બે માતાના દિકરાએ કર્યું અનોખું કામ જેનાથી આજે છે બંને માતા ખુશ…

રાત્રિનું અંધકાર ગાઢ ઢળી ચૂક્યું હતું. બારના ટકોરા પડવામાં માત્ર પંદર મિનિટનો સમય જ બચ્યો હતો. બાલ્કનીમાં અર્ધ શરીર આગળ ધપાવી એમણે ફરીથી અંદર ખેંચી લીધું. ફરીથી બેઠકખંડની ઘડિયાળ સાથે સમયની તપાસ કરી લીધી. આખા ઘરનો એક ચક્કર કાપી આવ્યા. ચિંતા અને ફિકરમાં છોડેલું જમણ હજી પણ ડાઇનિંગ ટેબલ પર એકલુંઅટુલુ ટાઢું પડી રહ્યું હતું. શું કરવું કઈ સમજાઈ રહ્યું ન હતું .રસોડામાં જઈ એક ગરમ ચા તૈયાર કરી. ફરીથી બાલ્કનીમાં પહોંચ્યા . મહોલ્લાના છેવાડા સુધી એમની ચિંતિત માતૃ દ્રષ્ટિ ફરી વળી. પરંતુ ન તો સુમિત દેખાયો ન તો એની બાઈક.

એક નો એક પુત્ર હજી સુધી ઘરે પહોંચ્યો ન હતો. અઢાર વર્ષનો યુવાન પુત્ર પોતાનો એક માત્ર જીવન આશરો હતો. જીવવાનું કારણ પણ અને ધ્યેય પણ. જો એના પિતા આજે જીવતા હોત તો કદાચ આટલી ફિકર ન હોત . મોબાઈલના આંકડા ફરી ફેરવી જોયા . પરંતુ વોઇસ મેસેજનું એજ રેકોર્ડિંગ ફરીથી પુનરાવર્તિત થયું. હાથમાંની ચા ડાઇનિંગ ટેબલના ટાઢા જમણની પડખે ગોઠવાઈ ધીમે ધીમે ટાઢી પડવા લાગી. મનની વ્યાકુળતા એટલીજ ઉષ્ણ થવા માંડી .

‘આટલું મોડું કેમ થયું હશે ? એની બાઈક તો …નહીં …નહીં ….ઈશ્વર એની રક્ષા કરે. કેટલી વાર કહ્યું છે કે સમયસર ઘરે આવતા રહેવું. નહીંતર એક કોલ તો કરી જ શકાય ને ? ક્યારે પહોંચશે ? એ જાણે તો છે કે જ્યાં સુધી એ ઘરે સમયસર ન પહોંચે ત્યાં સુધી મારી આંખોમાં ઘેન ચઢે નહીં . જ્યાં સુધી બાળકની સુરક્ષાની નરી આંખે ખાતરી ન થાય ત્યાં સુધી એક માં ને ઊંઘ કઈ રીતે આવી શકે ?’

રાત્રીના અંધકારમાં પુત્રની સુરક્ષા અંગેની ચિંતાઓથી એક માં ટેવ પ્રમાણે વલોવાઈ રહી હતી. ન જમવાનો કોળિયો ગળા નીચે ઉતરી રહ્યો હતો ન ચાની એક ચુસ્કી . બસ પોતાનો કાળજાનો કટકો સહીસલામત ઘરે પહોંચી રહે એની પ્રતિક્ષામાં ટેવ પ્રમાણે ઝૂરી રહી હતી.

બાલ્કનીમાંથી લટકાયેલા શરીરને મહોલ્લાના કિનારેથી બાઈકની હેડલાઇટ નજરે ચઢી. સુમિત અને એના મિત્રોના અવાજથી અર્ધી રાત્રીએ મહોલ્લો ગુંજી ઉઠ્યો . ખડખડાટ હાસ્ય અને વાતોના ઊંચા સ્વરે માતૃ હૃદયને અનેરી ટાઢક આપી. પુત્રને સલામત ઘરે પહોંચી ગયેલો નિહાળી બધોજ તાણ આલોપ થઇ ગયો. ચિંતાઓ અને ફિકર બાષ્પીભવન પામ્યા. આખરે કલેજામાં ટાઢક વળી.

ડાઇનિંગ ટેબલ ઉપરનું ટાઢું ભોજન અને ટાઢી ચા એમની એમજ રેફ્રિજરેટરમાં સરકાવી દીધી. સુમિત પાસે ઘરની ચાવીની એક વધારાની આવૃત્તિ રહેતી જ . મિત્રો જોડે બહારથીજ જમણ કરીને આવેલા સુમિતને પાર્કિંગમાં મિત્રો જોડે ગોષ્ઠિ કરી ઉપર ચઢતા હજી સમય લાગશે . એ પૂર્વ જાણકારીથી દોરવાઈ પોતાના શયનખંડમાં જઈ આખરે એમણે નિશ્ચિંતતાથી પોતાની આંખો મીંચી દીધી .

થોડા વર્ષો પછી ……

રાત્રીના નવના ટકોરા પડ્યા. સમયસર લઇ લીધેલા ભોજન બાદ ટેવ અનુસાર એક ગરમ ચાની પ્યાલી સમાપ્ત કરી રસોડાની બધીજ સગવડ નિયમિત રીતે એમણે નિપટાવી . બાલ્કનીમાં એક અંતિમ ચક્કર લીધો . મહોલ્લાની નીરવ શાંતિ અને સન્નાટો અકબંધ હતો . થોડી તાજી હવા શ્વાસોમાં ખેંચી એ શયનખંડમાં પહોંચ્યા .

પાર્કિંગ વિસ્તારમાં નિષ્ક્રિય ઉભી સુમિતની બાઈક કવરમાં મઢાઈ દરરોજની જેમ શાંત અને મૌન હતી. શયનખંડની વીજળી ઓલવી નિશ્ચિંતતાથી એમણે ઊંઘવાનો પોતાનો નિયમિત ક્રમ અનુસર્યો .

શયનખંડના અંધકારમાં માર્ગ ચીરતાં હાથથી એમણે નાઇટલેમ્પનો આછો પ્રકાશ કર્યો . પડખેના ટેબલ ઉપરથી સુમિતની તસ્વીરની ફોટોફ્રેમ હાથમાં ઉઠાવી છાતી સરસી ચાંપી. ” ગુડનાઈટ માઇ બોય . આમ પ્રાઉડ ઓફ યુ .” તસ્વીરને હેતથી ચૂમી ફરીથી ટેબલ ઉપર ગોઠવી દીધી. નાઇટલેમ્પનું અજવાસ અદ્રશ્ય થયું. શયનખંડના અંધકારમાં નિરાંતે આંખો મીંચી ઊંઘી ગયેલી એ માં ના હય્યામાં ન કોઈ ચિંતા , ન કોઈ તાણ , ન કોઈ ફિકર , ન કોઈ ડર નું નામોનિશાન હતું. જો કઈ હતું તો ફક્ત અને ફક્ત અનન્ય ગર્વ……

રસ્તા પર ઉભા વીજળીના થાંભલા ઉપરથી પ્રતિબિંબિત પ્રકાશમાં શયનખંડના ટેબલ પર ગોઠવાયેલી સુમિતની ફોટોફ્રેમ આછી ચમકી રહી હતી અને એ ચમકની વચ્ચેથી એના શરીર પરની સૈનિકની વર્દી વધુ સુંદર દીસી રહી હતી.

એ વર્દીની મૌન લોરીથી બે મા નિરાંતે પોઢી રહી હતી …..

લેખક : મરિયમ ધુપલી

સલામ સૈનિક કોમેન્ટમાં જરૂરથી લખો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ