન્ને ટાઇમ મફતનું જમવા લાગ્યા . જાણે કે સદાવ્રત ખોલી લીધું હોય તેવું લાગ્યું અને બધાના હરામના હાડકાં કરવામાં નિમિત્ત બન્યા !!
પછી તો ના પાડી, તોપણ ભિખારીઓએ આવવાનું છોડ્યું નહીં. એક દિવસ બધાએ સાથે મળીને જાહેર કર્યું કે જે કામ કરશે એને જ ભોજન મળશે.
‘શાંતવન’ સોસાયટી ના રોડ રસ્તા વાળી ને સાફ કરી દો.. ઘરે ઘરે ઝાડુપોતા, વાસણ સાફ કરી દો !! જેને કામ ન કરવું હોય એને ઘસીને ના પાડી દીધી કે તેઓને કાલથી અહીં આવવાનું નથી !!

બીજે’દિ ભિખારીજી ની પધરામણી થતા .. રાડો પાડવા લાગ્યા … “દયા ધરમની જે !!! ” દયા ધરમની જે … !” પણ કોઈ કાંઈ જમવાનું લઈને આવે નહીં…!! વારંવાર બોલીને રાડો પાડવા લાગ્યા ત્યાં તો બધી બહેનો એક પછી એક આવી અને કહેવા લાગી. ” કામ કરવું હોય તો જ ખાવાનું મળશે !!’ ” મહેનત કરો ને કમાવ !!” અમારેય આ બધું મફત નથી આવ્યું. કોઈ કાઈ કામ કરવા તૈયાર નથી !! એમને તો હરામના હાઇડકા થયા હતા.
બેનો એ આગળ ચલાવ્યું, .. “આવા ધુતારા હાયલા જ આવે સે !!” ” અમને આ મોંઘવારીમાં કેમ પુરુ કરવું , અમને ય મુશ્કેલી પડે છે !!” કામ કરો તો ખબર પડે રોટલા રોટલી કેમ થાય છે !!” “મહેનત કરીને ખાઓ !! “ભીખ માંગીને હરામની રોટલી પચશે નહીં !!” ” જાવ, અહીંથી કોઈ દિવસ માગવા આવતા નહીં !!” જોયા ન હોય તો આવા ને આવા !! કેટલાક ધુતારા હશે !! હવે અહીં આવશો તો પોલીસમાં ફરિયાદ કરશુ !! બધી સ્ત્રીઓએ સાથે મળીને …. ” “હુંર..રર..રરર..હટ્ટ !!”

કરીને ભિખારીઓને ભગાડી મુક્યા !! બિચારા ભિખારીઓને સમજમાં આવતું નહોતું કે “આ શેરીમાં ફૂટેલી ‘દયાની સરવાણી’ એકાએક આમ ક્યાં થઈ ગઈ !!’..પણ, “જાગ્યા ત્યાંથી સવાર “‘ મોડું મોડું પણ સમજાઈ ગયું ..”કોઈને આવી રીતે ખવડાવીને પુણ્ય કમાઈ એ નરી મુરખાઈ કહેવાય !! આમ કોઈને મફતનું ખવડાવીને હેવાયા કરાય નહીં !!

ઘણા બધા ઢોંગી, ધુતારાઓ, ધર્મ ની આડમાં ખાવાનું તો ઠીક પણ આલીશાન વૈભવી જીવન માણે છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવનાર કેટલાય લોકો પોતાના શોખ પૂરા નથી કરી શકતા પણ ધર્મના નામે ઢોંગી મહારાજો ના ચરણોમાં ધનના ઢગલા કરે છે તેમને માટે લાલબત્તી છે. નથી જરૂર કોઈની ખોટી રીતે દયા ખાવાની જરૂર કે નથી થતો કોઈ ધર્મ નો જય !!. નથી થતી આમાં..”દયા ધરમ ની જે… !!”

લેખક : દક્ષા રમેશ

આપના અભિપ્રાય અમારા આનંદમાં વધારો કરશે કોમેન્ટમાં જરૂર જણાવો, દરરોજ દક્ષા રમેશની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.