બે કચ્છી યુવાઓનાં ગુજરાતી ડ્રામા અને ફિલ્મનાં લગાવને લીધે સર્જાયું ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’…

વાત જ્યારે સિનેમાની હોય ત્યારે લોકોને એ વાતમાં જલ્દી રસ પડે છે કેમેકે ભારતમાં લોકોને બૉલીવુડ અને ક્રિકેટ હંમેશાથી આકર્ષતા રહ્યા છે. ગ્લૅમર પાછળ લોકો એટલા દિવાના હોય છે કે લોકો હિરોના મંદિરો બંધાવે છે અને ભગવાનની જેમ પૂજે પણ છે! પણ આપણાં કચ્છનાં યુવાનો ફેલાવી રહ્યા છે ગુજરાતી ડ્રામા અને ફિલ્મ માટેની સમજ અને જાગૃતિ…માંડવી-કચ્છનાં હાર્દિક સોલંકી સ્વભાવે લેખક એટલે ફિલ્મ જોઈને રિવ્યુ લખવાની એમની આદતે તમેને એક પાક્ષિકમાં કોલમનિસ્ટ તરીકે તક આપી. ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ અને ત્યારબાદ માંડવીની લક્ષ્મી ટૉકીઝમાં ‘રોમાન્સ કોમ્પલિકેટેડ’ જોયા બાદ ગુજરાતી ફિલ્મના બદલાતાં પ્રવાહથી ખુશ થઈ મનમાં ગાંઠ વાળી કે લેખનશૈલીનો ઉપયોગ ગુજરાતી સિનેમા માટે લોકજાગૃતિનાં કામે લગાડીશ. એક માધ્યમ પર ફ્રિલાન્સ કન્ટેન્ટ રાઈટર તરીકે તક મળતાં ગુજરાતી સિનેમા અને તેમની વચ્ચેનું અંતર ઓછું થયું.
અંજાર-કચ્છનાં ધવલ થરાદરા કચ્છમિત્રમાં આવતી ‘ઢોલીવુડ’ કોલમથી પ્રેરાઈને ગુજરાતી ફિલ્મ ‘રોન્ગ સાઈડ રાજુ’ જોઈ અને તેનાં કલાકારો સાથે ફેસબુકનાં માધ્યમથી જોડાયાં અને સમયાંતરે નવા નવા આઈડિયાની આપ-લે જુદા જુદા કલાકારો સાથે વધતી ગઈ. કચ્છનાં સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ પ્રદર્શિત કરવાનાં સલાહ-સૂચનોને લીધે આજે કચ્છમાં માનભેર ગુજરાતી ફિલ્મ રજૂ થઈ રહી છે જેમાં ધવલનું મહદ્દઅંશે મહત્વનું યોગદાન છે.
‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ની સ્થાપનાનો વિચાર ક્યાંથી આવ્યો?બંને યુવાનોનાં શોખ અને રુચિ એક હોતાં એક દિવસે હાર્દિક અને ધવલની ફેસબુક દ્વારા જોડાયાં. બંને પહેલીવાર ગુજરાતી ફિલ્મના એવોર્ડ ફંક્શનમાં ભેગા થયા અને ગુજરાતી ડ્રામા અને સિનેમા માટે કઈંક કરી છૂટવાના નિ:સ્વાર્થ હેતુ સાથે ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’નો વિચાર આવ્યો. કચ્છનાં લેખક જયંત ખત્રીની વાર્તા પરથી બનેલાં અદ્દભુત નાટક ‘ધાડ’ને જોયાં બાદ આ વિચારને વેગ મળ્યો અને બંનેની આવડતનો યોગ્ય ઉપયોગ થાય એ બાબતને કેન્દ્રમાં રાખી 16 માર્ચ, 2017નાં ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ની રચના કરવામાં આવી.
શું છે ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ ?
‘નેપથ્ય’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે નાટકનાં પડદા પાછળનો ભાગ (બૅકસ્ટેજ). ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ એ એક એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે જે લોકોમાં આવનારાં ગુજરાતી નાટકો અને ફિલ્મ્સ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ સિવાય, નવા કલાકારો કે જેઓ શોર્ટ ફિલ્મ, મોનોલોગ, ડ્રામા, વિડીયો કે સોન્ગ બનાવે છે તમેને પ્રચાર-પ્રસારમાં શક્ય એટલી મદદ કરે છે જેથી કલાકારોની મહેનત વધુમાં વધુ લોકો સુધી પહોંચે! આજકાલ લોકો ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ને લીધે વિવિધ માહિતી મેળવતાં થયા છે, ફિલ્મ અને નાટકો જોતા થયા છે એ ગૌરવની વાત કહેવાય!
‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ની ટીમ:બે યુવાનો દ્વારા થયેલી આ શરૂઆતને લોકોનો ટેકો મળતો ગયો અને સમયાંતરે જુદી-જુદી આવડત ધરાવતાં અન્ય મિત્રો જોડાયાં અને અત્યારે ​3​ લોકોની આ ટીમ સફળ પુરવાર થઈ છે. સ્થાપક હાર્દિક સોલંકી, સહ-સ્થાપક ધવલ થરાદરા ​અને એક્ઝિક્યુટિવ-​ ​કન્ટેન્ટ​ &​​પ્રોજેક્ટ ડેવેલપમેન્ટ-પ્રતિક ​​​ગોહેલ પોતાની આવડત અને ક્ષમતા મુજબ નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે. મુદ્દાની વાત તો એ છે કે દરેક મેમ્બર્સ જોબ સિવાયનાં પોતાનાં ફ્રી ટાઈમમાં વિવિધ પ્રવૃત્તિ કરે છે!
પ્રવૃત્તિઓની એક ઝલક અને સિદ્ધિઓ:
અત્યાર સુધી​ 16​ નાટકો જેવા કે ‘મસાજ’, The Fat’e’ Date, ‘ભૂતિયો કાગળ-Shades of Love-આખરી ખ્વાઈશ’, ‘મનખાદેહ’, ‘તારી મારી વાત’, ‘ગિરગિટ સોસાયટી’, ‘અગ્નિશિખા’ , ​’રાજમાતા કૈકેયી’​, ​28 ​ફિલ્મ જેવી કે લવની ભવાઈ, રતનપુર, ફેરા ફેરી હેરા ફેરી, રેવા,​ ‘ઓક્સિજન’​,​ ‘વાંઢા વિલાસ’, ‘બેક બેન્ચર’, ‘શું થયું’, ‘શરતો લાગુ’, ‘ઢ’, ‘ચાલ જીવી લઈએ’ તથા અન્ય, ​ ​​1​​​4​ શોર્ટ ફિલ્મ્સ તથા ફિલ્મ વર્કશોપ​ અને ઇવેન્ટ​માં સોશિયલ મિડિયા તરીકે જોડાઈને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રોલ નં 56, બેસ્ટ ઓફ લક લા​​લુ, ભંવર તથા ચલ મન જીતવા જઇએ જેવી ગુજરાતી ફિલ્મ્સ માટે લોકોને જાગૃત કરી પ્રેક્ષકો સુધી પહોંચાડવાનું કામ પૂરી નિષ્ઠાથી કર્યું છે.
ગત વર્ષે ‘ટોટલ ગુજ્જુ’ ઍપ દ્વારા ગુજરાતી ફિલ્મ્સ અને નાટકોને સપોર્ટ કરવા બદલ તથા અક્ષર કોમ્યુનિકેશન્સ દ્વારા ‘લવની ભવાઈ’ ફિલ્મને સપોર્ટ કરવા બદલ ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ને ​મેમેન્ટો​ એનાયત કરવામાં ​આવેલાં​​.
ભવિષ્યની યોજનાઓ:શરૂઆતમાં લોકો દ્વારા જેમને ક્રેડિટ પણ ન મળતી એ આજે એક બ્રાન્ડ બની ચૂક્યું છે જેને ગુજરાતી-હિન્દી સિનેમા-નાટકોનાં કલાકારોનો પણ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે. ફેસબુક ગ્રુપમાં ​8000 ​થી વધુ એક્ટિવ મેમ્બર્સ, પેજ પર ​6​500થી વધુ ફોલોઅર્સ સિવાય પણ વૉટ્સઅપ ગ્રુપ, ઇંસ્ટાગ્રામ અને યુટ્યૂબ ચેનલ ધરાવતા ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ આગામી સમયમાં પોતાની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે તથા ​વેબ સિરીઝ​, શોર્ટ ફિલ્મ અને નાટકોનું નિર્માણ પણ કરશે.