આ ભક્તે ગણપતીજીને ધર્યો 151 કી.ગ્રામનો વિશાળકાય મોદક ! વાહ રે ભક્ત !

દેશના ખૂણે ખૂણે ગણપતિ મહોતસ્વની ઉજવણી થઈ રહી છે. માત્ર દેશની ગલીએ ગલીએ નહીં પણ દેશના ઘરે ઘરે ગણેશજી બિરાજમાન છે. ભક્તિભાવથી દેશનો જ નહીં પણ ઘરનો ખૂણે ખૂણો લીન થઈ ગયો છે. ગણેશ પંડાળમાં ભક્તો સમાતા નથી તેટલું માનવ મહેરામણ રોજ રાત્રે ઉમટી આવે છે.


રોજ હજારો ભક્તો નિતનવા પ્રસાદ ગણેશજીને ધરી રહ્યા છે. ક્યારેક ચુરમાના લાડુ તો ક્યારેક બુંદીના લાડુ તો વળી ક્યારેક દૂધનો હલવો તો વળી ક્યારેક દૂધની ખીર તો વળી ક્યારેક ભગવાનને અતિપ્રિય એવા મોદક. પણ પૂણેના દગડુશા શેઠના ગણપતિજીને ધરવામાં આવેલા આ વિશાળકાય મોદક સાથે બીજા કોઈ જ મોદકની સરખમણી ન થઈ શકે.


હા, મહારાષ્ટ્રના પુણેના ખ્યાતનામ દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદીરમાં દર વર્ષે ભવ્ય રીતે ગણેશચતુર્થીનો મહોત્સવ ઉજવવામાં આવે છે અને અહીં મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોના ભક્તો પણ લાખોની સંખ્યામાં ઉમટી આવે છે. આ જ લાખોમાંના એક ભક્તે ગણેશજીને એવો પ્રસાદ ધર્યો છે કે ખરેખર તેને ખાવા માટે સાક્ષાત ગણપતિજી જ સ્વર્ગમાંથી ધરતી પર ઉતરી આવે !


ગણેશજીના આ ભક્તે ગણપતિજીને ધર્યો છે 151 કીલો ગ્રામનો મોદક. આ મોદક સુકામેવા તેમજ માવાનો બનેલો છે. આ ભક્તનું નામ છે બાજીરાવ વાયકર. તેના આ 151 કીલો ગ્રામના મોદકને બનાવવા માટે 8 દિવસ પહેલાં ઓર્ડર આપી દીધો હતો. આ વિશાળકાય મોદકને ચાંદીના વરખથી સજાવવામાં આવ્યો હતો અને તેના પર સાથીયો દોરીને જય ગણેશ લખવામાં આવ્યું હતું.


આ મોદકને બનાવનાર કાકા હલવાઈના માલિક યુવરાજ ગાડવે જણાવે છે કે તેને બનાવવા પાછળ 8થી 10 રસોઈયાનો ફાળો છે અને તેને બનાવવામાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. અને તેને બનાવનાર ભક્તે પોતાનો લકી નંબર 151 હોવાથી તેણે 151 કી.ગ્રામનો મોદક બનાવડાવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પહેલાં આ જ હલવાઈએ 125 કીલો ગ્રામનો મોદક બનાવ્યો હતો. તેમાં પણ માવાનો તેમજ કાજુ બદામ અને પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વખતે તે મોદકને બનાવવા પાછળ રૂપિયા 65000 ખર્ચાયા હતા.


કાકા હલવાઈની દુકાન વિવિધ પ્રકારના મોદક બનાવવા માટે જાણીતી છે. તેઓ વર્ષોથી આ મંદીર માટે ભક્તોના ઓર્ડર પ્રમાણે વિવિધ જાતના પ્રસાદ બનાવે છે. 151 કીલો ગ્રામના આ મોદકને મંદીરમાં ગણેશજીને ધર્યા બાદ દર્શને આવેલા ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો.


દગડુ શેઠ હલવાઈના મંદીર તરીકે જાણીતું આ મંદીર 127 વર્ષ જુનું છે. મહારાષ્ટ્રમાં સિદ્ધિવિનિનાયક મંદિર બાદ ભક્તો આ મંદિરમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ મંદિરના ટ્રસ્ટને એક સમયે દેશના સૌથી ધનવાન ટ્રસ્ટ તરીકેનો ખીતાબ મળી ચૂક્યો છે. આ મંદિરની સ્થાપના શ્રીમંત દગડૂશેઠ અને તેમની પત્નીએ કરી હતી. એવુ કહેવાય છે કે પ્લેગના રોગચાળામાં તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો હતો અને ત્યાર બાદ તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ