ભાવનગરી ગાંઠીયા – બધાના ફેવરિટ ભાવનગરી ગાંઠીયા અને પપૈયા ના તીખા, મીઠા સંભારા ની રેસીપી.

હેલો ફ્રેન્ડઝ, આજ હું લાવી છું ગુજરાત ની શાન અને ગુજરાત ની પહેચાન સમા સૌ ના ફેવરિટ ભાવનગરી ગાંઠીયા અને પપૈયા ના તીખા, મીઠા સંભારા ની રેસીપી. આપણા ગુજરાત મા ઘણા પ્રકારના ગાંઠીયા મળે છે, ફાફડા,વણેલા,તીખાગાંઠીયા,માખણીયાભાવનગરી,ચંપાકલીનામ લખવા રહીશ તો લિસ્ટ લાંબુ થઈ જશે. ગુજરાતી ઓની સવાર તો ગરમા ગરમ ગાંઠીયા વગર પડે જ નહીં, મસ્ત મસાલા વાળી કડક ચા અને સાથે જો ગરમા ગરમ ગાંઠીયા અને પપૈયા ના તીખા મીઠા સંભારા અને તળેલા મોળા મરચાં મળી જાય તો પછી બીજુ શુ જોઇએ. આપણા ગુજરાતી ઓ ના ઘરો સાતમ આઠમ અને દિવાળી મા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવતા હોઈએ છીએ એમા ગાઠીયા તો બનતા જ હોય છે, પરંતુ આજ કાલ ની ઘણી મહિલાઓ ને ગાંઠીયા બનાવતા નથી આવડતું, ગાંઠીયા બનાવવા ખુબ જ સરળ છે જો તેનુ સામગ્રી નુ માપતોલ જળવાઈ રહે તો. જો સામગ્રી ના માપ મા ફેરફાર થાય તો ગાંઠીયા બરાબર ના બને.

તો ચાલો આજ હું તમને એક એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે ભાવનગરી ગાંઠીયા કેવી રીતે બને તે શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી..


* સામગ્રી —

* 3 કપ ચણાનો લોટ અથવા વેસણ

* 1 કપ તેલ

* 1 કપ પાણી

* 1 ટીસ્પૂન ખાવાનો સોડા

* 1 ટીસ્પૂન અજમો

* 1 ટીસ્પૂન મરી પાઉડર

* 1 ટીસ્પૂન સંચળ

* 1/2 ટીસ્પૂન હીંગ


* રીત — સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ પાણી ,1 કપ તેલ, 1 ટીસ્પૂન ખાવાનો સોડા નાખી ને તેને બ્લેનડર વડે બ્લેન્ડ કરી લો, લગભગ 5 મિનિટ સુધી સતત બ્લેન્ડ કરો, દુધ જેવુ સફેદ થઈ જાય ત્યાં સુધી ફીણવુ, બ્લેનડર ના હોય તો જેરણી અથવા ચમચા વડે ફીણવૂ.


2– મિશ્રણ એકદમ સફેદ રંગ નુ થઈ જાય એટલે તેમા અજમો અને ચણા નો લોટ અથવા વેસણ ઉમેરતા જાવ, અને લોટ મિક્સ કરતા જાવ, લોટ એકદમ ઢીલો રાખવો, બધો લોટ મિકસ કરી લો ત્યારબાદ તેમા એક એક ચમચી પાણી ઉમેરીને તેને હાથ થી ખુબ ફીણવુ, જયા સુધી આ મિશ્રણ એકદમ સફેદ અને હળવુ થઈ જાય ત્યાં સુધી ફીણવુ. આ દરમિયાન એક કળાઈ મા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો.


4–એક પ્લેટ મા ગાંઠીયા ઉપર ભભરાવા માટે મરી પાઉડર, સંચળ પાઉડર, અને હીંગ ને મિકસ કરી લો .


5– તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી લો અને ભાવનગરી ગાંઠીયા ના જારા ને કળાઈ પર મૂકી એક હાથ થી બરાબર દબાવી ને પકડી રાખવો જેથી કરી ને ગાંઠીયા પાડતી વખતે તે ઉછળે નહી. હવે થોડુ એક ચમચા જેટલુ મિશ્રણને જારા પર મુકો અને તવીથા થી અથવા તેના જેવા સપાટ વસ્તુ ઘસી ને ગાંઠીયા પાડો, છેલ્લે જારા ને થોડો ઠપકારો જેથી નીચે ચોટેલા ગાઠીયા તેલ મા પડી જાય.


હવે ગેસ ની ફ્લેમ મિડિયમ કરી અને ગાંઠીયા તળી લો.


ગાંઠીયા ને એક થાળી મા કાઢતા જાવ અને તેના પર તૈયાર કરેલુ સંચળ મરી અને હીંગ નુ મિશ્રણ છાંટતા જાવ, આમ કરવાથી ગાંઠીયા નો સ્વાદ ખુબ સરસ લાગે છે, આવી રીતે બધા ગાંઠીયા તળતા જાવ અને તૈયાર કરેલો મસાલો છાંટતા જાવ . તેયાર છે તમારા સૌ ના ફેવરિટ ભાવનગરી ગાંઠીયા.

* ધ્યાન મા રાખવા ની બાબત —

ગાંઠીયા બનાવવા માટે માપ નુ ખૂબ ધ્યાન રાખવું, ખાસ કરીને સોડા અને તેલ ના માપ મા જરા પણ ફેરફાર ના કરવો. લોટ ને ખુબ ફીણવુ કેમકે ફીણવા થી લોટ હળવો અને એકદમ સફેદ થશે અને ગાંઠીયા પણ સરસ ઉજળા બનશે.

**ચાલો હવે બનાવીએ પપૈયા નો તીખો અને મીઠો સંભારો

* સામગ્રી —

* 1 નંગ કાચુ પપૈયુ 250-300 ગ્રામ

*1/2 ટીસ્પૂન લાલ મરચુ

* ચપટી હીંગ

* 1/4 ટીસ્પૂન હળદર

* 1/4 રાઇ

* 1 ટીસ્પૂન ખાંડ

* ટી સ્પૂન તેલ

* સ્વાદ અનુસાર મીઠું

* રીત —


1–સૌ પ્રથમ કાચા પપૈયા ને ધોઈ લેવુ અને લુછી ને કોરુ કરી લો અને તેને છાલ ની સાથે જ જાડુ છીણ થાય એવી ખમણી વડે ખમણી લો યાદ રાખો જીણુ ખમણ બિલકુલ ના કરવુ. તેના 2 સરખા ભાગ કરી લો.


2– એક ભાગ ના પપૈયા ના ખમણ ને એક બાઉલમાં લઇ લો તેમા તેમા લાલ મરચુ, ચપટી હળદર અને મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે તમારો તીખો સંભારો. હવે તૈયાર કરી લો મીઠો સંભારો.


1– એક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખી ને તતડે પછી તેમા ચપટી હીંગ અને હળદર નાખી ને તેમાં પપૈયા નુ ખમણ નાખી ને મિકસ કરી લો ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને 5 મિનિટ સુધી સીઝવા દો, પપૈયુ થોડુ નરમ થઈ જાય એટલે ગેસ બંધ કરીદો તૈયાર છે તમારો મીઠો પપૈયા નો સંભારો ,સાથે લીલા મરચાં પણ તળી લો,


ચાલો તો બનાવો આ ભાવનગરી ગાંઠીયા અને પપૈયા ના તીખા મીઠા સંભારા અને બનાવો કડક મીઠી મસાલા વાળી ચા અને ખવડાવો તમારા ઘર ના સભ્યો ને તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ ગાંઠીયા અને પપૈયા ના તીખા મીઠા સંભારા અને હું કરુ એક નવી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)