ભક્તિ રુકમાણી – 22 વર્ષની આ યુવતી આજે 82 વર્ષના માજી થઈ ગયા છે – વંદન છે આ પરિવાર-પ્રેમ ને

આજથી 60 વર્ષ પહેલાની આ વાત છે. ઉત્તરપ્રદેશ તરફથી મુંબઇ આવી રહેલી એક ટ્રેનમાં હજારો મુસાફરોની સાથે 22 વર્ષની એક બહેરી અને મૂંગી યુવતી પણ હતી. આ યુવતી પતિના ત્રાસથી એવી કંટાળેલી કે ઘર છોડીને ભાગી આવી. ગામડાની અભણ અને અબુધ યુવતીને કયાં જવું એની કોઈ ગતા ગમ નહોતી.


ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક ભૈયાઓને આ યુવતીની ચિંતા થઇ એમને એવું લાગ્યું કે મુંબઈમાં આ બિચારી વેંચાઈ જશે. યુવતીને યુપીના જ એક માજી જે મુંબઈમાં રહીને બીજાના ઘરના કામ કરતા એની ઘરે આ યુવતીને રાખી. યુવતી બહેરી અને મૂંગી હોવાથી એ શું કહી રહી છે એ સમજવામાં ખુબ તકલીફ પડતી હતી પણ એની વાત પરથી એટલી ખબર પડતી હતી કે આ છોકરીને હવે સાસરિયામાં કે પિયારીયામાં નથી જવું.

માજીએ છોકરીને એમની સાથે રાખી. થોડા સમય પછી એમને પણ આ છોકરી બોજારૂપ લાગવા માંડી. બીજાના ઘરના કામ કરીને ગુજરાન ચલાવતા માજીને આ બહેરી અને મૂંગી, ગાંડા જેવી યુવતીનું ભરણપોષણ ભારે પડતું હતું. માજી જેમને ત્યાં કામ કરવા જતા એ કચ્છી જૈન પરિવારમાં આ યુવતીની વાત કરી. પરિવારના વડીલોએ આ યુવતીને પોતાની ઘરે લાવવાનું નક્કી કર્યું.

બીજા જ દિવસે માજી યુવતીને પોતે જ્યાં કામ કરતા હતા એ પરિવારમાં મૂકી ગયા. મુંબઈમાં વસતા રુકમાણી પરિવારે આ અજાણી યુવતીને પરિવારના નવા સભ્ય તરીકે સ્વીકારી. 22 વર્ષની આ યુવતી આજે 82 વર્ષના માજી થઈ ગયા છે. યુવતીને ઘરમાં લાવનાર પરિવારના વડીલો તો પ્રભુ પાસે જતા રહ્યા છે પરંતુ આ વડીલોની ત્રીજી પેઢી આજે પણ એક સાવ અજાણી સ્ત્રીને દાદીમાંની જેમ આદર અને સન્માન સાથે સાચવે છે. ઘરની વહુઓ પણ આ માજીની પ્રેમપૂર્વક સેવા કરે છે.

થોડા સમય પહેલા માજીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે ઘરની વહુઓએ ખડે પગે એમની સેવા કરી છે. રુકમાણી પરિવાર કરોડોપતિ પરિવાર છે. જેની સાથે લોહીનો સંબંધ નથી એવા માજીની સારવાર માટે નોકર રાખી શકે પણ એમ કરવાના બદલે અમીર પરિવારની વહુઓએ જાતે જ એમની સેવા કરી. 60 વર્ષ પહેલા આવેલી આ અજાણી યુવતીના નામની કોઈને ખબર નહોતી એટલે એમનું નવું નામ પાડવામાં આવ્યું છે , ભક્તિ. અને એ પરિવારના જ સભ્ય છે એટલે એનું પૂરું નામ છે, ભક્તિ રુકમાણી.

હમણાં મુંબઈમાં પ્રવચન માટે ગયો ત્યારે આ પરિવારની મુલાકાત થઇ. આજે લોકો પોતાના સગા માં-બાપને ઘરમાં રાખવા તૈયાર નથી ત્યારે રુકમાણી પરિવાર છેલ્લા 60 વર્ષથી એક અજાણી સ્ત્રીને ઘરના પરિવારની જેમ સાચવે છે. મેં આ સ્ટોરી ફેસબુક પર લખવાની વાત કરી ત્યારે પરિવારના મોભીએ ખાસ વિનંતી કરી કે ક્યાંય મારું નામ નહિ લખતા.


આ ફોટામાં સૌથી મોટી ઉંમરના સફેદ સાડી પહેરેલા માજી દેખાય છે એ ભક્તિ રુકમાણી છે. કોઈ કહી શકે કે આ બહેન પરિવારનો હિસ્સો નથી !!!!!!

વંદન છે આ પરિવારની ભાવનાને…

લેખક – શૈલેષ સગપરીયા (રાજકોટ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ