પ્રેમના ભૂતકાળને ક્યારેક છોડી જુઓ… એક અદ્ભુત પ્રેમકહાની…

“ભૂતકાળ બધાયનો હોય જ છે. હું માનું છું કે એને છુપાવવા કરતા એકબીજાને કહી દેવામાં આવે એ પછી સંબંધોમાં જે પારદર્શિતા આવે એ શ્રેષ્ઠ હોય છે”, પહેલી વાર અરેંજ મેરેજ માટે કામિનીને પહેલી જ વખત મળી રહેલા કમલે કહ્યું. કમલ એક મોટી કંપનીમાં એચ.આર. મેનેજેરની પોસ્ટ પર હતો. જયારે કામિની ગુજરાત ગવર્મેન્ટની ઓફીસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.

આ વાત સાંભળીને કામિની ચુપ રહી. પોતાના ભૂતકાળ વિષે કમલ સાથે આમ પહેલી જ મીટીંગમાં ખુલીને વાત કરી લેવી જોઈએ કે નહિ એ વિષે કામિની અસમંજસમાં હતી. રખેને જો વાત આગળ ન વધે તો તકલીફ પડે. પણ જો વાત આગળ વધે તો પહેલી મીટીંગમાં જ એ સંબંધના પાયામાં કદાચ એ વાત ન થાય તો ય તકલીફ પડે. આ અવઢવમાં કામિનીને ખ્યાલ જ ન રહ્યો કે કમલને બોલે ૫ મિનીટ થવા આવી હતી.

“સાચી વાત છે તમારી”, કામિની પાંચ મિનીટના મૌન પછી આટલું જ બોલી શકી.

“તો લેડીઝ ફર્સ્ટના નાતે તમે બોલશો કે પછી મારી ફરજ સમજીને હું બોલું?”, કમલ એકદમ ખુલ્લા વિચારોવાળો છોકરો હતો. સમાજની રૂઢીચુસ્તતા કરતા ક્યાય દુર શહેરમાં વસતો હોવાથી એના મનમાં ચોખ્ખી અને ચટ વાત કરી લેવાની સૂઝ હતી.

“મને થોડું ઓક્વડ લાગશે. પહેલા તમે જ શરુ કરો”, કામિની કમલના સ્વભાવથી સારી રીતે અવગત થતી જતી હતી.

“ઓકે. તો એનું નામ પરિતા હતું. અમે બંને કોલેજના એક જ ક્લાસમાં હતા. સેકંડ સેમેસ્ટરથી અમારી વાત શરુ થઇ હતી. મેં અને એણે પોતપોતાના ઘરે લગ્ન માટે વાત પણ કરી હતી. પણ યુ નો, કે આપણે ત્યાં એ બધું અલાઉડ નથી. ‘સમાજ’ શબ્દ ‘સ્ટોપ’ના સાઈન બોર્ડ જેવો છે. એટલે અમે બંનેએ મ્યુચ્યુઅલ સમજદારીથી અમારો સંબંધ આગળ વધાર્યો જ નહતો. એની અત્યારે સગાઇ થઇ ચુકી છે અને અમે બંને માત્ર અને માત્ર મિત્રો તરીકે ઓકેશનલી વાત કરીએ છીએ. એ ખુશ છે અને હું આબધું તમને કહીને આપણા સંબંધ પણ ખુશમિજાજ રહે એવું કરવા ઈચ્છું છું”, કમલે શાંતિથી વાત પૂરી કરી.

કામિની થોડી નર્વસ થઇ. આંખમાંથી આંસુ આવું આવું જ હતું પણ કેમેય કરીને એણે એને પાછું ઠેલ્વ્યું હતું.

“બરાબર”, કામિનીએ ડૂમો રોકીને સ્વસ્થ અવાજે આટલું જ કહ્યું.

“હમ્મ્મ્મ! અને હું તમને ફોર્સ નથી કરતો. તમારે આપણા સંબંધ આગળ વધે પછી ગમે ત્યારે કહેવું હોય ત્યારે કહેજો. મને કોઈ ઉતાવળ નથી”

“એમાં ફોર્સ કરવાની વાત જ નથી. ઉલટાનું તમારો આ અભિગમ મને ગમ્યો. પાસ્ટ મારો પણ હતો જ. એનું નામ સુમિત હતું. અમે બંને પણ કોલેજકાળમાં મિત્રો બન્યા હતા અને પછી કયા એકઝેટ પોઈન્ટ પર અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી એ મને ખ્યાલ નથી. પણ દુઃખ એક જ વાતનું છે”

“એ શું”, કમલે પૂછ્યું.

“અમારા લવ મેરેજ નહિ થાય તો એ બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહિ કરે એવું એણે ધારી લીધું હતું. અમને જ્ઞાતિ અલગ હોવાથી અમારા લગ્ન શક્ય તો હતા જ નહિ. એટલે અમે છુટા પડ્યાને આજે વર્ષ થવા આવ્યું. એ ન તો મારી સાથે કોઈ કોન્ટેક્ટ કરે છે કે ન તો કોઈ વાત. પણ એની ભાભી સાથે મારે મિત્રતા હતી એટલે એમને ફોન કરીને મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે એ છોકરીઓના માંગા કોઈ પણ કારણો વગર ફગાવી દે છે અને લગ્ન ન કરવાની જીદ હજીયે છોડતો નથી”, આટલું બોલતા બોલતા કામિનીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

“તો શું એ હવે ક્યારેય લગ્ન નહિ કરે?”, કમલે આશ્ચર્યવશ પૂછ્યું.

“અત્યાર સુધી તો નથી જ કર્યા. શી ખબર હવે?”

“પણ ભૂતકાળ એક સમયનો સ્લોટ છે. એને ભૂલીને આગળ વધી જવું જોઈએ. જેમ આપણે બંને તૈયાર થયા છીએ તેમ જ તો!”, કમલે કહ્યું.

“બસ દુઃખ મને એ જ વાતનું છે કે હું તો ખુશ રહી શકીશ, પણ એ માત્ર મારા લીધે ખુશ નહિ રહી શકે એનો અફસોસ રહેશે મને”

“એવું કશું નહિ થાય. સમય જતા એ પણ સમજશે. બાકી તમે આ માટે તમારી જાતને જવાબદાર ગણો એ ખોટું છે”

“કેમ?”

“તમે એક સમય માટે એની સાથે હતા. એ તમારી સાથે હતો. અને અત્યારે તમે સાથે નથી તે પણ કોઈ કારણોસર જ નથી ને? કારણ ન હોત તો તમે સાથે જ હોત. એ કારણો એણે સમજવા જ જોઈએ અને સમયની સાથે ચાલવું જ જોઈએ. જાત સાથે આટલું કઠોર થવું એ યોગ્ય તો નથી જ”, કમલે કહ્યું.

“હા એ તો છે જ. પણ હવે જે થશે એ આપણા હાથમાં કશું નથી”

“ખરું, સમય જતા એ પણ સમજશે એવું હું માનું છું. કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી એકલું રહી શકતું નથી એવો મારો મત છે”

“ભગવાન કરે ને એવું થાય”, કામિનીએ કહ્યું.

“થશે જ”, કમલે કહ્યું, “હવે આપણે બહાર જવું જોઈએ. બધા આપણી ‘હા’ની રાહ જોતા હશે”

“બરાબર”, કામિની અટકી, “શું?”

“મારી તો હા છે જ. નિર્ણય તમારા પર છે હવે”, કમલે કહ્યું.

કામિની શરમાઈ અને ડોક નમાવી. કમલ સમજી ગયો. બંને ઉભા થયા અને બહાર ગયા.

એમના મમ્મી પપ્પા, દાદા દાદી બધા બેઠા હતા. બંનેની ‘હા’ છે એ જાણીને બધાને આનંદ થયો. લગ્નની તારીખ નક્કી થઇ અને ત્રણ મહિનામાં કમલ અને કામિનીના લગ્ન પણ લેવાઈ ગયા. સુમિત કામિનીના કોઈ જ કોન્ટેક્ટમાં ન હોવાથી એને આ બધા વિષે કશું જ ખબર નહતી. એ હવે પાછો કામિનીના જીવનમાં આવવા નહતો માંગતો.

કામિની કમલ સાથે ખુબ જ ખુશ હતી પરંતુ એ કોઈ કોઈ વાર સુમિતને યાદ કરીને ઉદાસ રહેતી. એ કારણથી નહિ કે તેમના લગ્ન ન થયા પણ એ કારણથી કે સુમિતે હજી સુધી લગ્ન કર્યા નહતા. કામિની વિચારતી હતી કે જો સુમિત જલ્દી લગ્ન કરી લે તો એના સુખદુઃખમાં સહભાગી થવા માટે કોઈ હંમેશા એની પડખે ઉભું રહે.

કમલ ઘણી વાર આ બધું નોટીસ કરતો હતો. પણ એવા સમયે તે કામિનીને કશું કહેતો નહિ. એ એની પરિસ્થિતિ બરાબર સમજતો હતો. પોતે કશું કરી શકે એવી શક્યતાઓ વિચારતો હતો પણ એવું કશું જડતું નહતું.

સુમિત અત્યારે પોતાના શહેરની એક નાની કંપનીમાં નોકરી કરતો હતો. પણ પોતાના શહેરમાં એનું મન ચોંટતું નહતું. દરેક મોટી કંપનીમાં વેકેન્સી પડે ત્યારે એ પોતાનો બાયોડેટા આપી આવતો. પણ હજી સુધી એને જે જોઈતું હતું તે મળ્યું નહતું.

એ પછી વિધિની વક્રતા કહો કે જે ગણો તે પણ સમય અને સંજોગો એવા ગોઠવાયા કે કમલ જે કંપનીનો એચ.આર. મેનેજર હતો એ જ કંપનીમાં વેકેન્સી પડી. તેમાં સુમિતે પોતાનો બાયોડેટા મોકલાવ્યો.

એચ.આર. મેનેજર તરીકે ઈન્ટરવ્યુ પોતાને જ લેવાના હોઈ કમલ જ આવેલી તમામ અરજીઓ જોતો હતો. બધા બાયોડેટા ચેક કરતાં કરતાં એની નજર સુમિતના બાયોડેટા પર પડી. સુમિતનું નામ, કોલેજ અને ક્વોલિફિકેશન બધું જ કામિનીએ કહેલું એ મુજબ મેચ થતું હતું. કમલના મનમાં એક સરસ વિચાર આવ્યો.

એણે ફાઈનલ સિલેકશન લીસ્ટમાં સુમિતનું નામ લખ્યું. એનું ઈન્ટરવ્યુ લીધું. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે સુમિતને પોતાના અને કામિનીના લગ્ન વિષે કશું જ ખબર ન પડે.

સુમિતનું સિલેકશન પણ થઇ ગયું. સુમિત ખુશ હતો. નવા શહેરમાં નવા લોકો સાથે કામ કરવાની મજા આવશે એમ વિચારીને પોતાની જાતને ભાગ્યશાળી માની રહ્યો હતો.

સુમિતે કમલની કંપનીમાં કામ ચાલુ કર્યું. એ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતો હતો અને સોંપેલા કામ કરવા માટે હંમેશા તૈયાર રહેતો. એટલે જોતજોતામાં એ એના ડીપાર્ટમેન્ટના ઉપરી અધિકારીનો  ફેવરીટ બની ગયો હતો.

આ તરફ કમલ પણ એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતો અને એને પોતાનો મિત્ર બનાવી લીધો હતો. કમલના મનમાં એક સારો વિચાર રમી રહ્યો હતો જેના માટે થઈને આ મિત્રતા જરૂરી હતી.

કમલના શહેરમાં પોતાના ઘણા મિત્રો હોવા છતાં સુમિત એકલો અલગ ઘર રાખીને રહેતો હતો. કમલે એની સાથે મિત્રતા વધારી. કમલે આ વાત કામિનીને પણ નહતી કહી. હવે કમલ અને સુમિત ઓફીસમાં જ નહિ, બહાર ચાની ટપરી પર મળવા લાગ્યા.

અંગત પ્રશ્નો પૂછી શકાય એટલી મિત્રતા કેળવી લીધા પછી એક વાર એક ચાની ટપરી પર ચાની ચૂસકી લેતા વખતે કમલે તક જોઇને સુમિતને એની પર્સનલ લાઈફ વિષે પૂછ્યું. સુમિત જરા અચકાયો.

“હું મારી જિંદગીમાં મસ્ત છું સર”, કમલ એચ.આર. વિભાગમાં હોઈ સુમિત કમલને હંમેશા સર જ કહેતો.

“લગ્ન વિષે તો ઘરે વાતો થતી જ હશે”, કમલે પૂછ્યું.

“હા, ઘણી જ! મમ્મી પપ્પા, ભાઈ ભાભી બધા પાછળ પડ્યા છે લગ્ન કરાવી નાખવા. પણ મારે નથી કરવા”, સુમિતે રસ્તા તરફ જોતા જોતા કહ્યું.

“કોઈ ખાસ કારણ?”, કમલે ન જાણતો હોય તેવી રીતે જ પૂછ્યું.

“કારણ તો શું હોય સર! પણ લગ્ન નથી કરવા બસ”, સુમિતે છુપાવ્યું.

“કારણ વગર કશું થાય છે આ દુનિયામાં? આપણે અહી ઉભા છીએ તે પણ એક કારણથી જ તો”, કમલે કહ્યું.

“કારણ તો છે જ. પણ એને વારંવાર યાદ કરીને દુઃખી નથી થવું. એકની એક વાત વારેવારે યાદ કરીને કશું ફાયદો નથી”, સુમિતે કહ્યું.

“મારું પણ  એ જ કહેવું છે. તારા સવાલનો જવાબ તારા બોલેલામાં જ છે”

“એટલે?”

“સપોઝ કે તું એ કોઈ કારણ માટે થઈને લગ્ન નથી કરી રહ્યો બરાબર?”

“હા”

“તો એ જ કારણને પકડીને ક્યાં સુધી બેસી રહીશ?”

“પણ સર..”, સુમિત બોલતા અટકી ગયો.

“પણ શું?”, કમલે પૂછ્યું.

“પણ એનાથી સારી કોઈ મળવી તો જોઈએ ને?”, સુમિતે પોતાની વ્યથા કહેવાની શરુ કરી.

“એ જે કોઈ પણ હતી, એની સાથે કોઈ બીજીની તુલના કરીને જો તું સરખામણી કરવા જઈશ તો મેળ નહિ પડે. કારણ કે બધા લોકોનો સ્વભાવ અને પ્રકૃતિ અલગ અલગ હોય છે. ચલ મને એક વાત કહે”, કમલે પોતે બિલકુલ અજાણ હોય એ રીતે વાત કરી.

“બોલો”

“શું તું એ નવી આવનારીને એ જ રીતે મળી શકીશ અને પ્રેમ કરી શકીશ કે જે રીતે તું પેલીને કરતો હતો? તારા પ્રેમ કરવાની ઢબ અને પ્રકૃતિ એકસરખી તો નહિ જ રહે ને?”

“હા એ તો સાચી વાત છે તમારી”

“તો પછી તું જેવો પેલી છોકરી માટે હતો એના કરતા તો નવી આવનારીના થોડો જુદો જ મળવાનો કે નહિ?”

“હા બરાબર”, સુમિતનું કન્ફયુઝન ધીમે ધીમે દુર થઇ રહ્યું હતું.

“તો પછી? તારી પાસે લગ્ન ન કરવાનું બીજું કોઈ કારણ છે હવે? જો ન હોય તો તારા મમ્મી પપ્પાને એમની જવાબદારીઓમાંથી જલ્દી છુટા કર. આખરે એમને તો પોતાના છોકરાને સેટલ થતા, ઘર વસાવતા જોવો હોય કે નહિ? અને તારી પાસે તો હવે સારી જોબ પણ છે તો હવે હું વિચારું છું ત્યાં સુધી તારે લગ્ન કરી જ લેવા જોઈએ”

“સમજુ છું. આજે તમે આટલી સરળતાથી જે મને સમજાવ્યું છે એ રીતે મને અત્યાર સુધી કોઈએ સમજ્યો નથી સિવાય એક જણે”

“બરાબર. તો હવે પછી કોઈ માંગુ આવે અને તને છોકરી સારી લાગે તો ના ન પાડતો, અને મેં જે વાત કહી એ વાત મનમાં રાખીને જ એની સાથે વાત કરજે”, કમલે કહ્યું.

“ચોક્કસ. ચલો હું જાઉં. હવે હું તમારી વાત ધ્યાનમાં રાખીશ. આ શનિ રવિમાં એક છોકરીને મારે મળવાનું થશે જ. આઈ હોપ કે બધું સારું થાય”, સુમિતે હકારાત્મક જવાબ આપ્યો.

“ચોક્કસ. ચલ તો તું નીકળ હવે. અને સોમવારે પેંડા લઈને જ આવજે. મારે કિલોનું બોક્સ જોઇશે”, કમલે હસતા હસતા કહ્યું.

“એ તો હવે રવિવારે જ ખબર પડશે સર”, સુમિતે કહ્યું અને બંને છુટા પડ્યા.

સુમિતને રવિવારે સંધ્યાને મળવાનું હતું. બંને જણ મળ્યા. વાતચીત થઇ અને સુમિતે કમલની વાત ધ્યાનમાં રાખીને વાત કરી. વિચારોમાં સામ્યતા જોતાવેંત બંનેએ આ સંબંધ માટે હા કહી. લગ્નની તારીખ નક્કી થઇ.

બીજે દિવસે એટલે કે સોમવારે આખી કંપનીમાં સુમિતે પેંડા વહેંચ્યા. કમલને કહેવા મુજબ એક કિલો મીઠાઈનું બોક્સ આપ્યું. કમલ ખુબ જ ખુશ હતો.

કમલ બોક્સ લઈને ઘરે પહોચ્યો.

“આટલી બધી મીઠાઈ શેની આવી આજે?”, કામિનીએ પૂછ્યું.

“સ્ટાફમાં એક જણની સગાઇ નક્કી થઇ છે. થોડા સમયમાં લગ્ન છે આપણે બંનેએ જવાનું છે”, કમલે કામિનીને આ શિવાય કોઈ જ બીજી જાણકારી આપી નહિ.

“અચ્છા, એમ વાત છે”

“હા”

‘ખબર નહિ સુમિતના વિષયમાં આ સમાચાર ક્યારે આવશે. એની ભાભી સાથે પણ હવે તો કોઈ કોન્ટેક્ટ થતો નહતો’, એમ વિચારતી વિચારતી કામિની ડાયનીંગ ટેબલ પર જમવાનું કાઢીને બેઠી.

સગાઈને એકાદ મહિનો થયો હશે અને સુમિતના લગ્નના કાર્ડ છપાયા. આવતા મહીને એના લગ્ન હતા.  એણે સ્પેશીયલ એક કાર્ડ કમલને આપ્યું જેમાં “મિસ્ટર એન્ડ મીસીસ કમલ”ને સહપરિવાર આગ્રહ સાથે આમંત્રણ હતું. પણ કમલે એ કાર્ડ લેવાની ના પાડી અને કહ્યું, “ભલા માણસ! અમારે કાર્ડની જરૂર ના હોય. અમે તો આવી જ જઈશું”

“તોય આપવું તો પડે. અને હા! બધા ફંક્શનમાં આવવાનું જ છે. રહેવાની વ્યવસ્થા થઇ જશે ત્યાં”, કહીને કમલને આપ્યું.

કમલે આવવાના વચન સાથે એ કાર્ડ ઘરે ન લઇ જવું હોઈ પોતાના ટેબલના ડ્રોઅરમાં મુક્યું. કારણ કે એ કામિનીને કાર્ડ બતાવે તો સરપ્રાઈઝની આખી મજા બગડી શકે તેમ હતી.

એ મહિનામાં કામિની સાથે કમલે જાણે કે પોતાના ઘરમાં જ લગ્ન હોય એ રીતે ખરીદી કરી. કામિનીને આશ્ચર્ય થતું કે એવું કયા દોસ્તનું લગ્ન છે! ક્યાં લગ્ન છે વગેરે વારે ઘડીએ પૂછતી પણ કમલ કોઈ ને કોઈ બહાનું કરીને નામ ન કહેતો.

આમ ને આમ લગ્નમાં જવાનો દિવસ આવી ગયો. ત્રણ દિવસ ત્યાં રહેવાનું હોઈ સમાન પેક કરીને બંને જણ નીકળ્યા. ગાડી કામિનીના ચિત પરિચિત રસ્તે જ જઈ રહી હતી. અંતે ગાડી સુમિતના શહેરમાં પ્રવેશી અને એના ઘર તરફ આગળ વધી. કામિનીની અસમંજસ વધતી જતી હતી.

ગાડી મેઈન ગેટમાં પ્રવેશી ત્યાં તો સામે સુમિત કમલને આવકારવા ઉભો હતો. ગાડી સુમિત આગળ જઈને ઉભી રહી. કમલ ગાડીમાંથી ઉતર્યો અને સુમિતને જઈને ગળે મળ્યો. કામિની હજી અચંબાની મારી ગાડીમાં જ બેઠી હતી.

“મેડમ ક્યાં છે?”

“બોલાવું”, કહીને કમલે કામિનીને આવવા કહ્યું.

કામિની ઘણી બધી પ્રતિકુળતાઓ સાથે ઉતરી અને સુમિત તરફ આગળ વધી. સુમિત પણ હવે આશ્ચર્યમાં હતો. સામે કામિનીને જોઇને એના હોશ ઉડી ગયા હતા. આમ અચાનક આવું મિલન થશે એ વિચારી જ નહતો શકતો.

“મને બધું ખબર છે. ડોન્ટ વરી”, કમલે સુમિતને કહ્યું, “અને કોઈ જાતનો કોઈ દ્વેષભાવ નથી.”

“એટલે કમલ તમે અને સુમિત એક જ કંપનીમાં………?”, કામિનીએ કહ્યું.

એનું વિધાન પુરું ન થયું ત્યાં સુમિતે કહ્યું, “એટલે જ તમે મને તે દિવસે ચાની ટપરી પર બધું સમજા……”, સુમિત પણ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા કમલે કહ્યું, “જુઓ હવે તમે બંને આમ ગાંડાવેડા ના કરશો. આ બધું મેં મારી ફરજ સમજીને જ કર્યું છે, કોઈ ઉપકાર નથી. ચાલો લગ્નમાં એન્જોય કરો હવે. રડવાનું બંધ…બિલકુલ બંધ”

કામિની, સુમિત અને કમલ ત્રણેય ભેટી પડ્યા.

લેખક : ભાર્ગવ પટેલ

વાહ આવો સમજદાર પતિ હોય તો કેવું સારું, દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી