ભરઉનાળે વહી મદદની સરવાણી – તેના પિતાની યાદમાં એક યુવાન કરી રહ્યો છે ખૂબ ઉમદા કાર્ય…

“યિતાર્થ… નાસ્તો તૈયાર છે.. નીચે આવી જજે.. એસી ચાલુ કરાવ્યું છે.. તને ગમે એવું પરફેક્ટ કુલીંગ થઇ ગયું છે..!!”

રેખાબહેને ઇન્ટરકોમ કરીને ઉપરના ઓરડામાં તૈયાર થતા તેમના દીકરા યિતાર્થને કહ્યું.. એક વર્ષનું પાંચસો કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીનો તે એકમાત્ર માલિક હતો.. ત્રીસ વર્ષની ઉમરે તે પોતાના રાજ્યના સૌથી સફળ બીઝ્નેઝ્મેનની લીસ્ટમાં ટોપ પર હતો.. જાતજાતના મેગેઝીન્સ અને ન્યુઝચેનલ તેના અગણિત ઈન્ટરવ્યુંસ છાપી ચુકી હતી.. સાત બેડરૂમમાં મોટા બંગલામાં તે ફક્ત તેની માં સાથે રહેતો હતો.. અપરિણીત હોવાથી દેશની દરેક યુવતીના સપનાનો રાજકુમાર બની ચુક્યો હતો.. તેના ઘરે બીઝ્નેઝ પ્રપોઝલ્સ જેટલા આવતા તેનાથી તો વધારે તેને પોસ્ટમાં લવલેટર્સ આવતા હતા..

યિતાર્થને એક વિચિત્ર આદત હતી.. જો કે આજકાલના ગ્લોબલ વોર્મીન્ગના જમાનામાં એ વિચિત્ર તો નાં જ કહી શકાય… છતાય તેને તે વાતથી થોડું વધારે જ ઓબ્સેશન હતું.. તે જ્યાં પણ જાય ત્યાં તેના પહોચવાની અડધી કલાક પહેલા એસી ચાલુ થઇ જવું જોઈએ તેવો તેનો આદેશ હતો.. એ પછી ભલે ગમે એટલું સ્ટ્રોંગ પાવર ધરાવતું એસી હોય કે જે પાંચ જ મીનીટમાં કુલીંગ આપી દે.. છતાય અડધી કલાક પહેલાથી જ ચાલુ કરવાનું રહેતું.. એક મિનીટ પણ તે એસી વગર ક્યાય પગ નાં મુકતો.. ત્યાં સુધી કે અમુક વખતે તો ક્યાંક એસી ના મળે તો ગાડીમાં જ મીટીંગ પતાવી લેતો.. ગાડીનું એસી ચાલુ કરીને..!! તેની આ આદતથી સૌ કોઈ જાણકાર હતા પરંતુ આ આદત કેમ હતી તેનાથી બધા જ અજાણ..!!

“માં.. તારા હાથની ખીર… વાહ કેટલા દિવસે ખાધી.. એમાય આવા ઉનાળામાં તો મને બહુ જ ભાવે છે… જાણે પેટમાં ઠંડો શેરડો પડતો હોય ને તેવું લાગે..!! ખરેખર…” ડાઈનીંગ ટેબલ પર બેસીને યિતાર્થે તેની માંને સંબોધીને કહ્યું.. “મને ખબર છે દીકરા તને ખીર કેટલી ભાવે છે.. અને એ પણ આ ફ્રીઝમાં મુકેલી ઠંડી, કાજુ-બદામ વાળી ખીરનો તો તું દીવાનો છે..

હવે ઉનાળો ચાલુ થઇ ગયો છે.. એપ્રિલ મહિનો શરુ થઇ ગયો એટલે હવે બહુ ગરમી પડશે.. અને તને ઉનાળાથી કેટલી નફરત છે એ પણ હું જાણું છું એટલે જ તારા માટે આજથી રોજ ખીર બનાવીશ.. ઠંડી..!! તું સવારે પીને જ જજે હો લાલા….!!” “હા માં…!” કહીને તરત જ યિતાર્થ ફોન લઇ તેમાં બીઝી થઇ ગયો.. ઓફીસ પહોચતા જ તે પોતાની ફાઈલ્સ અને મીટીંગસમાં વ્યસ્ત થઇ ગયો.. અચાનક ત્રણ વાગ્યે બધાને બ્રેક આપીને પોતાના ડ્રાઈવરને ફોન કર્યો તેણે.. અને ગાડી તૈયાર કરવાનું કહ્યું..

શિયાળાના સમયમાં પણ બપોરે બારથી પાંચની વચ્ચે ઓફીસ બહાર નાં નીકળતા પોતાના બોસને આ ભરઉનાળે ત્રણ વાગ્યે ક્યાં જવું હશે તે વિચારવામાં મગ્ન ડ્રાઈવરનું ધ્યાન યિતાર્થ પર પડતા જ તેણે દરવાજો ખોલ્યો… “કઈ બાજુ જઈશું સાહેબ??” “ગમે ત્યાં લઇ લે.. અને એસી બંધ કરી દે થોડી વાર માટે…!!” “શું સાહેબ??” “એસી બંધ કરી દે..!!” “પણ સાહેબ..” “કહ્યું ને તને એટલું જ કર.. એસી બંધ..!!”

ડ્રાઈવરના આશ્ચર્યનો કોઈ પાર નોહ્તો.. છેલ્લા આઠેક મહિનાથી તે યીતાર્થનો પર્સનલ ડ્રાઈવર હતો.. ક્યારેય એસી વગર પગ નહિ મુકતો આ માણસ આજે પોતાને એસી બંધ કરવાનું કહી રહ્યો છે.. તે સાંભળતા જ તેને નવાઈ લાગી હતી..!! ગામની વચોવચ બજારમાં ગાડી ચાલતી હતી… ઉનાળો હોવાથી સ્વભાવિક જ રસ્તા પર બહુ ઓછા લોકો હતા.. અને જે હતા તે એકદમ પેક..!! મોઢે રૂમાલ, દુપટ્ટા, હાથમાં મોજા ને આંખે ગોગલ્સ ચડાવીને તડકાથી બચવા મથતા અમુક લોકો..!!

“અરે રે.. સાહેબ.. આ તો જો બિચારા આધેડ વયના કાકા છે… આવા તડકામાય એમને મજુરી કરીને ગાડું ખેચીને કામ કરવું પડે છે… હે ભગવાન થોડી તો દયા કર…!!” વાંકા હોઠ કરીને સહેજ હસીને યિતાર્થ આ વાત સાંભળી ચુપ રહ્યો.. ત્યાં તો ફરી એ ડ્રાઈવર રાજુ સિગ્નલ પર તડકામાં કંઇક વેચવા મથતી સ્ત્રીને જોઈ બોલી ઉઠ્યો,

“પાણી પીતા હશે બિચારા ક્યારેય કે નહિ..!!” ત્યાં જ પેલી સ્ત્રીએ તેની ગાડીનો કાચ ખખડાવ્યો તો મો વાંકુ કરીને તેને ધુત્કારીને કાચ ખોલ્યા વગર જ ત્યાંથી કાઢી મૂકી.. યિતાર્થ આ બધું જોઈ એકદમ ચુપ હતો.. લગભગ અડધી કલાક સુધી શહેરના રસ્તાઓ પર એમનેમ ગાડી ચલાવ્યા બાદ યિતાર્થના ડ્રાઈવરે તેને પૂછ્યું, “ક્યાં જવું છે સાહેબ?”

“એક કામ કર.. પેલો જે ગાડાવાળો હતો ને એ બહુ દુર નહિ પહોચ્યો હોય.. એની પાસે જ લઇ લે..!!!” “કોણ ગાડાવાળો સાહેબ??” “જેની તને બહુ દયા આવતી હતી ને એ જ..” કટાક્ષમાં પોતાના ડ્રાઈવરને જવાબ આપીને યિતાર્થ તેના મોબાઈલમાં મચી પડ્યો.. “સાહેબ… આ એ જ ગાડાવાળો છે..!!” એક જગ્યાએ ગાડી ઉભી રાખીને તેનો ડ્રાઈવર બોલ્યો.. “સરસ ચાલ તેની પાસે લઇ લે… અને ગાડી ઉભી રાખજે..!!”

એક કલાકથી એસી વગર આમતેમ ફરી રહેલો યિતાર્થ હવે પરસેવાથી નીતરતો હતો.. કદાચ તે ગાડાવાળાની ફાટેલી બંડીમાં અને યીતાર્થના પરસેવાથી ભીના થઇ ગયેલા ટોમી હિલ્ફીગરના શર્ટમાં હવે કોઈ જ તફાવત નોહ્તો..!! “કાકા… આવો અંદર બેસો મારી સાથે..!!” ગાડીમાંથી ઉતરીને તે ગાડાવાળા કાકાને સંબોધીને યિતાર્થ બોલ્યો.. ને તેનો ડ્રાઈવર ફરી અચંબિત થઇ ગયો..!! તે આધેડ વયના, બોખ મો વાળા ને કાબરચીતરા મહિનાઓના વધી ગયેલા વાળ વાળા કાકા આ સાંભળીને સહેજ હસ્યા.. યીતાર્થની નજીક ગયા અને બોલ્યા..

“કેમ બેટા.. મારી સાથે મજાક કરે છે..!!” “નાં કાકા.. સાચું કહું છું.. આવો અને બેસો.. ચાલ રાજુ.. એસી ચાલુ કર.. અને ફૂલ કરી નાખજે..!! અને હા આ કાકાનું ગાડું અહી ક્યાંક સાઈડમાં રાખી દે..!! ને આજુબાજુ કોઈને ધ્યાન રાખવાનું કહી દે.. એવું પણ કહેજે કે ધ્યાન રાખવાના બે કલાકના બે હજાર રૂપિયા મળશે..!!”

કાકા કઈ જ સમજી નોહતા રહ્યા કે આ શું થાય છે.. સહેજ ગભરામણ સાથે તેઓ ત્યાંથી ભાગવા જતા હતા કે યિતાર્થ તેમની નજીક ગયો અને તેમનો હાથ પકડીને તેમને ધરપત આપી.. અને ગાડીમાં અંદર લાવ્યો.. અને પોતાની બાજુમાં બેસાડ્યા..!! “ચાલ રાજુ.. હવે ક્યાંકથી કોઈ શરબત લઇ લે.. ને પછી આઈસ્ક્રીમ પણ લેજે..!! એસી ફૂલ જ રહેવા દેજે..!!”

રાજુ આ બધું જોઇને હક્કોબક્કો થઇ ગયેલો.. તેને લાગ્યું આ યિતાર્થસાહેબ ગાંડા જ થઇ ગયા છે..!! પેલા કાકા બોલ્યા, “પણ હું મોડો પહોચીશ તો મને ૧૦૦ રૂપિયા ઓછા મળશે.. “અરે રે કાકા.. હું તમને ૧૦૦૦ રૂપિયા આપી દઈશ.. તમે બસ શાંતિથી બેસો અને એસીની ઠંડી હવા લો.. આ આઈસ્ક્રીમ ખાવ અને ખુશ થાવ..!!”

બસ પછી તો આ રોજનું થઇ ગયું.. રોજ અઢી-ત્રણની આસપાસ યિતાર્થ તેના ડ્રાઈવર સાથે તડકામાં નીકળી પડતો.. કોઈ ને કોઈ આવા મજુરને પોતાની ગાડીમાં બેસાડતો… બે કલાક એસીની ઠંડી હવામાં તેઓના શરીર ઠરતા ને હૈયા મુલાયમ થતા ને આંખો ભીની થતી.. અઢળક આશીર્વાદ સાથે સૌ યિતાર્થને પોંખતા… લગભગ એકાદ મહિનો આમ જ વીતી ગયો..

એક દિવસ યીતાર્થનો ડ્રાઈવર ઓફીસના કોઈ કર્મચારી સાથે યીતાર્થના આ ગાંડપણ વિશે વાત કરી રહ્યો હતો.. ત્યાં જ યીતાર્થના મમી દાખલ થયા.. અમુક શબ્દો તેમણે સાંભળી લીધા હતા.. ને આમ પણ તેમના ધ્યાનમાં હતું કે લોકો તેમના દીકરાને ગાંડો કહે છે.. લંચ ટાઈમમાં તેઓએ સૌને યીતાર્થની ઓફિસમાં બોલાવ્યા..

“આવો.. બધા બેસો… લે રાજુ.. આ એસીનું રીમોટ.. એસી બંધ કરી દે..!!” બપોરના બે વાગ્યાનો સમય હતો.. ને બહાર ધોમધખતો તાપ.. એસી બંધ કરવાથી પાંચ મીનીટમાં બધા પરસેવાથી નીતરવા લાગશે એ રાજુ જાણતો હતો.. છતાય મોટા મેડમની આજ્ઞા તો માનવી જ રહી.. તેણે રીમોટ લઈને એસી બંધ કર્યું..!! રેખાબહેને પોતાની વાત શરુ કરી,

“તમને કોઈ માટે હમદર્દી થાય એ સ્વભાવિક છે.. માનવસહજ સ્વભાવ છે.. કોઈ માટે કરુણા નીપજવી કે કોઈની દયા ખાવામાં જરાય ખોટું નથી.. આપણા હ્રદયમાં વહેતી લાગણીઓના પરિણામે આપણને કોઈ માટે દુખ થઇ જાય છે.. જેમાં કઈ જ ખોટું નથી.. પરંતુ આ જ દુખ આપણા પર આવી પડે તો આપણી શું હાલત થાય??? સિમ્પથી બતાવવામાં આપણે બધા માહિર છીએ.. પરંતુ કોઈને એમ્પથેટીક નથી બનવું.. પોતાની જાતને એ જગ્યાએ રાખીને તો જોઈ જુવો.. બોલવું સહેલું છે.. અનુભવવું બહુ અઘરું..!! ને મારો દીકરો એ જ કરી રહ્યો છે.. અનુભવ લઇ રહ્યો છે..

મારા પતિ, યિતાર્થના પિતા એક મજુર હતા.. હાથલારી ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોચાડતા.. રોજના ૨૦ રૂપિયા મળતા એ જમાનામાં. ઉનાળમાં જ્યારે તેઓ સાંજે ઘરે આવે ને ત્યારે ઓળખાય નહિ તેવી હાલતમાં હોય..!! આખા દિવસનું પાણી માંડ બે વાર પીધું હોય બળબળતા તડકામાં આમ ને આમ કામ કરતા રહેતા.. તે સમયે યિતાર્થ પંદર વર્ષનો હતો… એક દિવસ સાંજે આઠ વાગી ગયા છતાય એના પપ્પા નાં આવ્યા.. મને સહેજ ચિંતા થઇ.. હું તેમના સાહેબની દુકાને ગઈ.. એ કે ક્યારનો સામાન લઈને નીકળી ગયા છે મારા પતિ…!!

મેં એ જ્યાં સામાન પહોચાડવા જવાના હતા એ જગ્યાનું સરનામું લીધું ને એ રસ્તે ચાલતી ગઈ. લગભગ ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી મારી નજર રસ્તાની બાજુએ પડેલા એક માણસ પર ગઈ.. મેં નજીક જઈને જોયું તો યિતાર્થના પિતા હતા.. તેમના મોમાંથી લાળ નીકળતી હતી.. શ્વાસ સાવ ધીમા પડી ગયા હતા.. હું તરત તેમને સિવિલમાં લઇ ગઈ.. ત્યાના ડોકટરે કહ્યું કે તેમને “હીટ સ્ટ્રોક” આવ્યો છે..!! કોઈએ એમને પાણી સુધ્ધા નોહ્તું આપ્યું… કદાચ વહેલા હોસ્પીટલે લઇ ગયા હોત તો..

પણ અફસોસ..!!! ચાર જ કલાકમાં તેઓ… મારા દીકરાને મેં મોટો કર્યો છે.. પરિશ્રમી બનાવ્યો છે.. સંસ્કાર છે તેનામાં અને સમજણ પણ..!! પોતાના પિતા સાથે આ થયું એ જોઇને તેને નક્કી કર્યું કે જ્યારે પણ તેની ત્રેવડ હશે ત્યારે તે બધાને મદદ કરશે.. અને એસી માટેનો આ લગાવ પણ તેના જ લીધે છે..!!

છેલ્લા સાત પાંચ વર્ષથી તે આ જ રીતે દર ઉનાળામાં નીકળી પડે છે.

રાજુ તારી પહેલાનો એનો ડ્રાઈવર એની સાથે પહેલા વર્ષથી હતો.. જે જાણતો હતો કે તે આવું શુકામ કરે છે.. એટલે તમને કોઈને ક્યારેય કઈ ખબર નાં પડી..!!” રેખાબહેનની વાત સાંભળીને ત્યાં હાજર સૌ મોમાં આંગળા નાખી ગયેલા… યિતાર્થ માટે એકાએક જાણે સૌને માન થઇ ગયું..!! રાજુના ચહેરા પર પસ્તાવાનો પાર નહોતો..!!

બીજા જ દિવસથી સૌ કોઈ પોતાનાથી બનતી મદદ યિતાર્થને આ સેવાકાર્ય કરવામાં કરવા લાગ્યા.. કઈ નહિ તો રસ્તામાં કોઈ મજુરને અથવા તડકામાં કામ કરતા માણસને જોઇને લીંબુ શરબત તો પીવડાવી જ દેતા..!! એ રાતે યિતાર્થ પોતાના પિતાના ફોટો પાસે જઈને ઉભો રહ્યો… આંખમાં એક ફરજ પૂરી કર્યાના ભાવ સાથે.. ખુશીના આંસુ સાથે..!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ