હવે બનાવેલા ભાત વધે તો ચિંતા નહિ, બનાવો આ ટેસ્ટી ભાતના મસાલા પુડલા

ભાત તો આપણા રોજ ના જમવામાં હોય જ છે. પરંતુ જે ભાત વધે તેનું શું કરવું તે તો રોજ નો પ્રશ્ન થઇ ગયો છે. અને ચોમાસા નું ઠંડુ વાતાવરણ માં જો ગરમ ગરમ પુડલા અને દહીં ની ઠંડી-ઠંડી ચટણી મળી જાય તો તો મજા જ પડી જાય ને..

તો આજે આપણે બનાવીશું વધેલા ભાત ના મસાલા પુડલા અને તેની જોડે દહીં ની લસણ વાળી ઠંડી ઠંડી ચટણી.

સામગ્રી

પુડલા માટે_____

 • ૧ બાઉલ બનાવેલા ભાત,
 • ૧ ચમચી રવા નો લોટ,
 • ૧ વાડકો ચણા નો લોટ,
 • ૧ ચમચો દહીં,
 • ૨ નંગ જીણી સમારેલી ડુંગળી,
 • ૨-૩ નંગ લીલા સમારેલા મરચા,
 • તેલ શેકવા માટે,
 • ૧ ગ્લાસ પાણી.

ચટણી માટે_____

 • ૧ વાડકો દહીં,
 • ૧/૨ ચમચી નમક,
 • ૧/૨ ચમચી મરચું પાઉડર,
 • ૧ ચમચી ધાણાજીરું,
 • ૧/૨ ચમચી લસણ ની ચટણી.

સજાવટ માટે_____

 • લાલ અને લીલા મરચા,
 • ડુંગળી ની રીંગ.

રીત

સૌપ્રથમ આપણે એક બાઉલ માં બોપર ના વધેલા ભાત લઈશું. જેને મેં ફ્રીઝ માં રાખ્યા હતા. હવે તેને થોડી વાર બાઉલ માં રાખી દઈશું.

ત્યાર બાદ હવે તેનો ભૂકો(ક્રશ) કરવાના છે. જેને આપણે ચમચી કે હાથ વડે મસળી શકીએ છીએ. તેમજ એવી રીતે ના થાય તો મિક્ષ્ચર અથવા બ્લેન્ડર નો પણ ઉપયોગ કરી શકાય છે.

હવે આપણે એ બાઉલ માં મસળેલા ભાત સાથે લઈશું રવા નો લોટ અને ચણા નો લોટ.તમે ચાહો તો રવા નો લોટ અવગણી શકો છો.

હવે આપણે તેમાં ઉમેરીશું દહીં. દહીં થી પુડલા ખુબ જ સોફ્ટ થશે તેમજ તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ આવશે.

હવે પુડલા બનાવવામાં તમને જે પણ સામગ્રીઓ પસંદ હોય તે ઉમેરી શકાય છે. મેં તેમાં જીણા સમારેલા ડુંગળી, અને મરચા ઉમેર્યા છે. પુડલા માં ટામેટા તેમજ કોથમરી પણ ઉમેરી શકાય છે.

હવે બધી જ વસ્તુઓ ને ચમચા વડે મિક્ષ કરી લેવું. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પુડલા ની ખીરું તૈયાર કરવું.

હવે પુડલા બનવા માટે ખીરું એકદમ તૈયાર છે. તો તેમાં થી એક ચમચો અથવા વાડકો ખીરા નો ભરવો. જેથી બધા પુડલા સરખા થાય.

ત્યાર બાદ તેને ગરમ ગરમ લોઢી ઉપર ચમચા વડે પાથરી લેવું. અને તેને નાના નાના કરવા જેથી તે સરસ રીતે ઉછલી જાય. તેમજ એક બાજુ શેકાય ગયા બાદ તેને બીજી તરફ શેકાવા દેવું.

હવે પુડલા તો તૈયાર છે. પણ હમેશા પુડલા જોડે દહીં ની ચટણી ખુબ જ સરસ લાગતી હોય છે. તો ચટણી બનાવવા માટે આપણે લઈશું. દહીં એક વાડકો. ત્યાર બાદ તેમાં ઉમેરીશું નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને લસણ ની ચટણી. તમે ચાહો તો ગરમમસલો પણ ઉમેરી શકાઈ છે.

હવે બધી જ સામગ્રીઓ ને દહીં માં ચમચી વડે મિક્ષ કરી લેવી. જેથી દહીં નું પણ ઘોરવું તૈયાર થઇ જાય.

ચટણી બની ગયા બાદ તેને ફ્રીઝ માં મૂકી દેવી. આ દહીં ની ચટણી ઠંડી ખુબ જ સરસ લાગે છે.

તો તૈયાર છે ગરમા-ગરમ મસાલા પુડલા અને સાથે ઠંડી ઠંડી દહીં ની ચટણી. જેને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરીશું. અને તેને ડુંગળી તેમજ મરચા થી સજાવી છે. જે ખાવા માં પણ પુડલા જોડે ખુબ જ સરસ લાગે છે.

નોંધ

પુડલા બનાવવામાં ભાત ને બરાબર રીતે ક્રશ કરી લેવા જેથી તે લોટ જોડે બરાબર મિક્ષ થઇ જાય.

પુડલા માં ડુંગળી અને મરચા જોડે ટામેટા, કોથમરી જેવી સામગ્રીઓ પણ ઉમેરી શકાય છે.

પુડલા માં જેટલી પણ વસ્તુ ઉમેરો બધી જ એકદમ બારીક સમારવી. જેથી પુડલા બરાબર ઉછલી જાય.

પુડલા બને એટલા પાતળા કરવા જેથી તે બરાબર શેકાઈ જાય.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી