ભેટ – એમના રાજમાં દિકરીના જન્મને ધિક્કારવામાં આવતો હતો પણ એકદિવસ…

ભેટ

મ્યાન માંથી નીકળેલ તલવાર ની ધાર પ્યાસી હતી અને એને બહાર ખેંચનાર હાથો પણ એટલાજ પ્યાસા …હવે એ પ્યાસ નજરો ની સામે નિંદ્રાધીન યુવાન શરીર ના બે કટકા કરીજ સંતોષાવાની હતી ! આ કોઈ વર્ષોજૂનું વેર કે પેઢીઓ જૂનો બદલો નહીં પરંતુ સ્વમાન અને આત્મસન્માન પર પડેલા કષ્ટદાયક વારો ના ઉત્તર સમો પલટવાર હતો. પુરુષો રચિત નિયમો પર ઉભેલા સમાજ ના મૂળ ને જડમાંથી ખેંચવા ની એક ક્રોધિત પ્રતિક્રિયા હતી. એક સ્ત્રી તરીકે તમામ ફરજો સહૃદય પૂર્ણ કર્યા પછી ભેટ માં મળેલ દગા માટે ની પરત ‘ભેટ’ હતી.

રાણી ભાનુમતી અંધકાર થી છલોછલ તોફાની રાત્રી માં, વિશાલ રજવાડા મહેલ ના અંધકારમય શયનકક્ષ માં , હાથમાં નગ્ન તલવાર થામી ઉભા હતા. આંખો માનો ક્રોધ જાણે લોહી બની ટપકી રહ્યો હોય એમ આંખો નો રંગ રાતોચોળ અંધકાર ને ભેદી ચમકી રહ્યો હતો. ભવ્ય રજવાડી પથારી પાછળ રાણા પ્રતાપસિંહ ની વિશાળ છબી પર ચઢેલી હારમાળા એમના મૃત્યુ સમાન તદ્દન તાજી હતી. મહેલ ની અર્ધ ખુલ્લી બારી માંથી સુસવાટા મારતો પવન મહેલ ના બહાર ગરજી રહેલ તુફાન ની સાથે રાણી ભાનુમતી ના અંતર માં ભડકી રહેલ તુફાન નું પ્રતિબિંબ પાડી રહ્યો હતો. પતિ ની તસ્વીર માં પરોવાયેલ એ લોહિયાળ આંખો પોતાની સાથે થયેલ અન્યાય નો ઉત્તર માંગી રહી હતી. પણ ઉત્તર હતોજ ક્યાં ? રાણા પ્રતાપસિંહ ના આકસ્મિક મૃત્યુ સાથે તમામ ઉત્તરો એમની ચિતા જોડેજ ભસ્મ થઇ ચુક્યા હતા.


વર્ષો પહેલા રાણી ભાનુમતી રાણા પ્રતાપસિંહ જોડે લગ્ન કરી આ રાજમહેલ માં પ્રવેશ્યા હતા . રાજમહેલ ની દરેક પરંપરાઓ અને રહેણીકરણી એમણે પોતાના અસ્તિત્વ ના ઉંડાણો સુધી ઉતારી દીધી હતી. આદેશપાલન નો જીવતોજાગતો એક આદર્શ નમૂનો બની જીવન ની દરેક ક્ષણ જીવી હતી. કેમ બેસવું,કેમ ચાલવું , કેટલું બોલવું , ક્યારે બોલવું, કેટલું જમવું , કઈ રીતે જમવું , બધુજ કોઈ લખાણવીહીન પુસ્તક ના નિયમો સમું જ તો હતું.

રાણા પ્રતાપસિંહ આમ તો એક આદર્શ પતિ હતા . પત્ની તરીકે નું માન સન્માન , એમને પતિ તરફથી સહ આદર મળતું. તેઓ જાતે પણ રાણા પ્રતાપસિંહ નું એટલુંજ માન સન્માન જાળવતા પરંતુ એ માન કદી પ્રેમ માં પરિણમી શક્યું નહીં. એની પાછળ નું કારણ રાણા પ્રતાપસિંહ જ નહીં રાજમહેલ માં હાજર દરેક વ્યક્તિ સારી પેઠે જાણતી ,રાણા પ્રતાપસિંહ ના હૃદય માં હાજર પિતા પ્રત્યેનો અનન્ય ડર !


મહારાજા ઉદય સિંહ ની ધાક અને ક્રોધિત સ્વભાવ નો બાળપણ થી શિકાર બનેલ રાણા પ્રતાપસિંહ પિતા ની હાજરી માં એક શબ્દ ઉચ્ચારી શકતા નહીં. પિતા ની હા માં હા અને ના માં ના. પિતા કહે દિવસ તો દિવસ , રાત કહે તો રાત. જીવન નો એક નિર્ણય પણ પિતા ની ઈચ્છા વિના લઇ શકવાની ન તો હિંમત કેળવી શકતા , ન એમના કોઈ અન્યાય વિરુદ્ધ વિરોધ નોંધાવી શકતા. આંખો સામે થતા અન્યાયો ની સામે પિતા પ્રત્યે ના ભય ની કાળી પટ્ટી ચઢાવી ,મૌનપૂર્વક માથું જુકાવી , કાયર હૃદય ને કઠપૂતળી જેવા શરીર માં જાણે દફનાવી દીધું હતું.

આમ તો રાણા પ્રતાપસિંહ મહારાજા ઉદય સિંહ ના એક ના એક પુત્ર . પણ રાણી ભાનુમતી ને ગુપ્તચરો થી જાણવા મળ્યું હતું કે મહારાજા ઉદયસિંહ ને રાણા પ્રતાપસિંહ પછી અન્ય બે પુત્રીઓ પણ જન્મી હતી. પરંતુ એ દુષ્ટ આત્મા એ જન્મતા વેંત બન્ને બાળકીઓ ની હત્યા કરાવી નાખી હતી. વંશ તો ફક્ત પુત્ર સંભાળે , પુત્રી ઓ નબળાઈ નું સ્વરૂપ અને મહારાજા ઉદયસિંહ ના મહેલ માં નબળાઈ નું કશે સ્થાન ન હતું !


રાણી ભાનુમતી ને જયારે પ્રથમ બાળક મૃત જન્મ્યું એ પ્રસંગે મહારાજા ઉદય સિંહ એ ઉચ્ચારેલ શબ્દો હજી આજે પણ એમની શ્રવણ ઇન્દ્રિયો માં ગુંજતા હતા : ” સારું થયું કે મૃત જન્મી નહિતર…..” આ અધૂરા છોડાયેલ વાક્ય ને રાણી ભાનુમતી એ અસંખ્ય વાર મનોમન પૂર્ણ કરવા પ્રયાસ આદર્યો હતો : નહિતર ઝેર આપી મારી દીકરી ને મારી નાખત…

નહિતર તલવાર થી એ માસુમ શરીર ના બે કટકા કરી નાખત…

નહિતર કુવા માં નાખી એ માસુમ શરીર ને ડુબાવી નાખત …

નહિતર મારી આંખો ની સામેજ એનું ગળું ઘોંટી….નહીં..નહીં…

રાણી ભાનુમતી એ ઈશ્વર ને આજીજી કરી કે આ રાજમહેલ માં દીકરી માટે સ્થાન નથી. મારી કોખે મને ફક્ત પુત્રજ ભેટ આપજે. ઈશ્વરે એમની દ્રિધા સમજી એમની પ્રાર્થના સ્વીકારી . રાણી ભાનુમતી ને ત્રણ પુત્રો વરદાન સ્વરૂપે મળ્યા. પુત્રો ના ઉત્તમ ઉછેર માટે રાણા પ્રતાપસિંહ અને રાણી ભાનુમતી એ શ્રેષ્ઠ માતાપિતા તરીકે દરેક કર્તવ્યો સહૃદય નિભાવ્યા. રાજમહેલ ના કારભાર સંબંધી કાર્યો ની પૂરતી માટે ઘણા દિવસો સુધી દૂરંદેશ રહેતા રાણા પ્રતાપસિંહ ની નિયમિત લાંબી ગેરહાજરીઓ માં રાણી ભાનુમતી માતાપિતા ની બેવડી ભૂમિકા બખૂબી નિભાવતા.

સુંદર સંસ્કારો ના સિંચન સ્વરૂપ ત્રણ યુવાન રાજકુંવરો ને જોઈ મહારાજા ઉદય સિંહ ની મૂંછો ગર્વ થી વધુ ઊંચે ફરકતી. પોતાની તમામ સંપત્તિ એમણે રાણા પ્રતાપસિંહ અને ત્રણ રાજકુંવરો વચ્ચે સમાન ભાગે વહેંચી નાખી. રાણી ભાનુમતી ને એ વસિયત માં કશે સ્થાન ન મળ્યું . જ્યાં સ્ત્રી જાત ને માન અને હૃદય માં સ્થાન ન મળતું હોય ત્યાં ધનસંપત્તિ તો બહુ જ દૂર ની વાત ! પરંતુ પોતાના પતિ અને બાળકો પ્રત્યે ની કર્તવ્ય નિષ્ઠા બજાવવા માટે કોઈ અંગત સ્વાર્થ કે પરત ભેટ ની રાણી ભાનુમતી એ પણ ક્યાં આશા સેવી હતી ?


નિયતિ કદી સમાન વહેણ માં વહેવા દેતી નથી. અનેપક્ષિત અને અનિશ્ચિત જીવન ની સાબિતી આપતી એક ઘટના એ રાણી ભાનુમતી ના જીવન નું સ્વરૂપ પણ મૂળ માંથીજ બદલી નાખ્યું. એક અકસ્માત માં રાણા પ્રતાપ સિંહ અને મહારાજા ઉદય સિંહ એક સાથે મૃત્યુ પામ્યા. પતિ ની છત્રોછાયા ગુમાવાની પીડા તો જાણે કંઈજ નહીં હોય એવી એક અસહ્ય વાસ્તવિકતા રાણી ભાનુમતી સામે આવી ઉભી. રાજ પરિવાર ના સૌથી જુના અને ભરોસાપાત્ર વૃદ્ધ સેવક શ્યામ શરણ પોતાના હૃદય માં આ રાજપરિવાર ના કેટલાય રહસ્યો અને અન્યાયો નું જ્ઞાન સાચવી બેઠા હતા. એમાંથી એક જ્ઞાન મહારાજા ઉદય સિંહ ના મૃત્યુ સાથેજ એમણે રાજપરિવાર ના સભ્યો સામે છતું કર્યું, રાણા પ્રતાપસિંહ ની આખરી ઈચ્છા સ્વરૂપે !

પોતાના હિસ્સા ની તમામ વસિયત એક યુવાન યુવતી ને નામ કરી , પોતાના મૃત્યુ પછી એ યુવતી ને આ રાજપરિવાર ના એક સભ્ય તરીકે અને પોતાના બાળક તરીકે નો દરજ્જો અર્પણ કરી ગયેલ રાણા પ્રતાપસિંહ જાણે રાણી ભાનુમતી ની તમામ કર્તવ્યપરાયણતા ને એક જોરદાર થપ્પડ મારી ગયા.


પુરુષપ્રધાન સમાજ ની આ લાત રાણી ભાનુમતી માટે અસહ્ય દર્દજનક બની રહી. રાણાપ્રતાપસિંહ ની દૂરંદેશી યાત્રાઓ , એક પર સ્ત્રી સાથે ના શારીરિક સંબંધો અને એ અનૈતિક સંબંધો ની નિશાની રૂપ એમની આંખો સામે પોઢેલું આ યુવાન શરીર એમની આત્મા ને ભટ્ટી સમું ભડકાવી રહ્યું હતું. જે સ્થળે સ્ત્રી તરીકે જન્મવાની પરવાનગી ન હતી તેજ સ્થળે સ્ત્રી જીવન ના દરેક રૂપ નો ઉપભોગ મન માણી ને કઈ રીતે થાય ? પોતાના પતિ ની કાયરતા પર અનુભવાતી લાજ આજે ઘૃણા અને તિરસ્કાર માં પરિવર્તિત થઇ ચુકી હતી.

આજે રાજપરિવાર આગળ આ યુવતી નું આગમન અને રાજમહેલ માં મળેલ એના હક ના સ્વીકારે રાણી ભાનુમતી ની પ્રતિષ્ઠા ના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. રાજમહેલ ની દરેક દીવાલ જાણે એમની મશ્કરી ઉડાવી રહી હતી. રાણાપ્રતાપ નું વેર એના ગંદા લોહી થી લેવા રાણી ભાનુમતી ની તલવાર થનગની રહી હતી. હવા માં ઉંચકાયેલ તલવાર એ યુવાન શરીર ને સ્પર્શે એ પહેલાજ એ શરીર સચેત થઇ સ્ફૂર્તિમય પથારી છોડી ઉભું થઇ ગયું. પોતાના પર ઉંચકાયેલ તલવાર થી પોતાને સુરક્ષિત રાખવા શીખવવામાં આવેલ સુરક્ષા શૈલીઓ નું ઉત્તમ પ્રદર્શન કરતી એ રાણી ભાનુમતી ના દરેક વાર ને નાકામ કરી રહી.


એક ઘાયલ સિંહણ જેમ રાણી ભાનુમતી પહેલા કરતા પણ બમણા ક્રોધાવેશ માં પ્રહાર પર પ્રહાર કરી રહ્યા. વૃદ્ધ ઘરડા છતાં અનુભવી અને સચેત કાન સેવક શ્યામ શરણ ને એ કક્ષ માં ખેંચી લાવ્યા. રાણા પ્રતાપસિંહ ની અમાનત ને સાચવવા પોતાની ફરજ પૂર્ણ કરતા એ રાણી ભાનુમતી અને યુવતી ની વચ્ચે ઢાલ સમા ઉભા રહી ગયા. બદલા ની આગ માં નિયઁત્રણ ગુમાવેલ રાણી ભાનુમતી એ વૃદ્ધ શરીર ને હડસેલી યુવતી પર ફરી પ્રહાર કર્યો.

તલવાર ની ધાર યુવતી ના શરીર ની ખુબજ નજીક થી સ્પર્શી ને નીકળી ગઈ . યુવતી ના શરીર ના ઉપર તરફ થી એના વસ્ત્રો ને વીંધી ને નીકળેલી તલવારે શરીર નો કેટલોક ભાગ ઉઘાડો કર્યો. યુવતી ની છાતી નજીક નું એક ગાઢ કાળું તિલ અંધકાર રાત્રી માં વીજળી ના ચમકારા થી સ્પષ્ટ દ્રશ્યમાન થયું. રાણી ભાનુમતી ના હાથ કંપવા માંડ્યાં અને તલવાર એમના હાથમાંથી સરી પડી. એક આવુજ ગાઢ કાળું તિલ એમના શરીર પર પણ એજ સમાન જગ્યાએ ઉપસ્થિત હતું !

શ્યામ શરણ ની આંખો માં આંખો પરોવી રહેલા રાણી ભાનુમતી ના વિસ્મય અને આશ્ચર્ય ને એક મૌન, ફિક્કા, પરિપક્વ, વૃદ્ધ હાસ્ય ની હામી મળી. યુવતી કઈ સમજે એ પહેલાજ બે મમતાભર્યા હાથો એ અશ્રુ ના સાગર માં ભીંજાયેલી આંખો વડે એને ગળે લગાવી દીધી. પાછળ ભીંત ઉપર લટકાયેલી તસ્વીર માં રાણા પ્રતાપસિંહ ના ચ્હેરા ઉપર રાણી ભાનુમતી ની આંખો સ્પર્શી. પોતાની મૃત જાહેર કરાયેલ દીકરી ને જીવતીજાગતી સુરક્ષિત મમતા ના આંચલ માં ભેટ ધરનારા પોતાના પતિ પ્રત્યે ના માન સન્માન આખરે પ્રેમ માં પરિણમીજ ગયા…

લેખક : મરિયમ ધુપલી

આ વાર્તા પ્રત્યેના અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ આવી અનેક નવીન વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ