દહીંમાંથી બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી બંગાળની આ ખાસ વાનગી હવે બનાવો આપના રસોડે…

પંચગવ્ય પૈકીનું એક એવું દહીં એ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ખૂબ ઉપયોગી છે. ઉનાળાની આગ ઝરતી ગરમીમાં દહીંનું સેવન વિશેષ લાભદાયી છે…

વ્યક્તિ: ૨

સમય:

તૈયારી માટે: ૧૦ મિનિટ,
બનાવવા માટે: 30 મિનિટ,
વાનગી તૈયાર થવા: ૪-૬ કલાક,

સામગ્રી:

૨ કપ/ ૫૦૦ મિલી મલાઈવાળું દૂધ,
૩-૪ ટે.સ્પૂ. ખાંડ,
૧/૪ ટી.સ્પૂ. ઘી,
૧ ટે.સ્પૂ. મોળું દહીં,
ડ્રાયફ્રુટ્સ સજાવટ માટે,

રીત:

૧) એક જાડા તળિયાવાળા વાસણમાં ૧/૪ ટી.સ્પૂ. ઘી લગાડી તેમાં બે કપ દૂધ ગરમ કરવા મુકો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને દૂધને ઉકળવા દો.

૨) ઉકળતા દૂધમાં ૩-૪ ટે.સ્પૂ. ખાંડ ઉમેરો. (કેરેમલ ફ્લેવર માટે ૧ ટે.સ્પૂ. ખાંડ અલગ કાઢી લો. તેમાં એક ચમચી જેટલું પાણી નાખીને ખાંડને આછા કથ્થાઈ રંગની થાય ત્યાં સુધી ગરમ કરો. કેરેમલાઇઝ ખાંડ અને સાદી ખાંડ બંને ઉમેરીને દૂધને ઉકળવા દો.)

૩) દૂધ તળિયે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. દૂધમાં મલાઈ જુદી પડે નહીં તે માટે તેને સતત હલાવતાં રહો.

૪) દૂધ ઉકળીને આછા બદામી રંગનું એટલે કે લગભગ અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. દૂધ ઠંડુ કરતી વખતે થોડી થોડી વારે હલાવતાં રહો જેથી દૂધમાં મલાઈ જામે નહીં.

૫) દૂધ હુંફાળું થઈ જાય ત્યારે તેમાં ૧ ટે.સ્પૂ. મોળું દહીં વલોવીને ઉમેરો. દૂધને માટીની કુલડી/હાંડી/ગ્લાસમાં ભરીને દહીં જમાવા માટે હુંફાળી જગ્યા પર ઢાંકીને મૂકી દો.

૬) ૪-૬ કલાકમાં દહીં જામીને તૈયાર થઈ જશે. તેને ફ્રીઝમાં ૧-૨ કલાક ઠંડું થવા મુકો. પીરસવાના સમયે ડ્રાયફ્રુટથી સજાવી મિષ્ટી દોઈનો આસ્વાદ માણો.

નોંધઃ

★ માટીનાં વાસણમાં દહીં ખૂબ જ સરસ જામે છે. પરંતુ, માટીનાં વાસણના બદલે ચીનાઈ માટી કે કાચના વાસણમાં દહીં જમાવી શકાય.
★ શક્ય હોય તો પીરસવાના વાસણમાં જ દહીં જમાવા માટે મુકો.
★ મોળા દહીંનો જ મેળવણ તરીકે ઉપયોગ કરવો. પેકેજ્ડ કે પાશ્ચુરાઈઝ્ડ દહીં મેળવણ તરીકે બિલકુલ વાપરવું નહીં, તેનાથી દહીં જામશે જ નહીં.
★ ફ્લેવર માટે દૂધ ઉકાળીને ઠંડુ કર્યા બાદ રોઝ સીરપ, મેંગો પલ્પ, સ્ટ્રોબેરી ક્રશ, એસેન્સ, ખજુર, ઇલાયચી પાવડર, કેસર, ઠંડાઈ પાવડર, ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ, ચોકલેટ ચિપ્સ વગેરે ઉમેરી શકાય. સીરપ/ક્રશ/પલ્પ નાખતી વખતે ખાંડ ઓછી ઉમેરવાનું ખાસ ધ્યાન રાખવું.
★ ખાંડના બદલે ગોળ વાપરીને પણ આ વાનગી બનાવી શકાય છે.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા (આણંદ)

શેર કરો આ ટેસ્ટી સ્વીટની રેસીપી અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી