વટાણા, તુવેર, વાલ, ચોળી કે લીલા ચણા જેવાં લીલાં બીજ ખાવાના ફાયદા છે અઢળક

ખાસ કરીને શાકાહારી લોકોએ શિયાળામાં આ બીજનો ફાયદો પૂરી રીતે ઉઠાવવો જોઈએ. આજે જાણીએ આ જાતજાતનાં બીજ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એની કેટલીક નવી રેસિપીઝ.


શિયાળામાં ખૂબ જ સારી ગુણવત્તાની શાકભાજી મળે છે એટલું જ નહીં, ઘણી અલગ-અલગ વરાઇટી પણ આ જ સીઝનમાં મળે છે. જો શાકાહારી ડાયટની વાત કરીએ તો એમાં પ્રોટીન દાળ અને કઠોળમાંથી મળે છે આ દાળ અને કઠોળ લીલા એટલે કે ફ્રેશ ફૉર્મમાં આ સીઝનમાં જ મળે છે, જેને ટેન્ડર પ્રોટીન પણ કહે છે. આ ટેન્ડર પ્રોટીન ધરાવતાં શાક એટલે લીલા વટાણા, વાલના દાણા, તુવેરના દાણા, પાપડી કે વાલોળ જે ખુદ ૩-૪ પ્રકારની આવે છે એના દાણા, લીલા ચણા કે જીંજરા, ચોળીનાં બી વગેરે. આ બીને સૂકવીને દાળ કે કઠોળ બનતાં હોય છે. દાળ અને કઠોળ હંમેશાં પચવામાં ભારે અને સુપાચ્ય નથી રહેતાં, પરંતુ એને લીલાં ખાવામાં આવે તો એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

ઉપયોગ

આ દાણાઓ પ્રોટીનનો અદ્ભુત સોર્સ છે એ તો સમજી શકાય, પરંતુ એમાં બીજાં કયાં પોષક તત્વો મળી આવે છે એ જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘આ દાણાઓમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, અને વિટામિન B૬ ભરપુર માત્રામાં મળે છે. આ સિવાય એમાંથી અમીનો ઍસિડ, ફોલિક ઍસિડ, કૅલ્શિયમ, લોહતત્વ, મૅન્ગેનીઝ, કૉપર અને પોટૅશિયમ જેવાં ખનીજ તત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. આમ આ કુમળા દાણાઓ હાડકાંને મજબૂત કરવા માટે, સ્નાયુઓના ઘડતર માટે અને દરેક કોષના યોગ્ય બંધારણમાં ઘણા મદદરૂપ થાય છે. આ સિવાય એમાં ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરતાં ઘણાં તત્વો પણ છે. ઍન્ટિઑક્સિડન્ટ પણ એમાં ભરપૂર માત્રામાં છે, જેને કારણે આપણા શરીરમાં ફરતાં ફ્રી રૅડિકલ્સથી પણ મુક્તિ મળે છે. હાર્ટ-હેલ્થ માટે પણ એ ઘણું જ ઉપયોગી છે. આ ઉપરાંત એમાં ફાઇબર્સ ઘણી વધુ માત્રામાં હોય છે, જેને કારણે પાચન ઘણું સારું થાય છે. પાચન સારું થવાની સાથે પેટ પણ વ્યવસ્થિત સાફ રાખવામાં એ મદદરૂપ છે.’

કઈ રીતે ખાવું?

સૂકાં કઠોળ અને દાળ કરતાં આ લીલાં બીજ કઈ રીતે અલગ પડે છે એ જણાવતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘કઠોળ અને દાળમાં વધુ કૅલરી હોય છે, જ્યારે આ લીલાં બીજમાં ઓછી કૅલરી હોય છે. એને લીધે વેઇટ પ્રત્યે સભાન લોકો માટે એ ઘણાં ઉપયોગી છે. આ સિવાય એ પચવામાં પણ કઠોળ અને દાળ કરતાં સરળ કહી શકાય, કારણ કે એ ફ્રેશ ફૂડ છે. છતાં જેમને ગૅસનો ઘણો પ્રૉબ્લેમ હોય એ લોકો એને વ્યવસ્થિત બાફીને અને વઘારીને જ ખાય એ જરૂરી છે. કાચાં વધુ ન ખાવાં. જેઓ યુવાન છે કે જેમનું પાચન સ્ટ્રૉન્ગ છે તેઓ આ દાણા કાચા પણ પચાવી શકતા હોય છે. આ સિવાય જો લીલાં બીજને ખોટી રીતે પકવવામાં આવે જેમ કે વધુ બાફી નાખવામાં આવે કે પાણી વધુ નાખવામાં આવે તો એનાં વિટામિન બધાં ઊડી જઈ શકે છે. એટલે આ ખોટી રીત ન વાપરવી. આ દાણાને કાં તો પ્રેશરકુકરમાં કાં તો કડાઈને ઢાંકીને પકવવા જેથી એનાં તત્વો ઊડી ન જાય. આ સિવાય આ દાણાઓ દિવસના સમયમાં જ ખાવા. રાત્રે કોઈ લોકોને એ પચવામાં નડી શકે છે.’

ગુજરાતી લોકો ઊંધિયામાં ઉપયોગ કરે

વટાણા, વાલ, તુવેર, લીલા ચણા, ચોળી વગેરે બીજનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ઊંધિયામાં કરીએ છીએ. આ સિવાય ઘણાં ઘરોમાં અલગથી શાક બનતાં હોય છે. નાનાં બાળકો ક્યારેક આ બીજ ખાવામાં આનાકાની કરતાં જોવા મળે છે. ન્યુટ્રિવિટી ડૉટ ઇનના ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ કેટલીક એવી રેસિપીઝ જે બાળકોને પણ ભાવશે અને નવીન પણ લાગશે.

સૌજન્ય : મીડ-ડે

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી