અદ્વિતિય ગ્રંથ વિશેની અતથી ઈતિ માહિતી જાણવી ખૂબ જ રસપ્રદ રહેશે…

પ્રાચિન સંસ્કૃતિની અપ્રતિમ ધરોહર સમી અને વિશ્વની સૌથી જુની અને પહેલવહેલી ગ્રંથાવાલી તરીકે વિશ્વભરમાં સ્થાન પામેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અદભૂત આવૃત્તિ ભાવકોને દર્શન હેતુ અનાવૃત કરાઈ. ભારતનું પાટનગર નવી દિલ્હીમાં આવેલ સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અનાવરણ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સમારોહ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. જેમાં હાજરી આપવા વડા પ્રધાને કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવેલ અમેરિકા, બ્રિટન, રશિયા, હંગેરી સહિત ઘણા દેશોના આગેવાનોનું અભિવાદન પણ કર્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને મેનેજિંગ ડિરેક્ટર મધુસેવિતા દાસે જણાવ્યું હતું કે ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે પ્રકાશિત કરેલા ‘ભગવદ્ ગીતા – એઝ ઇટ ઇઝ’ ગ્રંથના ૫૦ વર્ષ પૂરા થવાના શુભ અવસર નિમિત્તે આ વિશાળકાય ગ્રંથનું પ્રકાશન થયું છે જે આનંદનો અવસર છે.

આ અદ્વિતિય ગ્રંથ વિશે વધુ માહિતી જાણવી ખૂબ જ રસપ્રદ રહેશે. તેની રચના અને તેના પ્રકાશન પાછળ અતિશય ચિવટભર્યો ઉદ્યમ થયો છે. ગીતા આરાધના કાર્યક્રમમાં ખુલ્લા મૂકાયેલા દુનિયાના આ સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથની ઊંચાઇ છે ૯ ફૂટ અને તેની પહોળાઈ ૬.૫ ફૂટ છે. આ ગ્રંથનું વજન આશરે ૮૦૦ કિલોગ્રામ છે.

જેની પાછળ દોઢ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયેલ આ વિશાળકાય ગ્રંથનું નિર્માણ ઇટાલીના મિલાન શહેરમાં થયું છે અને ત્યાંથી તેને સમુદ્રીમાર્ગે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ વિરાટકાય ગ્રંથનું સંપૂર્ણ પ્રિન્ટીંગ કાર્ય કરતાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો છે અને આ ગ્રંથના પ્રકાશનનો સમગ્ર ખર્ચ ઇટાલીસ્થિત ઇસ્કોન એકમે ઉઠાવ્યો છે.

આ અનોખી ભગવદ્ ગીતાના કુલ ૬૭૦ પાના છપાયાં છે અને તેની છાપણીમાં સોના, ચાંદી તથા પ્લેટીનમ જેવી ધાતુઓનો પણ ઉપયોગ થયો છે. જાણીને નવાઈ લાગશે કે તેનું એક પાન ફેરવવા માટે પણ ચાર વ્યક્તિઓની જરૂર પડે છે.

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારા પેજ સાથે.