બટેટા, ફુદીના અને કાચી કેરીના આ થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો ક્યારે ટ્રાય કરો છો તમે ???

આપણે અલગ અલગ રીતે થેપલા બનાવતા હોઈએ છીએ.. આજે હું એક ખૂબ જ સ્વાદિષ્ટ એવા બટેટા, ફુદીના અને કાચી કેરી ના થેપલા લાવી છું જે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ હોય છે.

કાચી કેરી અને ફુદીનો બંને અત્યારે ખૂબ જ સરસ આવે છે. ગરમી માં બંનેનો ઉપયોગ વધુ કરવો જોઈએ જે આપણાં માટે ખૂબ ફાયદાકારક છે.

આ થેપલા બાળકો ને ટીફિન માં પણ આપી શકાય છે. ખૂબ જ હેલ્ધી અને ચટાકેદાર એવા થેપલા માટે ની સામગ્રી..

3-4 નાના બટેટા બાફી ને છીણેલા,

1 નાની કાચી કેરી છાલ સહિત ખમણેલી,

1 કપ ફુદીના ના પાન ( કોથમીર પણ લઈ શકાય),

1-2 લીલાં મરચાં ઝીણા સમારેલા,

1-2 કપ ઘઉં નો લોટ ,

1 ચમચી મરી નો ભુકો,

1/2 ચમચી લાલ મરચું,

ચપટી હિંગ અને હળદર,

મીઠું સ્વાદાનુસાર,

ઘી થેપલા શેકવા માટે.

રીત:-

સૌ પ્રથમ બટેટા ના બાફી ને ઠંડા થાય પછી છીણી લો. હવે એક બાઉલ માં બટેટા નું છીણ, કાચી કેરી નું છીણ ,સમારેલો ફુદીનો,લીલા મરચાં, મરી નો ભુકો, લાલ મરચું, ઘઉં નો લોટ અને મીઠુ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો.હવે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ને મધ્યમ સોફ્ટ કણક બાંધી લો.તેલ વાળા હાથ કરી ને બરાબર મસળી લો.અને નાના લુઆ બનવી ને થેપલા ની જેમ વણી લો.ગરમ તવા પર બંને બાજુ આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી ઘી થી શેકી લો. તમે તેલ નો ઉપયોગ પણ કરી શકો છો.હવે આ થેપલા ને મિક્સ વેજિટેબલ રાયતા કે મસાલા દહીં સાથે સર્વ કરો .

નોંધ:- તમે ઇચ્છો તો કેરી વધુ ઉમેરી શકો. બટેટા પાણી પોચા ના હોવા જોઈએ. તમને ગમતો મસાલો પણ કરી શકો છો. બટેટા ઉમેરવાથી કેરી ની ખટાશ નું બેલેન્સ થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘી માં શેકવાથી વધુ સ્વાદિષ્ટ બનશે. બટેટા, ફુદીનો અને કેરી નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ