ભાતના ચીઝ બોલ – બપોરે ભાત વધ્યા હોય તો ચોક્કસથી આ બનાવી ને બાળકો ને ખુશ કરી શકશો…

ચીઝ બોલનું નામ સાંભળતા જ બાળકો ખાવા માટે તરત હા જ કહેશે. બહાર મળતા ચીઝ બોલ એટલા હેલ્થી હોતા નથી એટલે બાળકોને તમે વારંવાર ના આપી શકો. હું આજે તમે રોજ આપી શકો એવી રેસિપિ લઇને આવી છું.

બપોરે ભાત વધ્યા હોય તો ચોક્કસથી આ બનાવી ને બાળકો ને ખુશ કરી શકશો. ખૂબ પૌષ્ટિક એવા ભાતના ચીઝ બોલ બનાવીશું આજે…

સામગ્રી:-

2 કપ રાંધેલો ભાત,

1/૨ કપ ફણગાવેલા મગ-મઠ ( ના હોય તો બાફેલા પણ લઇ શકો છો),

1-4 કપ સમારેલી ડુંગળી,

2 ચમચા ચણાનો લોટ,

1 ચમચો ચોખાનો લોટ,

1 ચમચી ભાજીપાવ મસાલો,

મીઠું અને મરચું સ્વાદાનુસાર,

2 ચમચા સમારેલી કોથમીર,

ચીઝના નાના ચોરસ કટકા (પ્રોસેસ કે મૉઝેરેલા ચીઝ),

કોર્નફ્લેક્સનો ભૂકો કે બ્રેડનો ભૂકો અથવા ટોસ્ટનો ભૂકો,

તેલ તળવા માટે.

રીત:-

સૌ પ્રથમ એક બાઉલમાં ભાત, ફણગાવેલા કઠોળ, કોથમીર, ડુંગળી, મીઠું, મરચું, બેઉ લોટ અને ભાજીપાવનો મસાલો ઉમેરી બધું બરાબર મિક્ષ કરો.

હવે આ મિશ્રણના નાનાં ગોળા બનાવો. હથેળીમાં આ ગોળાને લઇને વચ્ચે નાનું ખાડા જેવું કરીને ચીઝનો કટકો મુકો અને ગોળો વાળી દો. બોલ જેવો આકાર બનાવો.

બધા ચીઝ બોલ આવી રીતે તૈયાર કરો

અને આ બોલને કોનફલેક્સના ભુકામાં રગદોળીળો.

મધ્યમ ગરમ તેલમાં ધીમા તાપે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો.

આ ચીઝ બોલને ચટણી અને સોસ સાથે સર્વ કરો.

નોંધ:- ભાત બહુ પાણી વાળા કે બહુ કડક ના હોવા જોઈએ. તમે ગમતા સમારેલા શાક પણ ઉમેરી શકો છો મિશ્રણ બનાવવા માટે. ચીઝ બોલ ધીમા તાપે જ તળવા નહીં તો અંદરથી કાચા રહી જશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ