ભૂત – દરેક ગામમાં કોઈને કોઈ જગ્યાએ ભૂતની જગ્યાઓ હોય જ છે વાંચો આવી જ એક વાર્તા…

ઘણા વર્ષો પહેલાના, ગામડાં ગામની વાત છે.. દેવશીનું પોતાનું મકાન ચણવાનું કામ ચાલતું હતું.ત્યારના સમયે ચણતર કામ માટે રેતી જોઈએ એટલી નદીના પટમાંથી લઇ આવતાં.. દેવશી પણ લઈ આવ્યો હતો. ત્રણ ગાડા ભરીને રેતી નાંખ્યા પછી એણે કડીયાને પૂછ્યું , આટલી રેતી થઈ રહેશે ને ?? કડીયો રેતીના ઢગલા સામે જોઈ ને કહે… ” હા,.. કદાસ તો વાંધો નઈ આવે.. નકર પસી જોયું જાસે !!”” દેવશી બોલ્યો, ” નકર.. પસી હૂ વરી ?? હાઇલને એક ગાડું વધારે નાખી જ દવ !!” દેવશીની પત્ની રસોડામાંથી બોલી, “… ઇ હુ કવ સુ ?? આઇજ આટલી બસ !! હવે રેવા દ્યો .. સંધા ટાણું થયુસ.. માંડી વારો હવે.. નદીના પટમાં ઝાવુ નથી..!!!”


દેવશી ” હા..હા..હા.. કરીને મોટેથી હસી પડ્યો પછી રસોડા સામે મોં ફેરવીને બોલ્યો, ” કેમ ન્યા તારા ભાયું હૈશે ?? મારી વાટ જોતા ઊભા હયસે ??” પછી, કડીયાની સામું જોઈને કહે, ” આ બાયું ની વાતુ જ આવી હોય ?? કયેસે કે નદીને હામે કાંઠે ભૂત નો વાસ સે !! “કડીયો પૂછે, ” ન્યા જ ગામ નું મહાણે (સ્મશાન) ય સે ને ???”

દેવશી નિશ્ફિકરાઈથી બોલ્યો, “ઇ બધી કેવાની વાતુ હોય !! ઈમાં મરદ હોય ઇ ને બીક ના હોય !! આને હમઝાહે નૈ … સમશાન હોય કે રણ નું મેદાન !! મરદ ને મન તો ઇ માંડવો !! ” પછી એની પત્નીને કહે, “”તું તારા રોટલા નું કામ કરયે રાઇખ,.. હું તો આ ગ્યો ને આ આઈવો !!” દેવશીની પત્નીનો જીવ તો બહુ કોચવાયો,પણ, એ સમજી ગઈ હતી કે… મરદ ની જાત !! એકલા હોય ત્યારે પત્ની જે કહે એ સાંભળે અને માને પણ ખરા !! પરંતુ, બીજા કોઈની હાજરીમાં.. એય વળી ડરવાની વાત શેનો સ્વીકારે … ?? અને એય વળી પત્નીના કહેવાથી ??.


આમપણ, દેવશી જરાય ડરપોક નહોતો જ .. એ તો ગાડું જોડીને પાછો હાલતો થયો.. નદીના કાંઠે રેતી લેવા. મોજથી. ગીત લલકારતો. ” …હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય…. હું..કાંઈ ન જાણું !!..” એ..ય…ને, પોતાની મસ્તીમાં.. નદીના કાંઠે આવી પહોંચ્યો.. જ્યાંથી દિવસના એ બેત્રણ ગાડા રેતી તો ભરી ગયો હતો. પણ, હવે અંધારું થઇ ચૂક્યું હતું.. દેવશીએ ગાડું ધીમે ધીમે હાંકતો જોતો જતો હતો. એની નજર સામે કાંઠે ગઈ … !!

દેવશીએ ગાડું ઊભું રાખ્યું અને બળદની રાશ ઉઈંધે બાંધી દીધી… અને માંડ્યો સરખાયે જોવા.. દેખાય.. ?? એ .. ભૂત… હવે અંધારામાં આજુબાજુ નજર દોડાવી કોઈ માણસ દેખાય તો બોલાવવા !! પણ ત્યાં કોઈ ન હતું. ફરી, એણે સામે નજર કરી….. એક લોક વાઇકા હતી કે નદીના સામે કાંઠે જ્યાં ઘાટી ઝાડીઓ છે એમાં ભૂતોનો વાસ છે . કોઈ કહેતું કે, ” હસનચાચા તો ન્યા કણે. સુડેલું ( ચુડેલ ) રમાડતા..!!” કોઈ કહેતું, ” ન્યા બકરી નું બચ્ચું થાઇસે.. કેવું મઝાનું રાભડા જેવું હોય.. જોતાવેંત જ ગીદઈડાને તેડવાનું મન થઇ જ જાય..!!. અને જેવા ઉપડીએ કે ઇ ગિદૈડું .. લાંબુ લાંબુ થતું જાય.. !!”


કોઈ એવું ય કહેતું કે, ” ન્યાં, નદીને હામે કાંઠે, … ઇ ઝાડીમાં મામો થાય સે !! ઇ મામાને તમે જો બીડી કે સિગરેટ પાવ તો વાંધો નૈ… બાકી !! ખેર નૈ રે !!! ” દેવશી નું હૃદય એક થડકારો ચુકી ગયું.. અંધારું થઈ ચૂક્યું હતું. એણે સામે નજર નાખી… એક .. ઓળો દેખાણો.. “”લાલ..લાલ.. !!” પોતાને બહાદુર ગણતો દેવશી.. થરથર કંપી ઉઠ્યો !! એણે હિમ્મત કરી .ફરીથી..જોયું.. “.. ના ! ના ! મારા મનનો વહેમ જ હયસે “

એમ માની, વળી પાછું ત્યાં જોયું… તો !!!…કહે છે ને..?? “” મન મંસા, તો શંકા ડાકણ … !!! “” ” લાલ… લાલ … એક મોટું પૂતળું… !! .. ભૂત !! હા .. એલા.. આતો સાચ્ચે જ.. ” ઘડીક દેખાય ને ઘડીકમાં અલોપ… !!! ભૂત… દેખાયું… !!! અને દેવશી તો.., રેતી.. .લેવાનું .મૂકી પડતું… ને પાવડો ને તગારું ને.. ગાડું બળદ.. !! બધું મૂકી ને … એ.. ભાગ્યો.. જાય .. મુઠ્ઠીયું વાળી …!!!


ગામની અંદર આવતાં જ રાડો પાડી ને બોલ્યો, ” … એ બાપ રે… ભૂત…!! ભૂત … !! નદીના હામે કાંઠે … ભૂત …ભૂત..!!” દોડીને ઘરે પહોંચીને સીધો ,…એ ભૂત..એ ભૂત… કરતો કરતો.. પગથી માથા સુધી ઓઢીને સુઈ ગયો…

ગામને દરવાજે, બેઠેલા પુરુષોએ, ભૂત.. ભૂત..સાંભળ્યું.. એ બધાય જોતાં જ રહી ગયા .. કોઈએ બીવડાવ્યા ને કોઈએ વિરોધ પણ કર્યો.. એમાં ચર્ચા ચાલી .. અને વાદ વિવાદ ચાલતો હતો.. ત્યાં જ દેવશીની ઘરવાળી આવીને બોલી, … ” જો કોઈનામાં હિંમત હોય તો અમારું ગાડું બળદ લ્યાવો..!!” કોઈ બોલ્યું, ” એમાં હુ મોટી વાત વરી.. ?? હાલો એલા… !! કુણ આવે સે .. મારી ભેગુ ??”

હા-હા ના-ના કરતાં પાંચ સાત જુવાનિયા ,મુળુ, કેશુ, અરજણ, મોહન, ને મગન … બધા એકસાથે નદીને કાંઠે જવા તૈયાર થયા.. કોઈએ લીધી ડાંગ, ને કોઈએ કુંડળીયાળી લાકડી , કોઈએ ધારીયું, ને કોઈએ ભાલો, એકે લીધું ફાનસ..ચારેબાજુ અંધકાર વ્યાપી ગયો હતો. “હઇસો. હૈઇસો…!!” કરતાંક ને ઉપડ્યા.. આમ તો લગભગ બધાને ડર તો લાગતો જ હતો પણ, એકબીજાના ટેકેટેકે હાલી નીકળ્યા.!. આવી પહોંચ્યા નદીકાંઠે, જ્યાં દેવશીનું ગાડુબળદ હતાં.. !


એ જોઈને મુળુ બોલ્યો, ” જોઈ લ્યો !! આ રીયું, ગાડું ને આ રીયા બળદ !! હાલો …” ત્યાંતો.. અરજણે રાડ નાઈખી..” એ… એ …જુવો.. જુવો… !!!” બધાએ જોયું તો.. એક લા…લ …ચો…ળ.. આકૃતિ !! દૂર દૂર થી દેખાય…!! ” હા.. એલા !! દેવશી હાચુ જ કે’તોતો !!” મોહન બોલ્યો..

બધાય ફાટી આંખે જોઈ રહ્યા !! ત્યાં કેશુથી ડર ના માર્યા બોલાઈ ગયું, …” .. એલા, ભા…ગો.. ભા…ગો.. !!” પાછા પગલે બધા થોડા ડગલાં પાછળ હટ્યા.. .. ત્યાંતો.. એ આકૃતિ દેખાતી બંધ થઈ ગઈ !! મગન બોલ્યો, ” ક્યાં સે ?? કાંઈ નથી ન્યાં તો !! ” બધાએ જોયુ… અરે ?? નથી ??? પણ ત્યાં તો… ફરીથી મગનની જ રાડ ફાટી ગઈ… ” એ ભૂત.. એ ર્યું…. ઓ… ઓ..!!’ થોડીવાર દેખાય !! થોડીવાર ગાયબ !!

હા એલા …!! અસલ ભૂત..જ જોઈ લો !!અરજણે બધાને હિંમત આપી, ” જે હોઈ ઇ.. આપડે સાત સાત જણા .. ઇ એકલું !! કાય નો કરી હકે !!” ધીમે ધીમે … બધાએ જોયા કર્યું.. ભૂત જ ઓરીજીનલ જેવું જ પણ, થોડીવાર દેખાય ને થોડીવાર ગાયબ.. નદીને સામે કાંઠે.. મુળુ કહે, ” છે તો ખરા જ કૈક !!.. હવે ગામ આખામાં ઢંઢેરો પીટી ને આઈવા સયે.. હાલો હવે … આયા હુધી ધક્કો ખાધો ને ઈમ ને ઈમ નથ જાવું..!! હાલો ન્યા લગણ જાઇ..!!”


હનમાન જતી હાકલ મારે ! ભૂતપલિત ના દાંત પા..રે !! એમ કરતાં કરતાં , હાથમાં રહેલા હથિયાર ઉગામતાં હાઇલા…..કૈક જોશથી, …..કૈક હોંશથી, …થોડા ભયથી, …..કૈક બીક થી, ……કૈક શંકા,આશંકા ને કુતુહલ.. પણ એકમેકના સહારે,… “…સહુ નું થાહે , ઇ વહુ નું ય થાહે..!!” બીક તો બધાને લાગતી હતી પણ, કહે કોણ ?? કે હું ડરું છું !!

એ.. હાલો.. કરતાં કરતાં.. આગળ વધ્યા .. ને … એ… ત્યાંતો, … “આઇવું.. આઇવું …!!” એમ એક જણા એ ટીખળ કરી ને ભાગ્યા પાછા, બધા.. !! વળી કોઈ ખિજાણું ને.. રમત નો કરો.. અને … ” એ હાંભરો..!! હવે જી ભાગે , ઇ ને …. ઇ ની માં ના સોગન !!” અને.. હિંમત ભેગી કરી, કાળજા કાંઠા કરી, સામે કાંઠે ચડ્યા.. બીક ના માર્યા ટાંટિયા ધ્રુજતાં હતાં ને દાંત કકડતા હતાં.. હોઠ ભીડી દીધા એવા કે લોહીના ટશિયા ફૂટી ગયા હશે !!


ઘોર અંધારું… લાલ ચોળ.. એક મોટું… એ… ભૂત… “એલા.. મારો..!!” એમ કોઈ બોલ્યું ને આંખો મીંચીને બધાએ એકસાથે ઘા કર્યો !!!… ને … કડડ…ભુસ.. એક બાવળ નું ઠૂંઠું.. પડ્યું હેઠું !! “ઓ.. બાપા..રે.. આ ઠૂંઠું હતું !! …” જોઈને બધા ખડખડાટ હસી પડ્યા…એટલા હસ્યાં કે.. પેટમાં દુઃખી ગયું…!! હસતાં હસતાં ઘરે પાછા આવ્યા.. દેવશીનું ગાડું બળદ લઈ ને !!

પાછળથી તપાસ કરતા માલૂમ પડ્યું કે.. ..એ લાલચોળ શું હતું ?? એ નદીના સામે કાંઠે, નાનું એવું જંગલ જેવું હતું જેમાં ભરવાડ , તેના ઘેટાબકરા ચરાવવા લઈ જતો અને બાવળના ઝાડ નીચે બેઠો બેઠો ચૂંગી પીએ.. અને.. પીને પછી ત્યાં જ એ બાવળને થડે ચૂંગી ઠપકારે… ને સળગતો દેવતા ત્યાં જ રહી ગયો..!! જે આખો દિવસ ધીમે ધીમે.. સળગી ને સુકાઈ ગયેલું આખું ઠૂંઠું સળગ્યુ !!!


હવે, રાતે પવન ની ફૂંકે … એ રાતું ચોર .. લાલ લાલ દેખાય અને પવન પડી જાય એટલે.. ઉપર રાખ ફરી વળે.. એટલે અંધારામાં ગાયબ! ફરી, હવા આવે.. ને રાખ ઊડી જાય .. ને ફરી લાલ ચોળ… પાછું ઠૂંઠું એવું કે જાણે માનવ આકૃતિ જ જોઈ લો !!! આમ, એ લાલ ચોળ.. ભૂત જ બની ગયું..!! હવે, એ વખતે, હિંમત કરીને જો એ બધા ન ગયા હોત, જોઈને પાછા ફરી ગયા હોત તો.. ભૂત તો હતું જ નહીં..ને એ સાચું ભૂત જ લાગત !!

લેખક : દક્ષા રમેશ

ફ્રેન્ડઝ, જેણે નાનપણમાં આવી વાતો સાંભળી હોય એ કોમેન્ટમાં લખજો હો ને !! ભૂત…ભૂત…કરી બિવડાવવાની મજા કરી હોય એ બધા જાણે, હસે…ને ગમ્મત પડે…!!

દરરોજ આવી અનેક અલગ અલગ વિષયોની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ