બેવફા..? – ઉતાવળે નિર્ણય લેવું એ કેટલું નુકશાનકારક હોઈ શકે છે એ વિચાર્યું પણ નહિ હોય? અંત ચુકતા નહિ..

“એ ચીસ હતી કે સાદ, કશું યાદ નથી,

એના ગયાની પછી કશું યાદ નથી..”

“ઉફફ… આ વાસંતી પણ એવી છે ને..? તેણે મૂકેલી વસ્તુ મને કયારેય મળે જ નહી.. પાછી ફોન પણ રિસિવ નથી કરતી… હવે પાસપોર્ટ સાઇઝના ફોટા કયાં હશે ..?” બબડતા બબડતા રાજને કબાટમાં ખાંખાખોળા શરૂ કર્યા. બેંકનું ફોર્મ ભરવા માટે તેને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર હતી, અને તેની પત્ની વાસંતી બે દિવસથી પિયર ગઇ હતી. ઘરમાં ધ્યાન ન આપવાની બેદરકારીને કારણે રાજનને ફોટો મળતો ન હતો કબાટમાં કપડાની ઉથલપાથલ અંતે કપડા ફેંકવામાં પરિવર્તિત થઇ કબાટમાંથી કપડા બહાર પડવા લાગ્યા અને… અચાનક રાજન ચમકયો… વાસંતીની ભારે સાડીઓની થપ્પી વચ્ચેથી એક ગુલાબી રૂમાલમાં બંધાયેલી પોટલી નીચે પડી ગઇ. રૂમાલનો કલર જ કહી આપતો હતો કે જરૂર પ્રેમપત્રો હોવા જોઇએ. રાજનને નવાઇ લાગી, તેણે તો કયારેય વાસંતીને પત્રો લખ્યા જ ન હતા. તો આ શું ..??

image source

ફોટો શોધવાનું પડતું મૂકીને પત્રોની પોટલી લઇને બેઠો. પ્રેમપત્રો જ હતા. કોણે લખ્યા હતા તે ખબર ન પડી, કોને ઉદેશીને લખાયા હતા તે પણ ખબર ન પડી… દરેક પત્રના સંબોધનમાં ‘મારી…’ અને અંતમાં ‘માત્ર તારો જ..’ એવું લખ્યું હતું. પત્રો રોમાન્સથી ભરપૂર હતા. વાસંતીનું નામ કયાંય ન હતું, પણ રાજન સમજી ગયો કે પત્રો વાસંતી માટે જ હતા. પત્રોમાં લખાણ જ સ્પષ્ટ જણાવતું હતું કે પત્રો વાસંતી માટે જ હતા. એક પત્રમાં તેના બેડરૂમનો ઉલ્લેખ હતો… તો એક પત્રમાં લખ્યું હતું કે, ‘આજે તું ખુલ્લા રેશમી વાળ અને બ્લેક નાઇટીમાં મારી બાજુમાં આવી અને હું બેહોશ થઇ ગયો.. તારી માદક ખુશ્બુમાં કયારે તારામાં સમાય ગયો તે ખબર જ ન પડી.’

રાજન સમજી ગયો કે આ બ્લેક નાઇટી તો તેણે જ વાસંતીને ગીફટમાં આપી હતી. જયારે વાસંતી તે નાઇટી પહેરતી ત્યારે રાજન ભાન ભૂલી જતો, સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે તેવી લાગતી વાસંતી… રાજનને ગુસ્સો આવ્યો.. જે નાઇટીમાં રાજન વાસંતીને જોતો એ માત્ર રાજનની આંખનો વૈભવ ન હતો, તેના પર બીજાની પણ નજર પડી ચૂકી હતી. પત્રોની તારીખ તેના લગ્ન પછીના સમયની જ હતી લગન પછીના બે થી પાંચ વર્ષના સમયના પત્રો હતા. એટલે કે સતત ત્રણ વર્ષ સુધી કોઇ તેના જ ઘરમાં, તેના જ બેડરૂમમાં, તેની જ પત્નીને માણતું રહ્યું અને તેને ગંધ પણ ન આવી..?

image source

તેનો ગુસ્સો કાબૂ બહાર થઇ ગયો. જો કે છેલ્લા ત્રણ વર્ષના સમયનો એક પણ પત્ર ન હતો, તો શું થઇ ગયું ?? ત્રણ-ત્રણ વર્ષ સુઘીનો આ ખેલ ભૂલી જવાનો ?? વાસંતીની બેવફાઇ ભૂલી જવાની ..? આમ તો વાસંતી પૂર્ણ પત્ની હતી. આજ સુઘી તેના તરફ કોઇ ફરિયાદ ન હતી બન્નેનું જીવન રોમાંસથી, સંતોષથી ભરપૂર હતું.. બસ સંતાન ન હતું એ એક જ અસંતોષ હતો.. હવે શું કરવું..? પત્નીના કબાટમાં, તેના વસ્ત્રો વચ્ચે માત્ર પતિ જ હોવો જોઇએ, જયારે અહીં તો પ્રેમી છુપાયેલો હતો. વાસંતી હજી બે દિવસ પછી પિયરથી આવવાની હતી. રાજને ગુસ્સો મનમાં દબાવી ખૂબ વિચાર કર્યો અને અંતે નિર્ણય કર્યો કે વાસંતીને સજા આપવી જ રહી.. અને તેણે યોજના ઘડી કાઢી.

image source

મહિના પછી કપલ ટૂરમાં વાસંતી-રાજન પંચગીની-મહાબળેશ્ર્વર ફરવા ગયા. વાસંતી ખૂશ હતી. અચાનક આ બહારગામનો પ્રોગ્રામ… રાજન પણ તેની સાથે રોમેન્ટિક બનતો. બસના બઘા પેસેન્જરની નજરમાં પોતાનો પ્રેમ આવે તે રીતે વાસંતી સાથે વર્તન કરતો. મનમાં ભારોભાર ગુસ્સો હોવા છતાં વાસંતી સાથે રોમાંસ કરતો… મહાબળેશ્ર્વરમાં સાઇટસીન જોવામાં ફોટા પાડવા માટે ઊંચા ખડક પર ચઢયા, અને અચાનક… વાસંતીનો પગ લપસ્યો…. તે ખીણમાં પડી ગઇ…એક ક્ષણ રાજન જોઇ રહ્યો.. તેના ચહેરા પર કુટિલ સ્મિત આવી ગયું, અને પછી બીજીક્ષણે ચીસો પાડી ઊઠયો…

image source

“બચાવો.. બચાવો..

મારી વાસંતીને બચાવો…” સાઇટસીનમાં અને ફોટોગ્રાફીમાં વ્યસ્ત બસના તમામ પેસેન્જર દોડી આવ્યા, પણ ત્યાં સુઘી વાસંતી ખીણમાં ખોવાઇ ગઇ. પછી તો બઘુ રાજનની યોજના મુજબ થયું. બઘા દોડી આવ્યા, પોલીસ પણ આવી ગઇ.. કલાકોની મહેનત પછી ખીણમાંથી વાસંતીની લાશ મળી.. રાજને ચીસો પાડીને વાતાવરણ ગજવી મૂકયું, વાળ ખેંચી નાખ્યા, માથા પટકયા… અને ‘અકસ્માતે મૃત્યુ’ એવી નોંઘ સાથે વાસંતીની લાશ લઇને રાજન કુશળ અભિનેતાની જેમ હેમખેમ નીકળી ગયો. વાસંતી પાછળ રડીરડીને આંખો સુઝાડી દીધી.

image source

જેણે જેણે સમાચાર સાંભળ્યા તેણે રાજનની દયા ખાધી. કેટલાય દિવસો સુઘી ઘરમાં અવર જવર ચાલતી રહી. બઘાની સામે શોકાતુર ચહેરે બેસતો, દિલાસામાં દિવસ વીતી જતો, અને રાત પડે એટલે તે પત્રોનું બંડલ ખોલતો, પત્રો વાંચતો અને વાસંતીને સજા આપ્યાનો સંતોષ અનુભવતો. બધુ પતી ગયું. જીવનમાં હવે એક ખાલીપો હતો, પણ સાથે એક સંતોષ હતો અને તેના માટે આ સંતોષ મહત્વનો હતો. જે વાસંતી સાથે લાગણીભર્યા, પ્રેમભર્યા આઠ વર્ષ વિતાવ્યા હતા, તે પત્નીએ બેવફાઇ કરી તેનું દુ:ખ હતું, સાથે સજા આપ્યાનો સંતોષ હતો.

image source

ઘીમેઘીમે જીવન નોર્મલ થતું ગયું. રાજનના માતા-પિતા પણ થોડે દિવસ પછી પાછા જતા રહ્યા. બે મહિના પછી તેની બેન વિભૂતિ સાસરેથી આવી. ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. વાસંતીના મૃત્યુ વખતે આવી હતી, બે મહિના પછી ફરીથી આવી. રાજનને નવાઈ લાગી, પણ કંઇ બોલ્યો નહી. બીજા દિવસે સાંજે તે ઓફિસેથી થોડો વહેલો ઘરે આવી ગયો જોયું તો વિભૂતિ વાસંતીના કબાટમાં કંઇક શોધતી હતી. રાજનને જોઇને અચકાઈ ગઇ, રાજને બે-ચાર વખત પૂછયુ ત્યારે અચકાતા અચકાતા કહ્યું, “ભાઇ.. લગ્ન પહેલા મારે નિરજ સાથે પ્રેમ હતો, ભાભીને બઘી ખબર હતી. હું અને નિરજ અહીં જ મળતા.. તમે ન હો ત્યારે નિરજ ભાભીની રજા લઇને આવતો…. તમારા જ બેડરૂમમાં…”

image source

વિભૂતિની નીચી નજર વધુ નીચી થઇ ગઇ. રાજનને તમ્મર આવી ગયા… શબ્દો ગળામાં અટવાઇ ગયા… માંડમાંડ બોલી શકયો..”તું કબાટમાં શું શોધે છે ?” “ભાઈ.. નિરજે મને લખેલા પ્રેમપત્રો લગ્ન પછી મેં ભાભીને સાચવવા આપેલા.. હવે ભાભી નથી અને કયાંક તમારા હાથમાં એ પત્રો આવી જાય તો તમને ભાભી પર શંકા જાય… એ વિચારથી પત્રો શોધતી હતી.” રાજનની આંખે અંધારા આવી ગયા.. બબડી ઊઠયો… ‘હાથમાં તો આવ્યા છે.. અને શંકા પણ કરી છે…’ પણ કંઇ બોલી ન શકયો. જો વિભૂતિને ખબર પડે કે રાજને પત્રો વાંચ્યા છે તો વાસંતીના મોતનું કારણ તેને સમજાય જાય….

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ