સતત 15 વર્ષથી ઘરે ઘરે જઈને રોટલા કે રોટલી ઉઘરાવી ભૂખ્યા અબોલ જીવને જમાડી રહ્યા છે…..

શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ,આપણાં આયુષ્યનો 80 % હિસ્સો આપણને અબોલ જીવ પાસેથી મળ્યો છે. આમ જોવા જઈએ તો માણસનું આયુષ્ય માત્ર 20 જ વર્ષનું હતું….પછી અબોલ જીવે એમના આયુષ્યનો અડધો અડધો ભાગ એવું સમજીને મનુષ્યને આપ્યો હતો કે મનુષ્ય પાસે જ વિચારવાની, બોલવાની અને કઈપણ કરી શકવાની શક્તિ ભગવાને આપી છે. માટે જો આપના આયુષ્યનો અડધો અડધો ભાગ મનુષ્યના આયુષ્યને આપી દઈએ તો માનવ જાત આપણી સેવા કરશે ને આપણને પણ સાથે સાથે પેટનો ખાડો પૂરાય એટલું અન્ન મળી રહેશે..

અને એ પછી માનવજાત અબોલજીવની સેવા કરતી અને અબોલ જીવની સેવા કરી મળતા પુણ્યથી એમનું જીવન ધન્ય બનાવતી…પરંતુ સમયે સમયે પરીવર્તન આવતું ગયું, દાન, ધર્મ અને સેવાનું મહત્વ ધીરે ધીરે સમાજમાથી વિસરાતું ગયું…

પરંતુ હજી આ દુનિયામાં એવા લોકો પણ છે જે આ દાન, ધર્મ અને સેવાના મહત્વને સમજે છે ને સાથે સાથે પ્રેરણાદાયી કામ કરી સમાજને ધર્મ અને કર્મ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. તો ચાલો આજે એવા જ રાજકોટના સેવા ધર્મીને મળીએ જે સતત પંદર વર્ષથી અબોલ જીવની સેવા કરી રહ્યા છે.

રાજકોટમાં જ રહેતા મુકેશભાઇ મેરજા જે એક નિવૃત બેન્ક કર્મચારી છે અને તે સતત 15 વર્ષથી કોઈપણ અબોલ જીવ ના ભૂખ્યું કે તરસ્યું રહે એના માટે નું કાર્ય કરી રહ્યા છે. રોજ ઘરે ઘરે જઈને વધેલા રોટલા કે રોટલી ઉઘરાવીને શેરીએ શેરીએ જઈને ભૂખ્યા અબોલ જીવને પ્રેમથી જમાડે છે. તેઓનો સતત એ જ પ્રયત્ન રહે છે કે એકપણ અબોલજીવ ભૂખ્યું ના રહેવું જોઈએ કે ના ભૂખ્યું સૂવું જોઈએ.

તેઓ એમની આસપાસના 30 કિલોમીટરના વિસ્તારમાં જઈને, ફરીને દરેકને જમાડી પછી જ તેઓ ઘરે જઈને પોતાનું જમવાનું જમે છે.તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે, જ્યારે મે આ કર્યાની શરૂઆત કરી હતી ત્યારે ફક્ત હું અગિયારસ ના દિવસે અથવા તો વાર ત્યોહારના દિવસે જ આ કામ કરતો હતો.

લોકો પાસેથી પૈસા લઈને ગાયને ચારો નાખતા કે પછી અબોલ જીવને ભોજન આપતા. પછી એ સમય દરમ્યાન જ હું એક સાચા સંતને મળ્યો અને એમની સંતવાણી સાંભળી મારામાં પરીવર્તન આવ્યું. અને મે મારા જીવનમાં આ કાર્યને મારુ રોજનું કર્મ જ બનાવી લીધું.

મુકેશભાઇ ઘરે ઘરે જઈને 150 થી વધારે રોટલા ને રોટલી ઉઘરાવી પછી ન્યારી ડેમ પાસે જઈને ત્યાં રહેલ ભૂખ્યા અબોલ જીવને ખવડાવે છે. તેઓને આવતા જોઈને અબોલ જીવ એમની સામે દોડી જાય છે અને ખૂબ જ વહાલ સાથે એમને ચોટી જાય છે ને એમની લાગણી અને પ્રેમ મૌનની ભાષામાં પણ સ્પષ્ટ નજર આવે એમ વ્યક્ત કરે છે.તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે આ કર્યા માટે તેમને ઘણા પરિવાર અને માનવકલ્યાણ નામની સંસ્થા પણ સહયોગ આપી રહી છે. અને આ કર્યા સતત પંદર વર્ષથી તેઓ કરી રહ્યા છે. .