આજનો દિવસ :- બહેરામજી મલબારી : શું આ ગુજરાતી કવિ વિષે જાણો છો ?

મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨)

કવિ, ગદ્યકાર. જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી સર જમશેદજી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થતા નહિ; છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ.

શરૂમાં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. ટેલરનું પ્રોત્સાહન. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૮૭૯ થી મરણપર્યંત ‘ઈન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ‘વોઈસ ઑવ ઈન્ડિયા’ નામે પત્ર દ્વારા પણ પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન અને પુનર્લગ્ન બાબતે સુધારાવાદી વિચારોની અભિવ્યક્તિ. ૧૮૯૦માં યુરોપના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ.

સંસારસુધારો, દેશદાઝ અને નીતિબોધને લક્ષ્ય કરતી રચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’ (૧૮૭૫) મધુર અને કરુણ ગરબીઓનો સંગ્રહ છે. એમાં બાળવિધવા, કજોડાવાળી સ્ત્રી, પરણેલી બાળપત્ની વગેરેના સ્ત્રીદુઃખના વિલાપો છે. ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮) મિત્ર ડૉ. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શોકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના ‘ફોર્બસવિરહ’ને જ અનુસર્યા છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’ (૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે.

આ ઉપરાંત એમના ‘અનુભવિકા’ (૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’ (૧૮૯૮), અને ‘સાંસરિકા’ (૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસરિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે.

એમણે અંગ્રેજી ભાષામાં જે રચનાઓ કરી તેનો સંચય ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાર્બ’ (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિંગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિંદને લગતા દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે. ૧૯૭૮ માં કરેલા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળતું ‘ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિશ લાઈફ’- બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ ધર્મની ફિલસૂફીને લગતાં મેકસમૂલરનાં ‘હિબર્ટ લૅકચર્સ’નું મનચેરજી મોબેદજીના સહયોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

? જીવન પ્રસંગ

આજથી ૧૨૫ વર્ષ અગાઉ ૧૧ વર્ષની બંગાળી છોકરી ફૂલમણિ પર તેના ૩૫ વર્ષનાં પતિએ જબરજસ્તીથી સમાગમ કરતાં તેનું મોત થયું હતું. આ ઘટનાને પગલે બહેરામજી મલબારી અને અન્ય સમાજસુધારકોએ ‘એજ ઓફ કન્સેન્ટ એકટ ૧૮૯૧’નું સર્મથન કર્યું હતું. આ સુધારાને લીધે હિંદુ પરંપરાનાં (અન્ય ધર્મો પણ ગણી જ લેવા) રિતીરિવાજોને મોટો ફટકો પડશે એમ માનીને, બાલ ગંંગાધર ટિળક સહિતના અનેક જાણીતા નેતાઓએ આવા કાયદાકીય સુધારાનો વિરોધ કર્યો હતો. ૧૯ માર્ચ, ૧૮૯૧માં એ સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગ્ન વયમર્યાદા અને સ્ત્રીઓના અધિકારોને લઈને અનેક સુધારાઓ થયા છે.

? સાંસરિકા (૧૮૯૮) :

બહેરામજી મહેરવાનજી મલબારીનો, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતો સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી પિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. ‘કજોડું-સ્વભાવનું’ અને ‘કજોડું-ઉંમરનું’, ‘સુઘડ-ફૂવડનો ઘર સંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી’ વગેરે રચનાઓ આનાં ઉદાહરણો છે. ‘સુરતી લાલા સહેલાણી’માં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાનો ઉપદેશ છે.

‘ઇતિહાસની આરસી’માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મૌનની મઝા’માં છેડાતો મૌન જેવો વિષય એ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે. (-ચંદ્રકાન્ત ટોપીવાળા)

? ‘સરોદે ઇત્તેફાક’

૧૯મી સદીનાં ઉતરાર્ધમાં Age of Consent (લગ્ન માટેની વય)ના કાયદા માટે માટે બ્રિટીશ સરકાર સાથે ઝઝૂમનાર આ પારસી વિદ્વાનનો કાવ્યસંગ્રહ.

૧૮૮૧નું આ પુસ્તક ગૂગલ બૂક્સની સહાયતાથી ‘ડીજીટલાઈઝ’ થઇ શક્યું છે…’સરોદે ઇત્તેફાક’ જેવું ભળતુંસળતું નામ જાણીને કોઈને એમ થાય કે આ સંગીત શિક્ષક ને સરોદવાદ્ય શીખવા અંગેનો ગ્રંથ હશે…પણ આમાં તો ઘણા રૂહાની કાવ્યો છે…વિરહ, પ્રણય, પ્રશસ્તિ, મિત્રતા,દેશપ્રેમ વગેરેને લગતાં કાવ્યો છે. એ વખતે ‘લેખક, રચયિતા કે કવિ’ ની જગ્યાએ ‘બનાવનાર’ એમ લખ્યું છે !

(અફસોસ કે ઉપરથી આજે ‘બનાવનાર’ શબ્દની જરૂર છે કેમકે કવિઓ અને લેખકો આપણને એટલેકે વાચકોને ‘બનાવે’ છે!)

? સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ • બહેરામજી મલબારી

રાજા રાણા ! અક્કડ શેંના ?
વિસાત શી તમ રાજ્ય તણી
કઈ સત્તા પર કૂદકા મારો ?
લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર
ક્રોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર
બળી આસપાસે બાળે
ચક્રવર્તી મહારાજ ચાલિયા
કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

ક્યાં છે રાજ્યરાજન આગળનાં
દિવ્ય કહું જે દેવસ્થાન
શોધ્યાં ન મળે સ્થાનદશા કે
ન મળે શોધ્યાં નામનિશાન
લેવો દાખલો ઈરાનનો જે
પૂર્વ પ્રજામાં પામ્યું માન
ચોગમ જેની ધજા ઊડી રહી
રૂમ શામ ને હિન્દુસ્તાન
હાલ વ્હીલું વેરાન ખંડિયેર
શોક સાડી શું પહેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

ક્યાં જમશેદ ફરેદુન ખુશરો
ક્યાં અરદેશર બાબેગાન
રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં
નહિ તુજને મુજને તેનું ભાન
ખબર નહિ યુનાની સિકંદર
કે રૂમી સીઝર ક્યાં ગૂમ
અવનિ કે આકાશ કહે નહિ
ભલે ભવ સારો મારો બૂમ
હશે કહિંક તો હાથ જોડી
ઊભા કિરતાર કચેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

રામ કૃષ્ણ નરસિંહ પરશુરામ
દશ અવતાર થયા અલોપ
વિક્રમ જેવા વીર રાજનો
ખમે કાળનો કેવો કોપ
ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર
રજપુત વીર શિવાજી ક્યાં
રાજપાટના ધણી ધુરંધર
આજ યુદ્ધની બાજી ક્યાં
રાજમહેલમાં ઢોર ફરે ને
કબર તો કૂતરે ઘેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

ક્યાં નેપોલિયન ચીલઝડપિયો
જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ
અતિલોભનો ભોગ બિચારો
અંતે વલખા મારે પંડ
સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ
સ્વપનાં કે સાચે ઈતિહાસ
નહિ સમજાતું નિશ્ચયપૂર્વક
ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્‌વાસ
વિજયરૂપી એ સડો શું લાગ્યો
વિજયવાયુ બહુ ઝેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

ક્યાં ગઈ ફૂટડી ક્લિયોપેટ્રા
ક્યાં છે એન્ટની સહેલાણી
જંતુ ખાય કે વળગે જાળાં
ભમરા કીટ કહે કહાણી
કબર ગીધડાં ખણે ખોતરે
શિયાળ સમાધિ પર બેસે
સંત શરમથી નીચું જુએ
મહારાજા કોને કહેશે
રાજ્યપતિ રજકણથી નાનો
છે આયુષ આખેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ
કીર્તિકોટ આકાશ ચડ્યા
ખરતાં ખરતાં પથ્થર બાકી
ચૂના માટીએ જકડ્યા
દિલ્હી આગ્રા કનોજ કાશી
ઉજ્જૈન ઉજ્જ્વળતા નાસી
રૂમ શામ ને ઈરાન ઉજ્જડ
રડે ગળામાં લઈ ફાંસી
તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઈ
જાણે બધી મશ્કરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા
નાથદ્વાર ને હરદ્વારી
ઘરને આંગણે સુરત દેખતાં
છાતી ધબકે છે મારી
ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં
હાય કાળના કાળા કેર
દખ્ખણને દુઃખમાં દેખી
શત્રુ આંખ વિષે પણ આવે ફેર
હજી જોવી શી બાકી નિશાની
રહી રે વિનાશ કેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

કોટી ગણાં તુંથી મોટા તે
ખોટા પડી ગયા વિસરાઈ
શી તારી સત્તા રે રાજા
સિંહ સમીપ ચકલી તું ભાઈ
રજકણ તું હિમાલય પાસે
વાયુ વાય જરી જોર થકી
ઈશ્વર જાણે ઊડી જશે ક્યા
શોધ્યો મળવાનો ન નકી
શક્તિ વહેમ સત્તા પડછાયો
હા છાયા રૂપેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

દ્રવ્ય મટોડું હિંમત કુમતિ
ડહાપણ કાદવનું ડહોળું
માનપાન પાણી પરપોટો
કુળ અભિમાન કહું પોલું
આગળ પાછળ જોને રાજા
સત્તાધિશ કે કોટિપતિ
રંક ગમે એવો દરદી પણ
મરશે નહિ તે તારી વતી
ભૂલાઈ જવું મરવે એ બહુ
દુઃખ સર્જ્યું કાળ નમેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ

કુલીન કુળમાં કજાત પુત્રો
પ્રગટ દિસે આ દુનિયામાં
બળિયા વંશજ જુઓ બાયલા
રોગી નિરોગીની જગ્યામાં
સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ
નીચેથી ઊપર ચઢતું
ચઢે તે થકી બમણે વેગે
પૃથ્વી પર પટકાઈ પડતું
શી કહું કાળ અજબ બલિહારી
વિદુરમુખી તુજ લહેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી