આજે ભાવનગરના બે મહાન રાજવીઓની વાત જેમણે ભાવનગર અને ભાવતું નગર બનાવવા માટે કરેલાપ્રયત્નોની…

હાલનું ભાવનગર એટલે જોઇને આંખો ઠરે એવું રળીયામણું શહેર! પરંતુ ઘણા બધા લોકો એ વાતથી અજાણ હશે કે ભાવનગરને આટલું સમૃદ્ધ બનાવવા પાછળ કેટલાય લોકોએ અને રાજવીઓએ પોતાનું આખું જીવન વગર કોઈ અપેક્ષાએ ન્યોછાવર કરી દીધું. આજે એવા જ ભાવનગરના બે મહાન રાજવીઓ તખ્તસિંહજી અને તેમના પુત્ર એવા ભાવસિંહજી-બીજાએ ભાવનગર અને ભાવતું નગર બનાવવા માટે કરેલા પ્રયત્નોની તમને ઝાંખી કરાવવા જઈ રહ્યો છું. આ પહેલા આપણે ગોંડલને શ્રી ભગવતસિંહજીની વાત કરી ગયા જે તમને આ પેજની જૂની પોસ્ટમાં મળી રહેશે.
તખ્તસિંહજી એ ભાવનગરના રાજા જશવંતસિંહજી અને એમની રાણી હરિબાના પુત્ર હતા. તેમનો જન્મ ૧૮૫૮માં થયો હતો અને વિધિની વક્રતા એવી બની કે ૧૮૭૦માં જ તેમના પિતાજીનું અવસાન થયું. હવે માત્ર બાર વર્ષ જેટલી નાજુક ઉંમરે એમને તો રાજા બનાવવામાં આવે એવી કોઈ શક્યતા નહતી. એટલે સાર્વભૌમ સત્તા એવી અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે ગૌરીશંકર (ગગા) ઓઝાની નિમણુક કરવામાં આવી.

આ પછી ૧૮૭૦માં શરુ થયેલી રાજકોટની રાજકુમાર કોલેજમાં તખ્તસિંહજીએ પ્રથમ વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો અને ડીગ્રી મેળવી. ૧૮૭૪માં એમના લગ્ન ચાર રાજ કન્યાઓ સાથે થયા. જેમાં ગોંડલ, વઢવાણ, વાંકાનેર અને તળાજાની રાજકુંવરીઓ તેમની પત્ની બની.

લગ્ન થયા પછી, લગભગ પાંચમાં વર્ષે તખ્તસિંહજીની સગીરાવસ્થા પૂર્ણ થતી હતી પરંતુ બુદ્ધિમાન મદદનીશ કારભારી એવા શ્રી શામળદાસે સંયુક્ત વહીવટકર્તા મેજર વોટસન સમક્ષ માંગ કરી કે હિંદુ શાસ્ત્ર મુજબ બાળકની ઉંમર તેના ગર્ભધારણના સમયથી ગણાય છે. એટલે તખ્તસિંહજી ૧૮૭૯ના બદલે ૧૮૭૮ના વર્ષથી જ ભાવનગરની ગાદીએ બેઠા.

તખ્તસિંહજીનું શાસન :

તખ્તસિંહજીનું નસીબ ખરાબ માનીએ તો બહુ અતિશયોક્તિ ન કહેવાય. કારણ કે૧૮૭૮માં સુકો દુકાળ અને ૧૯૭૯માં લીલો દુકાળ પડવાના લીધે ભાવનગરની પ્રજા પરેશાન થઇ ગઈ. પરંતુ એમની દુરન્દેશી અને વર્ષોની સમૃદ્ધિના લીધે અનાજ અને ઘાસચારાનો સારો જથ્થો હોવાથી કોઈ ખાસ મુશ્કેલી ન પડી. તેમ છતાં પ્રજાવત્સલ તખ્તસિંહજીએ ભાવનગરથી વઢવાણની રેલ્વે લાઈન દ્વારા રાહત કાર્યો ચાલુ કર્યા અને આખા રાજ્યમાં ભૂગર્ભજળ વાપરવા માટે ૨૦૦૦થી વધારે કુવા ખોદાવડાવ્યા.

પોતાની કોલેજ એવી રાજકુમાર કોલેજને ૧ લાખ જેટલું માતબર દાન આપીને પોતાનું એના પ્રત્યેનું ઋણ ચુકવ્યું. ઉપરાંત એમણે તખ્તસિંહજી હોસ્પિટલનો પાયો નંખાવ્યો. તેમના ગોંડલના રાણીએ રાજ્યમાં માજીરાજબા કન્યાશાળા શરુ કરાવડાવી.
ઇંગ્લેન્ડની એ સમયની મહારાણી વિક્ટોરિયાના પૌત્ર એવા પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરે ભાવનગરની મુલાકાત લીધી હતી એમની યાદમાં તખ્તસિંહજીએ પીપાવાવ પાસે વિક્ટર પોર્ટ બંધાવવાનો નિર્ણય લીધો. જેના બાંધકામમાં ઈજ્નેત સીમ્સનો મહત્વનો ફાળો ગણાય છે.
વહીવટ ચલાવવા માટે તખ્તસિંહજીએ ચાર સભ્યોની એક સ્ટેટ કાઉન્સિલ રચી હતી જે એમનું વહીવટ સુધારણા માટેનું અગત્યનું પગલું લેખાય છે.
ભાવસિંહજી-બીજા:-
ભાવસિંહજી-બીજા એ તખ્તસિંહજી અને તેમના ગોંડલના રાણી માજીરાજબાના સુપુત્ર હતા. તેમનો જન્મ ૧૮૭૫માં થયો હતો. જન્મતાવેંત જ એમની માતાનું મૃત્યુ થવાથી તેમનો ઉછેર એમના નાની એવા મોંઘીબાએ કરેલો.
રાજકોટની એ જ રાજકુમાર કોલેજમાં એમણે શિક્ષણ લીધું. ત્યારબાદ ૨૧માં વર્ષ સુધી તો એમણે લગભગ બધા જ વહીવટી ખાતાઓ વિષે માહિતી મેળવી લીધી હતી.
આ અરસામાં ૧૮૯૬માં પિતા તખ્તસિંહજીનું હૃદય બંધ પડી જવાથી અવસાન થયું અને ભાવસિંહજી-બીજાએ ભાવનગરી બાગડોર પોતાના હસ્તક લીધી. તેમણે લગભગ ૧૮૯૬થી ૧૯૧૯ સુધી રાજ કર્યું. તેમના રાજમાં ત્રણ અણધાર્યા બનાવો બન્યા. ૧) ૧૯૦૦નો દુકાળ, ૨) ૧૯૦૩માં પ્લેગનો રોગચાળો અને ૩) પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪ થી ૧૯૧૮).
દુકાળના લીધે કરકસરના પગલાં સ્વરૂપે ભાવસિંહજી-બીજાએ ખર્ચ બચાવવા માટે કાઉન્સિલ પદ્ધતિની જગ્યા પર ફરીથી જૂની દીવાની પદ્ધતિ દાખલ કરી.
તેમના શાસન દરમિયાન જ ભાવનગર રાજ્યનો ‘વાર્ષિક વહીવટી રીપોર્ટ’ જાહેર કરવાની પ્રથા શરુ કરવામાં આવી. પ્રજાની સુખાકારીની યોજનાઓ ઘડવા માટે તેમને એક ‘આર્થિક સમિતિ’ની પણ રચના કરી હતી.
ખેડૂતો માટે ૨૦ લાખ રૂપિયાની રકમ અલગ કાઢીને ‘ખેડૂત સંકટ નિવારણ ફંડ’ ઉભું કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતી સુધારણા માટેનું મોડેલ ફાર્મ, પુત્રી મનહરકુંવરબાના નામે ‘મનહર તળાવ’, તેમજ દુકાળથી પીડિત લોકો માટે ‘ગરીબખાના’ ખોલવામાં આવેલા.
આ બધું કરવા છતાં રાજ્યની આર્થિક પરિસ્થિતિ પ્રતિકુળ હતી. એટલા માટે સેક્રેટરી પ્રભાશંકર પટ્ટનીની સલાહથી ભાવ્સીન્હ્જીએ ૨૦ લાખ રૂપિયાના ૫% વ્યાજદરે ૨૦ વર્ષની મુદતના ભાવનગર સ્ટેટ બોન્ડ બહાર પાડ્યા. જેમાં થયેલા રોકાણથી આર્થિક ભીંસને પહોચી વળવા માટે નાણું મળ્યું.
તેમણે “ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક’ પણ ચાલુ કરાવડાવી. જેમાં થાપણો પર ૩.૭૫% વ્યાજ આપવામાં આવતું હતું. તેમણે રેલ્વેનું કામ કોઈ પણ સંજોગોમાં અટવાઈ ન પડે તે માટે અલાયદો ‘રેલ્વે રીઝર્વ ફંડ’ સ્થાપ્યો હતો. સૌરાષ્ટ્રમાં દારૂબંધી કરવાનું શ્રેય તેમના ફાળે જાય છે.

તેમના મહારાણી, નંદકુંવરબા પણ સામાજિક જાગૃતિ લાવવામાં પાછીપાની કરતા નહતા. તેમને ‘ગુજરાત હિંદુ સ્ત્રીમંડળ’, ‘ગોપનાથ મેટરનીટી હોસ્પિટલ’, ‘નંદકુંવરબા અનાથાશ્રમ’, ‘સ્ત્રી આરોગ્ય’ તેમજ ‘શ્રી નંદકુંવરબા રાજપૂત કુમારિકા જનાના બોર્ડીંગ વિદ્યાલય અને ‘શ્રી નંદકુંવરબા રાજપૂત વિદ્યાલય’ની સ્થાપના કરી હતી.
આમ, ભાવનગર રાજ્યને સુવ્યવસ્થિત રાજ્ય બનાવવા માટે આ રાજવી પરિવારે પોતાનું તન મન અને ધન એમ ત્રણેય વસ્તુઓ ન્યોછાવર કરી દીધી હતી. આપણે સૌએ એમના આ પ્રયત્નોને ભૂલવા ન જોઈએ. તેમની પોતાની સૂઝબુઝના એ સમયે યોગ્ય ઉપયોગના લીધે આપણા માનીતા ગુજરાતને આવા ઉત્તમ શહેરોની ભેટ મળી છે.

લેખક : ભાર્ગવ પટેલ

રોજ આવી ઐતિહાસિક માહિતિ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારુ પેજ

ટીપ્પણી