ભાગ – મિલકત અને જમીનના તો ભાગ તેમણે હસતા હસતા કરી લીધા અને હવે વારો માતા પિતાનો હતો…

અને એ દિવસે ય આવી પહોંચ્યો. બન્ને ભાઈઓએ નક્કી જ કરી નાંખ્યું કે આપણી પત્નીઓની રોજ રોજની કચકચ ને દરરોજની રામાયણ, આ બાયુની માથાફોડી સાંભળવાને બદલે બે ભાઈ ભાગ પાડીને જુદા થઈ શાંતિથી જીવીએ. રોજની રકઝકથી અને લમણાઝીંકથી છુટકારો મેળવીએ. બન્ને ભાઈ, આમ તો માતાપિતાની આંખો ના તારા હતાં, સિતારા હતાં અને ખૂબ જ લાડકવાયા હતાં. એમને બન્નેને તો, લગ્ન પહેલા, ક્યારેય એવો અહેસાસ પણ નહોતો થયો કે મમ્મી એને એકને ઓછો પ્રેમ કરે છે કે પપ્પાને એક વધુ વ્હાલો છે.


આ તો પત્નીઓ હોંશિયાર નીકળી કે એ બન્ને એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું (?).પછી ભલે ને એમાંથી જ તો ઘરની સુખચેન અને શાંતિ હણાઈ ગઈ !! ભાગ પાડ્યા, દરેક વસ્તુના એક જ સરખા!! બન્ને વ્યવહાર કુશળ જો હતી (!) કોઈને ય પાછળથી મનદુઃખ ન રહેવું જોઈએ હા! પછી ભલે ને, આ ભાગ બટાઈમાં માં બાપ જ વધી પડે ! બન્ને વહુઓ એટલી ઉદાર હતી કે બન્ને ચાહતી હતી કે “માવતર તો તમે જ ભલે રાખો !!”


નાનકાની વહુએ નાનકાને કહી જ દીધું હતું કે “મને તો વાંધો જ નથી પણ, એમને તો પહેલેથી જ મોટો જ વ્હાલો છે તો ભલે, મોટા ભાઈ જ માબાપને એમની સાથે રાખે ! ” તો મોટી વહુ પણ જરાય સ્વાર્થી નહોતી ( ? ) એણે એના પતિને કહી જ રાખ્યું હતું કે “માવતરના દિલમાં નાના માટે સદાય પક્ષપાત હોય જ ! હજુ તો દિયરજીના બાળકો ય નાના છે, બા અને બાપુજીનો સમય એમની સાથે સારો પસાર થશે. બાકી મને જરાય એમના માટે ઓછી લાગણી નથી હા !”

આમ, ભાગ પાડતાં બધી, ચીજ વસ્તુઓ અને મિલ્કત તો વહેંચાઈ ગઈ. કાંઈ જ માથાફોડી કર્યા વગર ! પણ, માબાપ ?? એ પણ “તું જ રાખી લે !’ એવું બન્ને દીકરા વહુ બોલતા હતાં. બન્ને દીકરા અને બન્ને વહુ ઉદાર જો હતાં (?) જેનો સીધો જ અર્થ એ હતો કે પોતાના મોઢેથી કોળિયા છોડીને છોકરાવ ની નાના માં નાની ઈચ્છાપૂર્તિ કરનારા , જન્મદાતા, બે માંથી એક પણ દીકરા ને કે બે માંથી એકપણ વહુ ને જરાય જોઈતા ન્હોતા.

આ વરવી વાસ્તવિકતા જોઈને નિલમબેનની આંખો વરસી પડી, આત્મા કકળી ઉઠ્યો. હાય રે ! જે દીકરાઓ જન્મ્યા ત્યારથી, એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી થનાર અમે પતિપત્ની એક દિવસ પણ અમારા માટે ન જીવ્યા !! અને આ ભાગ પાડતી વખતે માવતરની આ દુર્દશા ??

બન્નેને સાથે રાખવા, તો કોઈ એક ભાઈને નહિ જ પરવડે ! એવી મસલત થતા આ “બાગબાન” ને એકેક, એકને માં ને રાખે અને બીજો બાપાને રાખે, એવી ચર્ચા ચાલી. નિલમબેન, એમના આંસુ રોકી ન શક્યા. એમણે એમના પતિ નલીનભાઈ સામે જોયું. અત્યાર સુધી એ ચુપચાપ અને ડઘાયેલા લાગતાં હતાં. પણ એ જરાય રડતાં ન્હોતાં.


છોકરાઓ અને વહુઓ હજુ નક્કી કરી શકતાં ન્હોતા કે કોણ માં રાખશે ને કોણ બાપા ? ત્યાં જ નલીનભાઈએ ખોંખારો ખાધો. બધાએ એમની સામે જોયું. નલીનભાઈ, મક્કમ અવાજે બોલ્યા, “આ ભાગ અને બટવારા કર્યા એ, બધું એક બાજુ રાખી દો. મકાન, દુકાન અને પ્લોટ્સ તથા માલ મિલ્કત બધું જ રહેવા દો !


તમે ચારે ય ખૂબ હોંશિયાર છો. અમને તો બન્નેને કાંઈ જ દુનિયાદારી નહોતી ખબર છતાંય આજે અમે બન્ને, બેઠા બેઠા ખાઈએ અને ચોવીસ કલાકની માટે નોકર, દેખરેખ માટે નર્સ અને રસોઈ માટે મહારાજ ! બધું જ મને પરવડે એમ જ છે. તો ય મિલ્કત ઓછી નહિ થાય ! જે અમારા બન્ને ના મૃત્યુ પછી, હા, સાંભળો બરાબર કાન દઈને..!!


અમે બન્ને ન હોય ત્યારે, એ બધું સરખા ભાગે તમારા બન્નેનું જ રહેશે. તમને બન્ને ને આ ભાગ માંથી અત્યારે માબાપ બન્ને નથી પરવડતાં, હું હજુ પણ, તમને ચારેય અને તમારા બન્ને ના બબ્બે, એમ ચાર છોકરાઓ, આઠેય મને હજુ ય પરવડે તેમ છો. પણ, હવે તમે ભાગ પાડવાનું નક્કી કરી જ લીધું છે તો તમને બન્નેને હું ખુદ જ ભાગ પાડી દઉં છું.

માવતર માટે બન્ને દીકરાઓ, બન્ને આંખ સમાન સરખા વ્હાલા જ છો. એકસરખા બે ભાગ પાડીને, હું તમને બન્નેને આપું છું.‌ “જાવ, મેં જીવનભર જે મહેનત કરી એની અડધા-અડધા ભાગે મહેનત કરો, જાવ ! આ મેં જેટલું વસાવ્યું છે એનાથી ચોથા ભાગનું ય તમે વસાવી લાવો. જાવ, મેં મારી જિંદગીનો જે ભોગ આપ્યો છે, તમે બન્ને ભાઈ અડધો જ ભાગ, જીવનનો કાઢજો ! અને જે કાંઈ કમાઈ શકો એ કમાઈ લાવો !!‌ હું તો ફક્ત મારા બાવડાના બળે આટલે પહોંચ્યો છું,

જાવ, તમને પૂરેપૂરો ભાગ આપું છું, સો એ સો ટકા ઈમાનદારી રાખજો, સો એ સો ટકા પરસેવાનો પરિશ્રમ તમે રાખજો. “ખુશી ખુશી જાવ દીકરાઓ !”‌ નિલમબેન, હવે આંસુ લૂછીને ગૌરવ થી એમના પતિ સામે જોઈ રહ્યા.‌ “જા……વ !!!” ” અમે તમને બન્નેને ‘ભાગ’ પાડીને આપીએ છીએ, અમારા આશીર્વાદના ! તમે તમારો ”ભાગ” લઈને જઈ શકો છો !!”


લેખક ‌: દક્ષા રમેશ “લાગણી”‌ જૂનાગઢ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ