શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ ઘર-ઘરમાં બધાને આ તકલીફો શરૂ થઈ ગઈ છે ત્યારે જાણીએ કેટલાક ખૂબ જઅસરકારક ઘરગથ્થુ ઉપચાર..

શિયાળાની શરૂઆત તો છેલ્લા પંદરેક દિવસથી થઈ ગઈ છે. એની શરૂઆતની પહેલી અસર ચામડી પર દેખાઈ આવે. મુંબઈની ભેજવાળી હવામાં પણ ચામડી થોડીક ડ્રાય લાગવા લાગે અને બીજું ચિહ્ન એ છે કે શરૂઆતના અઠવાડિયામાં જ ઘર-ઘરમાં શરદી અને ઉધરસ શરૂ થઈ જાય. ખાસ કરીને નાનાં બાળકો અને વડીલોને આ અસર તરત જ થાય છે. વધુ નહીં તો છીંકો શરૂ થઈ જશે. ગળું ખરાશવાળું થશે અને જાણે કે શરીરમાં ધીમે-ધીમે કફનો ભરાવો શરૂ થઈ જશે. જેમની ઇમ્યુનિટી સારી હોય એ લોકોને આ અસર થોડીક થશે, જેમની ઇમ્યુનિટી ઓછી હોય તેમને આ તકલીફ ઘણી વધારે રહેશે.

આમ પણ કોઈ પણ સીઝન બદલાય એટલે શરદી-ઉધરસ થવી સામાન્ય હોય છે. આપણા વડીલો કહેતા કે શરદીમાં કઈ દવા લેવાની જરૂર નથી, એ તો ઠીક થઈ જાય એની મેળે. આ માન્યતાને કારણે જ આપણે ત્યાં કહેવત હતી કે શરદીમાં દવા લો તો સાત દિવસમાં ઠીક થઈ જાય નહીંતર એક અઠવાડિયું થાય. એનો સીધો અર્થ એ છે કે દવા લો કે ન લો શરદી તો એટલો ટાઇમ રહેવાની જ છે, પરંતુ દવા લેવાથી ઍટ લીસ્ટ તમે તમારાં રૂટીન કામ સરળતાથી કરી શકો. આજના લોકો પાસે એ પ્રિવિલેજ નથી કે શરદી થઈ છે તો આરામ કરવા માટે બે દિવસ રજા લઈ લીધી. સમય પ્રમાણે બધું બદલાય છે, પરંતુ શરીર માટે એ જ સારું છે જે વર્ષોથી કહેવામાં આવ્યું છે. વળી શરદી ફક્ત સામાન્ય તકલીફ ન પણ હોય એમ બને. ઘણા કેસમાં શરદી ન્યુમોનિયા જેવા રોગનું લક્ષણ હોય છે અને જો ડૉક્ટર પાસે ન જઈએ તો એનાં ગંભીર પરિણામ આવી શકે છે.

આ વિશે આજે થોડું વિસ્તારથી સમજીએ.

કારણો

આ સમયમાં શરદી-ઉધરસ કે ગળું પકડાયું હોય તો એ પાછળ ત્રણ પ્રકારનાં કારણો હોઈ શકે છે જે વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સૌથી પહેલું કારણ છે હવામાનમાં બદલાવ. અચાનક હવામાન બદલાય ત્યારે વાતાવરણમાં આવેલા ફેરફારો, તાપમાનમાં આવેલા ફેરફારો, ધૂળ, પૉલ્યુશન વગેરે પરિબળો જ્યારે અસર કરી જાય ત્યારે શરદી-ઉધરસ થાય છે. આ સિવાય બીજું કારણ છે ખોરાક સંબંધિત. જેમ કે તમે કંઈ ઠંડું ખાઈ લીધું હોય, તળેલું ખાઈ લીધું હોય અથવા કોઈ પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ ખાધી હોય, કોઈ આર્ટિફિશ્યલ કલરવાળી વસ્તુઓ ખાધી હોય તો અચાનક આવું થઈ જતું હોય છે. આ સિવાય ત્રીજું કારણ છે વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન. જો તમને શરદી પહેલાં બે કારણોથી થઈ હોય તો બિલકુલ જરૂર નથી કે તમે દવાઓ લો. ત્રીજા કારણથી થઈ હોય અને ઇમ્યુનિટી જો સ્ટ્રૉન્ગ હોય તો એમાં પણ દવાની જરૂર નથી પડતી, પરંતુ ઇમ્યુનિટી ઘટેલી હોય અથવા તો ઇન્ફેક્શન સ્ટ્રૉન્ગ હોય તો દવાઓ લેવી જરૂરી બને છે.’

ખબર કેમ પડે?

એ ક્યાં લક્ષણો અને કઈ રીતે ખબર પડે કે તમને શેનાથી શરદી થઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, ‘આ થોડું ટ્રિકી છે. જો તમે સતર્ક હો તો તમને તરત જ સમજાશે કે હવામાનમાં આવેલો બદલાવ કે આ વસ્તુ ખાધી હતી એટલે શરદી જેવું લાગે છે, બાકી અમુક ચિહ્નો પણ છે. જો શરદી-ઉધરસ સાથે તાવ પણ આવતો હોય અને એ તાવમાં ફેરફાર ઘણો વધારે હોય એટલે કે હમણાં ૧૦૨ હોય અને સાંજે ૧૦૦ હોય, વધી જાય અને એકદમ જ ઘટી જાય તો એ વાઇરલ ઇન્ફેક્શનની નિશાની છે. આ સિવાય પૅરાસિટામૉલ ખાઓ તો પણ ફરક ન પડે, મોઢાનો સ્વાદ કડવો થઈ જાય એનો અર્થ એમ કે તમને ઇન્ફેક્શન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે, બાકી શરદી હોય તો તમને દવાની ખાસ જરૂર નથી રહેતી, બાકી ભૂખ ઓછી લાગવી અને અશક્તિ લાગવી એ કારણ તો દરેક પ્રકારની શરદીમાં જોવા મળે છે.’

ઘરગથ્થુ ઉપચાર

શિયાળાના આવા પ્રૉબ્લેમ્સ માટે ઘરગથ્થુ ઉપચારો ઘણા જ અકસીર નીવડે છે. કઈ તકલીફમાં કયો ઉપચાર કામ લાગી શકે છે એ જાણીએ ધ્વનિ શાહ પાસેથી.

કફના બે પ્રકાર હોય. એક ડ્રાય અને બીજો ભીનો-ગળફાવાળો. આ બન્ને માટે અલગ-અલગ પ્રકારની રેમેડી જોઈએ.

૧. ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી આવતી હોય તો આ રેમેડી ઉપયોગી છે. આ સિવાય જો ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે આ રેમેડી ઉપયોગી છે…

હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી જવાનું. આ રેમેડી દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતાં પહેલાં લો તો એ ઘણું ઉપયોગી બને છે.

૨. જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળફા નીકળતા હોય ગળામાંથી ત્યારે એના પણ બે પ્રકાર છે. જો કફનો રંગ પીળો કે લીલો હોય તો એનો અર્થ એ થયો કે કફની સાથે પિત્ત પણ છે.

તો આ રેમેડી વાપરવી…

તુલસીનો રસ ૧ ચમચી, એમાં ૧ ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય. દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ વાપરી શકાય.

૩. જો કફનો રંગ સફેદ હોય અને કફ એકદમ ચીકણો હોય તો આ રેમેડી વાપરવી…

એક ચમચી આદુંના રસમાં એક ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે

એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે એ ગોળ વાપરી શકે છે.

૪. જો નાક ગળતું હોય તો આ રેમેડી વાપરવી…

મોટા ભાગે શરદી થઈ હોય તો લોકો દૂધ નથી પીતા, પરંતુ ચૉકલેટ દૂધ આ પરિસ્થિતિમાં ખૂબ અસરકારક છે. નાક ખૂબ ગળતું હોય તો રાત્રે દૂધમાં કોકો પાઉડર ભેળવો અને પી જાઓ. એમાં ખાંડ પણ નાખી શકાય જો મન હોય તો બાકી ન નાખો તો સારું.

૫. શિયાળામાં એક બીજો પ્રૉબ્લેમ છે શરીરમાં કળતર અને સાંધાનો દુખાવો. મોટા ભાગે વડીલોને આ તકલીફ થાય છે. તેમના માટે બે જુદી-જુદી રેમેડી વાપરી શકાય.

અળસીનો પાઉડર અડધી ચમચી લેવો અને એ પાઉડરને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળીને એ પીવું. અહીં ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ અળસીનો પાઉડર પહેલેથી કરીને રાખશો તો નહીં ચાલે. એ તાજો પાઉડર બનાવવો અને વાપરવો.

કાશ્મીરી કાવો પણ સાંધાના દુખાવામાં ઘણો ઉપયોગી છે. પાણીમાં ૨-૪ પાંખડી કેસર ઉકાળવું, એમાં એક ચપટી ઇલાયચી નાખવી, એક ચપટી સૂંઠ નાખવી અને એને ઉકાળવું. એક મિનિટ ઉકાળ્યા પછી કપમાં લઈને એમાં સ્વાદ માટે ખડી સાકર, મધ ઉમેરી શકાય. ઉપરથી બદામનો ભૂકો ભેળવી દો. નૉર્મલ ચા કરતાં આ કાવો વધુ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને જેમને આર્થ્રાઈટિસ છે.

ધ્યાનમાં રાખો

ઘણા લોકો આ ઘરગથ્થુ ઉપચાર ૧-૨ દિવસ કરે છે અને પછી થોડો ફરક લાગે એટલે બંધ કરી દે છે. પછી તકલીફ પાછી આવે એટલે કહેશે કે ઘરગથ્થુ ઉપચાર કંઈ કામ નથી લાગતા એટલે તકલીફ પાછી આવી અને પછી ડૉક્ટર પાસે દવા લેવા દોડશે. ઘરગથ્થુ ઉપચારથી તમને ત્રણ દિવસમાં ઓછામાં ઓછો ૩૦-૪૦ ટકા જેટલો ફરક થવો જોઈએ. જો ન થાય તો તમે ડૉક્ટર પાસે જાઓ. જો થાય તો એને અઠવાડિયા સુધી ચાલુ રાખો. જો તમને એકદમ ઠીક લાગતું હોય તો પણ અઠવાડિયા સુધી એ ચાલુ રાખવું જરૂરી છે. એ અધવચ્ચે છોડશો તો પૂરી રીતે ઠીક નહીં થઈ શકો.

સૌજન્ય : મિડ ડે

શેર કરો આ સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા ઉપચારને મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી