“અંશ અને નીલમ” અદભુત પ્રેમ કહાની આજે જ વાંચો

અંશ અને નીલમ બંને એક અજીબ દુવિધામાં હતા. બંનેના મનમાં એકમેક માટે લાગણી ઠાંસીને ભરેલી હતી. પણ કહેવાની હિંમત એકેયની નહતી ચાલતી. એક જ ગામ, એક જ શાળા, એક જ વર્ગ અને બેઠક પણ આસપાસ જ આવે એવી રીતે એ બંને બેસતા. અંશ શરમાળ હતો, જયારે નીલમ થોડીક ગભરું ટાઈપની છોકરી! કોમ્બીનેશન પરફેક્ટ હતું. પણ આ કોમ્બીનેશનનું સાર્થક થવું હજી છેટે હતું. પહેલ કોણ કરે ત્યાં આવીને ગાડી અટકી હતી. નીલમ એના જન્મ દિવસ પર આખા ક્લાસ કરતાં જુદી અને સારી બ્રાંડની ચોકલેટ અંશને આપતી. અંશ પણ પોતાનાથી બને એટલી સારી ગીફ્ટ હમેશા આપતો. આખા ક્લાસ અને સ્કુલમાં અંશના મિત્રો અને નીલમની બહેનપણીઓ એ બંનેના ચક્કર વિષે વાત કરતી પણ જ્યાં આ વાત થતી ત્યાંથી બંને પોતાનો રસ્તો કરી લેતા. આવું એ બંને છેક આઠમા ધોરણથી કરતા. બારમા ધોરણ સુધી આવ્યા પછી હજીયે એમની વાતો એકબીજાને અનકહી હતી.

“તું કરી દે ને પ્રપોઝ, પછી જે થશે એ જોયું હશે. એની હા જ હશે અંશુડા”, અંશુના જીગરી દોસ્ત ધ્રુવે કહ્યું.
આ બંને અત્યારે ગામના મંદિરના બાંકડે બેઠા હતા. આવતા અઠવાડિયે અંશુ કોલેજ કરવા માટે અમદાવાદ જવાનો હતો અને નીલમ મોરબી. નસીબની કઠિનાઈ કહો કે જે કહો તે પણ નીલમ અને અંશુ આટલા વર્ષ સાથે રહ્યા પછી હવે અલગ અલગ શહેરોમાં ડીગ્રીના ભણતર માટે જવાના હતા. ધ્રુવ આજે અંશુને કન્વીન્સ કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યો હતો. અંશુએ આજ સુધી માત્ર ધ્રુવને જ પોતાની મનની વાત કહી હતી.

“પણ ધુવલા! એ શું કહેશે?”, અંશુએ ચિંતા વ્યક્ત કરી.

“હવે આખા ગામને ખબર જ છે ભાઈ! શું એની મેથી મારે છે તું? એ હા જ કહેશે સો ટકા. કોલેજ જતા પેલા આનું ડીસીઝન લઇ આવો હવે જલ્દી!”, ધ્રુવે ફાઈનલ સ્ટેટમેન્ટ આપ્યું.

“હા, ચલ લઇ તો આવીએ. પણ એને પૂછીશું કેવી રીતે? ડાયરેક્ટ તો હું નહિ જ પૂછું એક વાત પેલ્લા જ કહી દઉં છું”

“સાવ ફટ્ટુ છે. તું ધુવલાના ભાઈબંધના નામ પર કલંક છે કલંક”, ધ્રુવે એની આગવી સ્ટાઈલમાં કહ્યું.

“જો ધુવલા! કલંક તો કલંક પણ મારાથી એમ ડાયરેક્ટ તો નહિ જ પુછાય. એટલે રસ્તો કાઢ હવે ચલ”, અંશે લાચારી સાથે આદેશ કર્યો.

“હવે આ મામલો ય મારે જ સંભાળવો પડશે એમ ને?”, ધ્રુવે કહ્યું, “સારું ચાલો ત્યારે કંઈક વિચારીએ, દસની શીંગ લઇ આવ પેલા પાસેથી”

“તારા મગજને અને શીંગને શું લેવાદેવા છે એ જ ખબર નથી પડતી મને”, એવો નિસાસો નાખીને અંશુ શીંગવાળા પાસે શીંગ લેવા ઉભો થયો. ધ્રુવે પોતાની વિશિષ્ટ વિચારમુદ્રા ધારણ કરી. એના મનમાં પહેલેથી ઠસી ચૂકેલું હતું કે એનું મગજ શીંગ ખાવાથી વધારે કોન્સન્ટ્રેટ કરી શકે છે.
અંશ શીંગ લઈને આવ્યો અને ધ્રુવે પડીકું ડાબા હાથમાં લઇ એક પછી એક દાણો પોતાની જમણા હાથની તર્જની અને અંગુઠાની વચ્ચે લઈને આરોગવા લાગ્યો. અંશ પાસે આવા સમયે માત્ર અને માત્ર રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ ન રહેતો.

શીંગનું પેકેટ પૂરું થવા આવ્યું અને ધ્રુવના ચહેરા પર એક ઘમંડી હાવભાવ આવ્યા. અંશને લાગ્યું ‘હાશ આઈડિયા આવ્યો’

“બોલ બોલ ધુવલા”, અંશ તત્પર હતો ધ્રુવવાણી સંભાળવા માટે.

“એની પેલી બેસ્ટ ફ્રેન્ડ યાદ છે ને? જેની સાથે મારે બિલકુલ બનતું નથી”, ધ્રુવે સવાલ કર્યો.

“હા, દ્રષ્ટિ ને?”

“હા, એજ. એની સાથે તારે અને તારી નીલુને સારું બને છે તો એને વચ્ચે પાડીએ તો કેવું?”

“લાયો લાયો ધુવલા! આ મારા મગજમાં કેમ ના આવ્યું?”

“શીંગ ખાવી પડે એના માટે ભૂરા, શીંગ”

“હા હા હવે રે’વા દે. જલ્દી કર તારી પાસે એક વિક છે”, અંશે આદેશ કર્યો.

“ઓ ઓ ભાઈ! મારે એ ચિબાવલી જોડે મગજમારી કરવી જ નથી. તું જ પૂછ અને તું જ કહે. મારે એની જોડે હમેશા ઝઘડો થઇ જાય છે તને તો ખબર જ છે”

“અલા પણ..”

“પણ ને બન કશું નહિ. મારી ના એટલે ના. હે વત્સ! મારું કામ માત્ર રસ્તો બતાવવાનું છે. ચાલવું તો તારે જ પડશે અર્જુન”, ધ્રુવે કૃષ્ણની એક્ટિંગ કરીને પોતાનો ફાઈનલ અભિપ્રાય આપ્યો. અંશ પાસે વિકલ્પ તો હતો નહિ એટલે બીજા દિવસે સવારે એણે દ્રષ્ટિને મળવાનું નક્કી કર્યું.
ગામડાઓમાં તે વખતે છોકરો કોલેજમાં જાય ત્યારે જ મોબાઈલ મળે એવું હોય અને એ પણ નોકિયાનો ૧૧૦૮! એટલે એ સાંજે અંશે દ્રષ્ટિને એક ઓળખીતા સાથે કાલે મંદિરના પાછળના ભાગે મળવા માટેનો સંદેશો મોકલાવ્યો.
બીજા દિવસે નિર્ધારિત સમયે દ્રષ્ટિ ત્યાં હાજર હતી. શરમાળ એવો અંશ દબાતા પગલે એની પાસે આવ્યો,

“તને કોઈએ જોઈ તો નથી ને? તે કોઈને કીધું તી નથી ને?”

“અરે ના ના! બોલને તું જલ્દી મને કેમ અહી આજે અચાનક બોલાવી?”, દ્રષ્ટીએ કુતૂહલવશ પૂછ્યું.

“એક વાત કહેવી હતી”

“હા બોલ બોલ”, દ્રષ્ટિની આંખોમાં ચમક આવી.

“કેવી રીતે કહું?”

“જેવી રીતે તું કહેવા માગે એવી રીતે કહે પણ જલ્દી. કારણ કે આમ ને આમ વાર થશે તો ચોક્કસ કોઈક તો જોઈ જ જશે આપણને આમ અહી”
અંશ ગભરાઈને આજુબાજુ જોવા લાગ્યો. એણે દ્રષ્ટિની આંખમાં આંખ નાખ્યા વગર પાસેના એક લીમડાના થડ બાજુ નજર રાખીને અટકી અટકીને કહ્યું,

“હું…એટલે હું… નીલુને.. એટલે કે નીલમને., તું તો જાણતી જ હોઈશ કદાચ..”

“ગોળ ગોળ ના ફેરવને યાર”
અંશે મોટો શ્વાસ ભર્યો.

“નીલમને કહેજે કે હું એને પ્રેમ કરું છું અને એ શું કહે છે એનો જવાબ આજે સાંજે અહી જ આવીને મને આપજે. પ્લીસ દોસ્ત માટે આટલું કરજે”, અંશ એકીશ્વાસે આટલું બધું બોલી ગયો. હજીયે એની નજર થડ સામે જ હતી.
આટલું કહીને એ લગભગ દોડ્યો પોતાના ઘર તરફ. દ્રષ્ટિ હજી ત્યાં ઉભી હતી. એને જતો જોઈ એ પણ પોતાના ઘર તરફ ચાલતી થઇ.

સવારની બપોર થઇ. અંશના મનમાં અજીબ અસમંજસ ચાલી રહી હતી. ન તો એણે બપોરનું જમવાનું લીધું હતું કે ન તો એ બપોરની ચા પીવાના મુડમાં હતો. રાહ જોવાતી હતી તો માત્ર સાંજની.
અંતે સાંજ થઇ. અંશ મનમાં ઘણું બધું લઈને નિર્ધારિત જગ્યાએ ગયો. પાંચ મિનીટ, દસ મિનીટ, વીસ મિનીટ થઇ પણ હજી દ્રષ્ટિ એને દ્રશ્યમાન થઇ નહતી. ટેન્શનમાં અંશ પોતાના દાંત વડે નખ કોતરતો હતો અને બીજી વીસેક મિનીટ થઇ હશે ત્યાં દ્રષ્ટિ આવતી દેખાઈ. અંશના જીવમાં જીવ આવ્યો.

“શું કીધું એણે? હા કે ના? તારું મોઢું કેમ આમ પડેલું છે? બોલ ને જલ્દી”, અંશે સવાલોની ઝડી વરસાવી.

 

“એક મિનીટ! જરા શાંતિ રાખ”, દ્રષ્ટીએ કહ્યું.

“હા બોલ”

“મેં એને પૂછ્યું તો સૌથી પહેલા તો એણે મને એમ કહીને ધમકાવી કે આ બધું શું પૂછે છે તું? અત્યારે આ બધા માટે મારી પાસે ટાઈમ નથી. અને પછી તારા માટે એમ કહ્યું કે ‘અંશને પણ એના માબાપે આવા સંસ્કાર આપ્યા છે? કોઈ છોકરી હસીને વાત કરે એટલે એવું થોડું હોય. એને કેહેજે ફરી વાત કરવાનો ટ્રાય ના કરે મારી સાથે નહિ તો મારા મમ્મી પપ્પાને જ કહી દઈશ”

અંશ બે ઘડી માટે હેબતાઈ ગયો.

“ના હોય આવું”, એને હજીયે વિશ્વાસ જ નહતો થતો કે નીલમ એના માટે આટલું ઉતરતું બોલી શકે.

“શું ના હોય? ચલ તને મારા પર વિશ્વાસ ના હોય તો જાતે જ જઈને પૂછી જો એને”

“એની કોઈ જરૂર નથી. થેન્ક્સ મદદ કરવા માટે”, કહીને અંશ નીલમને ભુલાવી દેવાના વ્યર્થ સંકલ્પ સાથે ત્યાંથી યંત્રવત પોતાના ઘર ભણી ચાલવા લાગ્યો. દ્રષ્ટિ પણ ત્યાંથી પોતાના ગંતવ્ય સ્થાને ગઈ.
રસ્તામાં અંશને ધ્રુવ મળ્યો.

“શું થયું અંશુડા? કીધું હતું ને ફાઈનલ એમ! ઓહો.. નીલમભાભી હમ્મ્મ્મ”, ધ્રુવ મજાક કરવા લાગ્યો.

“એનું નામ ના લેતો આજ પછી મારી આગળ. નહિ તો હું ભૂલી જઈશ કે તું મારો દોસ્ત છે એમ”, અંશનો ચહેરો અને કાન, બંને ગુસ્સાથી લાલ હતા. ધ્રુવ સમજી ગયો એટલે આગળ કશું બોલ્યો નહિ.
બીજા અઠવાડિયે નીલમને મળ્યા કે જોયા વગર જ અંશ પોતાની કોલેજ જવા માટે રવાના થયો. હવે એણે મન બનાવી લીધું હતું કે પોતે નીલમે કરેલા એ અપમાનનો બદલો સફળતા મેળવીને લેશે. પોતે એટલો સફળ બનશે કે નીલમને પોતાના વાક્યો પર પસ્તાવો થશે. એ પછી એના હાથમાં ફોન હતો છતાય એણે ન તો નીલમનો સંપર્ક મેળવવાની કે ન તો સાધવાની કોશિશ કરી. ચારેય વર્ષ પોતાનું ધ્યાન ભણવામાં જ રહે તેમ તે ઈચ્છતો હોઈ કોઈ જાતનું ડીસ્ટ્રેકશન ચાહતો નહતો. વારે તહેવારે ઘરે આવે તોય નીલમ કશે ન મળી જાય એનું હંમેશા ધ્યાન રાખતો અને નીલમના ફળિયા તરફ પણ જવાનું ટાળતો.

આમ ને આમ ચાર વર્ષ વીતી ગયા. હવે આ તરફ નીલમનું અને અંશનું બંનેનું ભણવાનું પૂરું થઇ ચુક્યું હતું. અંશ પોતાની મહેનતના લીધે કોલેજના કેમ્પસમાંથી જ સારા પેકેજ સાથે રેપ્યુટેડ કંપનીમાં પસંદગી પામ્યો હતો.
આ સમાચાર એણે ફોનથી ઘરે આપવાને બદલે રૂબરૂ જ સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. એણે એ દીવસે સાંજે બસ પકડી અને લગભગ રાત્રે દસ વાગ્યાના સુમારે પોતાના ગામે પહોચ્યો. ગામ આખું સુમસામ હતું. સ્ટેશનથી એનું ઘર નજીક હોઈ એ મોબાઈલની નાની લાઈટ ચાલુ કરીને ઘરે પહોચ્યો. આ સમાચાર ઘરે કહ્યા અને બીજે દિવસે તો ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. નીલમે પણ આ વાત સાંભળી.

એ દિવસે સાંજે ધ્રુવ અને અંશ પાછા એ જ જગ્યા એ મળ્યા જ્યાં પહેલા દર વખતે મળતા.

“અંશુડા”, ધ્રુવે કહ્યું.

“બોલ ને ધુવલા! કેમ આમ મોઢા ચઢાવે છે? તનેય મળી જ જશે સારી જોબ”

“ના ના. મને એનું કંઈ ટેન્શન નથી. હમણાં વાત આની છે”, એમ કહીને ધ્રુવે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો.

“શું છે ચબરખીમાં?”, અંશે પૂછ્યું.

“આ નીલમે મોકલાવી છે તારા માટે. મેં વાંચી નથી”, કહીને એણે એ ચિઠ્ઠી અંશના હાથમાં થમાવી દીધી.

“મારે નથી વાંચવું કઈ જ”, અંશને પેલો દિવસ યાદ આવી ગયો.

“વાંચી તો લે. જોઈ તો લે કે એ શું કહેવા માંગે છે એમ”

“હમ્મ્મ્મ”, કહીને કોઈ પણ લાગણી વગર અંશે કાગળ પોતાના હાથમાં લીધો અને વાંચવાનું શરુ કર્યું.

“અંશ,

હું પણ શરમાળ અને તારા જેવી જ ગભરું છું. સામે આવીને તો કઈ કહી નહિ શકું એટલે અહી જ સીધી પોઈન્ટ પર આવું છું. હું તને પ્રેમ કરું છું. આજની નહિ, આઠમા ધોરણથી. પણ હિમ્મત આજે ભેગી થઇ. મને ખ્યાલ છે કે તારામાં પણ મારા માટે ફીલિંગ્સ છે જ પણ તું પહેલેથી શરમાળ છે એટલે હજી સુધી મને કહ્યું નથી. મેં બારમા પછી કોલેજ જતા પહેલા કહેવાનું વિચાર્યું હતું પણ હું હિંમત જ ન જુટાવી શકી. અને આજેય પણ જો ને લખીને કહેવું પડે છે. તને એક સફળ વ્યક્તિ તરીકે જોઇને મારાથી વધુ ખુશ કોઈ નથી આજે. મેં તને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ન કર્યો એનું એક કારણ આ પણ હતું કે હું તને તારા ગોલ પુરા કરવામાં ડીસ્ટર્બ નહતી કરવા માંગતી. જો તારો જવાબ હા હોય તો આ પેજની પાછળ આખો ભાગ કોરો જ રાખેલો છે, એમાં તારો જવાબ લખી આપજે. પાછો ધ્રુવ સિવાય કોઈ સાથે મોકલાવીશ નહિ

લિ. તારી, નીલમ”
આ પત્ર વાંચીને અંશના મગજના તાર રણકી ઉઠ્યા. આ બધું શું થઇ રહ્યું હતું એ એને ખ્યાલ નહતો આવી રહ્યો.

“આ બધું શું છે ધુવલા?”

“મેં થોડું વાંચ્યું છે? શોર્ટમાં બોલ”

“આમાં નીલમ એમ કહે છે કે એ મને પ્રેમ કરે છે અને મેં એટલે કે અંશે સામેથી પ્રપોઝ ન કર્યો એટલે હિંમત ભેગી કરીને મેં એટલે કે નીલમે આ પત્ર લખ્યો છે એમ”

“હેં? શું વાત કરે? આવું કહે છે?”, ધ્રુવ પણ ઘડીક ચમક્યો.

“હા, અને જવાબ હા હોય તો પાછળ લખીને મોકલાવવાની વાત પણ કરે છે”

“તો તે દિવસે શું થઇ ગયું હતું જ્યારે તે સામેથી એને પ્રપોઝ કરેલો?”

“હવે સેઈમ સવાલ મને ના પૂછ તું ભાઈ!મને પણ એ જ સવાલ થાય છે”

“હવે આ બધો નિવેડો લાવવા તારે નીલમને મળવું પડે. એક મીટીંગ ગોઠવવી પડે”, ધ્રુવે કહ્યું.

“એ અહી જ છે? એણે લેટર આજે જ આપ્યો તને?”

“હા, એ ય ઘરે આવી છે”

“તો કાલનું કંઈક કરીને અરેંજ કર. મને તો સમજાતું જ નથી કે શું કરીએ એમ”

“હમ્મ્મ્મ, ચાલને મળીએ એને કાલે. અને પેલી ચિબાવલીને પણ બોલાવી લઈએ. કારણ કે એ પણ આ બધાનો ભાગ તો હતી જ ને!”, ધ્રુવે અણગમો દર્શાવતા કહ્યું.

“તમારે બંનેને હજીયે એવું જ છે?”

“ના ના”

“તો? સુધરી ગયું બધું?”

“પહેલા છત્રીસનો આંકડો હતો, હવે બોત્તેરનો છે”

“હાહાહા”, અંશ હસ્યો.

“શું હસ્યા તમે એમાં? કેન્સલ કરી દઉં કાલની મીટીંગ?”

“એ ના ના! હું તો એમ જ હવે”

“હા, તો બરાબર”, ધ્રુવે અકડ બતાવી.

બીજા દિવસે ગામની બહાર, બાજુના શહેર તરફ જતા રસ્તે નિર્જન જગાએ મીટીંગ ગોઠવાઈ. નીલમ અંશને લગભગ ચાર વર્ષે મળવા જઈ રહી હતી. એના મનમાં ઉત્સાહ હતો. બીજી તરફ અંશના મનમાં અજીબ ગડમથલ ચાલતી હતી.
બધા જગ્યા પર પહોચ્યા અને ધ્રુવે બાઈક તો દ્રષ્ટીએ સ્કુટી પાર્ક કરી.

“આ બધું શું છે?”, અંશે હાઈ હેલો કર્યા વગર નીલમને સીધો જ સવાલ પૂછ્યો.

“કેમ? વાંચ્યો નથી કે શું?”, નીલમે હસતા હસતા પૂછ્યું.

“વાંચ્યો છે એટલે જ પૂછું છું કે આ શું છે?”, અંશ સ્વસ્થતાથી કોઈ ભાવ ચહેરા પર લાવ્યા વગર બોલતો હતો.
“તો તને ના ખબર પડી કે હું કહેવા શું માંગું છું એમાં?”, નીલમે ચિંતા સાથે કહ્યું.

“મારા મમ્મી પપ્પાએ મને સંસ્કાર નથી આપ્યા એવું તે આજથી ચાર વર્ષ પહેલા કહેલું, તો આજે શું થયું?”, અંશનો અવાજ જરાક ઉંચો થયો.

“મેં ક્યારે એવું કહ્યું?”, નીલમ આ વાતથી જાણે કે બિલકુલ અજાણ જ હતી.

“તે આવું ત્યારે કહ્યું જ્યારે મેં બારમા પછી કોલેજ જવાના એક વિક પહેલા તને પ્રપોઝ કરેલો”, અંશે કહ્યું.

“તે વળી ક્યારે મને પ્રપોઝ કર્યો?”, નીલમને આ વાતની તદ્દન નવાઈ લાગી.

“એટલે મેં દ્રષ્ટિ સાથે તને પૂછાવડાવેલું યાદ કર”, અંશના ચહેરા પર એક તિરસ્કારની રેખા આવી.

“આ બધું તું શું કહે છે અંશ? મને કાંઈ જ ખબર પડતી નથી”, નીલમ કલુલેસ હતી, “દ્રષ્ટિ? તે મને ક્યારે કઇ કીધું આના વિષે?”
બધાની નજર દ્રષ્ટિ તરફ હતી. દ્રષ્ટિ અવાક હતી. એના ગળામાંથી હરફ નહતો નીકળતો. એક આંખમાંથી અશ્રુબિંદુ આવીને એના ગાલ પર સરક્યું. એ પોતાના બંને હાથથી ચહેરો છુપાવી ઢીંચણના ટેકે જમીન પર બેસી ગઈ.

“દ્રષ્ટિ? દ્રષ્ટિ? શું થયું? તું કેમ રડે છે?”
પાંચ મિનીટ સુધી એ રડતી જ રહી. બધાએ મળીને એને માંડ છાની રાખી.

“અંશે તને કહ્યું તો તે મને કેમ ન કીધું?”, નીલમે પૂછ્યું.

“અને જો તે નહતું કીધું તો એ જવાબ કોણે આપેલો મને?”, અંશ હજીયે અચરજમાં હતો.

“મને તારા તરફ એટ્રેક્શન હતું. હું નહતી ઈચ્છતી કે તું બીજા કોઈનો થાય. એટલા માટે મેં તે દિવસે વાત નીલમને કરી જ નહતી અને અંશ ફરીથી તને મળવા જ ન માગે એવો જવાબ આપ્યો. સોરી ટુ બોથ ઓફ યુ. પણ મારે અંશને તારો નહતો થવા દેવો નીલમ”

ત્યાં થોડી વાર માટે અજંપાભરી શાંતિ વ્યાપી ગઈ.

“પણ એક વાત આજે જાણી કે મળવાનું હોય તો ગમે તે રીતે મળી જ જાય છે. ખોટું કરીને જે મળેલું હોય એ ય ગુમાવવું પડે છે.”, દ્રષ્ટીએ નિસાસો નાખ્યો, “મેં નીલમ જેવી સારી દોસ્ત આજે ગુમાવી દીધી”

“હું સમજુ છું દ્રષ્ટિ. ડોન્ટ વરી. તે જે કર્યું એ એ સમયે આવેશમાં થઇ ગયું. એના માટે હું તને માફ કરી જ શકું છું. આપણે મિત્રો હતા અને રહીશું જ”

“આઈ એમ સોરી અંશ. આનાથી સૌથી વધુ તકલીફ તને જ પડી છે. પણ….”, કહેતા કહેતા દ્રષ્ટિ ફરીથી રડી પડી. અંશે એને માથામાં હાથ ફેરવીને સાંત્વના આપી અને કહ્યું, “જો તે આમ ન કર્યું હોત તો કદાચ મેં સફળ થવાનું પ્રણ ન લીધું હોત. જે થાય એ સારા માટે”

ધ્રુવ અવાક બની ઉભો રહ્યો. કદાચ બોત્તેરનો આંકડો આજે અંશના દ્રષ્ટિના માથે ફરતા હાથ સાથે શૂન્ય તરફ સરકી રહ્યો હતો.

લેખક : ભાર્ગવ પટેલ 

રોજ નવી વાર્તાઓ, લેખ કે પછી સમાચાર વાંચવા માંગતા હોય તો લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી