“ભાઈ બંધી” – આ જ તો જિંદગી જીવવાની સાચી “આર્ટ” ! Excellent Story

ગાંધીનગર સરખેજ હાઈવે પર વાઈડ એંગલ સિનેમા પાસે ની એક બહુમાળી ઈમારતના ચોથા માળે આવેલ “ રત્નદીપ ઓવરસીઝ પ્રાઇવેટ લીમીટેડ” ની ઓફિસમાં આજ સવારથી જ ધમધમાટ હતો.આમ તો આ કંપનીના કર્મચારીઓ દરરોજ દસ વાગ્યે આવતાં અને છ વાગ્યા સુધી રહેતાં પણ છેલ્લાં ત્રણ દિવસથી તમામ કર્મચારીઓ સવારે આઠ વાગ્યે પહોંચી જતાં અને રાતે સાતની આજુબાજુ ઘરે જતાં.

રત્નદીપ ઓવરસીઝ પ્રાઈવેટ લીમીટેડના જનરલ મેનેજર અભિનવ ભટ્ટ પોતાની કડકાઈ અને કાર્યકુશળતા માટે જાણીતા હતાં. સાત વરસ પહેલાં જ તેઓ આ કંપનીના જનરલ મેનેજર બન્યા હતાં એ પહેલા એ કંપનીમાં સુપરવાઈર હતાં. જ્યારથી એ મેનેજર બન્યા હતાં ત્યારથી દર વરસે આકર્ષક માત્રામાં કંપનીનો પ્રોફિટ વધી રહ્યો હતો.

પાંચ વરસમાં તેણે કંપનીમાંથી કામચોર કર્મચારીઓને કાયમી વિદાય અપાવી દીધી હતી. અને નવા નવા ઇનોવેટીવ આઈડિયા વાળા યુવાનોની તેઓ ભરતી કરી રહ્યા હતાં. બધું જ બરાબર હતું પણ એનો સ્વભાવ એટલો આકરો કે જેવો તેવો કર્મચારી તો ચાલતી જ પકડે!! ભાષા પણ શ્લેષ થી ભરપુર!! કર્મચારીઓ રીતસર ફફડી ઉઠતા.

સવારે દસને ત્રીસ મીનીટે જયારે એની બલ્યુ કાર નીચે પાર્કિંગ થાય કે તરત જ કર્મચારીઓ એલર્ટ થઇ જતાં!! એ દાદર ચડીને જ ચોથા માળ સુધી પહોંચી જતાં. શ્રીમાન અભિનવ ભટ્ટ ઓફિસમાં દાખલ થાય ત્યારે કોઈ પણ એક કર્મચારીને તરત જ ઓફિસમાં બોલાવીને દિવસનો શુભારંભ કરતાં. જોકે તે વગર વાંકે ખખડાવતા પણ નહિ અને કંપનીના જનરલ મેનેજરો ની એક ખાસિયત ગણો કે એમબીએના અભ્યાસક્રમની ખાસિયત જે ગણો તે પણ એક વાત ચોક્કસ કે લોકો માટે નીચેના કર્મચારીઓને સાણસામાં લેવા એ ડાબા હાથનો ખેલ હતો. હજુ ચાર દિવસ પહેલાં જ મિસ પુનમને અભિનવે ઓફિસમાં બોલાવીને કહ્યું હતું.

“મિસ પૂનમ મને લાગે છે કે તમારે મોડેલીંગમાં ટ્રાય કરવી જોઈએ, ધેર વિલ બી બેટર ફયુચર ફોર યુ આઈ થીંક સો!!!
“સોરી સર આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ વોટ યુ સે” પૂનમે થોથવાતા અવાજે કહ્યું.
“ આઈ અલ્સો નોટ અન્ડરસ્ટેન્ડ કે આ ઓફીસ છે કે ફેશન પરેડની રેમ્પ!! અને તમારા આ કપડાં તરફ જુઓ!! એનું કોમ્બીનેશન જુઓ!! આખો સીજી રોડ કપડાની દુકાનોથી ખીચોખીચ છે અને તમે આટલા ટૂંકા ભડકાઉ રંગના ડ્રેસ પહેરીને આવો છો કે અહિયાં કર્મચારીના મન ભટકી જાય મેડમ,યુ નો પછી એ લોકો તમને જુએ કે કામ કરે!! તમે મારી વાત સમજી ગયાં હશો. અને મને આશા છે કે નેકસ્ટ ટાઈમ તમને ટપારવા ના પડે. યુ કેન ગો નાઉ!! થોડાં દિવસ પહેલાં દવેને બોલાવીને અભિનવે કહ્યું હતું.

“મિસ્ટર દવે ગણિતમાં તમારે કેટલા માર્ક્સ હતાં!! ધોરણ દસમાં!!
“જી સર ૮૯ હતાં”
“ઓહ વેરી નાઈસ અને ધોરણ બારમાં એકાઉન્ટમાં પણ સારા માર્ક્સ હશે નહિ જુઓ તો આ બેલેન્સશીટમાં સરવાળાની ચાર ભૂલો છે!! સરવાળા શીખો મિસ્ટર દવે હવે એમ ના કહેતા કે ડેટા ઓપરેટર ની ભૂલ હશે. અને તોય છેલ્લે તમે ટાંગા મેળ કરી જ નાંખ્યો વાહ!! આ વખતે તમને અંદાજપત્ર બને ને ત્યારે તમને નાણામંત્રીની પેનલમાં મોકલવા છે, ત્યાં તમે ચાલશો સાહેબ, બાય ધ વે નેકસ્ટ ટાઈમ આવી ભૂલ નહિ કરતાં કમ સે કમ સરવાળા માં ભૂલ તો નહિ જ ઓકે!! ગુડ ડે!!

અભિનવ ભટ્ટ છેલ્લાં ઘણાં સમયથી એક ઇન્ટરનેશનલ ડિલ પર કામ કરી રહ્યા હતાં ઓસ્ટ્રેલીયા ની એક ખ્યાતનામ કંપની “ધ લોટસ ઓવરસીઝ”ભારતમાં પોતાના બિઝનેશ પાર્ટનરની તલાશમાં હતી. ટાઈમ મેગેજીનમાં આ અંગે વિગતવાર લેખ હતો અને શ્રીમાન અભિનવ ભટ્ટે એની તૈયારી કરી રહ્યા. આવતી કાલે સવારે અગિયાર કલાકે “હોટેલ ધ ડ્રીમલેન્ડ માં” તે કંપની ના ટોચના ચાર અધિકારી ઓ સાથે અભિનવ ગાંધીની મુલાકાત હતી.

અને એ માટે કંપનીના તમામ ઓન રેકર્ડ ડેટા, કંપની ની માર્કેટ વેલ્યુ, કંપનીના ફ્યુચર પ્લાન અને કંપનીના પ્રોગ્રેસ વિષે એ લોકો વીસ મીનીટસનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેન્શન નિહાળવાના હતાં. આ માટે અભિનવ ગાંધીએ મિસ મયુરી અને ગૌતમ ને સાથે લઇ જવાના હતાં. બધું જ કાર્ય પ્લાન મુજબ થઇ રહ્યું હતું.. બપોરના ત્રણ વાગ્યે પ્યુન એક ચબરખી લાવ્યો.

“સાહેબ બહાર કોઈ સાગર પટેલ કરીને ભાઈ આવ્યાં છે, મેં ઘણી ના પાડી કે સાહેબ બે દિવસ કોઈને મળશે નહિ પણ એ ભાઈ કહે છે એ આપની સાથે ધોરણ બારમાં ભણતા હતાં અને આપના અંગત મિત્ર છે. એને અંદર લાવું”!!?? પ્યુને કહ્યું અને ચિઠ્ઠી જોઈ રહ્યો હતો.

“સાગર પટેલ, સહાધ્યાયી ધોરણ બાર. એલ જે હાઇસ્કુલ [કડ ભાંગલો]”
કડભાંગલો વાંચીને અભિનવ ભટ્ટને હસવું આવ્યું, એણે કીધું કે આજ એ ફ્રી નથી પરમ દિવસે આવે દસ વાગ્યે ઓકે!! પણ આજ કોઈ કાળે નહિ એને ઘસીને કહી દે. પ્યુન ગયો એવો જ પાછો આવ્યો.

“સાહેબ એણે કીધું કે એ વધારે સમય નહિ લે ફક્ત દસ મિનીટસ વાત કરી લોને ઘણાં સમયથી એ આપને મળ્યાં નથી, એને મળવાની ખુબ ઈચ્છા હતી, સાબ એમની આંખો ભીની થઇ ગઈ હતી સાહેબ એને બોલાવી લઉં અંદર આપ કહેતા હો તો??” પ્યુને નમ્રતાથી કહ્યું.

“એક કામ કર્ય માણિકરાવ તું મારી ખુરશી પર બેસી જા અને હું તારી જગ્યાએ પ્યુન બની ને બહાર બેસું ,કેટલી વાર કીધું કે મને તારે સલાહ નહિ આપવાની મેં કીધુને કે મારી પાસે સમય નથી એને મળવું હોય તો પરમ દિવસે આવે અને તોય ના જાય તો ધક્કા મારીને બહાર કાઢી મુકો, એને હું જાણું છું એક જાતની લપ છે, મળ્યાં પછી એ કલાકો કાઢે જાણે આપણે કેમ નવરા ના હોઈએ!!

સાથે ભણતાં હતાં તે ગુનો કર્યો છે?? , એ વખતે દોસ્તી હતી તો શું થયું?? અત્યારે મારે મારા અસ્તિત્વનો સવાલ છે એ એ બેરોજગારને ક્યાંથી ખબર હોય, ચાલો હવે મને કામ કરવા દો એમ કહીને અભિનવ ભટ્ટ લેપટોપમાં ડૂબી ગયાં, પટાવાળો બહાર આવ્યો અને પેલાને કીધું કે

“માફ કરશો ભાઈ, પણ મેં નહોતું કીધું કે સાબ એનાં બાપનું પણ ના રાખે એક વખત ના પાડી દે પછી યમદૂતને ય પાછા જવું પડે દસ વરસથી હું એને ઓળખું છું!! તમારે મળવું હોય તો પરમ દિવસ દસ વાગ્યે આવી જશો, મને પણ દુઃખ થયું કે જેમ તમે કહો છો એમ એ તમારો ખાસ મિત્ર હોય તો એણે મળવું જ જોઈએ પણ ભાઈ મિત્રતા સમય જતાં ધોવાઈ જાય છે, જેને ફક્ત પોતાનું જ ચિત્ર દેખાય એને કોઈ મિત્ર ના હોય. જવાબ સાંભળીને સાગર પટેલ થોડી વાર ખામોશ થઇ ગયો અને પછી બોલ્યો.

“ઓકે તમારો આભાર હવે પરમ દિવસે તો હું અહી નથી હા તમને એ પૂછે મારા વિષે તો કહેજો કે કાલે સાંજે હું છ વાગ્યે દિલ્હી જવાનો છું. મળવું હોય તો કાળુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર ન્યુઝપેપરસ્ટોલ છે ને ત્યાં હું એની પાંચ વાગ્યાથી રાહ જોઈ રહ્યો હઈશ. અને એ પણ કહેજો કે મને મળવું ગમશે પછી જેવા મારા નસીબ” આટલું કહીને સાગર ચાલ્યો ગયો.
આ બાજુ અભિનવ ભટ્ટ પણ વિચારમાં પડી ગયો હતો. સાગર એને એનો ખાસ દોસ્ત ગણતો હતો.સાગરને બીજા કોઈ મિત્રો હતાં નહિ પણ અભિનવને ઘણાં જ મિત્રો હતાં. સાગરના કપડાં કાઈ વ્યવસ્થિત ના હોય અને એકદમ સામાન્ય કુટુંબનો છોકરો!!બીજી એક વાત કે નાનપણમાં સાગર ગાડામાંથી પડી ગયેલો. શીંગનું ભરોટુ ભરીને ગાડું ઘરે આવતું હતુંને સાગર એ ભરોટા પર બેઠો હતો અને એક ખાડો આવ્યો અને સાગર આવ્યો ગબડતો ગબડતો હેઠે એટલે એની કેડમાં કોઈ પ્રોબ્લેમ થઇ ગયો અને એટલાં માટે એ લાંબો સમય ઉભો ના રહી શકતો.

અને નીચે બેસી જતો એટલે એનું નામ કડ ભાંગલો પડી ગયું હતું, વળી સાગર એટલો ભોળો હતો કે એણે જ આ વાત અભિનવને કીધી હતી અને અભિનવે શાળામાં ફેલાવી દીધી હતી. બધાં એને કડભાંગલો કહેતા અને સાગરને વાંધો નહોતો. અભિનવને બધું જ યાદ આવતું હતું. અગિયારમાં ધોરણમાં એ લોકો ગિરનારના પ્રવાસે ગયાં હતાં સાતમ અને આઠમની રજામાં અને એ બધાં આરામ કરવા બેઠા હતાં રાણક દેવીના થાપા!! પાસે અને એવામાં સાગર આજુબાજુ જોતો હતો,એવામાં એનો પગ લપટ્યો અને અભિનવ દોડ્યો જોયું તો એક ઝાંખરું પકડીને સાગર રાડો પાડી રહ્યો હતો.

બધાજ રાડો પાડતા હતાં પણ અભિનવે બીજી સાઈડમાં ઉતરીને સાગરનો હાથ પકડીને ખેંચી લીધો !! સાગરના પગ છોલાઈ ગયાં હતાં. સાગર અભિનવને ભેટી પડ્યો હતો.આ ઘટના પછી સાગર અભિનવની નજીક આવી ગયો હતો. અભિનવ ગમે એ કહે સાગર ખોટું ના લગાડતો. પછી તો બારમાં ધોરણ પછી બધાં અલગ અલગ ભણવા જતાં રહ્યા પણ વિદાય વખતે સાગર અભિનવ ને ભેટીને રડ્યો હતો, અભિનવે એને ગાંડા જેવો ગણ્યો હતોને કીધું કે આવા વેવલા છોકરા ના હોય તું તો છોકરી જેવો છે!!

પછી અભિનવે બે વખત સાગરને મળ્યો હતો.એક વખત એ પરાણે એને પોતાના ગામડામાં લઇ ગયો હતો. પણ બે જ દિવસમાં અભિનવ કંટાળી ગયો હતો ગામડેથી, અને એક વખત વડોદરા ના બસ સ્ટેન્ડ પર એક કલાક સુધી મળ્યો હતો અચાનક જ !!! એ વખતે એને કોઈ કામ નહોતું મળ્યું. ચાર પાંચ દુકાનના નામા લખતો હતો અને અભિનવે એને કાઈ કીધું પણ નહિ કે હું એક કંપનીમાં મેનેજર છું કારણકે એને બીક હતી કે એ આ લપ ગળે વળગશે અને નોકરી માટે કરગરશે બસ પછી તેનો એકાદ વાર ફોન આવ્યો હતો, કોણ જાણે ક્યાંથી નંબર મેળવી લીધો.??

અને એ પણ લાંબી લાંબી વાતો કરતો હતો. પછી એ નંબર એણે બ્લેક લીસ્ટમાં નાંખી દીધો હતો. બસ પછી તો આઠેક વરસ વીતી ગયાં હતાં. અને આજે અચાનક ટપકી પડ્યો હતો. અને ઊંડે ઊંડે અભિનવને બીક લાગી હતી કે સાગર હવે ઓફીસ સુધી પહોંચી ગયો છે એટલે એ નોકરી માંગવા જરૂર આવશે જ પણ હવે બધી જ માનવતા નેવે મુકીને ચોખ્ખી ના પાડી દેવી છે કે ભાઈ હવે સાથે ભણતાં એ ભૂલી જા,!! મારી પાસે સમય નથી અને તારી પાસે સમય સિવાય કાઈ નથી,!!મને પેલેથી જ આ લાગણીઓ નથી ગમતી. એવામાં તુષાર આવ્યો અને અભિનવ પાછો વર્તમાનમાં આવ્યો.

“સાહેબ આ મેઈલ આવ્યો છે “લોટસ ઓવરસીઝ “ તરફ થી કાલની કેટલીક અગત્યની નોંધ છે. અભિનવે ઈ મેઈલ વાંચ્યો. તેમાં અગત્યની બાબતો હતી.

સવારે દસ વાગ્યે ટાઈમસર હાજર થઇ જવું.
લોટસ ઓવરસીઝ ફક્ત યોગ્યતાના ધોરણે જ પસંદગી કરશે.
કૂલ ચાર કંપનીમાંથી સિલેકશન કરવામાં આવશે.
આ સિલેકશન દસ વરસ સુધી માન્ય રહેશે.
પોતાની સાથે વધુમાં વધુ બે સહ કર્મી લાવી શકાશે.

કંપનીના કોઈ પણ માણસ સાથે વ્યક્તિગત સંબંધો કે કોઈ જાતનું દબાણ લાવનાર નું સિલેકશન થશે નહિ. બાકીની બીજી નાની મોટી સૂચનાઓ હતી. અભિનવ ભટ્ટ પાછો કામમાં ગળાડૂબ ડૂબી ગયો. સાંજે સાત વાગ્યે એ જવા નીકળ્યો. દરવાજા પાસે પ્યુન માણિકરાવ તરફ જોઇને એણે કહ્યું.
“પછી પેલાનું શું થયું ??, એ કઈ બોલ્યો કે એમને એમ જતો રહ્યો.?? માણિક રાવે જવાબ આપ્યો.

“સાહેબ એને તો મળવું જ હતું એણે મને કીધું કે પરમ દિવસ સવાર સુધી તો તે નહિ રોકાઈ શકે. પણ કાલ સાંજે તે કાળુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર આપને સાંજે પાંચ થી છ વાગ્યા સુધી મળી શકશે. છ વાગ્યે એની ટ્રેઇન છે ,એણે એમ પણ કીધું કે એ બુક સ્ટોલ છે ને પ્લેટફોર્મ ચાર પર ત્યાં બેઠા હશે આપની રાહ જોઇને”

“માય ફૂટ એને હું મળવા જાવ, કડ તો ભાંગેલી જ હતી લાગે છે કે હવે સાથો સાથ મગજ પણ ભાંગી ગયું લાગે છે એનું,!! હવે તું તો એને ઓળખી જ ગયો છો એટલે બીજી વાર કોઈ પણ સમયે એ મળવા આવે એટલે મને પૂછવાની જરૂર જ નથી તું એને ધક્કા મારીને કાઢી મૂકજે એને, મારે એનું કોઈ જ કામ નથી.

બીજે દિવસે અભિનવ પોતાના બે સહ કાર્યકર મયુરી અને ગૌતમને લઈને હોટેલ “ડ્રીમ લેન્ડ પહોંચી ગયો. બરાબર દસના ટકોરે એમને રૂમ નંબર ૩૦૪ માં લઇ જવામાં આવ્યાં.અભિનવ અને તેના સહ કર્મચારી એક ટેબલ પર બેઠા અને સામે “લોટસ ઓવરસીઝ”ના ચાર કર્મચારીઓ સુટ અને બુટમાં સજ્જ થઈને બેઠા હતાં.અભિનવે જોયું કે બીજી ત્રણ કંપનીના મેનેજરો પણ તેની સાથે હરીફાઈમાં હતાં. પ્રાસંગિક વાતો થઇ અને સામે બેઠેલાં વ્યક્તિઓએ ફાઈલો લીધી.

અંદરોઅંદર થોડી ડિસ્કસ થઇ અને પછી બધાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોયું. અડધા કલાકમાં જ અભિનવ ભટ્ટને ખ્યાલ આવી ગયો કે બીજાં હરીફો એમની કરતાં ક્યાય આગળ હતાં.બધાની કેપિટલ વેલ્યુ!! અને કામનો વિસ્તાર પોતાના કરતાં ક્યાય આગળ હતો. પછી શરુ થઇ પ્રશ્નોતરી એમાં પણ અભિનવ બરાબર જવાબ ના આવી શક્યો.બીજી બે કંપનીવાળાઓને ફોરેઇન ટ્રેડનો બહોળો અનુભવ હતો.જ્યારે અભિનવ ભટ્ટની કંપનીને બહુ ઓછો અનુભવ હતો આ બાબતમાં!! બે કલાક પછી સામેવાળી એક દાઢી વાળી વ્યક્તિએ કીધું.

“આપનાં તમામ ડેટા અને જરૂરી વિગતો અમે નોંધી લીધી છે, આપનેઆવતાં અઠવાડિયામાં ફાઈનલ જવાબ મળી જશે!! બેસ્ટ ઓફ લક!!

અભિનવ પોતાના સાથી કર્મચારીઓ સાથે બહાર આવ્યો. બહાર સખત ગરમી હતી.ગૌતમ અને મયુરી મૌન હતાં. તેઓ કારણ જાણતા હતાં કે આજ અભિનવ સર ને વતાવાય નહિ. આજ એના બ્લડ પ્રેસર સાથે એંગર પ્રેસર પણ વધી ગયું છે, મનોમન એ બને એવી આશા રાખતા હતાં કે એમની પર ગુસ્સો ના ઉતરે તો સારું!! અચાનક અભિનવ બોલ્યો.

“ગૌતમ સરખેજ બાજુ ગાડી લઇ લે ,આજ કાઠીયાવાડી જમવું છે,બાજરાના રોટલા અને આખી ડુંગળીનું શાક!! યાર થાકી ગયા છીએ અઠવાડિયાથી, સિલેક્ટ થવાના હશે તો થઈશું નહીતર કોઈ વાંધો નહિ!! નેક્સ્ટ ટાઈમ બીજી કંપની સાથે પણ અફસોસ નથી કે આપણે પુરા પ્રયત્નો નથી કર્યા!! હવે ઘટે તો ભાગ્ય ઘટે બાકી આપણે બધાએ સો ટકા પ્રયત્નો તો કર્યા જ છે ને , મને સંતોષ છે તમારાં બધાં પર!!પણ બધાને થોડું મળે બધું!”

ગાડી કાઠીયાવાડી હોટેલ પાસે ઉભી રહી. બધાએ ડુંગળી અને રોટલાનું શાક ઝાપટ્યુ અને ઉપર પીધી જીરા અને ફુદીના વાળી છાસ અને ગાડી ચાલી કંપનીની ઓફિસે!! જઈને એક મીટીંગ બોલાવી!!

“જુઓ તમારાં બધાનાં કામથી હું ખુશ છું પણ આપણી કરતાં પણ સારું કામ કરતી કંપનીઓ પણ હરીફાઈમાં હતી. આપણું પ્રેઝન્ટેશન સારું જ ગયું છે પણ નાણાકીય સ્થિતિ અને અનુભવમાં બીજી કંપનીઓ ક્યાંય આગળ છે એટલે મને તો નથી જ લાગતું કે આપણે એમની સાથે ટાઈ અપ થાય.પણ મને કોઈ અફસોસ નથી.હવે તમે જઈ શકો છો આજે અને કાલે રજા રાખીએ છીએ,આપણે પરમ દિવસે મળીયે છીએ!!” બધાનાં ચહેરા ખીલી ઉઠ્યા અને રવાના થઇ ગયા.બધાં ગયા પછી પ્યુનને બોલાવીને કીધું કે
“માણિકરાવ નીચેથી એક સિગારેટ લઇ આવ અને માચીસ પણ!! માણિકરાવ આખું પેકેટ લઈને આવ્યો.અને ઉભો રહ્યો. એને બેસવાનું કહ્યું અને એક સિગારેટ એને આપીને એક સિગારેટ અભિનવે સળગાવી. એક લાંબો ઘૂંટ મારીને અભિનવ બોલ્યો.

“માણિકરાવ પછી પેલો મારો ભાઈ બંધ આવ્યો તો કે નહિ,?? ખરી વિકેટ છે એ નહિ,?? માન કે ના માન ફિર ભી મેં તેરા મહેમાન,ક્યારેક ભગવાન પણ ખરી અને યુનિક આઇટેમ બનાવી દેતો હોય છે”

“એ આ બાજુ ના આવે સાહેબ હવે એવું મને લાગે છે,પણ એક વાત કહું સાહેબ એને કદાચ મળ્યાં હોત તો કાઈ વાંધો ના આવત એ બિચારો કોઈ આશાએ આવ્યો હોય.અને ભાઈબંધી એવી વસ્તુ છે કે સાહેબ એ કોઈ પણ પરિસ્થિતિ સામે અચળ રહે છે” માણિકરાવ બોલ્યો. વળી એક લાંબો ઘૂંટ ભરીને સીગારેટનો ધુમાડો ફેંકતો અભિનવ બોલ્યો.

“અરે વાહ તું પણ રોબીન શર્મા ના પુસ્તકો વાંચતો થઇ ગયો લાગે છે, આવી ફિલસુફી અને એ પણ એક પ્યુનમાં જોવા મળે એ કંપની તો ખુબ જ આગળ જાય,પણ તને ખબર નથી એ મોટી લપ છે અને મને લાગણી વેડા ના ગમે,વાત વાતમાં અહેસાન આગળ ધરવાનો ,રડવાનું આ બધું શું?? આની કોઈ જ વેલ્યુ નથી આજ કાલ!! જે “ડરે” એ જ “રડે”!! આમ તો એ મને ખુબ જ માન આપે છે અને ભણતાં ત્યારે પણ આપતો પણ સાલો વેદિયો બહુ જ છે!! તું પણ એનાંથી કંટાળી જા જો તું એને મળ્યો હોયને તો અને હા યાદ આવ્યું એ શું કહેતો હતો?

આજ એ કાળુપુર રેલવે સ્ટેશને છ વાગ્યા સુધી છેને કદાચ એ હરદ્વાર જતો હશે ગંગા કિનારે ભજન કરવા માટે!! આમેય જેને કોઈ સફળતાનું દ્વાર ના મળે એજ હરિદ્વાર જાય બાકી બધાં સિંગાપુર ,બેંગકોક અને પટાયા જાય !! ચાલ આજ એને મળી લઈએ અને તને પણ ફ્રેશ કરી દઉં!! પછી તું જ કહીશ કે આને ના મળ્યાં હોત તો સારું હોત” એમ કહીને અભિનવ ઉભો થયો.માણિકરાવે લોક માર્યું અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન તરફ નીકળી પડ્યા.
પ્લેટફોર્મ ટિકિટ લઈને તેઓ અન્ડરપાસ પસાર કરીને પ્લેટફોર્મ ચાર તરફ ગયાં.આગળ નજર કરી તો એક બુક સ્ટોલ ના બાંકડા પર નત મસ્તક બેઠેલો સાગર જોયો..દુરથી જ અભિનવે માણિકરાવને કહ્યું!!

“જો પેલો બાંકડા પર બેઠો છે એ જ સાગર છે, હું નહોતો કેતો તને કે એ ઉભો જ ના રહી શકે એટલે જ તો એને બધાં કેડ ભાગલો કહેતાં હતાં ,એ જ છે એ જ !!બાકી નીચું માથું કરીને કોણ બેસે અહિયાં!!!” અને સાગર પાસે જઈને અભિનવે સાગરના માથા પર હાથ મુક્યો અને સાગરે ઊંચું જોયું અને તરત જ તે અભિનવને ભેટી પડ્યો અને બોલ્યો.

“મને ગળા સુધી ખાતરી હતી કે મારા ભાઈ તું જરૂર આવીશ જ જરૂર આવીશ જ !! આમેય તારા મારા પર બહુજ ઉપકાર છે!! યાદ છે પેલી ગિરનાર ની ઘટના!! તે મને ના બચાવ્યો હોતને તો હું કદાચ જીવતો ના હોત” બોલતાં બોલતાં સાગરની આંખો ભરાઈ આવી અને અભિનવે માણિકરાવ તરફ જોયું અને ઈશારો કર્યો કે આ છે ને વેવલો!! અભિનવે એને અળગો કર્યો અને કીધું.

“યાર તું હજુ સાવ આવો જ છે?? કોઈ ફેરફાર નહિ તારામાં?? હવે આ અઢારમી સદીનું ઈમોશનલ ના ચાલે અત્યારે તો વાસ્તવિકતા ચાલે!! અત્યારે “હાર્ટ”નો જમાનો ગયો અને “સ્માર્ટ”નો જમાનો આવ્યો છે. બોલ તું આ વેદીયાવેડા છોડી દેને તો હું તને મારી કંપનીમાં આછું પાતળું કામ આપી દઉં બોલ!! થા સહમત!! તારામાં ફેરફાર થવો જોઈએ બાકી આવો જ રહીશ તો કોઈ કલાર્કની નોકરી પણ નહિ આપે!! બોલ નોકરી માંગવા જ આવ્યો હતોને મારી ઓફિસે”

જવાબમાં સાગર હસ્યો!! આંખોમાં એક ચમક આવી. અને પછી એ જે બોલ્યો એનાંથી તો ચમકવાનું અભિનવને જ આવ્યું!!

“ભાઈ અભિનવ ભટ્ટ. તારી જેવા ૮૦ માણસો તો મારી નીચે નોકરી કરે છે. તને કદાચ એ પણ ખબર નહિ હોય કે આજે જે કંપનીમાં તું ટાઈ અપ કરવા ગયો હતો એ કંપનીમાં મારા સસરા ૪૦ ટકાના ભાગીદાર છે!! એ ઓસ્ટ્રેલીયન કંપનીમાં ઘણાં ભાગીદાર છે પણ સહુથી મોટો હિસ્સો મારા સસરાનો છે.અત્યારે હું દિલ્હી રોહિણીમાં રહું છું!! હું જ આજ બધાનાં ઈન્ટરવ્યું લેવાનો હતો.પણ કાલ તું મને ના મળ્યો.

એટલે મેં મારી સાથે આવેલા ચાર મેનેજરોને કઈ દીધું કે તમે બધી ફોર્માલીટી પતાવી નાંખો.કારણકે હું એ પેનલમાં બેઠો હોત તો તારે નીચા જોવા જેવું થાયને ?? અને એ મને થોડું પોસાય?? હા ગઈકાલ તું મને મળ્યો હોત તો તારી ઓફિસે તને કહી દેત કે કંપની સાથે જોડાણ પાકું છે. અને ઓર્ડર પણ આ બ્રિફકેસમાં છે. મારે તને હાથોહાથ ઓર્ડર આપવો હતો.અને મને ખાતરી હતી કે મારો ભાઈબંધ છેલ્લે છેલ્લે પણ આ કડભાંગલાને મળવા જરૂર આવશે જ ત્યારે જ આ ઓર્ડર આપી દઈશ”અને એમ કહીને સાગરે બ્રીફકેસમાંથી ટાઈઅપ નો ઓર્ડર કાઢ્યો અને અભિનવના હાથમાં આપી દીધો.

અભિનવ ઘડીક ઓર્ડર સામું જોવે અને ઘડીક સાગર સામું જોવે એની આંખોને વિશ્વાસ જ નહોતો આવતો. છેવટે સાગરે મૌન તોડ્યું.

“આજ થી છ વરસ પહેલાં હું આબુ પર ફરવા ગયો હતો, ત્યાં એક મોટર કાર એક યુવતી ઉપર ધસી આવતી હતી.એનું ધ્યાન નહોતું એના પરિવારનું ધ્યાન પણ નહોતું એટલે મેં એ યુવતીને બચાવી પણ હું મોટરની અડફેટે આવી ગયો. યુવતી તો બચી ગઈ પણ મારા બેય પગમાં ફ્રેકચર થઇ ગયું.મને નીચે આબુ રોડ પર લઇ ગયાં,નીચે ગયાં એટલામાં તો મારા શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું,યુવતીના પરિવાર ચિંતામાં મુકાઈ ગયો અને હું બેભાન થઇ ગયો.અઠવાડિયા પછી હું ભાનમાં આવ્યો.હું સીરોહીની એક હોસ્પીટલમાં હતો.બને પગે પ્લાસ્ટર આવ્યું હતું.યુવતીના પરિવારજનોએ મારો આભાર માન્યો.

મહિના પછી હું ત્યાંથી છૂટો થયો.મારો પરિવાર પણ ત્યાં આવી ગયો હતો. યુવતીના પિતાએ મને એની કંપનીમાં રાખી લીધો અને બે વરસ પછી હું એ યુવતીને પરણી ગયો છું. આજે એ મારી પત્ની છે નામ છે માધુરી!! બસ આ રીતે હું આ કંપનીમાં છું!! કરવાનું કશું જ નહિ તેમ છતાં ટોપ પર છું. મમ્મી અને પાપાને લઇ ગયો છું દિલ્હી!! રોહિણી માં એક ભવ્ય બંગલો છે!! એક લાડીને બે ગાડી છે!! એય ને લીલી વાડી છે!! બીજું શું જોઈએ!! અને બીજું એ કે મારે કોઈ જ સાળો નથી. એટલે કંપનીનો ભાવી માલિક પણ હું જ !!બધીજ રીતે સુખી છું!! એક પરોપકારનું કાર્ય મને આટલી ઉંચાઈએ લઇ આવ્યું.!! બસ આજ રીતે તે મને બચાવ્યો હતો ને તને પણ હું કેમ ભૂલું!! અને એક વાત યાદ રાખવી કે વાવેલી લાગણી ઉગી જ નીકળે છે બસ એનો સમય થાવો જોઈએ સમય” કહીને ફરીથી સાગર અભિનવને ભેટી પડ્યો!!

પછી તો ઘણી વાતો થઇ!!સાગર એની ટ્રેનમાં જતો રહ્યો!! અને વળતાં માણિકરાવે સિગારેટ સળગાવીને અભિનવ ભટ્ટને આપી અને કહ્યું.

“કેમ રહ્યું સાહેબ?? તમારા આ “સ્માર્ટ” પર સાગરનું “હાર્ટ” ભારે પડ્યુકે નહિ??? આ જ તો જિંદગી જીવવાની સાચી “આર્ટ” છે!! અને પ્રેમથી અભિનવે માણિકરાવની પીઠ પર ધબ્બો માર્યો!!

લેખક :- મુકેશ સોજીત્રા મુ.પો ઢસાગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી ? મને કોમેન્ટ કરી ને કેજો !!

ટીપ્પણી