- **‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ના સુત્ર મુજબ સંપૂર્ણ જીવન ગૌસેવામાં લગાડ્યું
- **મુંબઈની હાઈફાઈ લાઈફસ્ટાઈલ છોડી ગોપાલભાઈ ગૌશાળા બનાવી
- **પાટીદારોના મુળભૂત સંસ્કારો અને પરંપરાઓને આગળ વધારવાનું બીડું ઝડપ્યું
- **માત્ર 35 વર્ષની ઉંમરે ધંધો છોડી ગૌસેવા અને ખેડૂત સેવામાં કામે લાગ્યા ગોપાલભાઈ
- ** ગોપાલભાઈને બંસી ગીર ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ પણ મળ્યો
- ** ગૌશાળમાં 100 બાળકો ભણી શકે તેવી ગૌતીર્થ વિદ્યાપીઠ છે
- ** સંપૂર્ણ ભારતીય પરંપરાઓ અને પૂરાતન શિક્ષણ વ્યવસ્થાનું જ્ઞાન મળે છે ગૌતીર્થમાં

આજના સમયનો યુવાન એટલે જેમને મન માત્ર કરોડો કમાવવા અને પ્રસિદ્ધિ પામવી એ જ જીવન અને સફળતાં છે. પરંતું સફળતાનો મુખ્ય માર્ગ માત્ર પૈસા જ નથી, સારૂ અને આનંદિત જીવન સાથે સાથે સ્વકલ્યાણથી પરકલ્યાણની ભાવના થવીએ સાચી સફળતાં છે. શું તમે ક્યારેય એવી કલ્પના કરી શકો કે ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં રહેતાં અને કરોડોનો પારિવારિક ધંધો કરતો યુવાન આ બધુ જ છોડી-છાડી ગૌશાળા બનાવી ગૌસેવામાં લાગી જાય. જી હા… અમદાવાદમાં રહેતાં યુવાન ગોપાલ સુતરિયા આ ઘટનાનું તાદ્રશ્યતા પૂર્ણ કરતું ઉદાહરણ છે. મુળ ભાવનગરના વલ્લભીપુરના વતની અને મુંબઈમાં રહી મોટા થયેલાં ગોપાલ સુતરિયાએ જીવનની શ્રેષ્ઠ સફળતાં મેળવી છે એ પણ ગૌ સેવા કરવામાં.
પિતા ગગજીભાઈ સુતરિયા વલ્લભીપુરથી ધંધો કરવા મુંબઈ આવ્યા અને ત્યાં જ વસી ગયેલાં. પિતાનો વેલસેટલ કરોડોનો હિરાનો ધંધો અને મુંબઈની લાઈફસ્ટાઈલ વચ્ચે ગોપાલભાઈનો ઉછેર થયો. એસ વાય બી કોમ સુધી અભ્યાસ કરી ભણતર છોડ્યું અને જીવનના સપનાંઓ પુરા કરવા લાગી ગયા પિતાના ધંધામાં.
દિવસ અને રાત જોયા વગર હિરાના ધંધાને વધુમાં વધુ કેમ મોટો કરી શકાય. કરોડો નહીં પણ અબજો કેમ કમાઈ શકાય એ દિશામાં દોડવા મંડ્યા ગોપાલભાઈ. પરંતુ પિતાના ધંધામાં આવતી વેળા જ પિતા ગગજીભાઈ કીધેલી એ વાત મનમાં ઠાંસીને બેઠેલી. કે જે કરવું હોય તે જાતે કરો. કોલેજ કાળથી જ સામાજિક જીવનમાં રૂચી અને પિતાજી પહેલેથી જ સમાજના આગળ પડતાં વ્યક્તિત્વ હોવાથી ગોપાલભાઈમાં સમાજ પ્રત્યેની ભાવનાના ઈનબિલ્ટ સંસ્કારો હતા.
પહેલેથી જ એ નક્કી હતું કે જીવમાં ગાય અને ખેડૂત બંનેની સેવા કરવી. કેવી રીતે અને ક્યારે કરીશું એની દિશા ન હતી. પણ ર્દઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિ કાયમ રહી. કોલેજ પુરી કરી સત્તત 10 વર્ષ સુધી પરિવારના હિરાના ધંધો અને ત્યારબાદ વાટ પકડી અમદાવાદની. 2007માં અમદાવાદમાં આવી હિરા પૈસા જમીનોમાં રોકી બાંધકામનો ધંધો શરૂ કર્યો. પરંતુ આ વખતે ગોપાલભાઈ ધંધો કરવા અમદાવાદ નહોતા આવ્યા. આ વખતનો ઉદ્દેશ્ય તો એ જ હતો કે ક્યારે ગાયોની સેવા થાય. કોલેજ કાળમાં જોયેલા સપનાઓ જાણે સાચા થતાં હોય તેમ સાણંદ રોડ પર શાંતિપુરા સર્કલ પાસે 40 નાની –મોટી ગૌમાતા સાથે ગૌશાળા શરૂ કરી અને ગૌસેવાનું કામ આદર્યું.

મુળ ભાવનગર વતની એટલે સૌરાષ્ટ્રમાં જોવા મળતી ભારતીય દેશી ગીર ગાયની ગૌશાળા બનાવી. પરંતુ મુંબઈની હાઈફાઈ લાઈફસ્ટાઈલમાં રહેલાં એ યુવાનોને દૂધ દોહતા કે છાણ ઉપાડતાં ક્યાંથી આવળે પણ ર્દઢ સંકલ્પ અને સેવાના ભાવ તથા બાપ-દાદામાં હોય તેવો અંદરનો માયલો જાગ્યો અને ગોપાલ સુતરિયા જાતે જ ગાયોની સેવા કરવાની શરૂઆત કરી. જોત જોતામાં ગૌ માતાઓની સંખ્યા વધતી ગઈ અને ધંધો છુટતો ગયો. નાના ભાઈ ગોપેશે મોટાભાઈનો ધંધો ટેકઓવર કરવાની શરૂઆતી કરી અને થોડાક જ વર્ષોમાં ગોપાલભાઈએ ધંધામાંથી સંપૂર્ણ વિદાય લઈ લીધી.

માંડ 35-37 વર્ષની ઉમર હશે અને કરોડાના ધંધાને અલવિદા કહી દીધું. ઓફિસને બદલે હવે સીધી ગાડી ગૌશાળાએ ઉભવા મંડી. બે માળાના આઈલાશ બંગલાની બદલે હવે ગૌશાળના રૂમોમાં નિરાંતે ઉઘ આવવા મંડી. તન-મન અને ધનથી નક્કી કર્યું કે દેશના ખેડૂતો અને ગાયની સ્થિતિ કોઈ પણ ભોગે સુધરવી જોઈએ.

કિશોરાવસ્થામાં જ્યારે પિતાજી સાથે ગોપાલભાઈ હિમાલયની ગંગોત્રી ગુફામાં રહેતા પરમહંસ હંસાનંદ તીર્થ સ્વામીને મળ્યા ત્યારે જ સ્વામીજીની પ્રેરણાથી ગૌમાતા અને પરમાર્થનો ભાવ પ્રગટ થયેલો. જેમાં ધંધામાં ધગસથી કરોડો કમાયા એમ ધગસથી કરેલી સેવાથી આજે ગોપાલભાઈ ‘બંસી ગીર ગૌશાળા’માં 600થી વધુ નાની-મોટી ગૌમાતા છે. પાટીદારનો દિકરો એટલે પથ્થરમાં પણ પાટું મારી પાણી કાઢે એવી પ્રગતિ કરે. આજે ગોપાલ ભાઈએ બંસી ગીર ગૌશાળાને એ સ્થાને લાવીને મુકી દીધી કે સરકારે તેને ભારતની સૌથી શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ આપ્યો.

જો બંસી ગીર ગૌશાળાની ખાસિયતોની વાત કરીએ તો અહીં 18 ગોત્રની 700થી વધુ ગાયો છે જેમાં ભાવનગર અને મોરબી રાજા વંશજ એમ અલગ અલગ વાડામાં નંદી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે એક પણ ગાયને ખીલ્લેથી બાંધવામાં આવતી નથી અને તેમને મુક્તપણે હરવા ફરવા અને ચરવા દેવાય છે. ગાયો પોતે જ નક્કી કરે છે કે ક્યારે તેમને કેટલું ખાવું અને કેટલું પીવું. બસ એ જ રીતે જેમ તેઓ ખેતર કે જંગલમાં મુક્ત રીતે વિહરતી હોય. આ ગૌશાળાની ખાસિયત એ છે કે તમામ ગાયોના નામ પાડવામાં આવેલા છે અને દૂધ દોહવાનો સમય થાય એટલે જે-તે ગાયને લેવા જવી પડતી નથી. માત્ર તેનું નામ ઉચ્ચારવામાં આવે એટલે તરત જ તે દોડી આવે છે. સાથે જ વાછરડું પણ પોતાની માંનું નામ સાંભળતા જ બહાર દૂધ પીવા માટે દોડી આવે છે. બંસીગીર ગૌશાળામાં અલગ અલગ પ્રયોગ દ્વારા ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

આ ઉપરાંત જેમ મનુષ્યોમાં એક જ ગોત્રમાં લગ્ન નથી થતાં તેમ અહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે સંવર્ધન માટે એક વાડાની ગાયો બીજામાં ન જાય. અહીંના વાછરડા કોઈને વેચવામાં આવતા નથી અને જે ગામમાં 100 ગાય હોય ત્યાં ગૌશાળાનો વાછડો નિ:શુલ્ક મોકલવામાં આવે છે. આ બધા જ વચ્ચે આપને નવાઈ લાગશે કે ગૌપાલભાઈની ગૌશાળનું દૂધ આજે 200 રૂપિયે લિટરે લોકો ખરીદે છે અને ઘી 2500 થી 5000 રૂપિયે કિલો વેચાઈ છે. ગૌશાળાના ગાય અને સાંઢ એટલા સરસ છે કે દેશઅને વિદેશથી આવતાં લોકોએ એક-એક સાંઢની કિંમત લાખો અને કરોડામાં આંકી છે.

ગોપાલભાઈ સુતરીયા કહે છે કે મને કરોડાના ટર્નઓવર વાળા બિઝનેસ કરતા પણ ગાયની સેવામાં મન લાગતું હતું. પહેલા તો ધંધામાં સમય ન મળતો પણ જ્યારથી નક્કી કર્યું ત્યારબાદ શરુઆતમાં મુળ ભાવનગર વતની એટલે સૌરાષ્ટ્રમાં જોવા મળતી ભારતીય દેશી ગીર ગાયની ગૌશાળા બનાવી. મારૂં માનવું છે કે ગાય સાથે માનવીનું જીવનએ કોઇ પ્રાણી સાથે નહીં પરંતુ એ પવિત્ર આત્મા સાથે સબંધ બાંધવા બરાબર છે. ઋગવેદના એક શ્લોકમાં કહેવાયું છે કે ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ અર્થાત્ ગાય વિશ્વની માતા છે. ગાયનું સંવર્ધન એ માનવજીવન માટે માનવીય સંવર્ધન કરતા પણ મહત્વનું છે. ગાયનો સ્પર્શએ માતા વાત્સલ્યથી નવરાવી દે છે. ગાયના સંવર્ધનથી પર્યાવરણ, ખેડૂત, ખેતી, પોષણછમ ખોરાક, ઓર્ગેનિક ખોરાક વગેરે પર અસર આવે છે. હું વૈજ્ઞાનિક પદ્ધતિથી ગાયનું જતન કરું છું. એટલે જ અમારી બંસી ગીર ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો પણ એવોર્ડ મળેલો છે.
આ બધા જ વચ્ચે સંપૂર્ણ ભારતીય વ્યવસ્થા મુજબની શિક્ષણ વ્યવસ્થાનો એક નાનકડો પ્રયાસ ગૌશાળાએથી શરૂ કર્યો. ઘરના બાળકોને કોઈ પણ સ્કૂલે મોકલ્યા વગર ગૌશાળમાં 16 સંસ્કાર અને 64 કળાઓ સાથે ભણાવવાનું શરૂ કર્યું. અને આજે ગોપાલાભાઈના સપનાનું 100 બાળકો ભણી શકે તેવું ગોતીર્થ વિદ્યાપીઠ ઉંભું છે. અહીં તમામ બાળકો કોઈ સ્કૂલમાં ભણતાં હોય તેમ નહીં પણ કરોડોના બિઝનેસને ઠેસ મારી સમાજ સેવામાં લાગી જાય એવા સંસ્કાર સાથે તૈયાર થઈ રહ્યા છે. ગોપાલભાઈ માને છે કે હાલની શિક્ષણ વ્યવસ્થા બાળકોને નોકર બનાવવા બનેલી છે. જો બાળકોને નોકર ના બનાવવા હોય તો ભારતીય વ્યવસ્થા મુજબના ગુરૂકુળમાં ભણાવવા જોઈએ. પોતે જીવનમાં શીખેલી વસ્તુઓને આવનાર પેઢીઓમાં ઉતારવા ગોતીર્થ વિદ્યાપીઠની સ્થાપના કરી છે.
આલેખનઃ ધવલ માકડિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,