જલ્સા કરોને જેંતીલાલ

બટેટા વડા – રવિવારે ખાસ બનતા અને ટેસ્ટમાં પણ બેસ્ટ, બનાવો સરળ રેસીપીથી…

બટેટા વડા તો જાણે આખી દુનિયા માં પ્રચલિત અને લોકપ્રિય છે. ઋતુ કોઈ પણ હોય, પ્રસંગ કોઈ પણ હોય બટેટા વડા હંમેશા બધા ને જ ભાવે.
બટેટા વડા માં બાફેલા બટેટા ને હળવો મસાલો ઉમેરી ચણા ના લોટ માં ડુબાડી તળવા માં આવે છે. ચાહો એટલુ નવીનતમ આ રીત માં તમે કરી શકો.

સામગ્રી ::

• 2 વાડકા બાફેલા બટેટા (બાફી , છાલ ઉતારી છૂંદો કરી લેવા)

• 1 વાડકો બારીક સમારેલી કોથમીર

• 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ

• 2 બારીક સમારેલા લીલાં મરચાં

• મીઠું

• તળવા માટે તેલ

વઘાર માટે ::

• 1 ચમચી અડદ ની દાળ

• 2 ચમચી તેલ

• 1/4 ચમચી હિંગ

બેટર બનાવવા માટે ::

• 2 વાડકા ચણા નો લોટ

• મીઠું

• 2 ચમચી લાલ મરચું

• ચપટી અજમો

• 1/2 ચમચી હિંગ

• 3 ચમચી હુંફાળું તેલ

રીત ::


મોટા બાઉલ માં બાફેલા બટેટા , આદુ મરચાં ની પેસ્ટ , લીલા મરચાં , મીઠું અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. કડાય માં તેલ ગરમ કરી અડદ ની દાળ ઉમેરો. દાળ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હિંગ ઉમેરી આ વધાર બટેટા ના મિશ્રણ માં ઉમેરો. થોડું ઠરે એટલે સરસ મિક્સ કરી લો.


બીજા બાઉલ માં ચણા નો લોટ લો. એમાં મીઠું , અજમો , લાલ મરચું ,હિંગ ઉમેરો. પાણી ઉમેરી બેટર તૈયાર કરો. બેટર બહુ જાડું કે પાતળું નથી બનાવવા નું . 15 થી 20 મિનિટ માટે આ બેટર ને સાઈડ પર રાખો. ત્યાર બાદ સરસ રીતે મિક્સ કરો અને જરૂર લાગે તો ફરી થોડું પાણી ઉમેરો. તળવા માટે તેલ ગરમ કરો અને એમાંથી 3 ચમચી ગરમ તેલ આ બેટર માં ઉમેરો.


બટેટા ના માવા માંથી નાના નાના ગોળા બનાવો. ચણા ના લોટ ના બેટર માં ગોળા ડુબાડી ગરમ ગરમ તેલ માં તળો. બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ફૂલ આંચ પર તળો.


ગરમ ગરમ ચટણી કે સોસ સાથે પીરસો . ચાહો તો પાવ સાથે વડા પાવ તરીકે પણ પીરસી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version