જલ્સા કરોને જેંતીલાલ

ભાત ની ચકરી – જમ્યા પછી ભાત વધ્યો છે તો આજે બનાવી લો આ ચકરી, બધાને પસંદ આવશે…

બપોરે જમ્યા બાદ ભાત વધ્યા હોવાનું લગભગ બધા ના ઘરે બનતું હોય છે અને આપણે એ ભાત વધુ હોય તો તેની અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ભાત ના વડા, થેપલા, મૂઠિયાં, વગેરે..

આજે ભાત માંથી બનતી સ્વાદિષ્ટ ચકરી ની રેસિપી લઈ ને આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે .. જે સરળતા થી બનાવી શકાય છે. બાળકો ને વેકેશન માં સાંજે ગરમાગરમ બનાવી ને ખવડાવો.

હવે જ્યારે ભાત વધ્યા હોય તો ચોક્કસ થી ટ્રાય કરો આ ચકરી ની રેસિપી.. અને ભાત ના વધતા હોય તો થોડા ભાત વધુ બનાવી ને પણ એકવાર આ ચકરી ચોક્કસ થી બનાવો..

સામગ્રી:-

1 વાડકી ભાત ( ગળેલા ના હોય તેવા)

1/2 વાડકી ચણાનો લોટ

1/2 વાડકી ચોખાનો લોટ

2 ચમચા મેંદો

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1 ચમચી મરચું

1/4 ચમચી હળદર

ચપટી હિંગ

1 ચમચી જીરું

1 ચમચી તલ

1 ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

ક્રિસ્પી ભાત ની ચકરી ની રીત:-


સૌ પ્રથમ ભાત ને મિક્સર માં ક્રશ કરી લો. ભાત બહુ પાણી પોચો કે ગળેલો ના હોય એવો જ લેવો. હવે આ ભાત ના ક્રશ કરેલા મિશ્રમ માં ચણાનો લોટ ,ચોખાનો લોટ, મેંદો, આદુ મરચાં ની પેસ્ટ, તલ , જીરુ, મીઠું , હિંગ, હળદર, અને મરચું ઉમેરી ને કઠણ લોટ જેવું તૈયાર કરો. જો લોટ વધુ જોઈએ તો ચણાનો અને ચોખાનો લોટ સરખા પ્રમાણ માં ઉમેરો. 1 ચમચી તેલ ઉમેરી ને બરાબર મસળી ને કણક તૈયાર કરો. અને તેમાંથી ભાગ કરી ને તેલ લગાવેલા ચકરી ના સંચા માં ભરી ને પ્લાસ્ટિક કે બટર પેપર પર ચકરી પાડો.


હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને ગરમ થાય એટલે પાડેલી ચકરી ને મધ્યમ આંચ પર ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો . હવે તેલ માંથી નિકાળી ને પેપર નેપકિન પર મૂકો.


આ ચકરી ને એર ટાઈટ ડબ્બા માં 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.


કોઈ પણ ટાઈમ પર ખાઇ શકાય એવી આ સ્વાદિષ્ટ ક્રિસ્પી ચકરી ચોક્કસ થી બનાવો.

નોંધ:-

છુટા ભાત માંથી ચકરી ખૂબ જ સરસ બને છે.

તમે ઇચ્છો તો કોથમીર અને મરચાં પણ ઉમેરી શકો છો.

તળવા માં ઉતાવળ ન કરવી નહીં તો ક્રિસ્પી નહીં થાય .

ચકરી ને પ્લાસ્ટિક પર જ પાડવી નહીં તો ભાત હોવાથી ચોંટી જશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version