ભારતીય ખીચડી…..💕 – આપણા ગુજરાતીઓની પ્રિય એવી ખીચડી બનાવો નવીન રીતે…

ભારતીય ખીચડી…..💕

ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી દાળનો દાણો… બન્ને ભેગાં મળીને રાંધી ખીચડી. અને આ ખીચડીને એમણે આખા વિશ્વમાં ફેલાવી દીધી છે. આ છે ભારતની સંસ્કૃતિ…!!!


ભારતની આ વાનગીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આ ચકા ચકીનો અમૂલ્ય ફાળો રહ્યો છે. શુધ્ધ, સાત્વિક અને સુપાચ્ય એવી આ ખીચડી આપ સૌને પીરસતા આનંદ થાય છે. આવો આ ખીચડી બનાવવાની રીત જોઈએ.

સૌથી પહેલાં સામગ્રી…

એક કપ ચોખા

પોણો કપ મગની પીળી દાળ

સ્વાદ મુજબ મીઠું,

3 કપ જેટલું પાણી.

વઘાર માટે

એક ચમચી ઘી

એક ચમચી તેલ

ચપટી રાઈ

ચપટી હીંગ

એક લીલું મરચું

ચપટી જીરૂ

એક ડાળી મીઠો લીમડો

સુશોભન માટે ટામેટું.

હવે રીત…..


બે કલાક પલાળીને રાખેલા દાળ ચોખામાં સ્વાદ મુજબ મીઠું અને ચપટી હળદર નાખીને જરૂર મુજબ પાણી એડ કરીને ધીમા તાપે ગેસ પર મૂકવું.

લગભગ 15 થી 20 મિનિટ બાદ ખીચડી ચડી જશે… વચ્ચે વચ્ચે જોતાં રહેવું. હવે ગેસ બંધ કરી દઈને એક થાળીમાં ખીચડીને ભારતના નકશા મુજબ આકાર આપી દો.


હવે વઘાર મૂકો…

એમા ઘીતેલ રેડો. ગરમ થાય એટલે એમાં રઈ અને જીરું એડ કરો. રાઈ તતડે એટલે એમાં સમારેલું લીલું મરચું, હીંગ, અને લીમડો નાંખીને તરત ગેસ બંધ કરી દો.


હવે બધો જ વઘાર ખીચડીની વચ્ચે રેડો. એની ઊપર ટામેટામાંથી બનાવેલ ગુલાબને મૂકો.

હવે આખી ખીચડીને ફરતે સમારેલી કોથમીરની બોર્ડર કરી દો.


બસ તૈયાર છે સ્વાદિષ્ટ સુપાચ્ય ખીચડી… ખાજો, ખવડાવજો અને જણાવજો હોં… કેવી લાગી????

સાભાર : શોભના શાહ (અમદાવાદ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ