સૃષ્ટિભારત ફાઉન્ડેશન અને નિવેદિતા ફાઉન્ડેશનની અનોખી પહેલ, બેરોજગાર મહિલાઓને માસ્ક બનાવવાનો ઓર્ડર આપીને પૂરી પાડી રોજગારી

શહેરની જાણીતી સમાજ સેવા સંસ્થાઓએ કરી અનોખી પહેલ – સીવણ કામ કરતી બેરોજગાર મહિલાઓને હજારો માસ્ક બનાવવાનો ઓર્ડર આપી એક કાંકરે બે પક્ષી માર્યા

સૃષ્ટિભારત ફાઉન્ડેશન અને નિવેદિતા ફાઉન્ડેશનની અનોખી પહેલ લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલી સિવણકામ કરતી મહિલાને માસ્ક બનાવવાના ઓર્ડર આપી રોજગારીની સાથે સાથે કોરોનાની મહામારીમાં સમાજ સેવા પણ કરી

આજે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકો પોતાના ધંધારોજગાર છોડીને ઘરે રહેવા મજબૂર બન્યા છે. કારણ કે કોરોના વયારસના ફેલાવાને રોકવાનો સોશિયલ ડિસ્ટન્સીંગ એક માત્ર ઉત્તમ ઉપાય છે. પણ તેના કારણે ઘણા લોકોની આવક પણ બંધ થઈ ગઈ છે. ત્યારે આવા સંજોગોમાં પણ કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો પ્રકાશમાં આવી રહ્યા છે. કેટલાક સામાન્ય લોકો સમાજસેવાના ઉત્તમ ઉદાહરણ પુરા પાડી રહ્યા છે.

આવા જ એક ઉમદા વ્યક્તિ છે પુજાબેન દરજી. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળતા પાળતા જ ઘરે રહીને પોતાના સમયનો સદઉપયોગ કરીને માત્ર 6 રૂપિયામાં માસ્ક બનાવી રહ્યા છે. રાજ્યમાં માસ્ક પહેરીને જ બહાર નીકળવાની લોકોને સૂચના આપવામાં આવી છે. તેવા સંજોગોમાં બજારમાં માસ્કની અછત ઉભી થાય તે સ્વાભાવિક છે, તેવા સમયમાં પુજાબેનનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. તેમના આ પ્રયાસને બીરદાવવા તેમજ સમાજમાં દરેકને હાલના સંજોગોમાં માસ્ક જેવી અત્યંત આવશ્યક વસ્તુ મળી રહે તે હેતુથી સૃષ્ટીભારત ફાઉન્ડેશન અને નિવેદિતા ફાઉન્ડેશને ભેગા મળીને પૂજાબેનને તેમના આ પ્રયાસમાં સહયોગ પુરો પાડ્યો છે.

કોવીડ – 19 સામેની લડતમાં માસ્કના મહત્ત્વને ખુદ દેશના વડાપ્રધાન દ્વારા સમજાવવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને બંને સંસ્થાના સ્થાપકોએ એવું માન્યું છે કે આટલી જરૂરી વસ્તુને લોકો સુધી પહોંચાડવી તે પણ વ્યાજબી કીંમતે તે એક ઉત્તમ પહેલ છે.

તમને જણાવી દઈએ કે સીવણ કામ કરતાં પૂજાબેન દરજી એક સિંગલ મધર છે. તેઓ કપડાં સીવીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. પણ લોકડાઉનના કારણે કામ બંધ કરતાં તેમના ઘરમાં જરૂરી કરિયાણાની પણ ખોટ ઉભી થઈ પડી હતી. છેવટે તેમણે શહેરની જાણીતી સંસ્થાઓ નિવેદિતા ફાઉન્ડેશન અને સૃષ્ટીભારત ફાઉન્ડેશનનો સંપર્ક કરી તેમની પાસે મદદ માગી હતી.

આ સંસ્થાઓએ જરા પણ મોડું કર્યા વગર પૂજા બેનની મદદ કરી હતી, પણ તેમને જાણ થઈ કે પૂજા બેન સારું સીવણ કામ કરી જાણે છે તેમાંથી સંસ્થાએ તેણીને માસ્ક બનાવવાનો આઇડિયા આપ્યો. અને આમ પૂજા બેન સ્વમાનભેર કમાઈ પણ રહ્યા છે અને સાથે સાથે સંસ્થાની મદદથી સમાજ સેવા પણ કરી રહ્યા છે.

પૂજાબેન દિવસના 1500 માસ્ક બનાવે છે. માત્ર તેટલું જ નહીં પણ પૂજા બેનની આસપાસની અન્ય 10 મહિલાઓેને પણ આ કામમાંથી રોજગાર મળી રહ્યો છે. પૂજાબેન પોતાના કામ વિષે જણાવતા કહે છે કે નિવેદિતા ફાઉન્ડેશન અને સૃષ્ટી ભારત ફાઉન્ડેશનના સહયોગથી તેઓ અન્ય મહિલાઓ સાથે મળીને દિવસના 1500 માસ્ક બનાવે છે.

આ માસ્કની કિંમત પણ ખૂબ જ વ્યાજબી રાખવામાં આવી છે. આ માસ્ક તેમના દ્વારા 6 રૂપિયામાં વેચવામાં આવે છે. તેમણે અત્યાર સુધીમાં આ સંસ્થાને 5000 માસ્ક વેચ્યા છે. હાલ તેમની પાસે 20,000 માસ્ક બનાવાના ઓર્ડર છે. જેના કારણે તેમને આ કપરા સંજોગોમાં આર્થિક રીતે પણ સારી મદદ મળી રહી છે.

નિવેદિતા ફાઉન્ડેશન અને સૃષ્ટીભારત ફાઉન્ડેશને પૂજાબેન જેવી મહેનતુ મહિલાઓ કે જેઓ કામ કરવા તત્ત્પર હોય પણ તેમની પાસે યોગ્ય પ્લેટફોર્મ ન હોય તેમને પણ મદદ કરવા હાથ લંબાવ્યો છે. પૂજાબેને તો આ પહેલ કરીને કટોકટીના આ સમયે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું જ છે પણ સાથે સાથે સૃષ્ટીભારત ફાઉન્ડેશનના અનાર મેહતા અને નિવેદિતા ફાઉન્ડેશનના નીપા પટેલને પણ તેમના ઉમદા પ્રયાસ માટે બીરદાવવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ