બાપજીનું વરદાન – વ્યક્તિના મોટાઈ બતાવવાના શોખ તેને ક્યાં પહોંચાડે છે વાંચો આ વાર્તામાં…

માનવ સ્વભાવનાં અનેક પાસાં હોય છે. માણસે માણસે અલગ અલગ શોખ ને અલગ અલગ ટેવો. એમાં આપણા મગનભાઈ ઉર્ફે મગાને તો વળી એવી ટેવ કે એની બરોબરીયાની બેઠકમાં એને ફાવે નહીં. મોટાઈ મારવાનો ભારે ચહરકો. આથી એણે ધીમે ધીમે એનાથી મોટા ગજાના માણસો ભેગા બેસીને પોતાની બડાઈ મારવાનું ચાલુ કરી દીધું.

મોટા માણસો ભેગી ઉઠબેસ એટલે એને તો જલસા પડી ગયા! આવી સંગત ચાલુ રાખવી હોય તો ક્યારેક એનેય બે પૈસા ઘસાવવું પડે. પનો પહોંચાય નહીં તોયે એ તો ગાંઠનું ગોપીચંદન ઘસીને ગાલ રાતા રાખવા લાગ્યો. નાની ચકલી ફૈડકો મોટો ભરવા લાગી. સફેદ બાસ્તા જેવા કપડાંને એ દાગ ના પડવા દે. સાચા મિત્રો ક્યારેક એને સલાહ આપતા કે, ” લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીતો માંદો થાય. આથી મગાભાઈ માપમાં ચાલો.” પણ આતો મગાભાઈ કોઈની સલાહ એમણે કાને ના ધરી ને ચાદરના પના કરતાં પગ વધુ પહોળા કરતા ગયા. એમ કરતાં કરતાં એમણે તો પોતાના સમોવડીયાનો વિશ્વાસ ગુમાવ્યો. આવકમાં આઠઆની ને રૂપીઓ ખર્ચવા લાગ્યો આથી થઈ ગયો દેવાદાર. એ ટોપીઓ ફેરવવામાં પાવરધો.

image source

નામ મોટાંને દર્શન ખોટાં . મોટાઈમાં ને મોટાઈમાં એ તો ધોવાઇ ગયો. ઘરનાં બૈરી-છોકરાંને પણ એવી ટેવો પાડી દીધી હતી કે, તેના ખરાબ દિવસોમાં પરિવારના સભ્યો ખુબ હેરનગતિમાં મુકાઈ ગયાં. કાયમ ઊંચા પ્રકારનું પહેરેલું-ઓઢેલું અને માલ-મલીદા ખાધેલા, આથી કુટુંબના સભ્યોને હવે નબળું ગમતું ના હતું ને સારું મળતું ના હતું . મગોભઈ હવે બધાના શોખ પૂરા કરી શકતા ના હતા તેથી મગાભાઈનું ઘરનાજ માણસોથી અપમાન થવા લાગ્યું.

એક જંગલમાં એક આળસુ શિયાળ રહેતું હતું. એ પણ આપણા આ મગનભાઈ જેવું. એને પણ જંગલના મોટા મોટા ખૂંખાર પ્રાણીઓ ની ઈર્ષા આવવા લાગી એને થયું કે , ‘આ શું સાલું રોજ રોજ શિકાર કરવા નીકળવાનું ને પેટ ભરવાનું. આ ચકલાં ચૂંથવાનો ધંધો જ નકામો છે. આના કરતાં આ વાઘ-દીપડાની જેમ કોઈ મોટા પ્રાણીનો શિકાર કરીને ને એય… ને અઠવાડિયું લે’ર કરવાની.’

image source

આવો વિચાર કરતાં કરતાં તે એક પાણી ભરેલા ખાડા નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યાં એની નજર એક મરેલી ભેંસ પર પડી. ભેંસ જેવા મોટા પ્રાણીને મરેલું જોયું ને આજુબાજુ બીજું કોઈ માંસભક્ષી પ્રાણી પણ ન હતું, તેથી તેના મોઢામાં પાણી વળવા લાગ્યું. શિયાળને થયું કે, આટલા મોટા જથ્થામાં ખોરાક ખરેખર ઈશ્વરે તેના માટે જ મોકલ્યો છે.

એને બાજુના ખાડામાંથી થોડું પાણી પીધુ ને પછી વિચાર કર્યો કે, ‘લાવને આ મરેલી ભેંસના મૃત્યુદેહમાં એક કાણું પાડીને અંદર ઘુસી જાઉંને પછી થોડા દિવસો અંદર જ બેઠું બેઠું નિરાંતે રોજ પેટ પૂરતું ખાઈને પછી ત્યાં જ આરામ કરૂ. રોજ શિકાર શોધવા જવાની ઝંઝટમાંથી થોડા દહાડા તો છુટકરો મળશે!’

image source

એણે તો જોર કરીને ભેંસના મૃત્યુદેહમાં એક કાણું પાડ્યું ને એતો ઘુસી ગયું ભેંસના પેટમાં! પછી તો એ રોજ અંદર બેઠું બેઠું ભોજન આરોગીને આરામથી ઊંઘ ખેંચી લે. એના નસીબ જોગે આ મરેલી ભેંસને આરોગવા વાળું બીજું કોઈ પ્રાણી એ બાજુ ફરક્યું પણ નહીં. આમ શિયાળને તો મજા પડી ગઈ! અંદર બેઠાં બેઠાં રોજ તૈયાર ભોજન મળવા લાગ્યું આથી એને થયું કે, ખરેખર ‘અચ્છે દિન ‘ આવી ગયા! રોજ ખાવા પણ કેટલું જોઈએ? એવડા મોટા દેહમાં એણે તો ઘણા દિવસો એશોઆરામથી પસાર કરી નાખ્યા. સુખનો સમય તો પાણીના રેલાની જેમ વહી જાય. એને તો ખબરેય ના પડી ને આંખના પલકારાની જેમ કેટલાય દિવસો નીકળી ગયા.

હવે થયું એવું કે, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ભેંસનો મૃતદેહ સુકાઈ ને સંકોચાવા લાગ્યો. ચામડું સુકાઈને તણાઈ ગયું હોવાથી એણે અંદર ઘુંસવા જે કાણું પાડ્યું હતું એ પુરાઈ ગયું! હવે મૃત ભેંસના અંદરનો માલ ખૂટતાં એને બહાર નીકળવાનું થયું. એ બહાર નીકળવા ઘણું મથ્યું, પણ કોઈ કારી ફાવી નહીં. ઘણું જોર કર્યું પણ સુકાઈ ગયેલ ચામડું એનાથી તૂટ્યું નહીં ને ચારે બાજુથી ભીંસ વધવા લાગી, શિયાળની જિંદગી તો જોખમમાં મુકાઈ ગઇ.

image source

આ બાજુ મગનભાઈ પણ હેરાન હતા. ઉઘરાણીયાની ભીંસ વધી જવાથી એતો ગામ છોડીને બીજે ગામ જવા નીકળી પડ્યા. પેલા પાણીના ખાડા પાસેથી પસાર થતા હતા, ત્યાં એમણે એક અવાજ સાંભળ્યો, ” અરે ઓ સજ્જન, સાંભળ હું બાપજી બોલું છું ! ” મગો તો બધી બાજુ જુએ પણ બોલનારૂં કોઈ દેખાય નહીં. ” અરે વત્સ, આ મરેલી ભેંસ બાજુ જો, હું બાપજી તારા પર પ્રસન્ન થયો છું.” અંદર બેઠું બેઠું પેલું શિયાળ છૂટવાનો પેંતરો ઘડી રહ્યું હતું.

મગાથી મરેલી ભેંસની દુર્ગંધ સહન થતી ન હતી, છતાં એ તો હાથ જોડીને ભેંસ પાસે ઊભો થઈ ગયો! ” બોલો બાપજી, શું સેવા કરું આપની ? ” મગો તો બાપજી પોતાના પર ખુશ થયા છે એમ જાણી વિનંતી કરતાં બોલ્યો. ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, ” જો બચ્ચા, હું કહું એમ કરીશ તો તારો બેડો પાર થઈ જાય તેવું તને હું વરદાન આપીશ.” મગો તો આવી જ કોઈ તલાશમાં ભટકતો હતો. એ તો ગદગદિત સ્વરે બોલ્યો, “હુકમ કરો બાપજી!” શિયાળે મરેલી ભેસના પોલાણમાંથી કહ્યું, ” જો પેલા ખાડામાં પાણી છે . બાજુમાં તારા ફૂટી ગયેલા નસીબ જેવું એક ફૂટી ગયેલું માટલું પડ્યું છે. ” ” હા બાપજી છે. તેનું શું કરું? ” મગો ઘણી અધિરાઈથી બોલ્યો.

” તું એ માટલાથી પાણી લાવીને એ પાણીનો મારા મરેલા શરીર પર અભિષેક કરવા માંડ. જ્યાં સુધી હું ના પાડું નહીં ત્યાં સુધી આ પુણ્યનું કામ ચાલુ રાખીશ તો તને હું વરદાન આપીશ.” મગન તો એ મરેલી ભેંસ પર ફુટેલું માટલું લઈને મંડી પડ્યો પાણી રેડવા. ખૂબ પાણી પડવાથી સુકાઈ ગયેલું ચામડું ઢીલું પડ્યું ને શિયાળે લાગ જોઈને, હતું એટલું જોર કરીને માર્યું ભેટું ને એ તો બહાર નીકળી ને દોડવા લાગ્યું. એને દોડતું જોઈને મગન બોલ્યો , ” બાપજી, મારા વરદાનનું શું ? મને વરદાન આપતા જાઓ.”

શિયાળ દોડતાં દોડતાં બોલ્યું, *” જો બેટા સુખી થાવું હોય તો હવે પછી તારાથી કોઈ મોટો હોય તેના પેટમાં ઘૂંસવાનું ભૂલી જજે. “* આટલું વરદાન આપીને બાપજી અંતર ધ્યાન થઈ ગયા! મગનભાઈને તો સમજાયું કે હા સાલું હું મોટા લોકોનો વાદ લેવા ગયો તેમાં મારી આ હાલત થઈ.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ