ભાઈઓની વહાલી બહેનો, આ મંત્ર બોલીને બાંધજો રાખડી…

રક્ષાબંધનના જ્યારે રાખડી બાંધો ત્યારે આ મંત્ર બોલવાથી ભાઈઓની ઉમર અને સુખાકારી વધશે… ભાઈઓની વહાલી બહેનો; આ મંત્ર બોલીને બાંધજો રાખડી…


આપણે રક્ષાના પ્રતીકના રૂપમાં રક્ષાબંધન ઉજવાતા હોઈએ છીએ. ભાઈએ બહેનની લાગણીને વ્યક્ત કરવા માટે આ તહેવાર નાના મોટાં સૌને પ્રિય હોય છે. તહેવારોના સમયમાં આમેય બજારોમાં ખૂબ જ રોનક જોવા મળે છે. લોકો નવાં કપડાંઓ અને મીઠાઈઓ અને ઘરના સુશોભનની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત હોય છે. એમાંય વળી આ વર્ષે જ્યારે ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન બંને એક જ દિવસે આવી છે ત્યારે તહેવારોના મૌસમમાં સોનામાં સુગંધ ભળે છે. છેલ્લા કેટલાક સમયથી દેશની રાજનૈતિક ગતિવિધિઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આજના આધુનિક સમયમાં રક્ષાના સંદર્ભે દેશવ્યાપી સુરક્ષાની વ્યવસ્થાઓ થાય છે. આજકાલ આપણે સૌ ભારતીય રાજકારણ, સંવિધાનના નિયમો અને કાયદાઓની વાતો વિશે સતત ચિંતિત રહીએ છીએ. દેશ આખો અતિવૃષ્ટિ અને પૂરની અસર હેઠળ ઝઝૂમી રહ્યું છે. ત્યારે તમામ દેશવાસીઓની રક્ષા અને સુખ શાંતિની પ્રાર્થના કરવાનું મન થઈ આવે છે. એવે સમયે રક્ષા મંત્ર સૌ માટે ખૂબ જ લાભદાયી નિવડશે. બહેનો જ્યારે ભાઈઓના કાંડે રાખડી બાંધતી હોય ત્યારે આ મંત્ર જરૂર બોલવો જોઈએ.

રક્ષા સૂત્રનું મહાત્મય પૌરાણિક કાળથી છેઃ


રક્ષાબંધનનો તહેવાર આપણાં પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં પણ રક્ષા સૂત્રના બંધનનો મહિમા વર્ણવાયેલો છે. શ્રી કૃષ્ણે દ્રૌપદીનું ચીર પૂર્યું એ પહેલાં દ્રૌપદીએ પણ શિશુપાળ સામેના યુદ્ધમાં શ્રીકૃષ્ણની તર્જનીએ વાગ્યું અને લોહી નીકળ્યું ત્યારે પોતાની ઓઢણીનો છેડો ફાડીને પાટો બાંધી આપ્યો હતો.

રક્ષા મંત્ર બોલીને શુભ મુહૂર્તે બંધાયેલ રક્ષા સૂત્ર આપશે મંગળ સંકેત આપે છે…


બમણાં ઉત્સાહ સાથે રક્ષાબંધન અને આઝાદી પર્વની ઉજવણી થશે ત્યારે આ રક્ષા મંત્ર બોલીને રક્ષા સૂત્ર બાંધવામાં આવશે તો તે ખૂબ જ લાભદાયી નિવડશે. આ દિવસને બળેવ પણ કહેવાય છે. તે દિવસે અમુક ભ્રાહ્મણો સહિત અમુક જ્ઞાતિઓના પુરુષો જનોઈ પણ બદલાવે છે અને મંત્રોચ્ચાર સાથે પવિત્ર દિવસની શરૂઆત કરે છે. ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના દિને રક્ષાબંધના દિવસે વહેલી સવારે પહેલા જ ચોઘડિયાથી જ મુહૂર્ત શુભ છે. સવારે ૫.૪૯થી જ સાંજે ૬.૧૦ વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે. એ સમયે રાખડી બાંધતી વખતે કેટલીક ખાસ તૈયારીઓ પણ કરવી જોઈએ.

રક્ષા સૂત્ર બાંધતી વખતે કેવી કરશો તૈયારીઓ…


રક્ષાબંધનની ઉજવણી કરવા ભાઈ બહેનની જોડીની સાથે આખો પરિવાર પણ ભેગો થાય છે. બહેનો રાખડી બાંધે અને ભાઈઓ ભેટ અને શકનના પૈસા આપે છે. ત્યારે બહેનોએ ભાઈઓના માંગળકને જાળવવા માટે રાખડી બાંધતાં પહેલાં પૂજાની થાળી તૈયાર કરવી જોઈએ. તેની થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈનું બોક્સ અને આરતી માટેનો દીવો રાખવો જોઈએ. તમે જે મીઠાઈ મીઠું મોં કરાવવા માટે પૂજાની થાળીમાં મૂકશો તેને પણ તમારા ઘરના મંદિરમાં રાખેલા ભગવાનને ચડાવવીને થાળીમાં મૂકવું જોઈએ.

રાખડી બાંધતી વખતે શું બોલવું?


અવનવી ફેશનની રંગીન રાખડીઓથી બજારો છલોછલ ભરાઈ ગઈ છે. તેમાંય હીરા – મોતીવાળી અને નાના બાળકોને મજા પડી જાય તેવાં કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓનો ક્રેઝ વધ્યો છે. હાલમાં, મોદી રાખડીઓ પણ બજારમાં દેખાતી થઈ છે, જેમાં લખ્યું છે, દેશ કા હીરો… આમ દર વર્ષે જાતજાતની ડિઝાઈન અને રંગોની મળતી રાખડીઓ રંગબેરંગી ભલે હોય પરંતુ સામાન્ય રીતે શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ અનુસાર શુભ રક્ષા સૂત્ર તરીકે લાલ, પીળો અને સફેદ રંગની રાખડીનો દોરો હોય તો વધારે સારું રહે.


રાખડી બાંધતી વખતે બહેને માથા ઉપર દુપટ્ટો કે સાડીનો છેડો ઓઢવો જોઈએ અને ભાઈએ પણ માથાને રૂમાલથી ઢાંકવો જોઈએ. જમણાં હાથના કાંડાં પર રાખડી બાંધતી વખતે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. આ મંત્ર બોલતી વખતે બહેને ભાઈના દિર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવી જોઈએ. બહેને પોતાનો ભાઈ મહાબલી અને દાનવીર બને, સૌની રક્ષા કરી શકે એવો શૂરવીર બને એવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ. ભાઈઓની સાથે કુટુંબ અને દેશ તેમજ વિશ્વની સુરક્ષાની પણ પ્રાર્થના કરવી જોઈએ. ભાઈએ બહેનને ભલે નાની હોય કે મોટી હોય તેને પગે લાગવું જોઈએ અને વડીલોને પણ પગે લાગવું જોઈએ. સાથિયો કરેલ માંડલું બનાવીને સામસામે બેઠેલ ભાઈ બહેન જ્યારે પાટલેથી ઊભાં થાય એ પહેલાં ભાઈએ બહેનની થાળીમાં કંઈક તો યથાશક્તિ શકન જરૂર આપવું જોઈએ.


શ્ર્લોકઃ

યેન બદ્ધો બલી રાજા દાનવેંદ્રો મહાબલ;

તેન ત્વાં અભિબદ્ધનામિ રક્ષે મા ચલ મા ચલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ