આભૂષણોને તાકી રહેવા પર હાંસીને પાત્ર બનનાર સ્વીપરને સોશિયલ મિડિયાની તાકાતે ગજબ સમ્માન અપાવ્યું…

આજના સમયમાં સોશિયલ મિડિયાની ખુબ જ બોલબાલા છે. લોકો વાસ્તવમાં ઓછા અને સોશિયલ મિડિયામાં વધારે એક્ટિવ જોવા મળે છે. ક્યારેક ક્યારેક ટેક્નોલોજીનો ફાયદો થતો હોય છે તો ક્યારેક ક્યારેક નુકસાન પણ થતું હોય છે. જો કે તે તો તેના વાપરનારા પર ડિપેન્ડ છે. જે લોકો સમજુ છે તે તેનો સદઉપયોગ કરી જાણે છે. આજે અમે આવા જ એક સોશિયલ મિડિયાના સદઉપયોગની વાત કરી રહ્યા છીએ. આજે સોશિયલ મિડિયા પર જે કોઈ બાબત લોકોને પસંદ આવે છે તે અન્ય લોકો શેયર કરે છે અથવા રીટ્વીટ કરે છે. અને જે બાબતો પસંદ નથી આવતી તેની નિંદા કરે છે. સોશિયલ મિડિયાના આ યુગમાં આપણી આસપાસ હંમેશા માહિતીઓના પૂર વહ્યા કરે છે. કોના પર વિશ્વાસ કરવો, કોને ગંભીરતાથી લેવી કે હળવાશથી લેવી તે આપણી સમજ પર આધાર રાખે છે.

આજે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ તેની શરૂઆત તો એક નીમ્ન, સસ્તા, નેગેટિવ, અસંવેદનશીલ મજાક તરીકે થઈ હતી, પણ ખુબ જ સુંદરતાથી તે અમૂલ્ય વાક્યોની શ્રૃંખલામાં ફેરવાઈ ગઈ.

આ વાત એક બાંગ્લાદેશી સફાઈ કામદારની છે. જેની મજાક ઇન્સ્ટાગ્રામમાં ઉડાવવામાં આવી હતી અને તે પણ એક જ્વેલરીની દુકાન અંદર માત્ર જાંખવાના કારણે. નઝર અલ-ઇસ્લામ જ્યારે રસ્તા પર સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર જ્વેલરી દુકાનની બારી પર શોકેસ કરવામાં આવેલા આભૂષણો પર અટકી ગઈ. તે ચમકતા આભૂષણોને એક નજરે જોતા રહી ગયા અને તેના પરથી નજર ન હટાવી શક્યા. આપણી સાથે પણ આવું ઘણીવાર થતું હોય છે.

પણ કેટલાક લોકોને આ વાત પચી નહીં કે કોઈ ગરીબ વ્યક્તિ પણ બીજા માણસોની જેમ સારી વસ્તુ પસંદ કરી શકે છે. લોકો એ સત્યને નકારી કાઢે છે કે તેમના પણ કોઈ સપના હોઈ શકે છે. જેને તે ભલે ક્યારેય પામી શકે તેમ ના હોય. લોકો એવું માને છે કે આર્થિક રીતે નબળા લોકો કોઈ પણ વૈભવતાને ભોગવી નથી શકતા. દૃષ્ટિકોણ વ્યક્તિગત હોઈ શકે છે પણ તેનો અર્થ એ નથી કે લોકો તેમની મજાક ઉડાવે.

કોઈ વ્યક્તિએ આ ઘટનાને પોતાના સ્માર્ટફોનમાં રેકોર્ડ કરી લીધી અને એક કેપ્શન સાથે તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધ. કેપ્શન હતું “આ વ્યક્તિ માત્ર કચરો જોવાનો જ હક્ક ધરાવે છે.” તે વ્યક્તિ પોતાની આ પોસ્ટ માટે ખુબ જ મોટા પાયે વખાણની આશા સેવતો હતો અને પોતાની આ પોસ્ટના વાયરલ થવાની પણ આશા રાખતો હતો. પણ અબ્દુલ્લાહ અલ-કહતાની નામની એક વ્યક્તિ કોઈની આવી દુર્દશા પર કરવામાં આવેલી કઠોર કોમેન્ટને લઈને ખુબ જ સંવેદનશીલ થઈ ગયા અને તેમણે ‘માણસાઈ’ નામના પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરી આ ફોટોગ્રાફને ખરેખર વાયરલ બનાવી દીધો, પરંતુ આ વખતે માનવીય કરુણાથી ભરેલા સ્વરૂપમાં.

તેમણે લોકોને આ સફાઈ કર્મચારીને શોધવાની અપીલ કરી. છેવટે કોઈએ નઝરને શોધી જ કાઢ્યા. પણ ત્યાર બાદ જે થયું તે અબ્દુલ્લાહે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.

 

લોકો નઝર પર જ્વેલરી, કેશ, પોતાના ઘરે પાછા આવવાની ટીકીટ, ચોખાની બોરીઓ, એક આઈફોન 7 અને એક સેમસંગ ગેલેક્સી ફોન ભેટ તરીકે આપવા લાગ્યા. એક ઇન્ટર્વ્યૂમાં નઝરે જણાવ્યું, “હું તો માત્ર એક સફાઈ કામદાર તરીકે મારું કામ કરી રહ્યો હતો અને હું તો માત્ર એક સોનાની દુકાન આગળ ઉભો હતો. હું લેકોની આ બધી ભેટોથી ખુબ જ ખુશ છું અને તેમનો ખુબ આભાર માનું છું.”

એક અજાણ્યો માણસ એક બીજા અજાણ્યા માણસ માટે ઉભો થયો અને તેની ઉદારતા “આ વ્યક્તિ માત્ર કચરો જોવાને લાયક છે” કહેનારા તે નબળી માનસિકતા ધરાવતા વ્યક્તિના ચહેરા પર એક તમતમતો તમાચો હતો. દયાની હેલીએ ચોક્કસ રીતે નઝરનું જીવન બદલી નાખ્યું પણ તેનાથી પણ વધારે મોટો એ સંદેશ હતો જે સમાજ માટે સોનેરી અક્ષરોમાં અંકિત થઈ ગયો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવા સમાચાર માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી