ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા વેદો – પુરાણો અને મહાગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસના જન્મની રોચક દંતકથા…

ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાં વેદો – પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસના જન્મની રોચક દંતકથાઃ

જેમના નામે વિશ્વનો સૌથી પ્રાચિન અને પ્રથમ લેખિત ગ્રંથ હોય એવા મહર્ષિ વેદવ્યાસના જન્મની દંતકથા જાણવી ખૂબ જ રોચક લાગશે. જેમને જન્મ સાથે દૈવિય વરદાન મળ્યું હતું કે તેઓ બાળસ્વરૂપે નહીં રહે સીધા યુવાવસ્થામાં આવી જઈને કઠોર તપ કરશે.

image source

આ મહર્ષિ વેદવ્યાસની ઉપત્તિના ઉપક્રમે આપાણે ગુરુપૂર્ણિમાના દિવસ તરીકે ઉજવીએ છીએ. તેને આપાણે વ્યાસપૂર્ણિમા પણ કહીએ છીએ. હકીકતે આ દિવસ એ તેમનો જન્મદિવસ નથી. પરંતુ આ એ દિવસ છે, જ્યારે ભારતીય સંસ્કૃતિના પાયા મહાગ્રંથ તરીકે મનાતા મહાભારતની રચનાનો એ દિવસે એમણે આરંભ કર્યો હતો. લગભગ બધા જ ભલે ન હોય પરંતુ ૧૮ પુરાણો અને ચાર મુખ્ય વેદ અને વેદાંતની રચના કરવાનો શ્રેય એમને જાય છે.

મહર્ષિએ આપેલ આ ગ્રંથો વિશ્વના પ્રથમ લેખિત ગ્રંથ છે એ વિશેની એક રસપ્રદ વાયકા છે જે ભારત દેશમાં નહીં પરંતુ વિદેશમાં એક ઘટના બની હતી. કહેવાય છે કે ગ્રામોફોન પર ગુંજેલા સૌ પ્રથમ શબ્દો ‘વેદ’ના મંત્ર હતા. ગ્રામોફોનની શોધ ૧૯મી સદીમાં થોમસ આલ્વા એડીસને કરી હતી. ઇલેક્ટ્રિક બલ્બ અને મોશન પિક્ચર કેમેરા સહીત અનેક આવિષ્કારો કરનારા મહાન વૈજ્ઞાનિક એડીસન ઈચ્છતા હતા કે ગ્રામોફોન પર સૌ પ્રથમ કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાનનો અવાજ રેકોર્ડ કરવામાં આવે. આ માટે એમણે જર્મનીના વિદ્વાન પ્રોફેસર મેક્સ મુલરની પસંદગી કરી.

image source

ઇંગ્લેન્ડમાં એક ભવ્ય સમારોહમાં અનેક વિદ્વાનો અને હજારો લોકોની ઉપસ્થિતિમાં એડીસનની વિનંતી પર પ્રો. મુલર સ્ટેજ પર આવ્યા અને ગ્રામોફોનનાં રેકોર્ડીંગ પીસ પર થોડા શબ્દો બોલ્યા. એના પછી એડીસને ડિસ્ક ચાલુ કરીને ગ્રામોફોનથી નીકળતો અવાજ બધા દર્શકોને સંભળાવ્યો. વિશ્વનો સૌ પ્રથમ રેકોર્ડેડ અવાજ સાંભળીને ત્યાં હાજર બધા લોકો રોમાંચિત થઈ ઉઠ્યા અને આ અનોખા આવિષ્કાર માટે એડીસનની ભરપૂર પ્રસંશા કરી.

એના પછી પ્રો. મેક્સ મુલર ફરી સ્ટેજ પર આવ્યા અને દર્શકોને પૂછ્યું, ‘મેં ગ્રામોફોન પર જે શબ્દો બોલ્યા હતા તે તમને લોકોને સમજાયા?’ આ પ્રશ્ન સાંભળીને શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે પ્રો.મુલર જે બોલ્યા હતા એ કોઈને પણ સમજાયું નહોતું. તે પછી પ્રો. મુલરે ચોખવટ કરી કે હું જે શબ્દો બોલ્યો હતો સંસ્કૃત ભાષાના હતા અને ઋગ્વેદના પ્રથમ શ્લોકમાંથી લીધેલ હતા.

image source

‘અગ્નિમિલે પુરોહિતં’ – આ ગ્રામોફોન પર રેકોર્ડેડ પ્રથમ શબ્દો હતા. આખરે પ્રો. મુલરે વિશ્વના પ્રથમ રેકોર્ડિંગ માટે આ શબ્દો જ કેમ પસંદ કર્યા, તેની ચોખવટ કરતાં કહ્યું, “વેદ વિશ્વનો સર્વપ્રથમ ગ્રંથ છે અને આ શબ્દો ઋગ્વેદના પ્રથમ સૂક્તના છે. અતિ પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્ય પોતાના શરીરને ઢાંકવાનું પણ શીખ્યો નહતો, ગુફાઓમાં રહેતો હતો અને શિકાર પર જીવન વ્યતિત કરતો હતો, ત્યારે હિન્દુઓએ ઉચ્ચ શહેરી સભ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. આ સમયમાં હિન્દુસ્તાનના વિદ્વાન ઋષિઓએ વિશ્વને વેદના રૂપમાં એક સાર્વભૌમિક દર્શન પ્રદાન કર્યું. એટલા માટે મેં સૌ પ્રથમ રેકોર્ડ કરવા માટે તે ગ્રંથમાંથી આ શબ્દો પસંદ કર્યા.” જ્યારે રેકોર્ડેડ શબ્દો ફરી એકવાર વગાડવામાં આવ્યા, ત્યારે ત્યાં હાજર તમામ લોકોએ ઊભા થઈને આ પ્રાચીન ગ્રંથને સન્માન આપ્યું.

મહાન ગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસના જન્મની કેટલીક અપભ્રંશ થયેલ દંતકથાઓ છે જેમાંથી એક વધુ પ્રમાણમાં પ્રચલિત છે. વેદવ્યાસના જન્મની વાર્તા જાણવા પહેલાં એમના માતા – પિતા વિશે જાણવું પણ રસપ્રદ છે. તેઓના માતા મસ્ત્યકન્યા સત્યવતી અને ઋષિ પરાશર મુનિના પુત્ર છે. એમના જન્મ અને એમના જીવનનું પ્રયોજન પણ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં એક મહત્વની ભૂમિકા ધરાવે છે.

image source

કહેવાય છે કે સદીઓ પહેલાં પ્રાચિન કાળમાં એક સુધન્વા રાજા થઈ ગયા. એમને વનવિહાર અને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. રાજાના શિકાર પર નીકળી ગયા પછી તેમની પત્ની રજસ્વલાની સ્થિતિમાં આવી ગયાં. તેમણે એમની આ અવસ્થા વિશે પતિને જાણ કરવાની ઇચ્છા થઈ. નિઃસંતાન આ દંપતી ઘણાવખતથી સંતતિની ઇચ્છામાં હતું. જેથી તેમણે પોતાની પાસે મહેલમાં રહેનાર એક શિકારી પક્ષીને મોકલીને રાજાને સંદેશો આપવા મોકલ્યું. રાજા સુધન્વાને પક્ષી દ્વારા આ સમાચાર મળ્યા. એમણે સમજસૂચતા સમજીને એક નાનકડા ઘડામાં પોતાનું વિર્ય કાઢીને તે પક્ષી સાથે બાંધી દીધું અને તેને સૂચના આપી કે આ ઘડો એમની પત્ની સુધી પહોંચાડવું.

તે પક્ષી પણ ઝડપથી ઊડીને ત્યાંથી ઘડો લઈને નીકળી ગયું. તે શિકારી પક્ષી હતું તેથી લડાયક સ્વભાવનું હોવાથી રસ્તામાં તેને અન્ય એક પક્ષી મળી ગયું જેની સાથે એ દ્વંદ્વ યુદ્ધે ચડ્યું. આ પક્ષી એ પણ વિસરી ગયું કે તેને રાજાએ ઘડો બાંધી આપ્યો છે અને તે બીજા પક્ષી સાથે લડાઈ કરવા લાગ્યું. આ સમયે તે યમુના નદી પાસેથી પસાર થતો હતો. એના શરીરે બાંધેલ ઘડો છૂટી ગયો અને એ નદીમાં જઈ પડ્યો. નદીમાં એક શ્રાપિત અપ્સરા હતી જેને માછલી થઈને નદીમાં રહેવાનો શ્રાપ મળ્યો હતો, સૃષ્ટિના સર્જન હાર બ્રહ્માજીનો. આ માછલીના મુખે રાજાનું વિર્ય પહોંચ્યું અને તે કાળક્રમે સગર્ભા થઈ.

image source

જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિમાં આ રીતે સંભોગ વિના જ ગર્ભ ધારણ કરવાની વાત લખવામાં આવી છે એ પણ એક રોચક બાબત કહેવાય જેથી કહી શકાય કે ભારતીય વેદપુરાણો માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ નહીં તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પાયાના મુદ્દાઓ આ ગ્રંથોમાં લખાયા છે.

આ માછલીને જાળમાં પકડવા એક નિષાદ નામનો નાવિક પહોંચ્યો. આ નાવિકે માછલીને જ્યારે ચીરી તો તેના પેટમાંથી બે જોડિયાં બાળકો નીકળ્યાં. આ જોડિયાં બાળકોમાં એક દીકરો અને એક દીકરી હતાં. નાવિકને થયું કે નિઃસંતાન રાજા સુધન્વાને આ બાળકો બતાવી જોઉં જેથી તે રાજા પાસે ગયો અને તેમણે પુત્રને દત્તક લઈ લીધો જેનું નામ પાછળથી મત્સ્યરાજ રાખ્યું. પુત્રી નાવિક નિષાદ પાસે જ રહી. તેના શરીરમાંથી માછલી જેવી દૂર્ગંધ આવતી હતી તેથી તેનું નામ તેના પાલક પિતાએ મત્સ્યગંધા રાખ્યું.

આ પુત્રી મત્સ્યગંધા યુવાન થઈ ત્યારે તે ખૂબ જ સ્વરૂપવાન લાગતી હતી. તેણે પણ તેના પાલક પિતાનો વ્યવસાય અપનાવ્યો હતો અને તે યમુના નદીના કાંઠે નાવડી ચલાવતી હતી. એક સમયે યમુના નદીના કિનારે એક વાર પરમજ્ઞાની ઋષિ પરાશર ત્યાં આવી પહોંચ્યા અને તેમણે મત્સ્યગંધાની નાવની સવારી કરી. સફર દરમિયાન મુનિ પરાશર તેના સુંદર સ્વરૂપ પર મોહિત થઈ ગયા અને તેમણે તેની પાસે સંભોગની માગણી કરી. આવા સમયે મત્સ્યગંધાએ ઋષિ પરાશરને યાચના કરી કે તેનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ અને આ બાબતની કોઈને જાણ થવી જોઈએ નહીં.

મુનિએ એક યુક્તિ કરી અને તે સમયે તેમની આસપાસ એક ધુમ્રસેરનું આવરણ રચી દીધું. જેથી તેમને સંસારમાં કોઈ જ જોઈ ન શકે. નાવિક પુત્રી સાથેના સહવાસથી પ્રસાન્ન થઈને મુનિ પરાશરે તેને વરદાન આપ્યું કે હવેથી તેના શરીરમાંથી મત્સ્ય કન્યા જેવી દુર્ગંધ આવશે નહીં. અને ત્યારબાદ તેનું નામ પડ્યું સત્યવતી. સમયાંત્તરે એમના સંભોગક્રિયાના પરિણામે સત્યવતીએ વેદ – વેદાંતના જાણકાર એવા પરમ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર બાળક તરીકે ન ઉછરતાં એ સીધો યુવાન થઈ ગયો અને એણે માતા પાસેથી તપ કરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે માતાને જ્યારે પણ મદદની જરૂર પડશે તેમની પાસે હાજર થઈ જશે એવું વચન આપીને મહાતપ કરવા દ્વૈપાયન દ્વીપ પર ચાલ્યા ગયા. પાછળથી કઠોર તપને લીધે તેમનું શરીર કાળું પડતું ગયું જેથી તેઓ કૃષ્ણ દ્વૈપાયન નામે પણ ઓળખાયા.

image source

મહાભારતના રચયિતા વેદવ્યાસ છે એવું આપણે જાણીએ છીએ પરંતુ એ કોઈ ભાગ્યે જ જાણતાં હશે કે તેઓ માત્ર આ મહાગાથાના લેખક કે સંપાદક જ નથી. તેમણે સાક્ષી ભાવે આ કથાપ્રસંગોને જોયા છે અને કથામાં વચ્ચે જરૂર પડે ત્યારે મહાભારતના પાત્રોને માર્ગદર્શન આપવા એમણે યથાસમયે કથામાં હાજરી પણ આપી છે. એ વિશે પણ એક રોચક કથા છે.

મહર્ષિ વેદવ્યાસ માત્ર રચયિતા નથી મહાભારતના, તેઓ મૂળ રૂપે આ મહાન દંતકથાના સંસ્થાપક છે. વેદવ્યાસના જન્મ બાદ તેઓ ત્પશ્ચર્યા કરવા દ્વૈપાયન દ્વિપ ચાલ્યા ગયા. પાછળથી તેમના માતા સ્ત્યવતીએ હસ્તીનાપુર દેશના નરેશ સાથે લગ્ન કર્યાં. તેમનાથી તેમને બે પુત્રો થયા પરંતુ એઓ વારસદારને જન્મ આપ્યા વિના જ મૃત્યુ પામ્યા અને એ સમયે એવો રિવાજ હતો કે જો પુત્રનું મરણ વારસદાર આપ્યા વગર જ થઈ જાય તો રાજગાદી હેતુ પ્રાચીન નિયોગ પરંપરા જેને અનુસાર જો વ્યક્તિ નિસંતાન મૃત્યુ પામે તો કોઈ પુરુષ તેની વિધવાના સંતાનનો પિતા થઈ શકે. વ્યાસની માતાએ તેમને પુત્રના વીર્ય વતી તેની વિધવા પત્નીઓ અંબા અને અંબાલિકા દ્વારા સંતાન ઉત્પતિની વિનંતિ કરી. અને આ રીતે તેમેને બે રાજકુમાર જન્મ્યા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ.

વ્યાસે અંબા અને અંબાલિકાને તેમની પાસે એકલા આવવા જણાવ્યું. પહેલાં અમ્બિકા આવી પણ લજ્જા અને ભય ને કારણે તેણે પોતાની આંખો મીચી દીધી. વ્યાસે સત્યવતીને કહ્યું તેનું બાળક આંધળુ જન્મશે. પાછળથી આ બાળકનું નામ ધૃતરાષ્ટ્ર રાખવામાં આવ્યું. હવે સત્યવતીએ અંબાલિકાને મોકલી અને શાંત રહેવા જણાવ્યું. પણ ભયની મારી તેનો ચહેરો ફીક્કો પડી ગયો. વ્યાસે તેને કહ્યું કે આ બાળક ક્ષય રોગથી પીડાશે અને તે રાજ્ય ચલાવવા અયોગ્ય થશે. આ બાળકનું નામ પાંડુ રાખવામાં આવ્યું. વ્યાસે પાછળથી સત્યવતીને ફરી એક વખત કોઈ એકને મોકલવા લખ્યું જેથી સ્વસ્થ બાળક જન્મી શકે. આ વખતે અંબા અને અંબાલિકાએ તેમના સ્થાને તેમની દાસીને મોકલી આપી. દાસી ઘણી જ શાંત અને સ્વસ્થ રહી અને તેને સ્વસ્થ બાળક જન્મ્યો જેનું નામ વિદુર પાડવામાં આવ્યું.

મહાભારતના મુખ્ય પાત્રો ધ્રુતરાષ્ટ, પાંડું અને વિદુર એ ત્રણેય તેમના કાયદેસરના પુત્ર ન હતાં, તેમને પોતાની પત્ની પિંગળા (જાબાલે ઋષિની પુત્રી)થી શુક નામનો પુત્ર હતો જેને તેમનો ખરેખરનો આધ્યાત્મિક વરસદાર મનાય છે. આમ તે મહાભારતમાં લડનારા બંને પક્ષ પાંડવો અને કૌરવોના દાદા હતા. તેઓ વાર્તામાં પ્રસંગોપાત યુવરાજોના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પ્રગટ થાય છે.

વેદવ્યાસ રચિત મહાભારતમાં એમણે કરે કેટલીક મદદ વિશે જાણીએઃ આપણે અગાઉ જોયું કે ધ્રુતરાષ્ટ અને પાંડુનો જન્મ વેદવ્યાસની કૃપાથી થયો અને સો કૌરવો પણ તેમના જ આશીર્વાદે જન્મ્યા હતા. પાંડવોને દ્રોપદીના પૂર્વજન્મની કથા પણ મહર્ષિ વેદવ્યાસે જ સંભળાવી હતી. ત્યારબાદ પાંડવો દ્રોપદીના સ્વયંવરમાં ગયા હતા. મહર્ષિ વેદવ્યાસે તેર વર્ષ પહેલાં જ કૌરવો સહિત સંપૂર્ણ ક્ષત્રિયોના નાશ થવાની વાત યુધિષ્ઠિરને જણાવી હતી. મહર્ષિ વેદવ્યાસે જ સંજયને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરી હતી, જેનાથી સંજયએ ધૃતરાષ્ટ્રને સંપૂર્ણ મહાભારતનું વર્ણન મહેલમાં જ સંભળાવ્યું હતું. મહાભારતના યુદ્ધ પછી મહર્ષિ વેદવ્યાસે પોતાના ઋષિબળથી મૃત યોદ્ધાઓને એક રાત માટે પુનઃર્જીવિત કરી દીધા હતા. મહર્ષિ વેદવ્યાસે જ્યારે કળયુગનો વધતો પ્રભાવ જોયો તો તેમને જ પાંડવોને સ્વર્ગની યાત્રા કરવાનું કહ્યું હતું.

આ રીતે મહાભારતની રચના કરતી વખતે તેમણે ભગવાન શ્રી ગણેશને લેખન કાર્ય હેતુ વિનંતી કરી. તેઓ બંને વચ્ચે એક રસપ્રદ શરત હતી. કે વ્યાસજીએ ક્યાંય અટક્યા વગર કથા વર્ણન કરવું. વ્યાસજીએ સામી શરત રાખી કે ગણેશજી એ વર્ણવેલી ગાથાને સમજ્યા પછી જ લખવી. આ વાત ખયાલ આપે છે કે મહાભારતના અમુક પદ શામાટે અત્યંત ગૂંચવણ ભર્યા છે. જ્યારે ઋષિને વિરામ જોઈતો હોય ત્યારે તેઓ એક અઘરું પદ મૂકી દેતા.

image source

તેઓ સર્વજ્ઞાની હતા. તેઓના ભાગે માત્ર મહાભારત જ નહીં બલ્કે ચાર મહાન વેદ, ૠગ્વેદ,યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના કરી છે. માનવામાં આવે ચે કે વ્યાસે એકેકા મોટા વેદને ચાર ભાગમાં વર્ગીકૃત કર્યાં. આથી તેઓ વેદ વ્યાસ અર્થાત્ ‘વેદોના વિભાજક’ તરીકે ઓળખાયા. આ વિભાજનથી વેદોના જ્ઞાનને વધુ લોકો સમજી શક્યાં. વ્યાસ નો અર્થ છે વહેંચવું કે જુદા પાડવું અથવા વર્ણવવું.

એ વાત ચર્ચાનો વિષય છે કે વ્યાસ એ એક વ્યક્તિ હતાં કે એક જૂથ કે સમૂહ હતું જેણે આ વિભાજનની ક્રિયા પાર પાડી. આ યુગના માનવીઓની મર્યાદિત ખંત શક્તિ અને નૈતિકમૂલ્યોનો ઉપયોગ તેમને સમજવાની ક્ષમતા અનુસાર તેમણે વેદ વ્યાસ રૂપે વેદના ચાર ભાગ કર્યાં. વર્તમાન મન્વંતર અને તેની શાખાઓ જ્યાં તેઓ શિખ આપતાં તેમનો પણ હિસાબ ઉપલબ્ધ છે. વૈવાસ્વત માનવાઅંતરમાં ૨૮ વખત વેદોને મહાન ઋષિઓ દ્વારા ગોઠવવામાં આવ્યાં છે. અને ત્યાર પછી આઠ અને પછી વીસ વ્યાસ દેવ થયા જેમણે વેદને ચાર ભાગમાં વહેંચ્યા. પહેલું વિભાજન સ્વયંભુ (બ્રહ્માજી પોતે) દ્વારા અને દ્વીતિય વિભાજન પ્રજાપતિ….અને તે રીતે અઠ્યાવીસ સવખત વેદોની રચનાઓનું પુનઃહનિર્માણ થયાના દસ્તાવેજી પુરાવા મળી રહે છે.

image source

વેદવ્યાસે વિશ્વને આપેલ મહાગ્રંથોમાં બૌધ ધર્મના અને બ્રહ્મસુત્રના અમુક પ્રારંભિક ગ્રંથોની રચના કરી હોવાનું પણ એમને યશ જાય છે. તેઓ દુનિયાના સાત ચિરંજીવી મનુષ્યોમાના એક છે એવી પણ લોકવાયકા છે, જો એવું ન હોત તો તેઓને યોગ ભાષ્યના લેખક હોવાનો શિરપાવ ન સાંપડ્યો હોત કેમ કે આ યોગગુરુ ઋષિ પતંજલી દ્વારા રચિત યોગ સૂત્ર પર ટિપ્પણિ રૂપે છે. આની રચનાનું શ્રેય પણ વ્યાસને મળે છે પણ આ વાત અશક્ય બને જો વ્યાસ ચિરંજીવી ન હોય. કેમકે આ રચના ખૂબ પાછળથી રચાઈ હતી.

હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અને વેદ – વેદાંતના રચયિતા એવા મહર્ષિ વેદવ્યાસને કોટી વંદન, એમના શુભાષિશે ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરાઓનો અને ગાથાઓનો સુવ્યવસ્થિત ગ્રંથ સ્વરૂપે ઉદ્ગમ થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ