બે રૂપિયાનું પરચુરણ – ગામડાની એ શાળાનો એ દિવસ આજે પણ તેને યાદ હતો, લાગણીસભર વાર્તા અંત ચુકતા નહિ…

*”કોઇ ભૂતકાળની તકલીફની ન હોય ચર્ચા*

*બહુ થાય તો બસ પાંપણ પલાળી લઇએ*

“કાલે છેલ્લો દિવસ છે, કાલે બઘા ચોપડી લેવા બે રૂપિયા લેતા આવજો, કાલે નહી લાવો તો ચોપડી નહી મળે” સરકારી સ્કૂલના આઠમા ધોરણના શિક્ષિકા હેમાબેને વિદ્યાર્થીનીઓને કહ્યું. આમ તો હેમાબેને ચાર-પાંચ દિવસથી કલાસમાં કહ્યુ હતું. ભણવા માટે એક ચોપડી જે બજારમાં મળતી ન હતી તે સ્કૂલમાથી બધાને બે રૂપિયામાં મળવાની હતી આમ તો તે ચોપડી અભ્યાસક્રમની ન હતી, પણ ગણિત-વિજ્ઞાન જેવા મહત્વના વિષયમાં ઉપયોગી થાય તેવા સુત્રો, આકૃતિઓ સાથેની હતી. એટલે બધાએ લેવી જ પડશે એમ હેમાબેને કહ્યું હતું.

હેમાબેનની વાત સાંભળીને પહેલી બેન્ચ પર બેઠેલી કલાસની મોનિટર દીપાલી વિચારમાં પડી ગઇ. તેના નાનકડા મગજમાં ઘરની પરિસ્થિતિ યાદ આવી ગઇ. તેને યાદ આવ્યુ કે, આજે સવારે જ તેના પપ્પા જયારે ઓફિસે જતાં હતા ત્યારે તેના ખીસ્સામાં પડેલી ચોળાયેલી છેલ્લી એક રૂપિયાની નોટ તેના મમ્મીને આપી હતી અને કહ્યું હતુ કે, આજે 29 તારીખ તો થઇ ગઇ, બે દિવસ જ કાઢવાના છે, આમાં ચાલશે ને? પરમ દિવસે તો પગાર આવી જશે.

દીપાલીને વિચાર આવ્યો કે, હેમાબેને બે દિવસની છૂટ આપી હોત તો સારૂં. તે હેમાબેન પાસે ગઇ, અને પુછયું, “બેન… બે દિવસ પછી આપુ તો ચાલશે”? હેમાબેને ના પાડી. તેમણે કહ્યુ કે , “દીપાલી તું તો કલાસમાં મોનીટર છો, તારે જ બધા પાસેથી રૂપિયા ભેગા કરીને મને આપવાના છે, તું જ ના આપે તો કેમ ચાલે ..?”

દીપાલી નિરાશ થઇને બેસી ગઇ. આખો દિવસ તેને સ્કૂલમાં ભણવામાં મન ન લાગ્યું. તેમાં ગુજરાતીના પિરિયડમાં ગુજરાતીના શિક્ષકે આનંદીના બે રૂપિયાવાળો પાઠ સમજાવ્યો બધાને આનંદીના બે રૂપિયાવાળી વાર્તા ખબર જ હશે. પાઠ સમજીને બઘા ઢીલા થઇ ગયા બધાને થયું કેઆનંદી પાસે પીકનીકમાં જવા બે રૂપિયા પણ ન હતા ?? કલાસમાં બધા આનંદી વિશે સહાનુભૂતિથી વિચારતા હતાં, પણ દીપાલી વિચારતી હતી કે મારે તો પીકનીક માટે નહી, પણ ચોપડી લાવવા બે રૂપિયા જોઇએ છે.. હું કયાંથી લાવીશ..?

સ્કૂલેથી ઘરે આવીને પણ તેનો મૂડ ન રહ્યો ઘરની આર્થિક સ્થિતિ કેટલી પાતળી હતી તેની તેને જાણ હતી જ. 10 બાય 10ના એક રૂમમાં તે, બે ભાઇ અને મમ્મી પપ્પા એમ પાંચ જણા રહેતા હતાં ભાઇઓ નાના હતા પપ્પા નોકરી તો કરતા હતા પણ પગાર એટલો હતો કે મહિનાના છેલ્લા ત્રણ – ચાર દિવસ કેમ પૂરા કરવા તે સમજાય નહી.

આવી પરિસ્થિતિમાં મહિનાના છેલ્લે દિવસ મમ્મી પાસેથી બે રૂપિયા કેમ માંગવા તે વિચાર તેના મગજને હેરાન કરતો હતો. તેને ખબર હતી કે પપ્પા પાસેપણ રૂપિયા ન હતાં તેના પપ્પા રાત્રે બધા ભાઇબંધ સાથે બહાર બેઠા હોય ત્યારે વાતો કરીને છુટા પડવાના સમયે બધા ચા પીવા જાય, પણ દીપાલીના પપ્પાને કોઇ ચા માટે બોલાવે નહી અને તેમને બહારની ચાની લકઝરી પોસાઇ તેમ પણ ન હતી. એટલે તે ઘરે આવતા રહે સ્કૂલેથી આવીને દીપાલી જમ્યા વગર જ સુઇ ગઇ બીજે દિવસે સ્કૂલે તો બાર વાગ્યે જવાનું હતું એટલે સવારથી હિંમત ભેગી કરતી રહી.

અગિયાર વાગ્યે તેને થયું કે હવે તો મમ્મીને કહેવું જ પડશે તેણે મમ્મીને કહ્યું, “મમ્મી મારે આજે બે રૂપિયા લઇ જવાના છે” એમ કહીને તે રડી પડી તેની મમ્મી કામ કરતાં કરતાં ઉઠીને તેની પાસે આવી અને ફાટેલી સાડીના ફાટેલા છેડાથી તેના આંસુ લુછતા બોલી, ” બેટા… એમાં રડે છે શું કામ ? હું આપુ છું ને !!” દીપાલીએ કહ્યું, ” પણ ..મમ્મી તારી પાસે તો ખાલી એક રૂપિયો જ છે.” મમ્મીએ કહ્યું, “તું ચિંતા ન કર, હું કંઇક કરુ છું”

પછી ઘરમાંથી બે રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવા મમ્મીએ પ્રયત્ન શરૂ કરી દીઘા. ગઇકાલની એક રૂપિયાની નોટ તો હતી જ.. તેણે તેનું ફાટેલું પાકીટ ઉંધુ કર્યુ, તેમાથી 50 પૈસા નીકળ્યા. બન્ને ભાઇઓના ખાનામાં જોયુ , તો તેમાથી 30 પૈસા નીકળ્યા છતાં હજી 20 પૈસા ઘટતા હતા. મમ્મીની આંખ ભીની થઇ ગઇ દીપાલી મમ્મીના ખાંખાખોળા જોઇ રહી. તેને રડવું આવતું હતું, પણ શું થાય..? આ બે રૂપિયા પોતાના માટે તો માંગતી ન હતી. મમ્મીએ હતાશ નજરૈ ભગવાન સામે જોયુ. અચાનક તેને યાદ આવ્યુ કે ભગવાન પાસે 10 પૈસાનો એક સિકકો પૂજામાં રાખ્યો છે, તે લઇ લીઘો. આટલી મહેનત અને ખાંખાખોળાનો સરવાળો એક રૂપિયો અને નેવું પૈસા થયો તે લઇને દીપાલી સ્કૂલે ગઇ. મનમાં દસ પૈસા ઓછા છે તેનો ડર તો હતો જ… પણ હેમાબેનને કહી દઇશ એમ વિચાર્યુ.

સ્કૂલ શરૂ થઇ, હેમાબેન આવ્યા, તેમણે દીપાલીને કહ્યું કે બધા પાસેથી રૂપિયા ભેગા કરી લે દીપાલીએ બધા પાસેથી રૂપિયા ભેગા કર્યા સાથે પોતાની ફાટેલી, ચોળાયેલી, ડાધાવાળી એક રૂપિયાની નોટ અને નેવું પૈસાનું પરચૂરણ મૂકી દીધું. બધું ભેગુ કરીને હેમાબેનને આપ્યુ. હેમાબેને દીપાલીની નોટ જોઇને મોઢું બગાડયું. પછી કલાસમાં પુછયું કે આવી ખરાબ નોટ કોણે આપી ..? કોઇ બોલ્યું નહી, દીપાલી પણ બોલી નહી. હેમાબેને રૂપિયા ગણ્યા, દસ પૈસા ઓછા હતા. તેમણે ફરીથી પુછયું… પણ કોઇ બોલ્યુ નહી. હેમાબેને પણ દસ પૈસા જેવી મામુલી રકમ ભૂલી જઇને બધાને ચોપડી આપી દીઘી

કલાસ પૂરો થયો પછી દીપાલી હેમાબેન પાસે ગઇ અને રડતાં રડતાં બધી વાત કરી. અને હું તમને બે દિવસ પછી દસ પૈસા આપી જઇશ એવું કહ્યું. હેમાબેન પણ દીપાલીની વાત સાંભળીને ગળગળા થઇ ગયા. તેમણે દીપાલીને દસ પૈસા આપવાની જરૂર નથી એમ કહ્યું. આજે દીપાલી કોલેજમાં પ્રોફેસર છે.. હજારોમાં પગાર છે… પણ તેની દીકરી જયારે પણ સ્કૂલની ચોપડી માટે પૈસા માગે ત્યારે તેને પોતાના બે રૂપિયાનું પરચુરણ અવશ્ય યાદ આવે છે.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ