ભગતસિંહ એક વ્યક્તિ નહીં વિચારધારા છે! સો સલામ તેમની શહીદીને…

ભારત દેશે સેંકડો વર્ષો સુધી ગુલામી વેઠી અને અનેક ક્રાંતિકારીઓએ દેશની આઝાદી માટે પોતાના જીવનની આહૂતિ આપી છે. આઝાદીમાં મહત્વનું યોગદાન જેમનું નોંધનીય છે તેવા દેશના વીર શહીદોમાં એક મહત્વનું નામ છે ભગતસિંહ. તેમણે ૨૩ વર્ષની નાની ઉંમરે ભરયુવાનીમાં દેશની આઝાદી માટે જે કંઈ પણ કર્યું તેના માટે દ્રઢ સંકલ્પ અને મક્કમ ઇચ્છાશક્તિ જોઈશે. નિડર બનીને મોતને ભેટી જઈને તેમણે અને તેમના સાથી મિત્રોએ જે કરી બતાવ્યું તેને લીધે તેમના નામની આગળ તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે.


આજે ૨૧મી સદીમાં જ્યારે પણ નવયુવાન કોઈ મોટું સાહસભર્યું કામ કરે ત્યારે તેને ભગતસિંહ સાથે સરખાવય છે. ભારત જેવા મહાન દેશમાં એક સમયે એવા શહીદો પાક્યા હતા કે તેમની વીરરસ કથા સાંભળીને લોહી ગરમ થઈ જાય અને ગર્વથી રૂવાડાં ખડાં થઈ જાય છે. દેશના નામે મરી ફિટવા માટે તૈયાર હોય તેવા લોકો માટે જેટલી પણ સલામી ભરીએ તેટલી ઓછી છે. માતૃભુમિની રક્ષા કરતા બોર્ડર પર ખડે પગે ઊભતા રક્ષકોનું ધ્યેય એવું હોય છે કે અમને ભલેને ગમે તે થઈ જાય પણ અમારા રાષ્ટ્ર પર એક આંચ ન આવવી જોઈએ. આવી ભાવના જેમનામાં હોય તેવા ભારત દેશના સપૂતો સામે આંખ ઉંચી કરવાની કોઈની હિમ્મત નથી.

આજે અમે આપને આ વીર શહીદના નાનપણનો કિસ્સો જણાવીએ છીએ જે વાંચીને તમને થશે કે એક સામાન્ય બાળક જેવા જ આ ભગતને શહીદ ભગતસિંહ થવાની કેમ ઇચ્છ થઈ હશે? તેમણે યુવાનીમાં લીધેલો કપરો નિર્ણય તેમના માતાપિતાએ કઈરીતે સહન કરી લીધો હશે? આ બધું વિચારીએ ત્યારે રુંવાડાં ખડાં થઈ જાય છે.

Happy holi जय हिंद

A post shared by भगत सिंह (@bhagat_singh_ke_diwaane) on

જ્યારે ભગતસિંહ તેના પિતા સાથે નાનપણમાં ખેતરમાં કરવા જતા હતા ત્યારે તેમણે તેમના પિતાજીને અનેકવાર એવા સવાલ કરતાં કે આપણે આપણી જમીનમાં બંધુક કેમ ન ઉગાડી શકીએ? આવા ક્રાંતિકારી સવાલની પાછળ એક કરુણ કારણ પણ છે. જ્યારે પંજાબમાં થયેલ જલીયાવાળા બાગની સામૂહિક હત્યાની ઘટના બની તે વખતે ભગતસિંહની ઉંમર ફકત ૧૨ વર્ષ હતી. આ ઘટનાની અસર ભગતસિંહના બાળમાનસ પર એવી પડી કે તેને લીધે બળાપણમાં જ તેઓ ક્રાંતિકારી વિચારક થઈ ગયા.

તેમના વિશે વધુ એક વાત એ પણ છે કે યુવાન ભગતસિંહને ક્યારેય લગ્ન કરવા જ નહોતી. તેથી જ્યારે માતાપિતાએ છોકરી ગોતવાની વાત કરી તેમણે ઘર છોડી દીધું હઅને કહ્યું કે હવે તો ભારતની આઝાદી જ મારી દુલ્હન બનશે!

જ્યારે ભગતસિંહ અને તેમના મિત્રો જેલમાં હતા ત્યારે એ સમયની અંગ્રેજ સરકારને તેમણે પડકાર આપ્યો હતો અને ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. અનેક જૂલ્મો સહન કર્યા પણ મોંઢામાં અનાજનો એક દાણો નહીં પાણીની એક બૂંદ પણ નહોતી જવા દીધી. એ સમયે ભગતસિંહ આખા દેશના યુવાનોમાં એક વિચારક તરીકે લોકચાહના મેળવી હતી અને ક્રાંતિની આગની અદભૂત જુવાળ જગાવી હતી. તેમની એજ તાકાતને લીધે અંગ્રેજ સરકાર ડરી ગઈ અને નિયત સમય પહેલાં જ તેમને ફાંસીની સજા કરી દેવાઈ.

ભગતસિંહના કોલેજના દિવસો ખૂબ જ રસપ્રદ હતા. તેઓ એક બાહોશ વિદ્યાર્થી હતા અને તેમને અભિનય કરવાનો પણ શોખ હતો. વધુમાં તેમના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો તે એક સારા લેખક હતા અને તેઓ ઉર્દુ ભાષાના અચ્છા જાણકાર હતા. તેમના લખેલ અનેક સૂત્રો આજે આટલા વર્ષે પણ પ્રેરણાદાયી છે.

“વ્યક્તિત્વને મારનાર વ્યક્તિ, વિચારોને મારી શકતો નથી.” – શહીદ ભગતસિંહ

આજે આપણે આઝાદ હિંદમાં નિરાંતનો શ્વાસ લઈ રહ્યાં છીએ ત્યારે ભગતસિંહ જેવા શહીદવીરોને કોટી કોટી નમન કરીને નતમસ્તક થવાની ઇચ્છા થાય. જેમના હાથોમાં આપણો દેશ સુરક્ષીત છે તેવ જવાનોને સલામ અને તે વીરોની જનેતાઓને વંદન કરવાનું મન થઈ જાય છે.