“પશાકાકાનો ડાયરો” સૌરાષ્ટ્રની ધરતીની મોજ અનેરી હોય છે ભાઈ ભાઈ …..વાંચો આ ડાયરાની વાર્તા

“પશાકાકાનો ડાયરો”

‘પશાકાકા’!! ગીરના ખોળામાં આવેલા આ ધોકળવા ગામમાં આજથી બરાબર સાડા દસ વરસ પહેલા આ નામને કોઈ ઓળખતું નહતું. પશાકાકા છેલ્લા એક વરસથી ધોકળવા ગામના પ્રત્યેક ગ્રામજનના માનસપટ પર અંકિત છવાયેલા રહેતા. તેઓ કામ શું કરે છે, ક્યાંથી આવે છે, ક્યાં રહે છે એ સુદ્ધાની આખા ગામમાં કોઈનેય જાણ નહતી. કોણ જાણે ક્યાંથી પણ સાંજે સાત વાગ્યા પછી ગામમાં પશાકાકાનું આગમન થતું. શરુ શરુમાં તેઓ આવતા ત્યારે એમને કોઈ ઓળખતું ન હોવાથી એકલા એકલા પાદરે રહેલા ઘટાટોપ વડલા નીચે બેસી રહેતા. એમ કરતા કરતા એક એક જણ, બે જણ અને ચારેક મહિનામાં તો યુવાનો અને બાળકોના આખા ટોળેટોળા સાત વાગ્યા પછી પાદરે એમની રાહ જોઇને બેસી રહેતા. એમને મન પશાકાકાનું આગમન જાણે કે કોઈ ઉત્સવ બની જતો.

સફેદ ગુચ્છેદાર અને અર્ધવર્તુળાકાર વળાંક ધરાવતી એમની મૂછો છેડે પહોચતા પહોચતા અણીદાર થઇ જતી. એમની ભમ્મરોના વાળ પણ સફેદ હતા. માથે સફેદ રંગની કચ્છી પાઘડી પહેરતા, એક જ કાનમાં નાની અમથી બુટ્ટી અને બીજો કાન સુનો! ગળામાં શંકુ આકારના નાના પત્થરનું તાવિજ જેવું કશુક બનાવીને પહેરેલું રાખતા જેની અણી ધારદાર હતી એટલે એ અણી એમની છાતીને જ્યાં અડતી ત્યાં કાળું ટપકા જેવું નિશાન પડી ગયું હતું. કમર સુધી શરીરની ચપોચપ અને કમર નીચે વર્તુળાકાર ઝૂલ પડે એવો એમનો સફેદ ઝભ્ભો અને સફેદ ધોતી. એમના પહેરવેશમાં પેલા ગળામાં રહેલા પત્થરને લટકાવવા માટેના કાળા ધાગા સિવાય બધું જ સફેદ, કહો કે મેલુઘેલું સફેદ રહેતું. તમને એમ થતું હશે કે આવા એક સામાન્ય દેખાતા પશાકાકા આખા ગામ માટે આટલા બધા મહત્વના વ્યક્તિ કેમ હતા? તો એનું કારણ કંઈક આ મુજબનું હતું.

પશાકાકાનું જે દિવસથી ધોકળવામાં આવવાનું શરુ થયું હતું એ દિવસથી ગામમાં રોજ સાંજે સાત વાગ્યા પછી જાણે કે સિનેમાહોલ જેવું વાતાવરણ થઇ જતું. પશાકાકા ક્યારેક પોતાના જીવનમાં થયેલા અનુભવો વિશે, ક્યારેક એમના જુના દિવસો વિષે, ક્યારેક પુરાણો, ઈતિહાસ વગેરે વિષે, તો ક્યારેક લોકગીતોના અર્થ વિશે એમની આસપાસ બેઠેલા લોકોને સંભળાવતા. ગામમાં કોઈનું લગ્ન હોય તો પોતાના અંગત સ્વાર્થ વગર પહેલો ચાંદલો પશાકાકા જ લખાવતા અને લગ્નગીતો ગાઈને એનો અર્થ સમજાવતા. ક્યારેક કોઈ બે જન વચ્ચે ઝઘડો થયો હોય અને એની જાણ જો પશાકાકાને થાય તો તેઓ આ જ ડાયરામાં એનું નિરાકરણ લાવી દેતા. પશાકાકાને મેદની કેટલી થાય છે એ વિષે કોઈ ચિંતા રહેતી નહિ. ચાર જણ હોય તોય તેઓ પોતાનો ડાયરો ચલાવતા એ પણ કોઈ ટીકીટ વગર! ગામલોકોને મજા પડતી હતી.

છ સાત મહિના પછી તો રીતસરના લોકોના ધાડેધાડા પાદરે એમને સંભાળવા માટે એકઠા થવા લાગ્યા. પશાકાકા બધાને મીઠો આવકારો આપતા. એમને મન કોઈ ઊંચ નહિ અને કોઈ નીચ નહિ. દરેકને સરખા રાખતા. છેલ્લા દસ વર્ષથી ધોકળવાના કોઇપણ નાના ભૂલકાની વર્ષગાંઠ હોય તો પાદરે ભેગા થયેલા તમામને ચોકલેટની ઉજાણી પશાકાકાના પૈસે જ હોય. વધારામાં કોઈ ગરીબ ઘરનું માણસ પશાકાકાની આગળ પોતાની કડકી વિષે વાત કરે અને પશાકાકાને લાગે કે ખરેખર એની મદદ કરવા જેવી છે તો તેઓ બીજા દિવસે છુપી રીતે, ગામલોકોને ખબર ન પડે તેમ એની બની શકે એટલા પૈસા આપીને કોઈ સ્વાર્થ વગર મદદ કરતા. પૈસા પાછા ક્યારે આપું એમ કોઈ પૂછે તો તેઓ, “તારે હગવડ થાય તયે આલી દેજે” તેમ જ કહેતા. શરૂઆતમાં ઘણીવાર લોકોએ એમને એમના પત્ની અને ઘર પરિવાર અંગે પૂછ્યું હતું પણ પશાકાકા હંમેશા “ઈ બધું તમારે કાંઈ જાણવા જેવું નથી. તમતમારે મોજ્યું કરો ને” કહીને એનો જવાબ આપવાનું ટાળતા.

લોકોએ પણ થોડા સમય પછી આવી બધી બાબતો વિષે એમને પૂછવાનું બંધ કરી દીધું. ગામલોકો એમનો સાથ ભરપુર માણતા. કોઈ વાર દુઃખભરી વાત આવે તો બેસેલા તમામની આંખોના ખૂણા ભીના થઇ જતા, ક્યારેક તો પશાકાકા ખુદ પણ રડી જતા પણ પછી થોડા સમય બાદ જ કોઈ મજાકિયા વાત કહીને તેઓ બધાના મુખ પર હાસ્ય લાવી દેતા. પશાકાકા પાસે આ કળા હતી. તેઓ દુખી કરી શકતા તો હસાવી શકતા પણ એટલી જ સહજતાથી!! ગામલોકો પશાકાકાની નાતજાત શું હશે એમનું ઠામ ઠેકાણું ક્યાં હશે એ બધાની પરવા કર્યા વગર સાંજે સાતથી અગિયાર સુધી એમની સંગાથે મોજ કરતા. પશાકાકા અગિયાર વાગે, ફરીથી આવતીકાલે આવવાનું કહીને પોતાના ગંતવ્ય સ્થાને ચાલ્યા જતા અને ગામલોકો પણ આજના સુખદ સમય અને આવતીકાલના રોમાંચ વચ્ચે જીવવામાં મશગુલ થઇ જતા. ખાલી દિવાળીને બાદ કરી બાકીના તમામ તહેવારો એ અહી આ જ ગામમાં ઉજવતા.

પણ પેલું કહેવાય છે ને કે, “ગામ હોય ત્યાં ઉકરડા પણ હોવાના જ”. એટલે ગામમાં ચાર એવા વડીલોનો પણ એક સમૂહ હતો જે બાકીના ગામલોકોના પ્રમાણમાં ધનિક હતો. એમને આ પશાકાકા આંખમાં કણાની માફક ખુંચતા હતા. પશાકાકાના આવ્યા પહેલા ગામલોકો સલાહ સુચન માટે એમની પાસે જતા, પણ પશાકાકાના આવ્યા પછી એમનું માન ઘટી રહ્યું હોવાનું એમને લાગ્યું. તેઓ કોઈ વાર પાદરે આવતા નહિ પણ દુર રહીને આ બધું જોયા કરતા. ઘણી વખત તેઓએ નિયમિત રીતે પશાકાકાના ડાયરામાં જતા ગામના અમુક યુવાનોને પશાકાકા વિરુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કરી જોયો હતો પણ એમાં એ ફાવ્યા નહતા. આખા ગામમાં આ ચાર જ જણ એવા હતા જેમને પશાકાકા ગમતા નહતા. કારણ કે એમનું સ્થાન પશાકાકાએ અજાણતા જ લઇ લીધું હતું.

થોડા સમય પહેલા એકબાજુ પશાકાકાનો ડાયરો ચાલતો હતો અને એકબાજુ પાદરથી દુર આ ચારેય   આમાંથી એકે કહ્યું, “આ પશલાને હુ સે આયા? રોઝ ઉઠીને બસ હાલી ઝ આવે સે આય ધોકળવા?”

“મને તો ઈ માનહ પર શંકા ઝાય સે. કાંય ઠામ નઈ, ઠેકાણું નઈ, તોયે આખું ગાય્મ એની વાંહે ભૂરાંટુ થાતું સે”, બીજાએ કહ્યું.

“મને ઈમ થાય સે કે આપણે હંધાયે ભેગા થઈને ઈનો ભાંડો ફોડવો જોયે”, પહેલાએ કહ્યું.

“પણ ઈમ કરવા હાટુ આપણે કરશું સુ ઈ તો ક્યો”, ત્રીજાએ ટાપસી પુરાવી.

“હાવ હેલું સે! ઈની વાહે વાહે કો’કને લપાતો હન્તાતો મોકલો અને પસી એ પશલો કયે જાય સે, હુ કરે સે ઈની હંધીય બાતમી આપણને મલી હકશે”

“હા…., ઈમ કરીએ તયે હમજ પડે કે આ પશલો સે કઈ બલા!!”, અંતે ચોથાએ મહોર મારી. નક્કી થયું કે બીજા દિવસે પશાકાકાનો ડાયરો પતે એટલે એમના એક માણસને એનો પીછો કરવા મોકલવો અને એની ઠામ ઠેકાણાની બધી માહિતી ભેગી કરવી.

બીજે દિવસે એ ચારેય જણાએ આવા ખટપટીયા કામો માટે એમના ખાસ વિશ્વાસુ એવા રવલાને નિયુક્ત કર્યો. રવલો આ બધા કામોમાં માહિર ગણાતો. એ દિવસે સાંજે રવલો છુપા વેશે પશાકાકા જે રસ્તે થઈને નીકળી જતા એ રસ્તામાં પશાકાકાના નીકળતા પહેલા ક્યાંક છુપાયેલો રહ્યો. જેવા અગિયાર વાગ્યા કે પશાકાકાએ ડાયરો સમેટયો અને પોતાના રસ્તે નીકળ્યા. આજ સુધી ડાયરામાં આવતા કોઈએ પણ એમનો પીછો કર્યો નહતો. કારણ કે પશાકાકાએ જ એમને આમ કરવાની અકારણ ના પાડી હતી. પણ આજે રવલો તેમ કરવા જઈ રહ્યો હતો. પશાકાકા રોકાયા વગર ચાલ્યા જ જતા હતા. થોભવાનું નામ નહતા લેતા. અંતે કલાક જેટલું ચાલ્યા પછી ઝાડી ઝાંખરા વટાવીને જંગલમાં એક સમથળ જગ્યા આવી. પશાકાકા થોડી વાર ત્યાં ઉભા રહ્યા. આજુબાજુ જોયું અને માટીમાં દાટેલી એક થેલી બહાર કાઢી જેમાંથી ધાબળો અને ચાદર કાઢી. ચાદર જમીન પર પાથરી અને ધાબળો ઓઢીને તેઓ જમીન પર જ સુઈ ગયા. રવલો આ જોઇને બે ઘડી ચક્કર ખાઈ ગયો. એને મનમાં થયું કે ‘શું પશાનું આ જ રહેઠાણ હશે?’. અડધો કલાક જેવું થયું. પશાકાકા ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. શાંત જંગલમાં પશાકાકાના નસકોરા અને પવનના સુસવાટા સિવાય ત્રીજો અવાજ નહતો. રવલાની આંખો પણ હવે ઘેરાવા લાગી હતી. આજુબાજુથી ખાખરાના પાન ભેગા કરી એનું ધાબળા જેવું બનાવીને રવલો પણ એ પાથરી ઓઢીને સુઈ ગયો.

સવાર થઇ. પશાકાકા રોજ અંદાજે સાડા પાંચ વાગ્યે ઉઠી જતા. આજે પણ એમ જ થયું. ઉઠતાવેંત નજીકના વહેળાએ જઈ દાતણ કર્યું અને ઊંઘતા રવલાને ખલેલ ન પડે તેમ એની બાજુમાં દાતણ અને થોડા ફળો મુકીને ચાલતા થયા. જે મનસ આખી ગીર ખુંદી વળ્યો હોય એને જંગલના અને માણસના પગના અવાજનો ફરક બરાબર ખબર પડે જ! એટલે તેઓ જાણી જ ગયા હતા કે કોઈક એમનો પીછો કરી રહ્યું હતું. જતી વખતે એમને એક અજુગતું કામ કર્યું. તેઓ પોતે જે રસ્તે ચાલતા જતા હતા એ રસ્તા પર હાથમાં રહેલી વાંસના સોટાથી લીટી દોરતા દોરતા જતા હતા. જાણે કે તેઓ પોતે જ રવલાને ઉઠ્યા પછી એમની પાછળ આવવાનો માર્ગ બતાવતા ન હોય?!

કલ્લાકેક થયું હશે અને રવલો ઝબકીને જાગ્યો. આસપાસ પશાકાકાને ન જોતા પેલા ચાર વડીલોના ગુસ્સાથી ભરાયેલા ચહેરા અને કામના પૈસા ન મળવાના ડરથી એનું મન વ્યાકુળ થઇ ગયું. ખાખરાના ધાબળામાંથી બહાર આવતા અચાનક એની નજર દાતણ અને તાજા તોડેલા ફળો પર પડી. આ જોઇને એને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. ફટાફટ દાતણ કરી ફળો ખાઈને ધોકળવા તરફ પગ માંડવા જ જતો હતો કે પેલી પશાકાકાએ દોરેલી લીટી એની સતેજ નજરે ચઢી. રવલો સમજી ગયો એટલે એણે પોતાની જાતને એ લીટીની પાછળ પાછળ દોરી. અંતે જ્યાં લીટી પૂરી થઇ એની તરત સામે એક ઇકોટુરીઝમ માટેની સરકારી જગ્યા હતી. ત્યાં એણે પશાકાકાને એના આંગણમાં પૂંજો વાળતા જોયા. આખો દિવસ પશાકાકાની ગતિવિધિઓ પર એણે ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું. પશાકાકા આ જગ્યાએ એક સામાન્ય પટાવાળાનું કામ કરતા હતા. ત્યાં આવતા સાહેબો અને પ્રવાસીઓના રૂમો સાફ કરવાથી માંડીને એનું પટાંગણ સાફ કરવું, ત્યાંના ફૂલછોડનું ધ્યાન રાખવું વગેરે જેવા કામો કરતા. બપોરે ત્યાંના રસોડે જે બનતું તે ખાઈ લેતા અને સાંજ પડ્યે જે કાંઈ મહેનતાણું મળે એ લઈને એની ઉજાણી કરવા નીકળી પડતા ધોકળવા ગામ તરફ!! આ જ એમનું રૂટીન અને આ જ એમનું જીવન.

આજે એમણે વળતી વખતે રવલાને ય સાથે લીધો. કશું બોલ્યા વગર બંને જણ ચાલતા હતા. બે કલાકમાં ધોકળવા આવી ગયું. પાદરે આજેય લોકોનું એક ટોળું પશાકાકાની રાહ જોઇને બેઠું હતું.

“આય્જ પેલા તારા ભેરુડાઓને ય આયાં લઇ આવ રવલા”, પશાકાકાએ રવલાને પેલા ચાર જણને બોલાવવા કહ્યું કે જેમના કહેવાથી એણે એમનો પીછો કર્યો હતો.

રવલો આખા ટોળાને વીંધીને પેલા ચાર જણને બોલાવવા ચાલ્યો. આખા ગામ સામે અચકાતા પગલે એ પાંચેય જણા પાદર તરફ આવતા હતા. આવતા પહેલા રવલાએ ત્યાં જે નજરે જોયું હતું એની આખી વિગત સારમાં એમને સમજાવી દીધી હતી.

“આય્જ મારે હંધાયને એક અગતની વાત કરવાની થાય સે”, પશાકાકાએ એ પાંચેયને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો.

“શું ક્યો સો પશાકાકા”, “બોલો બોલો”, ટોળામાંથી અવાજો આવવાના શરુ કર્યા.

“રવલો કાલે આ ચારના કહેવાથી મારી વાહે છેક આવેલો મારા થાનક હુધીન”, પશાકાકાએ કહ્યું.

ટોળામાં શાંતિ વ્યાપી ગઈ.

“બોલ રવલા તને મારો કયો ખઝાનો દેખાયો?”

રવલાનું મોં શરમથી ઝુકી ગયું અને સાથે સાથે પેલા ચારેય જણાનું!

અંતે પશાકાકાએ જે વાત કહી તે ખરેખર આપણા બધાય માટે એક સીખ કહી શકાય,

“જીવન આપણે હંધાય ધારીએ એટલું કાઠું નય્થ! આપડે ઇન કાઠું હાથે કરીન બનાવીએ સીએ. મારી પાહે કોય કારણ જ નથ કશું ભેગું કરવા હાટુ! એટલે મને દન આથમે જે મલે સે એની તમ હંધાય હારે ઉજાણી કરી દવ સુ. મારેય બૈરી સોકરા સે પણ એ ય એમના સંસારમાં મસ્ત જ હય્સે. દર વરહે  દિવારીએ ભેગા થઈએ તઈ વાત થાય સે ઈમની હાયરે. પણ આ જીવનની ય એક મજા સે! જીવતા આવડે તો હંધાય દા’ડા હરખા સે અન નો આવડે તો અખાત્રીજનો દહાડોય હારો નઈ. આ પાંચેય હાયરે મને કોઈ વાંધો સે જ નઈ. પણ આય્જ તમ હંધાયને આ પશાની દિનસર્યાની હંધીય માહિતી મલી ઈ આમ જોતા તો હારું જ થ્યું કે’વાય ને!”, થોડું અટકીને પશાકાકા અંતે બોલ્યા, “હાલો આય્જ તો આખુ ધોકળવા આયા ધમધમશે”, કહીને ડાયરો માંડ્યો.

લેખક : ભાર્ગવ પટેલ 

ગુજરાતી સાહિત્યનું ઉતમ ઘરેણું એટલે વાર્તા….એવી જ ખુમારીભરી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી