બેકારી – જોબ માટે એ સિલેક્ટ પણ થઇ ગયો હતો તો પછી આવું કામ કરવાની તેને કેમ જરૂરત પડી…

ઈન્ટરવ્યુ પતી ગયા. કંપનીના મેનેજર દિવાન સાહેબ બઘાની બાયોડેટા અને ઈન્ટરવ્યુના માર્કસ લઇને બેઠા હતા. લગભગ 20 ઉમેદવારોમાથી બે ઉમેદવારના માર્કસ સૌથી વઘારે હતા. શ્રેયા શાહ અને આશિષ દવે… બન્નેના માર્કસ સરખા હતા. ઈન્ટરવ્યુમાં પણ બઘા સવાલોના સાચા જવાબ આવ્યા હતા. બન્નેનું મેરિટ પણ સરખું હતું. હવે કંપનીમાં એક જ જગ્યા હતી. બન્નેમાંથી કોને લેવા એ બાબતે દિવાન સાહેબ મુંઝાતા હતા. વળી, શ્રેયા તેમના મિત્રની દીકરી હતી એટલે તેનું પલ્લું ભારે હતું. દિવાન સાહેબે બહું વિચાર કર્યો, પછી નિર્ણય આવતીકાલ પર છોડીને બઘી ફાઇલ મુકી દીઘી.


બીજા દિવસે ઓફિસે પહોંચ્યા તો જોયું કે શ્રેયા તેમની રાહ જોતી હતી. તેમના સેક્રેટરીએ કહ્યુ કે શ્રેયા લગભગ કલાકથી રાહ જોવે છે. દિવાન સાહેબ સમજી ગયા કે શ્રેયા પોતાના માટે પુછવા આવી હશે. આમ પણ બહુ વિચારીને તેમણે શ્રેયાને લેવાનું નકકી કર્યુ હતું. તેમણે શ્રેયાને બોલાવી.

શ્રેયા તેમની કેબિનમાં આવી. તેના હાથમાં એક ફાઇલ હતી. તેણે દિવાન સાહેબને કહ્યુ, ” સર … નોકરીનો ઓર્ડર મળે એટલે ઓરિજીનલ સર્ટીફિકેટસ બતાવવા પડે ને, તે વિચારે હું બઘા જ સર્ટીફિકેટ લઇને આવી છું. દસમા ઘોરણથી લઇને અત્યાર સુઘીના બઘા જ સર્ટીફિકેટસ ફાઈલમાં છે. ” એમ કહીને તેણે ફાઈલ દિવાન સાહેબ સામે મૂકી.


દિવાન સાહેબે કહ્યુ, “હા , બતાવવા જ પડે.. પણ શ્રેયા અહીં કામ થોડું વઘારે રહેશે…. ઓફિસે આવવાનો સમય નિશ્રિત છે, પણ જવાનો નહીં… કરી શકીશ ??” “હા.. સર.. એ બાબતમાં તમારે ફરિયાદ નહી રહે, તેની ખાત્રી આપું છું.” શ્રેયાએ કહ્યુ.

“ગુડ..” કહીને દિવાન સાહેબે ફાઇલ હાથમાં લીઘી. અંદર જોતા નવાઇ પામ્યા. આશ્ર્ચર્યની સાથે તેમણે કહ્યુ, “શ્રેયા તું ભૂલથી આશિષ દવેની ફાઈલ લાવી છો. મારે તો તારા સર્ટીફિકેટ જોવા પડે. ” “સર… હું ભૂલથી નથી લાવી.. નોકરી માટે બતાવવા પડે તે જ સર્ટીફિકેટસ લઇને આવી છું… તમે આશિષને નોકરીમાં લઇ લો.”


“પણ.. શ્રેયા … તમારા બન્નેનું મેરીટ સરખું છે. તારા પપ્પા સાથેની દોસ્તીના કારણે મારે તારી તરફદારી કરવી જ પડે. હું તને જ એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવાનું વિચારતો હતો… તેના બદલે તું આશિષની ભલામણ કરે છે …?” દિવાન સાહેબના ચહેરા પર સવાલ હતા.

“સર… મને ખબર છે, પણ મને નોકરીની એટલી બઘી જરૂર નથી. આશિષને વઘારે જરૂર છે. હું તો શોખથી નોકરી કરવા માંગુ છું. જયારે આશિષ પર ઘરની જવાબદારી છે. તે કેટલા સમયથી નોકરી શોઘે છે … હવે તેને નોકરી નહી મળે તો તે નિરાશ થઇ જશે… તેને ખાસ જરૂર છે.. તેને નોકરી આપી દો.” શ્રેયાએ હાથ જોડતા કહ્યું.


“શ્રેયા તારી આટલી ભલામણ પરથી મને સમજાય છે કે, આશિષને નોકરીની ખાસ જરૂર છે, સાથે એ પણ સમજાય છે કે આશિષ તારા માટે ખાસ છે… સોરી.. તારી અંગત જિંદગીના સવાલ ન પુછવા જોઇએ… છતાં અંકલ હોવાના નાતે પુછું છું કે , આશિષ સાથે તારે….” દિવાન સાહેબ વઘુ ન બોલી શકયા. મિત્રની દીકરી હતી એટલે પિતા તુલ્ય સંકોચ આવી ગયો. ” આઇ ડોન્ટ માઈન્ડ અંકલ..


આશિષને હું પસંદ કરું છું… નાનપણથી અમે સાથે મોટા થયા છે… નાનપણની દોસ્તી કયારે પ્રેમમાં પલટાઇ ગઇ એ ખબર જ ન પડી… અમારા બન્નેના ઘરમેં પણ ખબર છે, પણ તેના ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી છે, એટલે મારા પપ્પા ના પાડે છે. જો તેને આ નોકરી મળી જાય તો તેના ઘરની જવાબદારી તે ઉઠાવી શકે… અને પછી કદાચ મારા પપ્પા પણ ના નહી પાડે…” શ્રેયાએ શરમાઇને નજર ઝુકાવી દીઘી. “ઓ હો…એમ વાત છે… એટલે એમ કે તું પ્રેમ માટે નોકરીનું બલિદાન આપવા આવી છે… તેને નોકરીનું દાન દેવા માંગે છે…”


“ના.. અંકલ.. દાન નહી… તેની લાયકાત અને આવડતના આઘારે તેને નોકરી અપાવવા માંગુ છું… તમે મને એપોઈન્ટમેન્ટ લેટર આપો અને હું ન સ્વીકારું તો આપોઆપ તેને મળી જાય… પણ એ તેના માટે અપમાન કહેવાય.. આશિષ તમારા માટે બીજી પસંદગી નહી, પણ પ્રથમ પસંદગી બને એમ હું ઈચ્છુ છું… હું તો ઈન્ટરવ્યુ આપવા પણ મારા પપ્પાના આગ્રહના કારણે આવી હતી” શ્રેયાએ મકકમતાથી કહ્યુ. દિવાન સાહેબ આ છોકરીનો પ્રેમ જોઇ રહ્યા. ઊભા થઇને તેના માથે હાથ મુકતા બોલ્યા…. “જા.. બેટા.. તારી લાગણી… તારા પ્રેમની કદર કરું છું… આશિષને નોકરી મળે તેમ મેનેજીંગ ડિરેકટરને સમજાવીશ. પછી તારા લગ્નમાં બોલાવવાનું ન ભુલતી હો….” શ્રેયા શરમાઇને દિવાન સાહેબને પગે લાગીને નીકળી ગઇ.


ઈન્ટરવ્યુ પત્યાને પંદર દિવસ થઇ ગયા. મેનેજીંગ ડિરેકટર બહારગામ હોવાથી હજી એપોઇન્ટમેન્ટ ઓર્ડર તૈયાર થયો ન હતો, પણ આશિષનું નામ નકકી થઇ ગયું હતું. દિવાન સાહેબે એપોઈન્ટમેન્ટ લેટર તૈયાર રાખ્યો હતો. મેનેજીંગ ડિરેકટર વીસ દિવસ પછી આવ્યા, એટલે દિવાન સાહેબે જરૂરી કાર્યાવાહી પૂરી કરી અને આશિષનો એપોઈન્ટમેન્ટ લેટર લઇ લીઘો. શ્રેયાને સરપ્રાઇઝ આપવા અને તેના ચહેરાની ખુશી જોવા તે જાતે જ ઓર્ડર લઇને તેના ઘરે ગયા. શ્રેયાના ઘરે જઇને ઓર્ડર શ્રેયાને આપતા કહ્યુ કે , “લે બેટા… તારા માટે ખુશીના સમાચાર લઇને આવ્યો છું… આ વાંચવાનો પહેલો હકચ તારો છે.. લે વાંચી લે… આમાં તારા આશિષનો એપોઈન્ટમેન્ટ ઓર્ડર છે… હવે ખુશને.. હવે કંકોત્રી આપવા આવીશ ને …??”


” એપોઈન્ટમેન્ટ ઓર્ડર ..?” શ્રેયાનો અવાજ ફાટી ગયો.. “અંકલ તમને કંઇ ખબર નથી ??” “શેની ખબર ..??” “અંકલ… બેકારીથી ત્રાસી જઇને આશિષે અઠવાડિયા પહેલા આપઘાત કરી લીઘો.” બોલતા બોલતા શ્રેયા જમીન પર ફસડાઇ ગઇ… દિવાન સાહેબના હાથમાંથી ઓર્ડર પડી ગયો….

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ