બેઠક – આપણા દરેકના જીવનમાં હંમેશા બેઠકનું ખુબજ મહત્વ રહેલું છે.

બસ માં ચઢીને એણે હાશકારો લીધો. બસ સમયસર મળી ગઈ એજ બહુ મોટી વાત . ખીચોખીચ ભરેલી બસ માં આગળ થી છેક પાછળ સુધી એની દ્રષ્ટિ ફરી રહી . દસ -બાર મુસાફરો જ્યાં ઉભા લટકી રહ્યા હોય ત્યાં એક પણ બેઠક ખાલી ક્યાંથી હોવાની ? પણ ગમે તેમ કરી એક બેઠક તો મેળળવીજ હતી.


એણે સાંભળ્યું હતું કે આ આખો રસ્તો પ્રકૃતિ ના ખોળા સમો હતો . મન ને મોહી લેતા એ પ્રાકૃત્તિક દ્રશ્યો નો માનવીએ જીવનમાં એકવાર તો અનુભવ લેવોજ રહ્યો . ઊંડી ખીણો ઉપરથી તરતા વાદળાઓ જાણે સ્પર્શી શકાય એટલી નજીકથી પસાર થતા હતા. પહાડીઓ ની પાછળ થી સંતાકૂકડી કરતો સૂર્ય આકાશ ને અવનવા રંગો માં રંગી નાખતો . ક્યાંક સૂર્ય સંતાકૂકડી કરતો વાદળ ને સ્પર્શી જતો અને વાદળ પણ જાણે શરમ થી લજાઈ વરસી પડતા . આ પ્રેમ ની સંતાકૂકડી સતરંગી મેઘધનુષ્ય માં ઝડપાઇ જતી. ક્યાંક પંખીઓ સમૂહ માં ઉડતા અવનવા આકારો રચી નાખતા તો ક્યાંક ઝરણાઓ લપસણી ખાતા મસ્તીમાંજ ધોધમાં સરી પડતા . ક્યાંક અતિ ઊંચા કદ ના વૃક્ષો તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા રમણ્ય ઘાસના મેદાનો . એ મેદાનો ઉપર શાંતિ થી લટાર મારતા ઘેંટા બકરાઓ અને એમને દોરી જતી પહાડી વિસ્તાર ની સુંદરીઓ ના કચ કચ કરતા મધ જેવા મીઠા સ્વર..


પણ આ બધું એણે ફક્ત સાંભળ્યું હતું. કોઈ ના અનુભવો સાંભળવા અને પોતાના અનુભવોથી જીવંત આનંદ માણવો એની કોઈ તુલના ક્યાંથી થાય?

એને તો એ દરેક દ્રશ્ય જાતે નિહાળવું હતું . પોતાની દ્રષ્ટિ થી એ સુંદર સૃષ્ટિ ને જીવંત માણવી હતી. એ નજારાઓ ને પોતાની આંખો માં ઊંડા ઉતારી હૃદય સુધી પહોંચાડવા હતા . એકએક નજારા ને સાથે લઇ આવેલા કેમેરા માં આજીવન કેદ કરી લેવા હતા. અહીં સુધી પહોંચીને ખાલી હાથે પરત થવા નો શો અર્થ ? પણ આવી ભીડભાડ વચ્ચે કઈ રીતે એ શક્ય હતું ? ફક્ત એક કલાક નો સમય હતો એની પાસે. ફરીથી આટલી દૂર આવી પહોંચવાની તક મળવાની ન હતી. એટલે ગમે તેમ કરી એક કલાક ની સમય મર્યાદા માંજ મહત્તમ આનંદ મેળવી લેવાનો હતો. ભીડ ને ચીરતો કંડકટર એની પાસે પહોંચ્યો. ટિકિટ કાપી આપી. કંડકટર ને એણે પોતાની પરિસ્થિતિથી અવગત કરાવી મદદ મેળવવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કરી જોયો.


” સાહેબ આ બધાજ ટિકિટ લઈને બેઠા છે . જેના ભાગ્ય માં જ્યાં જગ્યા મળે . આ બસ માં તો હમેશા આવીજ ભીડ હોય છે . તમે તો ભાગ્યશાળી કે તમને બસમાં ચઢવાની તક તો મળી . બેઠક મળે કે ન મળે ઉભા ઉભાજ જેટલો આનંદ મેળવી શકાય મેળવી લો ને આ પારદર્શક કાચમાંથી..”

બસ ની બારીઓ તરફ ઈશારો કરી કંડકટર આગળ અન્ય લોકો ની ટિકિટ કાપવા નીકળી ગયો. પણ એનું મન પણ જીદે જ ચઢ્યું હતું . એમ કઈ હોય ? ગમે તેમ કરી એક બેઠક તો મેળવવીજ રહી . આરામદાયક બેઠક ઉપરથી જ બધું સ્પષ્ટ જોઈ શકાય . સુંદર તસવીરો ખેંચી શકાય . પછીજ મુસાફરીનો સાચો આનંદ ઉઠાવી શકાય . નહીતો અહીં સુધી પહોંચવાની બધીજ મહેનત નિરર્થક. આવી અડચણ ભરેલી પરિસ્થિતિમાં વળી કેવી મજા ? આજુ બાજુ ની બેઠકો ઉપર ગોઠવાયેલા લોકો ને નમ્ર વિનંતી કરી જોઈ . પણ કોઈ ટસ ના મસ ન થયા.

અને કેમ થાય ? પોતાના ભાગ્ય માં મળેલી આરામદાયક બેઠક અન્ય ને આમજ આપી દેવાતી હોય ? જો એ જાતે કોઈ બેઠક પર ગોઠવાયો હતે તો પોતાની બેઠક છોડતે ? પ્રશ્ન જ ન હતો . નાનકડા હિલસ્ટેશન પર આવતા દરેક નાના બસસ્ટોપ પર થોભતી બસ માં ખાલી થતી કોઈ ને કોઈ બેઠક મેળવવા એ રીતસર ઘસી પડતો . પરંતુ ભાગ્ય દરેક વખત અન્ય કોઈ વ્યક્તિ નેજ સાથ આપી જતું . નિસાસા નાખતો અને મનોમન અકળાતો પોતાની નજર ને બસ ની દરેક બેઠક ઉપર ગણતરીપૂર્વક બાજ ની જેમ એણે ગોઠવી દીધી હતી . ક્યારે કોઈ ઉઠે અને એને આરામ થી બેસવાની તક મળે . જાતે મનમાં નિર્ધારિત કરેલ મુસાફરીની ક્ષણો એ પોતાની અપેક્ષા ને ઈચ્છા મુજબ માણી શકે ..


વ્યવસાયિક કેમેરા ને ફેરવતા હાથો ફક્ત એક બેઠક માટે રાહ જોઈ રહ્યા હતા . કૅમેરો પણ જાણે તદ્દન આશા જોડે માલિક ને તાકી રહ્યો હતો પણ માલિક પાસે એના તરફ નજર ફેંકવાનો સમયજ ક્યાં હતો ? માલિક ની નજર તો બસ ની ભીડ વચ્ચે થી રમત કરતી એની બેઠક અંગે ની આશ પરિપૂર્ણ કરવા કાર્યરત હતી.


અચાનક બસ ની નાનકડી ઘંટડી વાગી . છેલ્લું સ્ટોપ આવી ચૂક્યું હતું . મળેલી સમયમર્યાદા હાથમાંથી સરી ચૂકી હતી . પ્રકૃત્તિ ને માણવા માટે મળેલો પૂરો એક કલાક આરામદાયક બેઠક ની આશમાં વેડફાય ગયો હતો . યાદો માં સંગ્રહી રાખવા ના આંખો માં કોઈ નજારા હતા , ના કેમેરા માં કોઈ તસ્વીર . અહીં સુધી આવી ખાલી હાથે નિરાશ પરત થવાનું હતું . બસ સ્ટોપ ઉપરથી અન્ય દિશાની બસ પકડી નીકળી જવાનું હતું . સાથે લઇ જવાના હતા ફક્ત નિસાસાઓ .


એજ સમયે બસસ્ટોપ ઉપર એની પડખે ઉભા એક અન્ય મુસાફર ના હોઠ આનંદ ને સંતોષ સાથે સ્મિત કરી રહ્યા હતા . એ મુસાફર પણ એજ બસમાંથી નીચે ઉતર્યો હતો . એક કલાક ની મુસાફરી દરમિયાન એને પણ બેઠક મળી ન હતી . પણ પોતાનો કિંમતી મર્યાદિત સમય બેઠક ની પ્રતિક્ષા માં વ્યય ન કરતા એણે જેટલો મહત્તમ આનંદ માણી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું . પોતાના કેમેરા ને અન્ય મુસાફરો સાથે વહેંચ્યો . ઘણા બધા લોકો એ એને પોતાની બેઠકના ખૂણે થી તસવીરો પાડી આપી . એમની સાથે આભાર સ્વરૂપે સેલ્ફીઓ પણ ખેંચી .


ગૂંથણ પર નમી , જમીન ને સ્પર્શી, થોડી અડચણ અને અગવડ વેઠી જ્યાંથી જેટલા દ્રશ્યો આંખો માં સમાવી શકાય એણે સંતોષથી સમાવી લીધા . શરીર ને થોડો થાક લાગ્યો પણ એની સામે અનન્ય માનસિક સુખ મેળવ્યું . અહીં સુધી પહોંચી ખાલી હાથે ન જવું પડ્યું . એ પહાડો , નદીઓ , ઝરણાઓ , ધોધ , વરસાદ , મેઘધનુષ્ય , હરિયાળી , ખીણ , વાદળા , ઘેંટા , બકરા , આકાશ બધુજ પોતાની દ્રષ્ટિમાં ભરી સાચવીને હંમેશ માટે લઇ જશે . થોડી અગવડ ની અવગણના ને આરામદાયક પરિસ્થિતિ ની જીદ છોડવાથી આ સુખ હાથ લાગ્યું હતું …ન એના હાથ ખાલી હતા ન મન …..જો એણે પણ બેઠક અને આરામ અંગે ની જીદ રાખી હોત તો ?


આજ જીવન છે ….આરામદાયક બેઠક વાળી સગવડ ભરી જગ્યા મળશે તોજ એને માણીશું….એવીજ જીદ હોય છે ને આપણી ? પરંતુ સગવડ અને આરામ ની નકામી અપેક્ષા માં ક્યાંક જીવન હાથમાંથી સરી ન જાય ? બેઠક મળે કે ન મળે , જયાંથી એને જેટલું પણ માણી શકાય , ચાલો માણી લઈએ …. મુસાફરી ખૂબજ ટૂંકી છે ….ખબર નહીં છેલ્લું સ્ટોપ ક્યારે આવી પહોંચે ?

લેખક : મરિયમ ધુપલી

વાત તો સાચી છે… આપના મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ