બંજરમાં બોયેલું બીજ… – એક શિક્ષકની એક સલાહથી આજે છે તેના જીવનમાં અજવાળું…

મઘરીએ પ્રથમતો રઘલાને પકડી રાખ્યો અને પછી કોણીને બેવડ વાળીને હાડકાનાં ખૂણાને પાંચ વરસનાં રઘલાની પીઠમાં જોરથી પ્રહાર કરતા કહ્યું : ‘હવે જો ખાવાનું નામ પણ લીધું છે ને; તો આ ધોકે ધોકે તારા ટાંટિયા જ ભાંગી નાખીશ… હાળા, ક્યાંય ગૂડાતાય નથી. ક્યાંય ટળતાય નથી. આખો દિ’ ખાવું…ખાવું…ને ખાવું…!! ભૂખડી બારસું છો. સંધાય મારા લોહીનાં પીનારા..! જાવ, તમારા બાપ પાંહે, કયાંય બેઠા હશે. દારૂ ઢીંચવા…!


છે એને કાંઇ ઉપાધિ બુપાધિ ? આખો દિ’ કંતરાટી હાર્યે દારૂ પીવો અને ઓલ્યા ત્રણેય હાર્યે બેસીને જૂગાર રમી જાવો… આમાં મારે શું કરવું ? મરવું કે પછી ગાડી હેઠે કપાવું ? સુઝકો પડતો નથી…!! અને એક આ પરજા… “લોહી પીધું છે આમણે તો…” કહેતા એક વળી પાછો ધૂંબો નાનકા રઘલાની પેડૂમાં ઝીકી દીધો કે પડખે બાંકડે બેઠેલા ગામનાં સરપંચ સૂરજસિંહે દોડીને રઘલાને ખેંચી લેતા ઠપકાનાં સૂરે કહી ઉઠયા: “રે’ વા દે.. મઘરી રે’ વા દે… તારા ડોહાને મારી નાખીશ. ભગવાને આપ્યા છે તો સાચવને…!! જેને નથી એને પૂછ કે આ નહીં હોવાની પીડા કેવી વસમી હોય છે…! પણ વરામનો લાગેલો ધૂંબો એમ જલ્દી કળ વળે એમ નહોતો. પાંચ વરસનો રઘલો પેટ દબાવતો બેવડ વળી ગયો હતો. સૂરજસિંહ એને પંપાળવા માંડ્યો, બરડે હાથ ફેરવવા લાગ્યા. ત્યારે તેને કાંઇક ‘હાશ… થઇ..


‘તને ભુખ લાગી છે ને રઘલા…’ સૂરજસિંહે ખીસા માંથી પાંચની નોટ કાઢીને કહ્યું : “જા, સામેની કેબિનેથી ભાગ લઇ આવ્ય…” “બિસ્કીટ, ડાળીયા કે ખારીસીંગ.”

હાથમાં પાંચની નોટ આવી કે એ પેટની પીડાનું દરદ ભૂલી ગયો. દોડતો’ ક ગયો. બિસ્કીટનું પડીકું લેવા.

આ બધો તાલ પડખે જ આવેલી પ્રાથમિક શાળાનો શિક્ષક મધુકર જોઇ રહ્યો હતો. કંટાળી વાડને ટપીને સરપંચ સૂરજસિંહે આવકારતા કહ્યું : ‘એ આવો આવો સાહેબ..” “હા… સૂરજસિંહ… કેમ છો ? મજામાં કરતો ઊભો રહ્યો ત્યાં જ રઘલો બિસ્કીટનું પડીકું લઇ આવ્યો. મધુકર તેને જોઇ રહ્યો અને ઇશારાથી પડખે બોલાવ્યો અને એની મા મઘરી બિસ્કીટ ખાતો તેને જોઇ રહી હતી.

મધુકરે મઘરીને પૂછ્યું : “આ કેટલા વરસનો થયો” “પાંચ વરસનો થયો પણ ઢગાને કાંઇ ખબર પડે સે ?” “એ પછી વાત !! પહેલા આને…નિશાળે બેસાડો અને ભણાવો ગણાવો…આમને આમ રખડવામાં આની જિંદગી પુરી થઇ જાશે ઇ ખબર છે ??.”

“હવે આ ભણે ?” મઘરી કટાક્ષભર્યુ હસી : “અમારા ભણે તો થઇ રહ્યું છે ને સાહેબ..આને જરાક મોટો થવા ધો, મજુરીમાં લગાડી દૈશ… ઊભા ટોયા જેવા ને કરવું શુ?”


‘અરે બેન… મજુરીમાં નથી લગાડવો આને વાંચતા લખતા શીખે એટલું ભણાવો તો ય સારું… “અને પછી પૂણ્યપ્રકોપ ઠાલવતા મધુકર બોલ્યો : “તમે શા સારું એની જિંદગી બગાડો છો ! હજી આનાથી ય નાનો એક છે ને ? એક આનાથી મોટી દીકરી પણ તમારે છે… મને ખબર છે… હું શાળાની બારી માંથી ઊભો રહી ને જોયા કરું છું…” પછી વાતનું નામચરણ વાળતા કહે : તુ આને કાલથી નિશાળે મોકલી દેજે… મારે કાંઇ સાંભળવું નથી સમજી ?”

“હા… હા.. મઘરી. સાહેબ જે કહે છે એ સોળવાલને એક રતિ જેવી વાત છે. એને હજીયે તમારે આ પંથકમાં ત્રણ ચાર વરસનું રોકાણ તો છે જ..ત્યાં લગીમાં રઘલો વાંચતા લખતા શીખી જ જશે..”


મઘરીએ મને ક મને હા પાડી. બીજે દિવસે રઘલો ડરતો ડરતો નિશાળમાં પ્રવેશ્યો. મધુકરે તેને પોતાની પાસે જ લઇ લીધો. મગજ તો એનું શાર્પ હતું. પાટીપેન દફતએ બધું સ્કૂલ માંથી આપ્યું, ભણતર ચાલુ થઇ ગયું.. આમ તો અહીં કેનાલનું કામ ચાલતું હતું અને અહીંથી સૌરાષ્ટનાં બે ભાગમાં ફાંટા પડતા હતા. ગોધરાનાં મજુરો રાતદિવસ મહેનત મજુરી કરતા હતા. આ ગામનાં લગભગ બે મહિનાથી આ લોકો આવ્યા હતા અને હજી બે ત્રણ વરસ લગી અહીંનો વસવાટ હતો. ગામને છેવાડે આવેલી પ્રાથમિક શાળાની પાછળનાં ભાગમાં આ લોકોનાં દંગા નાખેલા હતા. ગામનાં સરપંચ પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હતા.

સમય પસાર થઇ ગયો. રઘલો જોત જોતામાં મૂળાક્ષર અને આંક શિખી પણ ગયો. હવે એને નિશાળે આવવામાં મજા પડતી હતી. એનું પહેલા ધોરણમાં નામ પણ ચડી ગયું હતું. એક વરસ પુરું ય ન થયું ત્યાં સુધીમાં તો કાનો માતર વગરનાં શબ્દો વાંચતા લાગ્યો. ધીરે ધીરે બીજા, ત્રીજા અને ચોથા ધોરણની દિવાળીય આવી ગઇ…

હવે દંગા ફેરવવાના હતા. અહીંથી 35 કિ.મી દુર જવાનું હતું અને 35 કિ.મી દુરથી રઘલાને અહીં ભણવા આવવું પોષાય તેમ નહોતું. પણ રઘલો ગયો ત્યારે મધુકરે, એની મા મઘરીને અને એના બાપ ભુવનને ભાર દઇને કહ્યું કે છોકરાને ભણાવો. છોકરો ખૂબ જ હોશિયાર છે. પણ આ લોકો તો હા એ હા જ કરતા પણ રઘલાનાં ફુઆને ખ્યાલ આવી ગયો તે વસ્તુ સ્થિતિ સમજી શકે એમ હતો. એણે રઘલાને પોતાની સાથે હિંમતનગર લઇ લીધો અને પોતાના ઘરે રાખીને ભણાવવાનું ચાલુ કર્યુ.


હિરો તો હતો જ રઘલો, હવે પહેલ પાડવાનાં હતા. હિંમતનગરની હાઇસ્કૂલમાં તે હિરો સાબિત થઇ પણ ગયો. હવે તેની ગતિ દીવડા માંથી સૂરજ બનવા સુધીની હતી.

******
આ વાતને વીસ વીસ વરસનાં વહાણા વાઇ ગયા. એક દિવસ ગોપાલપુર ગામનાં પાદરમાં એક સુટેડ બુટેડ યુવાન કાર માંથી ઉતર્યો. આ ગામનાં પાદર, શેરીઓ ધર, ને મુગ્ધતાથી તાકતો તાકતો છેક સ્કૂલે આવી પહોંચ્યો. એ નિશાળને મન ભરીને તાકી રહ્યો. નિશાળ એમ જ ઊભી હતી. કશું બદલાયું નહોતુ : ‘આવ ભાઇ આવ…’ કહેતી ‘મા’ જેમ ઊભી હતી. યુવાન હડી કાઢીને નિશાળનાં ચોગાનમાં ધૂમી વળ્યો.

શિક્ષકો આ અજાણ્યા યુવાનને જોઇ થોડાં આશ્વર્યચકિત થયા, થોડા ગભરાયા. થોડા સાવધાન પણ થઇ ગયા. યુવાને પૂછ્યું : ‘મારે મધુકરભાઇને મળવું છે… તેઓ ક્યાં મળશે ?’ “મધુકરભાઇ તો..” એક શિક્ષકે કહ્યું :” બે વરસ થયાં નિવૃત થયા એને…! અને હવે તો તેઓ વતનમાં પણ ચાલ્યા ગયા. નિવૃતિ જીવન ત્યાં ગાળી રહ્યા છે.


યુવાને સરનામુ લીધુ : પણ ગામ છોડતા પહેલા પેલી નહેર જોયા વગર ન રહી શક્યો. જયાં તેનું બાળપણ વિત્યું હતું. એ મુગ્ધતાથી ગામની શેરીઓમાં વિહારી રહ્યો. એક નામ સરપંચ સાહેબનું પણ હતું તેઓએ પણ પોતાનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. સૂરજસિંહને મળવા ગયો પણ તેઓ તો દેવ થઇ ગયા હતા. આખરે મધુકરભાઇને મળવા જવા નીકળી પડ્યો.

*****
યુવાન ઓળખી ગયો કે તેઓ મધુકરભાઇ જ છે…’ “સાહેબ ? આવું કે ?” એણે આંગણામાં પગ મૂકયો મધુકરભાઇ આરામ ખુરશીમાં છાપુ વાંચી રહ્યા હતા. મધુકરે છાપા માંથી બહાર નજર કરી. એક યુવાન ઊભો હતો. “આવો ભાઇ, કોનું કામ હતું ?” “તમારું જ…” કહેતો એ આવ્યો અને વંદન કરવા ઝૂકી ગયો. મધુકરે તેને કહ્યું : “મેં તમને ઓળખ્યા નહીં” “હું ઓળખાણ આપુ છું” એ યુવાને હસીને કહ્યું

“ સાહેબ…યાદ કરો. આજથી બાવીસ ત્રેવીસ વરસ પહેલા એક રઘલો નામનાં છોકરોનાં મા-બાપ ગોપાલપુરામાં કેનાલ ખોદવાનાં કામની મજુરીએ આવ્યા હતા. ત્યારે સાથે આવ્યો હતો અને એ રઘલાને તમે ભણવા બેસાડ્યો હતો. એકથી ચાર ધોરણ સુધી તમારી પાસે ભણ્યો હતો એ રઘલો તમને યાદ આવે છે ?”

“અરે હા…હા… કેમ ન આવે ?” મધુકરભાઇ આરામ ખુરશી માંથી ઊભા થઇ ગયા : “પણ…એ…?”


“હા… સાહેબ એ જ રઘલો ! જેને તમે વિદ્યાનું અમૂલ્ય દાન આપ્યું હતું. જે રઘલાને કચરાપેટી માંથી સોનાની જણસ ગણીને તમે બહાર કાઢ્યો હતો. જે રઘલાને એના મા-બાપ તુચ્છ તણખલું માનતા હતા પણ તમે એ તણખલાને સોનાની લગડી બનાવી. જે રઘલો પથ્થર હતો એને પારસમણી બનાવી દીધો એ રઘલો આજે ડો. રઘલો વસાવા. આજે તમારી સામે ઊભો છે…” અને એ હાથ જોડી લીટરલી રડી પડ્યો : “સાહેબ, કદાચ તમે ન મળ્યા હોત તો એ રઘલો આજે પણ મજુરી કરતો હોત. તીન પત્તી રમતો હોત… દારૂ ઢીંચતો હોત…”

“અરે મારા હીરા..” મધુકરે તેને બાથમાં લઇ લેતા કહ્યું “હીરો કદિ કોયલો બનતો હશે ખરો ? એ તો ધૂળમાં દટાઇ ગયો હોય તો ય ચળક્યા વગરનો ન રહે..!! આજ મને ખુશી છે, મારી છાતી ગજ ગજ ફુલે છે કે “મેં જે બંજરમાં બોયેલું બીજ હતું તે બીજ, છોડવો બનીને આજ મારી સામે છાતી ફાડીને ઊભુ છે.!!

લેખક : યોગેશ પંડ્યા

તમારા જીવનમાં પણ જો તમારા શિક્ષકનું મહત્વ હોય તો તેમને જરૂર ટેગ કરજો. તમારા મિત્રો સાથે આ વાત જરૂર શેર કરજો.